બાળનાટકો/પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા


ગુજરાતની પ્રફુલ્લતા કવિ સામે છાબડી ધરી ઊભો રહ્યો, અને તેણે છાબડીમાં ‘પીળાં પલાશ’ આપ્યાં. પણ મારી છાબડી અધૂરી રહી. મેં ફરી વાર માગ્યું, અને તેણે બીજી વાર છાબડીને ભરી - બાલ હાસ્યવિનોદથી. તોય છાબડી અધૂરી રહી. એટલે મેં ત્રીજી વાર યાચ્યું. અને તેણે મોગરાની ફૂલપરીથી છાબડીને છલકાવી દીધી! બાળકો માટે મેં માગેલી અને ભાઈ કૃષ્ણલાલે આપેલી આ ભેટ આજે બાળકો પાસે જ અમે બન્ને મૂકીએ છીએ. ગુજરાતનાં બાળકો એને સત્કારશે. ગુજરાતની બાળરંગભૂમિ બાળનાટકોવિહોણી હતી. એક બે રડ્યાંખડ્યાં સાચાં બાળનાટકોથી ઊલટી તે વધારે ખાલી લાગતી હતી, અને કેટલાંએક અપક્વ બાળનાટકડાંથી તે વરવી લાગતી હતી. આજે આ નાટકત્રિવેણીથી રંગભૂમિ શણગારશે, અને બાળનાટક — સાહિત્યની ભૂમિકાનું સુરૂપ અને સ્પષ્ટ મંડારણ થશે; તેની સાથે જ બાળકની અભિનયવૃત્તિને પહેલો પણ સૌંદર્યભર્યો સંતોષ થશે. શારદામંદિરના છેલ્લા બાલોત્સવમાં ટાગોરનું ગુજરાતી લૂગડાં પહેરેલું ‘વસંતોત્સવ’ સુંદર રીતે ભજવાયેલું મેં જોયું. તે વખતે તો ઊંડેથી એકએક નિરાશાનો નિશ્વાસ અનિચ્છાએ સરી પડ્યો હતો. કવિવર ટાગોર જગતનાં બાળકોને આવાં નાટકો આપે ત્યારે કોઈ ગુજરાતી કવિ ગુજરાતનાં બાળકોને કેમ કાંઈ ન આપે? ગુજરાતના કવિઓ અને નાટકકારો બાળકો તરફ ક્યારે વળશે? પણ થોડા જ વખતમાં મારી આશા આજે તૃપ્ત થઈ છે; અને બાળરંગભૂમિ ઉપર શ્રીધરાણીને હું લઈ આવ્યો છું કે તે તણાઈ આવ્યા છે તેનો કશો પણ નિર્ણય કર્યા વિના તેની આ સુંદર ભેટ ઝીલીને બાળકોને આપું છું. આ એક નાટક છે, અથવા તો ત્રણ નાટકો છે. નવીન રીતે એક નાટકમાં ત્રણ અંકો પેઠે આ નાટકના ત્રણે અંકો ત્રણ નાટકો છે અને છતાં તે એક જ વખતે એક બેઠ ભજવવાને માટે નિર્મિત કરેલાં છે. એની અસળંગસૂત્રતા જ બાળરંગભૂમિને એટલી બંધબેસતી થશે કે તે સૌથી વધારે બાળકો જ સમજી શકશે. બાલસ્વભાવ જે વૈવિધ્ય સાથે એકતાનતા માગે છે તે આ ત્રણ વિવિધ નાટકો તેમને આપવાનાં છે. લોકવાર્તાની ઢબે પ્રગતિ કરતું બાલસાહિત્ય બાળનાટકમાં પણ ઐતિહાસિક પરંપરાને જાણે કે સન્માન આપતું હોય તેમ લાગે છે. બાલવિકાસ અને બાલસાહિત્યનો વિકાસ સાથે ચાલ્યાં છે. તેના પ્રથમ પગલામાં લોકવાર્તાને જે સ્થાન છે તે સ્થાન લોકવાર્તાના વાતાવરણમાં ખીલી ઊઠેલાં ‘પીળાં પલાશ’ને છે. લોકોને લાગશે કે આવા સુંદર નાટકનું વસ્તુ આવું તે ક્યાં લીધું? બાળકો સામે પ્રેમની વાર્તા, સ્વયંવરનું દર્શન : આ બધું તે આ યુગમાં શોભે? કવિ રવીન્દ્રે ‘એક હતો રાજા’ (There was a King) નામની વાર્તામાં તેનો જવાબ આપ્યો છે. બાલમાનસને મતપંથ વિના અવલોકના2ને એનો જવાબ ખંૂચ્યો નથી. મોટા જીવનની સઘળી નાની રમતો નાનપણથી જ શરૂ થઈ મોટા જીવનને માર્ગે વહે છે. ફળ આપતું વૃક્ષ ઊગે છે ત્યારથી જ ફળનો રસ ફળમાં ભરે છે. અંત તેના આદિમાં છે. તેમ જ લગ્નજીવનને પણ પ્રથમાવસ્થા છે. — બીજાવસ્થા કે આદિ અવસ્થા છે. અધ્ધરથી ઊતરી આવેલું લગ્નજીવન લગ્નજીવન નથી થતું પણ પશુજીવન બને છે. નિર્દોષ વાર્તાઓમાં, લગ્નઋતુમાં દૃષ્ટિએ પડતા વરઘોડામાં, નવપરિણીત ભાઈ-ભાભીની વેલડીઓમાં, નાનાં બાળકોના લગ્નજીવનની ભાવનાના પાયા છે. અને એટલે જ જેઓ બાલહૃદયમાં પેસી શક્યાં છે તેવાં સરળ હૃદયનાં અશિક્ષિત કે શિક્ષિત વૃદ્ધજનોએ કોઈ દિવસ એવો ફતવો કાઢ્યો નથી કે બાળકોએ લગ્નોત્સવમાં ન આવવું, સીમંત પ્રસંગે તેમને ગામબહાર કાઢી મૂકવાં, ઘરમાં બીજાં નાનાં બાળકો આવે ત્યારે નવાં નાનાં બાળકોને દેશપરદેશ મૂકી આવવાં! આવી નિર્દોષતા સાચવવાનું ભયંકર કૃત્ય સમાજના કોઈ ડાહ્યા માણસે હજી સુધી કર્યું નથી. અને એથી જ લગ્નવિધિઓ નહિ સમજાય તેવી રીતે ભવિષ્યનાં પવિત્ર એવા પોતાનાં લગ્નોની ભાવના જગાડનાર તરીકે કાળથી ઊભી રહી છે. આવી લોકવાર્તાઓ એ જ રીતે નિર્દોષ હોવાથી અત્યંત સંકુચિત સમાજના જતરડામાંથી પસાર થયા પછી જ તે સામાજિક જીવનના શિક્ષકરૂપ હોવાથી ટકી શકી છે. અને આજે પણ તે વિશુદ્ધ અને ઉદાત્ત પ્રેમના પ્રદર્શનરૂપે આ નાટકખંડરૂપે વિના સંકોચે અને નિર્ભયપણે આવી ઊભા રહે છે. ‘પીળાં પલાશ’ સૂંઘીને બાળકો ભાવિ લગ્નજીવનની આછી, નિર્દોષ સૌરભ લેશે; અને નિર્દોષતાને ઓપાવે એવો તેનો પીળો રંગ જોઈને તેઓ પોતાના મનની રજનીગંધા અને ભરથરીના પ્રેમની પ્રેમમૂર્તિઓ કલ્પશે. પોતાનાં બાએ કેવા ભવ્ય પ્રેમથી પોતાના પિતાને શોધ્યા હશે તેનો વિચાર આવશે; અને બાળકોની સાથે બેસીને આ નાટક જોનારાં મા-બાપોને પોતાના પ્રેમજીવનનો ઊપડી ગયેલો પડદો ફરી એક વાર નીચે ઊતરતો દેખાશે. ડુંગળીબાઈ ડોળા તાણે રાજ! કણજર કાકો પરણે છે; મરચાંભાઈ મૂછો મરડે રાજ! કણજર કાકો પરણે છે. કુશળ માનસશાસ્ત્રી કોઈ લોકકવિએ કણજરકાકાનો વિવાહ ગાઈ સૌના કાકાદાદાને મામામાશીના વિવાહ ગાઈ બતાવ્યા છે. લોકકવિનું બીજું દૃષ્ટિબિંદુ જમાના પ્રમાણે લગ્નમાં જતા સામાન્ય મનુષ્યસ્વભાવનું આલેખન હતું. લોકપ્રસિદ્ધ — જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે! બકરીબાઈનો બેટડો, પરણે છે આજે ! એ પંક્તિઓ રચી સદ્ગત સાક્ષર શ્રી નવલરામભાઈએ લોકરૂઢિ ઉપર પ્રહાર કરવા માટે આવું બાળકાવ્ય રચ્યું, અને લગ્નનો આદર્શ કેટલો નીચો ગયો છે તે બાળકો સુધ્ધાંને કહી દીધું. ‘પીળાં પલાશ’ Companionate Marriageના આ યુગમાં પ્રેમ અને સ્વયંવર-લગ્નની પુણ્યપુરાણ પ્રણાલિકાનું પુનર્જીવન કરે છે, અને અનેક રાજપુત્રો બાલિકાને ચરણે બેસતા છતાં તેનો જીવનપ્રેમ એક ભરથરી ઉપર ઢળે છે ત્યારે મનોહિ જન્માંતરસંગતિજ્ઞમ્ની સાક્ષી પૂરે છે. આ વિદ્વત્તાભરી પ્રસ્તાવનામાં બાળકો નહિ સમજે પણ ‘પીળાં પલાશ’ના નાટકમાં રહેલી ભાવનાને તો તેઓ સમજશે. લોકકવિએ શાકપાંદડાંને, નવલરામભાઈએ પશુઓને અને કૃષ્ણલાલે ફૂલોને ઓળે એક જ સરખી ભાવના વ્યક્ત કરી. પણ તેમાં ઉત્તરોત્તર સજીવતા, સંસ્કારિતા, સૌંદર્ય એ કલાદૃષ્ટિ છે. ફૂલેફૂલો વચ્ચે પ્રેમની વાતો, પ્રેમ જેટલી જ સુકોમળ અને સુવાસિત છે. અર્ધ ફૂલો રૂપે અને અર્ધ માનવી રૂપે નાટક ભજવતાં આ બાળકો ફૂલોની સુગંધ અને બાળકોની નિર્દોષતાથી રંગભૂમિને ભરી દેશે. અને જ આ પ્રથમ ખંડનું નાટક જોનારને ફળ મળશે. છાબડીમાં અર્પેલ બાલિવનોદ જરાક ગંભીર બનેલા બાળકને જેટલો સહજ છે, તેટલું જ પ્રથમ ખંડ પછી મધ્યમ ખંડ તરીકે ‘બાળા રાજા’ સહજ છે. જે સહજ વિનોદ બાળકો નિત્યના જીવનમાં કરતાં માર ખાય છે, અગર હંમેશાં જેમની પાસે નાના થઈને બેસવું પડે છે તેમની ઠઠ્ઠા ઉડાવવામાં વાપરે છે, તે વિનોદ નાટકકારે બાળકોને આપીને બાળકોમાં દબાતી અગર વિકૃતિ પામતી વિનોદવૃત્તિને ઊર્ધ્વગતિ આપી છે. પહેલા ખંડમાં નાટકકાર માનસશાસ્ત્રી છે — સમાજશાસ્ત્રી છે, ત્યારે બીજા ખંડમાં તે તેમના જેવડો જ બની તેમના મનોભાવ સાથે ઓતપ્રોત થતો, નદીમાં કે શેરીમાં કે ગઢની રાંગે કે વનની વાડીમાં રમતો બાળા રાજા છે. ફરી એક વાર તે કાવ્ય અને ફિલસૂફીનો ભાર હળવો કરી છોકરાઓના રાજાની કચેરીમાં કામદાર બની બેસી જાય છે, અને તેમની સાથે નાચવા ખાતર બાળા રાજાને નચાવવાને બહાને નાચે છે. કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વિના અને ‘રિહરર્સલ’ વિના આ મધ્યમ ખંડ બાળકો હોંશે હોંશે ભજવશે. તેમની બદાયેલી તમામ વૃત્તિને તે મુક્ત કરશે. મોટાઓ અને શિક્ષકો આ ભાગ ભજવવા દેશે તો છોકરાઓનું તેમના પ્રત્યેનું ઝેર ઊતરી જશે. છોકરાંઓ માબાપને કે શિક્ષકને મારવાને બદલે ઘણી વાર લાકડાના થાંભલાને કે પાળિયાને મારે છે, તેમ પોતાનાં માબાપો તેમને નાટક કરવા દેતાં નથી તેની વાત ખાનગી રીતે કોઈને કહેવાય તેને બદલે રંગભૂમિ ઉપર જાહેર રીતે કહીને તેઓ મનનું દર્દ હળવું કરશે, અને પોતાને અને માબાપને બચાવશે. ગ્રીમ્સ અને એન્ડ્ર્યુ લેંગની પરીકથાઓનાં વર્ષો ગયાં છે; ‘વોટર બેબીઝ’ અને ‘પીટર પાન’ના દિવસો ગયા છે; અને મોરીસ મેટરલિંક જેવા સમર્થ લેખકના ‘બ્લ્યુ બર્ડ’ના દિવસો પણ ગયા છે. વિજ્ઞાને પરીઓના જીવંતકાળને નજીક આણ્યો છે તેની સાથે જ માનસશાસ્ત્ર તેનો અંત નજીક જોયો છે. જ્યાં રશિયામાં ઈશ્વર નથી રહી શકતો ત્યાં પરીઓ તો ક્યાંથી જ રહી શકે? અને જ્યાં પૃથ્વીના બીજા દેશોમાં ઈશ્વરને પણ ખોટાઓ સાથે ખોટા થઈને રહેવું પડ્યું છે ત્યાં ખોટી એવી પરીઓને પણ કલ્પનાના વિહારમાં રહેવું પડ્યું છે. એટલે જ આજે ઈશ્વરની સાથે પરીઓને હાંકી કાઢવા માટે રશિયાને અનુસરવું કે નહિ તેનો ઇતર દેશોમાં ખળભળાટ છે. બન્નેનું બને તે ખરં! પણ હવે એમ કહેવાનો જમાનનો નથી કે પરીકથા કે નાટકથી બાળકોની કલ્પના ખીલશે. તેનાથી કલ્પના નહિ પણ તરંગ ખીલે છે. અને માનસશાસ્ત્રી કહેશે કે તરંગ સાથે દૂરદૂર રમતા તરંગ ગાંડપણની ભેટ ધરે છે. એટલે જ પરીઓની વાર્તાઓનું કથન નિશાળના ઓરડાઓમાંથી બહાર નીકળી છેલ્લે પગથિયે ધક્કાની રાહ જોતું બેઠું છે. અને થોડા જ વખતમાં સારી દુનિયામાંથી બાળકોના મગજને ગાંડપણનું પાન પાનારી પરીસૃષ્ટિ પરીઓના જ દેશમાં અદૃશ્ય થઈ જશે. Red Corner Bookમાં Why નામની વાર્તા મેં વાંચી ત્યાં સુધી બાલસાહિત્યમાંથી પરીઓ કાઢી નાખીને પરીઓ કેવી રીતે રાખવી તેની મૂંઝવણમાં હું હતો. બાળકોને બધો વખત વઢતાં, ચિડાતાં, મોં મરડતાં મા-બાપો અને શિક્ષકો નથી ગમતાં એટલે તો તેમને ભલી પરીઓ કલ્પવી પડે છે; અને કજિયાળી માતાને ગાળો દઈ દેવા કે તેની સામે રોષ કાઢવા ખરાબ પરીને સરજવી પડે છે! પણ તે સંતોષકારક વાસ્તવિકતાને અભાવે. પણ રશિયા માને છે તેમ સૌંદર્ય વિનાની નરી વાસ્તવિકતા પણ બાળકોને સંતોષી શકતી નથી. વાસ્તવિકતા અને તરંગ વચ્ચે કલ્પના છે. કલ્પના એટલે સત્યને આધારે ઉડ્ડયન. Why નામની વાર્તા વાસ્તવિક પરીવાર્તા છે. દુનિયાને નવો આદર્શ આપવા માગે અને બાળકોનું માનસ કબૂલ રાખી શકે તેવી એ પરીકથા છે. તે વાસ્તવિકતાની વાસ્તવિકતા છે, અને પરીકથાની પરીકથા છે. બાળકોને પ્રિય એવાં પશુપક્ષીઓ અને વનદેવીનાં પાત્રો મારફત શ્રમજીવી અને ધનજીવીની હૃદયદાયક કથા એમાં છે. મેં ‘સોનાપરી’ ધડકતે હૈયે વાંચવી શરૂ કરી. મને થયું : ‘આ સોનાપરી ગમે તેવી રૂપવતી, અભિનયવાળી, સૌરભભરી કલાકૃતિ હશે તોપણ મારે કૃષ્ણલાલને કહેવું જોઈશે કે યુગ અને માનસશાસ્ત્ર સાથે ચાલીને સોનાપરીને પરીઓના મુલકમાં પાછી મોકલી દો.’’ શ્રીધરાણીએ નવી પરીકથા લખવામાં સિદ્ધહસ્ત જૂના પરીકથાના લેખકો જેવું જ કૌશલ બતાવ્યું. છેડે આવતાં જ મારી મૂંઝવણ ટળી. મને થતું હતું : ‘આવી પરીકથા માટે નિર્દય થઈને છાબડીમાંથી પાછી આપવી પડશે. અને છાબડી અધૂરી રહેશે.’’ પણ આખરે ‘સોનાપરી’ ભાઈ-બહેનોની સાચી એવી મોટી બહેન જ નીકળી, અને સવાર પડ્યું ત્યાં તો મોગરાથી છાબડી ઊભરાઈ ગઈ! એ ઊભરાઈ ગયેલી છાબડીમાંથી જેને જોઈએ તે પીળાં પલાશ લે, જોઈએ તે મોગરા લે, અને હાસ્યવિનોદ તો સહુને જ જોશે. આ છાબડીનાં દ્રવ્યો લઈ ભલે ગુજરાતનાં બાળકો કવિએ આપેલાં, પરીઓના દેશમાંથી જાણે કે આણેલાં, પાંખો સાથે હૃદય ફરફરાવતાં નૃત્યગીતો પરીઓ જેમ નૃત્ય કરતાં ફરીફરીને ગાઓ, અને રંગભૂમિના શણગારને છેલ્લી પીંછી લગાડી અનુપમ શોભાવો! ચાલો ત્યારે, ગુજરાતનાં બાળકો તરફથી જે ઊગતા સૂર્યને હું સત્કારી રહ્યો છું તેને આપણે સૌ માબાપો અને શિક્ષકો સત્કારીએ! બાલમંદિર —ગિજુભાઈ

24.6.’33