બાળનાટકો/1 વડલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
1 વડલો

જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે.

નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું. ‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે.

(1931)

—કૃo શ્રીo


પ્રાર્થના
(બાળકો ઊભાંઊભાં જ ગાય છે અને ગાતાંગાતાં અંગ-પ્રત્યંગને મોકળાં મૂકી ગીતનો ભાવ વ્યક્ત કરે છે.)

તારે મંદિરિયે ફૂલ ધરવાને

બાળકને કેમ જાવું પડે?

વિશ્વ ભર્યું તારા પગલામાં,

જ્યાં હોય ત્યાંથી ફૂલડાં અડે.

તારે મંદિરિયે નૈવેદ ધરવા,

નિત નિત જાવું ગમતું ના:

ભૂખ્યા જનોમાં તુજને પેખી

કહેશું કે ‘‘લે લે, ભાઈ! ખા.’’

તારે મંદિરિયે દીપ ધરવાને,

જાવું ઠીક નહિ અમને :

જ્યાં જ્યાં વિશ્વ મહીં અંધારું,

ત્યાં ધરશું દીપક તમને.

તારે મંદિરિયે ફૂલ ધરવાને,

બાળકને કેમ જાવું પડે?

વિશ્વ ભર્યું તારા પગલામાં,

જ્યાં હોય ત્યાંથી ફૂલડાં અડે,


વડલો
શોકપર્યવસાયી એકાંકી


સમય : જ્યારે પ્રકૃતિ અને પ્રાણીમાત્રને વાચા ફૂટી હશે એવા કોઈ વર્ષના ઊતરતા ભાદરવાના કોઈ પણ ચોવીશ કલાક. સ્થળ: સુંદર ગામનું સુંદર પાદર.

લીલા મખમલનો ગાલીચો પાથર્યો હોય એવું ખડ જમીન ઉપર પથરાયું છે. વચ્ચેવચ્ચે ગુલાબી, ભૂરાં અને પીળાં ફૂલોનાં ભરતગૂંથણાં ભર્યાં છે. વચમાં એક વિશાળ વડલો ઊભો છે. વડવાઈઓ વધીવધીને જમીનમાં ઊતરી ગઈ છે. પાસે જ એક ઝરણી ખળખળ વહે છે. પડખે એક ખાડામાં ઝરણીનાં જળ સ્થિર પડ્યાં છે; અને એમાં કમલિનીના અને કુમુદિનીના ડોડવા છે. કાંઠે એક ચંપાનું ઝાડ છે અને થોડે દૂર સૂર્યમુખીનો છોડ ઊભો છે. વડલાની ઘટા નીચે. વડલાની અવગણના કરતો, ભાદરવા માસના ફાટેલા ભીંડાનો એક છોડ ઊભો છે. તેનાં મોટાંમોટાં પાન વડલાની હાંસી કરતાં ઉપર ઊઘડ્યાં છે. આખું દૃશ્ય વનસ્પતિશ્રીથી પથરાઈ પડ્યું છે. ધીમેધીમે આકાશમાં ઉઘાડ થાય છે. તારાઓ એક પછી એક બુઝાય છે. પૂર્વમાં પો શટે છે અને કમલિની ખીલે છે.

પૂર્વમાંથી કૂકડો ગાતોગાતો આવે છે.

કૂકડો : અમે તો સૂરજના છડીદાર

અમે તો પ્રભાતના પોકાર!... ધ્રુવo
સૂરજ આવશે સાત ઘોડલે

અરુણ રથ વ્હાનાર!

આગે ચાલું બંદી બાંકો,

પ્રકાશ-ગીત ગાનાર! ...અમેo

નીંદરને પારણીએ ઝૂલે,

ધરા પડી શૂનકાર!

ચાર દિશાના કાન ગજાવી,

જગને જગાડનાર! ...અમેo

પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં,

ગાન અમે ગાનાર!

ઊંઘ ભરેલાં સર્વ પોપચે,

જાગૃતિ-રસ પાનાર! ...અમેo

[વડલા પાસે આવી અટકે છે.]

વડલા ભાભા, વડલા ભાભા! હવે તો જાગો!

વડલો : વાહ રે કૂકડાભાઈ! રોજરોજ ભૂલી જાવ છો શું? ખોળામાં

બાળક પોઢ્યું હોય અને માને ઊંઘ આવે કે? મારે તો ડાળીએ-
ડાળીએ પંખી પોઢ્યાં છે. આખી રાત હું તો તેઓની ઉપર ઝઝૂંબી
રહું છું. મા થયો ત્યારથી એકે મટકું માર્યું નથી.

કૂકડો : એ તો તમારાથી જ થાય, વડલાભાભા! બાકી અમે તો પો

ફાટતાં જ નેકી પોકારવાની હોય તોય રાત્રે તો ઘસઘસાટ ઊંઘવાના. અમે સૌથી વહેલા ઊઠનારા ખરા, પણ તમે તો સદાના જાગનારા! [ઉતાવળો થતાં] પણ ક્ષમા કરજો, વડલાભાભા! હમણાં તો હું જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન!

વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો.

કૂકડો : [ગાતો ગાતો જાય છે.]

જાગો, ઊઠો ભોર થઈ છે,

શૂર બનો તૈયાર! સંજીવનનો મંત્ર અમારો,

સકલ વેદનો સાર! ...અમેo

[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.]

કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે? વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે? કોયલ : તમે તો એવા ને એવા રહ્યા, વડદાદા! મોડાં પડશું અને બચ્ચાંઓ માટે પૂરા દાણા નહિ પામીએ તો? વડલો : [આછુંઆછું મરકતો] વાહ રે કોયલબાઈ! દાદાનેય બનાવતાં શીખ્યાં? તમારે વળી બચ્ચાંની શી ચિંતા? કાગડીના માળામાં મૂકી આવ્યાં એટલે પત્યું. કોયલ : [ખોટો રોષ કરતી] મૂછો વધીવધીને જમીનમાં પહોંચી તોય તમારો મશ્કરો સ્વભાવ ન ગયો, દાદાસાહેબ! વારું વાતો કરતાં-કરતાં વધારે મોડું થશે. ચાલ સૌને ઉઠાડું (મોટેથી ટહુકે છે.) કૂઊ...ઊ, કૂઊ...ઊ, પંખીગણ! ઊઠો ઊઠો. પ્રભાતની ઉપાસનાનો સમય થઈ ગયો. કૂઊ...ઊ, કૂઊ...ઊ પોપટ : (ઊઠીને આળસ મરડતાં) ભરચોમાસે તમનેય ઠીક સૂઝ્યું, કોયલબાઈ! કેમ, હજી કોઈકોઈ આંબે કેરી મળે છે કે? કોયલ : હાસ્તો; કોઈકોઈ ઠેકાણે તો મળે જ ને? [બીજા પંખીઓનો કલરવ શરૂ થાય છે.] અને કોઈકોઈ વાર ભરચોમાસેય જો કોયલરાણીનો ટહુકો ન થાય તો ભર્યે પાણીએ ચોમાસું શુષ્ક થઈ જાય! આખો ઉનાળો ટહુક્યા કરું તો બિચારા ચોમાસાનો શો દોષ? પોપટ : [દાઢમાંથી-ચાંચમાંથી] કોયલબાઈ! કેટલું અભિમાન? જાણે તમને જ ગાતાં આવડતું હશે! વડદાદાએ તમને વખાણીને ચડાવી દીધાં છે. ઠીક છે; આજે જોઈ લો મારો ધડાકો. પંખીગણ! તૈયાર છો કે? ચાલો, ગીત શરૂ કરીએ. (પોપટ શરૂ કરે છે અને સૌ પંખીઓ તેમાં જોડાય છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.)

પંખીગણ : અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને,

શારદાની વીણા શબ્દ સાધે;

એકલો ઊડતો આભથી ઊતરી,

આદિ-પંખી ત્યહીં ગીત લાધે!

અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને,

શારદાની વીણા શબ્દ સાધે!

પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં,

શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં !

ગિરિવરે, તરુગણે, ગહન ગૌવ્હર મહીં,

સાત સાગર પરે કેલિ કરતાં!

અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને

શારદાની વીણા શબ્દ સાધે!

કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!

કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે.

મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો.

વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.

કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો! કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ. પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.)

વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!

(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)

પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર!

(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.)

કિરણ : ઊગ્યો છે આભમાં મશાલી રે,

એક ઊગ્યો છે આભમાં મશાલી.

આપું હું પાંદડાંને તાલી રે,

સરી આપું હું પાંદડાંને તાલી.

સૂરજ પ્રભુની હું તો આંગળી સુનેરી,

પોપચાં ઉઘાડું પ્રભાતનાં;

પાંદડે પાંદડે દીપ પ્રગટાવું (2)

ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo
ઝરણી : (વચમાં, સરોષ) કિરણરાય! આ જ તમારો ન્યાય કે? વડલાને પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; અને મારી કમનિનીએ તમારા એ મશાલીના વિરહમાં આખી રાત આંસુ સાર્યા તોય તેને સંભારી પણ નહિ?

કિરણ : (સાંભળ્યું ન હોય તેમ)

ઝરણીના અંકમાં મદભર નાચે,

સવિતા પ્રભુની એક રાણી;

નીચા નમીનમી કમિલની કાનમાં (2)

પૂછું હું વાત એ કાલી ...એકo

કમલિની : (ગાલે શરમના શેરડા પથરાય છે. ઝરણીને પ્રેમભર્યા રોષથી છાનીછાની) તું કેવી ઉતાવળી છે, બા? કિરણરાયને કેટલું ખોટ લાગ્યું હશે?

કિરણ : (કમલિનીની વાત છાનીછાની સાંભળીને)

ભાનુની રાણીને સોને મઢે હું,

હીરાની એક દઉં વાળી;

રાણીની માતાને રૂપે નવરાવું (2)

રૂપાની રેલ જાય ચાલી રે...એકo

વડલો : (કટાક્ષ કરતો) ઝરણીબહેન સવિતાદેવે મારે પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; પણ તમારી કમલિનીને તો સોને મઢી અને તમને રૂપે નવરાવ્યાં. હવે તો સંતોષાયાં ને? (ઝરણી શરમાય છે.) કિરણ : વડલાભાઈ! તમે એમને શરમાવો નહિ. એમાં એમનો વાંક નથી. જગતની તમામ સાસુઓ અધીરી હોય છે. પ્રેમીનો સંદેશો સૌથી પાછળ હોય એ પ્રીતિની રીતિની એ બિચારીને સ્મૃતિ ક્યાંથી રહે? હોય એ તો; ચાલો હું જાઉં. ચાર પ્રહરમાં તો મારે ફલડે ફૂલડે અડી આવવાનું હોય છે. કમલિનીદેવી! દૈવ માટે કાંઈ સંદેશો? કમલિની : (શરમાઈને) શું કહું? કિરણ : એ બે શબ્દોમાં તો તમે આખું બ્રહ્માંડ બોલી નાખ્યું, બહેન! હું બધું પહોંચાડીશ. પ્રણામ, દેવી! (સૂરજ ઊંચે ચડે છે, અને કિરણ સરવા લાગે છે.) સૂર્યમુખી : (સૂર્યના ફરવાની સાથે મોઢું ફેરવતું) કિરણરાય! સવિતા પ્રભુને ભક્તની વંદના પહોંચાડશો? કિરણ : જરૂર, જરૂર; કેમ નહિ? પ્રણામ, વડલાભાઈ! ફરી કાલે મળશું. વડલો : કાલની કોને ખબર છે? આવજો, કિરણરાય (કિરણ અદૃશ્ય થાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. ઝરણી : (મલકતી, સૂર્યમુખીની ટોળ કરતી) પુષ્પરાજ! સવિતાએ મારી કમલિનીને સોને મઢી, મને રૂપે નવરાવી અને વડદાદાની ઘટમાં દીપમાળ પ્રગટાવી; તોય તમારી તરફ તો એક નજ2 સરખી પણ ન કરી? સૂર્યમુખી : કાંઈ નહિ, ઝરણીબહેન! મને એવી આશા જ નથી થતી. ઝરણી : તમે તો બહુ શરમાળ, સૂર્યમુખી! મારી જેમ મોઢે ચડીને માગી લો તો શું ન મળે? સૂર્યમુખી : (ટોળ કરતાં) એ તો સાસુને શોભે! ભક્ત અને પ્રેમીનો ભેદ તમે ભૂલો છો, ઝરણીબહેન! ભક્તને મન સામા પ્રેમની અપેક્ષા નથી હોતી. ભક્તો તો પ્રભુ તરફના પોતાના પ્રેમથી જ ભરેલા હોય છે. પ્રેમી પ્રતિપ્રેમ વિના કરમાઈ જાય, બહેન! હું તો ભાસ્કરનું ભક્ત રહ્યું. ઝરણી : (પોરસથી) એ તો તમે એવા! બાકી અમે કાંઈ વ્યાજ વિના નાણાં ધીરીએ એવાં નથી તો! પ્રેમ તે કાંઈ નિર્વ્યાજ હોતો હશે? મારી કમલિનીને જો એ વીસરે તો હું એની સામે પણ ન જોઉં.

વડલો : એ ગમે તેમ હો. બાકી અપેક્ષા વિનાનો પ્રેમ મેં પણ જોયોજાણ્યો છે.

કમલિની : (આશ્ચર્યથી) એમ?

ભીંડો : (ઠેકડી કરતો) ત્યારે વાત તો કરો, વડલાભાઈ!

વડલો : મારા ભાઈનું નામ તમે જાણો છો?

ચંપો : ના,

વડલો : નથી જાણતા? કેવું આશ્ચર્ય? મારા ભાઈનું નામ વસંત!

ચંપો : વસંત? વસંત તો મારો ભાઈ વડલાભાઈ!

વડલો : વસંત તમારો, મારો અને આપણી જેવાં અસંખ્ય તરુઓનો ભાઈ થાય.

કમલિની : (અધીરી થતી) હા; પણ તેનું શું થાય છે? વાત તો કરો, વડલાભાઈ!

વડલો : પાનખર આવીને જ્યારે મારાં બધાં વસ્ત્રો હરી જાય, મારું બધું રૂપ લૂંટી જાય, મને અસંખ્ય આંગળાંવાળું સૂકું ઠૂંઠું બનાવી જાય ત્યારે તે આવે.

ઝરણી : (રસાતુર થઈ) પછી?

વડલો : પછી હું તેને કહું : ‘જ્યારે હું મારા પર્ણભંડારથી ડોલતો હતો ત્યારે તમે ન આવ્યા; અને વસંતભાઈ! જ્યારે હું સાવ કંગાળ બની ગયો ત્યારે તમે મારે આંગણે આવીને ઊભા રહ્યા. તમારું સ્વાગત શેણે કરું?’’

સૂર્યમુખી : પછી

વડલો : પછી એ જવાબ આપે : ‘‘પ્રકૃતિ તો મારી બહેન થાય. એની સમૃદ્ધિ જોઈને મારી આંખો ઠરે. પણ જ્યારે એ નિર્ધન થઈ જાય ત્યારે હું જઈને તેને સોને મઢું. ભાઈને બહેનનું કાંઈ ખપે? આ લ્યો મારી વીરપસલી!’’ કમલિની : પછી વસંતરાય શું આપે, વડદાદા?

ચંપો : (જ્ઞાનગૌરવથી) એટલીયે ખબર નથી? ગયે વરસે તો વસંતે વડદાદાને ત્રાંબાનાં પાન ડાળીએ-ડાળીએ પ્રગટાવ્યાં હતાં. સવારે સૂર્યપ્રભુની સામે એવાં ખીલખીલ હસે, એવાં હસે, જાણે માણેક ચળકતાં ન હોય! આ વખતે શું આપે છે તે જોવાનું છે. વડલો : અને ચંપકરાય! તમને વસંતરાયે કશું જ નહોતું આપ્યું નહિ? સોનાનાં પાન અને ઉષાવર્ણાં ફૂલ તો કોઈ બીજા જ ઝાડને આપ્યાં હશે! ચંપો : પણ એમ હું ક્યાં કહું છું કે મને એમણે કહ્યું જ નહોતું આપ્યું? ચંમેલીનેય ધોળાંધોળાં ફૂલ પ્રગટાવ્યાં હતાં. એમ તો વસંતભાઈ પક્ષપાત વિના વીરપસલીમાં આખી પ્રકૃતિ ઉપર છૂટે હાથે સૌંદર્ય વેરે છે. પણ...પણ મારે આ શા ખપનું? (ગમગીન થાય છે.) ઝરણી : ઓચિંતા ગમગીન કેમ થઈ ગયા, ચંપકરાય? (સૌ વિમાસણમાં પડે છે.) કમલિની : (થોડી વારે) હું સમજી ગઈ. હું નહિ સમજું તો બીજું કોણ સમજશે? (ચંપાનાં ફૂલોની સુવર્ણવર્ણી પીળાશ ઉપર વ્રીડાની આછી રતાશ પથરાય છે.) ભીંડો : (ફુંગરાતો) જવા દો, જવા દો તમારી વાતો. કહો, આ વખતે વસંત ક્યારે આવશે? મને કોઈ વખત કશું નથી આપતા. આ વખતે તો બધી વીરપસલીઓનું સાટું લેવું છે. વડલો : (હસતો) ભીંડાભાઈ! એ આવશે એ પહેલાં તો તમે શૂન્યસ્વરૂ પામ્યા હશો! ભીંડો : (ક્રોધથી નસકોરાં — ભીંડાની શીંગો ફુલાવતો) બસ કર વડલાભાઈ! કેવું અભિમાન? જાણે અમે મરી જવાના અને તમે અમ્મર તપવાના! તમને તમારી મોટાઈનું ગુમાન છે. પણ તમને આટલું વધતાં સો વર્ષ લાગ્યાં, જ્યારે હું આટલું તો એકએક માસમાં વધી ગયો. તમારી ઉંમરે તો હું આભને ટેકો દઈશ. વળી મારાં પાન પણ કેવાં મોટાં છે? વડલાભાઈ! તમે હવે મહેરબાની કરી ઊગતી પ્રજા માટે જગ્યા કરો. હું અહીં નથી સમાતો; તમે દૂર ખસો. તમે મારી પ્રગતિ રોકી રહ્યા છો! વડલો : (જાણકારનું હાસ્ય હસતો) જરૂર-જરૂર, ભીંડાભાઈ! મારે અહીંથી ખસીને તમને જગ્યા આપવી જ જોઈએ. પણ સો વર્ષનું જૂનું રહેઠાણ એમ એકાએક છોડું તો મને આઘાત થાય. ભીંડાભાઈ! માત્ર એક જ માસની મને મહેતલ આપશો? આ ભાદરવો તો પૂરો થવા આવ્યો; આસો માસ આથમશે એવો હું તમારે માટે જગ્યા કરવા અહીંથી ખસી જઈશ. અને કુદરતને જ જો તમારી પ્રગતિ સાધવી હશે તો-તો હવે હું ખૂબ વૃદ્ધ થયો છું. કાલની કોને ખબર છે? ભીંડો : (કૃપા કરતો હોય તેમ) કબૂલ છે. પણ એક મહિના પછી તો જવું જ પડશે.

ચંપો : (હસતો) હા....હા...હા! ભીંડાભાઈ! તમે તો બહુ કરી!

ઝરણી : (હસતી) ખળ...ખળ....ખળ! ભીંડાભાઈ! પૂરા બન્યા તમે તો!

ભીંડો : (ભવાં સંકોરતો) કેમ એલાંઓ હસો છો ?

ઝરણી : (સહેજ કડકાઈથી) ભીંડાભાઈ! નાને મોઢે બહુ મોટી વાતો ન શોભે. ભાદરવો ઊતરશે ત્યાં તો તમે ખલાસ થઈ ગયા હશો. મારે કાંઠે તો તમારા જેવા હજારો ભીંડાઓ ઊગી ગયા અને ઊખડીયે ગયા! વડદાદાનું આવી રીતે અપમાન કરતાં શરમ નથી આવતી! સો-સો વર્ષ સુધી ધરતીને છાંયડો દીધો એ સેવાનું આ ફળ? વડલો : (દયાથી) ઝરણી! જવા દે એને, બાળક છે હજી! ભીંડો : (અપમાનથી કંપતો) બાળક? હું બાળક? વડલાભાઈ! તમારા શબ્દો પાછા ખેંચી લો! ગમે તેવો તોય તમારી માફક લળીલળીને સલામ બજાવતો નથી! મારું માથું તો ટટ્ટાર છે અને રહેશે. તમારી ડાળીઓ! કેવી ખુશામત કરવા ઝૂકી પડતી! અને તમારાં પાંદડાં? કેવાં નાનાંનાનાં! જેવું તમારું મન એવાં તમારાં પાંદડાં. અને મારાં પાંદડાં તો મહાશય પ્રભુને પણ આહ્વાન આપતાં કેવાં મોઢું ફાડીને ઊભાં છે? વડલો : (સહેજ ચટી જાય છે, પણ સજ્જનતા ન છોડતાં) નમ્રતા અને ખુશામતમાં ફેર છે, ભીંડાભાઈ! પણ જવા દો એ વાત. વીરનાં તો પ્રસંગ આવ્યે પારખાં હોય! ચંપો : (તિરસ્કારથી ભીંડા સામે હસતો) નાદાન છો હજુ, નાદાન! (ભીંડો મનમાં બળી રહે છે. સૂર્ય મધ્યાહ્ને ચડે છે. થોડી વાર શાંતિ પથરાય છે.) વડલો : આજે તો વાતોમાં જ સમય વીતી ગયો. સવિતાદેવે હવે તો મધ્યાકાશે 2થ થંભાવ્યો (એકીટશે સૂર્યને જોઈ રહેલા સૂર્યમુખીને જોઈને) સૂર્યમુખી! એક મટકું પણ માર્યા વિના આમને આમ ક્યાં સુધી સવિતાને જોઈ રહેશો? સૂર્યમુખી : (મુખ ન ફેરવતાં) ભગવાન સવિતાદેવની આ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી. વડલો : એ તો તમારાથી જ બને, સૂર્યમુખી! તમારી ભક્તિ અનન્ય છે. (ફરી શાંતિ છવાય છે. પશ્ચિમમાં નજર નાખીને) એ... આવે ભથવારી! થાક્યાપાક્યા ગોવાળિયાને વિસામો લેવાનો સમય થઈ ગયો લાગે છે. (ભથવારી પ્રવેશ કરે છે. સેંથડે સિંદૂર, મોખમાં આંજણ: નાકમાં નથડી, હાથમાં કડલાં, પગમાં ઝાંઝર ઘેરવાળો ઘાઘરો અને કસૂંબલ ચૂંદડી, માથે મહીની મટુકી અને ભાતની પોટલી, ગાતી નાચતી આવે છે.){{Poem2Close} ભથવારી : ગોધણ ધણીની ભથવારી રે. હું ગોધણ ધણીની ભથવારી; આંબો ને હું પ્રેમ-ક્યારી રે, પતિ આંબો ને હું પ્રેમ-ક્યારી. સેંથડે સિંદૂર પ્રેમનાં આંજણ, આંજ્યાં આંખે મતવાલી; ઢેલડી જેવી હું થનથન નાચું, આવ ને મોરલા રબારી રે... હુંo (મોરલો પ્રવેશ કરે છે.) મોરલો : ભથવારીબાઈ! એ કડી ફરી ગાશો? કાંઈ અમારે વિશે છે? ઢેલરાણીને કેમ સંભારવાં પડ્યાં? ભથવારી : (નાચતી-નાચતી મોરલાની ડોક પંપાળતી) સૌંદર્યપંખી! એ મોર તો મારો છોગાળો, અને ઢેલરાણી હું પોતે! તમારું અનુકરણ કરવાનું કોને ન ગમે? પણ ઠીક, તમારે એ કડી ફરી સાંભળવી છે ને? સંભળાવું. પણ એક શરતે — મારી સાથે નાચવું પડશે મોરલો : કબૂલ! ભથવારી : (ગાવા-નાચવાનું શરૂ કરે છે. મોરલો કળા કરીને સાથે નાચે છે.) સેંથડે સિંદૂર : પ્રેમનાં આંજણ, આંજ્યાં આંખે મતવાલી; ઢેલડી જેવી હું થનથન નાચું, આવ ને મોરલા રબારી .... હુંo રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે, ભાલે શી સ્નેહની સિતારી; ખેતર ખૂંદીને કંથ થાકીને આવે, દેખે ત્યાં થાક દે વિસારી રે.... હુંo હળવે ઉતારી ભાત મહીડાં પરીસું, ફૂલડાંની પાથરું પથારી; કંથડને કાજ ઘર રેઢું મૂકીને, આવું સીમે દાડીદાડી છે...હુંo (ઓચિંતી અટકી) અરે! હજી કેમ નહિ આવ્યા હોય? વડદાદા! હજી કેમ નહિ આવ્યા હોય? વડલો : મારા છાંયા તળે બેસી જરા રાહ જોઈશ તો હમણાં આવી પહોંચશે, દીકરી! ભથવારી : ના, ના; હું બેસીશ નહિ. એ આવે ત્યાં સુધીમાં ચંપાભાઈ પાસેથી થોડાં ફૂલ લઈ આવું. વડદાદા! આ મારી મહીની મટુકી સાચવજો. વડલો : કાંઈ ચિંતા નહિ, દીકરી! મારા થડ પાસે મૂક. પંખીઓ બધાં ઊડી ગયાં છે એટલે કોઈ બોટશે પણ નહિ. (ગોવાળણી વડલાના થડ આગળ મટુકી અને પોટલી મૂકી ચંપા તરફ જાય છે.) મોરલો : બહેન! હું જઈશ. મારું આ એક પીંછું લ્યો. મારા બનેવીને છોગલે ખોડજો. (મોરલો એક પીંછું ખેરી ચાલતો થાય છે.) ભથવારી: આવજો, ભાઈ! (ચંપા પાસે જઈને) બહેનની એક માગણી પૂરશો, ચંપાભાઈ ? ચંપો : માગો, બહેન! જે માગો તે આપું. ભથવારી : થોડાં ફૂલ... ચંપો : (વચમાં) થોડો શું બધાં જ લઈ જાવ ને! મારે શા કામનાં છે? મારે તમારી જેમ કોઈ ગોવાળિયો નથી તો? ભ્રમરરાયે શાશ્વત રૂસણાં લીધાં છે? ભથવારી : ના, ના, ચંપાભાઈ! બધાંને મારે શું કરવાં છે? થોડાં જ આપો. (ચંપો થોડો ફૂલ ખેરે છે. ભથવારી તે વીણી વડલાના થડ પાસે જાય છે. ચાકળો પાથરી થોડાં એની ઉપર વેરે છે. તાંસળીમાં દૂધ, ચોખા અને સાકર ભેળે છે.) વડદાદા! સહેજ ઊંચી ડોક કરી નજર તો નાખો. કેટલે દૂર છે? (ખભે ડાંગ નાખી ગોવાળિયો આવે છે.) ગોવાળિયો : આ આવ્યો. બહુ ઉતાવળી! રંભા ગાવડી ભાગી ગઈ’તી તે ગોતતાં સે’જ મોડું થયું. ભથવારી : (ખોટો રોષ કરતી) તમને તો ખરે બપોરે પણ નિરાંત નહિ. ગોવાળિયો : શું કરું? તું પોતે જ કહે ને? એમ બોલતો ચાકળા ઉપર બેસે છે. પાઘડી ઉતારી ગોવાળણીને આપે છે. ખાવાનું શરૂ કરે છે. ગોવાળણી પાઘડીના છોગામાં ફૂલ અને પીંછું ગૂંથે છે.) વડદાદા! તમારી છાયા છે તો રોજ આમ નિરાંતે બેસીને જમવા પામીએ છીએ. તમારો ઉપકાર કેમ ભુલાય? વડલો : એમાં શું? ઝરણી : એમનો જન્મ જ તપેલાંને છાંયો આપવાને છે. ગોવાળિયો : એ તો એમનો મોટા મનનો પ્રતાપ છે! (ગોવાળણીને) પાણી તો લાવ. (ભથવારી ઝરણીમાંથી પાણી લઈ આવે છે.) વડલો : ગોવાળિયાભાઈ! જો વધે તો એક બટકું રોટલો અહીં નાખતા જજો. મારી ખિસકોલીને ખાવા કાંઈ જોઈએ ને? ગોવાળિયો: હા, એમાં શું? (એક ટુકડો ફગાવે છે, ખિસકોલી કિચકિચ કરતી આવીને તે ઉપાડી જાય છે. ગોવાળિયો પાણી પીને ઊભો થાય છે.) ભથવારી : લ્યો આ તમારી પાઘડી. સાંજે વહેલા આવજો. (ભથવારી પાઘડી આપે છે.) ગોવાળિયો : (પાઘડી લેતો) ઠીક. (જાય છે.) ભથવારી : ઠીક, વડદાદા! હવે હું પણ જાઉં ઘરે છોકરું રોતું હશે. વ્હાલમને છોગલે ગૂંથું ચંબેલડી, પીંછાં ગૂંથું હું સમારી; જોઈજોઈને એ મુખ રળિયામણું, હૈયામાં ઊડતી કુવારી રે....હુંo (ગાતી નાચતી જાય છે.) વડલો : (થોડી વાર ગોવાળણી તરફ જોઈ રહીને) કેવું સુખી જોડું! ઝરણી : જાણે મોરલો અને ઢેલડી! ચંપો : (અદેખાઈથી) બે હોય તે સુખી થાય જ ને? (થોડી વાર શાંતિ પથરાય છે. હંસોનું એક ટોળું ઊડતું-ઊડતું આવી વડલા ઉપર વિસામે છે.) ઝરણી : વડલાભાઈ! તમને તો એક ઘડીની નવરાશ નહિ, એક જાય ત્યાં બીજો, અને બીજો જાય ત્યાં ત્રીજો તો તૈયાર જ! વડલો : અને તમને પણ ક્યાં જંપ છે, ઝરણીબહેન! આટલાં વર્ષોથી તમને જોઈ રહ્યો છું પણ કદી તમારાં જળ જંપતાં નથી. કેવી સુખી જિંદગી! ઝરણી : ડાહ્યાઓ કહે છે કે વહેતો પ્રવાહ સારો વડલો : પણ આપણે આપણી વાતોમાં નવા અતિથિઓને વીસરી ગયાં! (હંસોને) માનસવાસીઓ! ક્યાંથી આવો છો? રાજહંસ : આમ દૂરદૂર દક્ષિણમાંથી. વડલો : અને ક્યાં ચાલ્યા? રાજહંસ : બીજે ક્યાં? માનસ સરોવર. વડલો : આજની રાત મારે ઘરે મુકામ કરશો? મારાં પંખીઓ તમને જોઈને ખૂબ ખુશ થશે. રાજહંસ : અમે તો પ્રવાસી પંખીડાં, વડદાદા! માનસસર સિવાય અમારે મુકામ ન હોય. બાકી તો વનેવને ગાતા ફરીએ એટલું જ. વડલો : તમારામાંથી કોઈ તરસ્યા હશો. ઝરણીબહેનને પોતાનાં જ ગણજો. (કેટલાક હંસો ઊડીને ઝરણીને કાંઠે ઊતરે છે.) ઝરણી : હંસરાજ! તમારા માનસસર જેવાં મારાં જળ મીઠાં તો નહિ હોય. પણ જેવાં છે તેમાં તમારી સેવામાં અર્પણ છે. (હંસો પાણી પીને વડલે જઈ બેસે છે.) રાજહંસ : વડદાદા! તમારા આશ્રય માટે ઉપકાર હવે અમે ઊડીશું. વડલો : આવ્યા શું અને જશો શું? રાજહંસ : અમે તો જેમ વહેલા જઈએ તેમ સારું. ક્યાંય પ્રીતિ બંધાય તો અમારું માનસ રૂઠે. ચાલો હંસવૃન્દ! ઊડીએ. હંસવૃન્દ : દરિયાના બેટથી ઊઠ્યાં અમે તો, હિમાળા ડુંગર જાવાં જી! સાત સાત સમદર ઊડી અમારે, માનસ સરમાં નાવાં જી! લૂમે દાડમડી ઝૂમે જમરૂખડી, મોતી માનસનાં ખાવાં જી! વન વન શેવતી વેરે પાંખડલી, સરનાં પંકજડાં હસાવાં જી! જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં, માનસ મરવા જાવાં જી! આભ ચીરીને અવનિ ઊભરાવી, છેલ્લાં કો હંસગીત ગાવાં જી! (એક તરફથી હંસો ગાતાગાતા ઊડી જાય છે, અને બીજી તરફથી નિશાળિયાઓ ગાતાગાતા આવે છે.) નિશાળિયાઓ : દોસ્તો દફતર પાટી મેલો, વડલે જઈને કૂદો ખેલો! માસ્તર આવે મોડા જાણે, કોઠી દડતી જાય! મૂછો મોટી ઝાડ-ઝાંખરાં, શબ્દ મહીં અટવાય...દોસ્તોo ગોળ પાઘડી માથે મેલી, પતકાળા શું પેટ; ખોટું પડતું સહેજ પલાખું, છુટ્ટી ફેંકે સ્લેટ...દોસ્તોo ખુરશી ઉપર ખાય બગાસાં, ઝબાક ઝોકાં મારે; મરઘાં જેવી આંખ ફાડતા, હસીએ તો ફટકારે... દોસ્તોo વડલો : (પટાવતો) પણ છોકરાઓ! તમને માસ્તર હેરાન કરે એટલે તમે મને હેરાન કરો એ ક્યાંનો ન્યાય? ગઈ કાલે મારી કેટલી વડવાઈઓ ખેંચી કાઢી? માસ્તરને મળવા દો, તમારું બધુંય પોકળ ખુલ્લું કરું! નિશાળિયાઓ : દાદાજીની મૂછ તાણવી અમ અધિકાર ગણાય; વડલાદાદા થવું સહેલ ના, ખેંચીશું વડવાઈ...દોસ્તોo વડલો : (ખડખડ હસતો) ઠીક, ઠીક, પણ આજે સહેજ જાળવીને રમજો, હો! (ગંભીર થઈ સમજાવતો) ગઈ કાલે તમે કાબરનો માળો વીંખ્યો એટલે બિચારીએ આખી રાત રોયા જ કીધું. આજે એવું ન કરતા, હો! પહેલો નિશાળિયો : તમે માસ્તરને અમારી વાત નહિ કરો તો અમે કાંઈ નહિ કરીએ. વડલો : (પંપાળવા ડાળો નમાવતો) માસ્તરને તે કાંઈ કહેવાતું હશે! એટલી ગમ્મતેય ન સમજ્યા? પણ શરત-બરત નહિ; તમને ઠીક લાગે તો કરજો અને ઠીક ન લાગે તો ન કરતા. બીજો નિશાળિયો : ઠીક, વડદાદા! હવે ડાળીઓ સહેજ નીચી નમાવો. દોસ્તો, ચાલો રમત શરૂ કરીએ. (બે છોકરાઓ સિવાયના સૌ ચડવા જાય છે.) છેલ્લો નિશાળિયો : (ચમકીને) એલા ભાગજો! હાથમાં આંકણી લઈને જો... પણે કોઠી દડતી આવે! ભાગજો. (છોકરાઓ ટપોટપ નીચે પડીને ભાગવા લાગે છે.) ત્રીજો નિશાળિયો : હવે આપણે આપણી જગ્યા બદલાવવી પડશે. હવેના માસ્તરોય જાણતા થઈ ગયા લાગે છે કે છોકરાઓ નિશાળે ન હોય તો વડલે તો મળવાના જ! (બધા ભાગી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.) વડલો : હવે સાંજ પડી અને પંખીઓને આવવાનો વખત થયો. બિચારાં થાક્યાંપાક્યાં આવશે અને પોતાનાં બચ્ચાંઓને માળામાં સુરક્ષિત જોશે ત્યારે કેવાં ખુશ થશે! ઝરણીબહેન! પોતે સુખ માણવા કરતાં બીજાંને સુખી જોવામાં તમને વધારે આનંદ ન આવે? ઝરણી : વડલાભાઈ! તમારે તો મોટું પેટ. અમે તો સાંકડા પેટવાળાં રહ્યાં. આજે આટલાં વર્ષોથી એક ચીલામાં વહ્યા કરું છું; હવે કાંઈ સ્વભાવ બદલી શકાય છે? (કાગડાનું ટોળું આવે છે.) કાગડાઓ : કા...કા... ના રે ના; ભૂલ થઈ. દા...દા...દા. વડદાદા! કુશળ? વડલો. : હા, બચ્ચાંઓ! પણ દાણા તો મળ્યાને? કાગડો : અરે, દાણાથી તો ખેતરો લચી પડે છે. વડદાદા! એ કોનાં? વડલો : ખાય તેનાં. (બીજા પંખીઓ ઊડતાં-ઊડતાં આવી વડલા ઉપર બેસે છે.) કેમ, બધાં આવી ગયાં? સૌ કુશળ? પંખીગણ : હા, દાદાજી! અમારાં બચ્ચાં તો સહીસલામત લાગે છે. વડલો : કેમ ન હોય? (સૂરજ અડધો ડૂબે છે. કિરણ પ્રવેશે છે.) કિરણ : વિદાય, વડલાભાભા! પ્રણામ કમલિનીદેવી! તમારો સંદેશો મેં સૂર્યપ્રભુને પહોંચાડ્યો છે. કમલિની : નારાયણને કહેજો કે કમલિનીને મન બ્રહ્માંડભરમાં એક જ દર્શનીય છે. બીજા કોઈનું એ મોઢું પણ જોતી નથી. કિરણ : એ પ્રીતિનો બદલો આવતી કાલે સવારે સૂર્યનારાયણ આપશે. હમણાં તો અમારું રાજ્ય આથમે છે. ચાલો, પ્રણામ. (સૂર્ય પશ્ચિમ સાગરમાં ડૂબે છે. કિરણ અદૃશ્ય થાય છે. કમલિની કરમાઈ ઝોંપી જાય છે.) બપૈયો : પંખીગણ! સૂર્યનારાયણ તો આથમી પણ ગયા આપણે સાયંપ્રાર્થના કરીને પછી જ માળાઓમાં જઈએ. સૂડો : હા, એ જ બરાબર છે. કોણ શરૂ કરશે? બપૈયો : હું જ. મેના : ચલાવો ત્યારે, બપૈયાભાઈ! (બપૈયો શરૂ કરે છે ને સૌ તેમાં જોડાય છે.) પંખીગણ : મોતીની મૂઠ શાં ડૂંડાં હિલોળતાં, ખેતરો કૈં કૈં દીઠાં જી રે! હેતે છલોછલ હૈયાં ઉછાળતી, નદીઓનાં નીર લાગે મીઠાં જી રે! રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા, વન વન વડલા ઊભા જી રે! આભની અટારીએ ચોકી કરંતા, નવલખ તારલા સૂબા જી રે! પંખીને આમ રોજ પ્રેમથી પાળતી, કુદરત-પંખિણી કોઈ મોટી જી રે! ભોળાં વિહંગડાનાં, મોટી પંખિણીમાત! વંદન સ્વીકારજે કોટિ જી રે! વડલો : ચાલો, પંખીગણ! હવે સૂઈ જાવ. રાત પણ પડી અને તમારા નવલખ સૂબેદારો પહેરે પણ ચડી ચૂક્યા છે. (સહેજ અચકાતાં, થોડી વારે) પણ... પણ આજે મને આ શું થાય છે? તમારાથી વિખૂટા પડતાં આજે આ આંચકો કેમ અનુભવું છું? (થોડી વારે) કાંઈ નહિ, કાંઈ નહિ, સૂઈ જાઓ, બચ્ચાંઓ! પંખીગણી : વંદન, વડદાદા! સવારે વહેલાં ઉઠાડજો. (પંખીઓ માળામાં જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. તારા ગીત શરૂ કરે છે.) તારાગણ : સંધ્યા આવી પૂરે કોડિયાં, આભ અટારી શણગારે; વિભાવરી શરમાતી આવી, નવલખ જ્યોતિ પ્રગટાવે! ચાર દિશાના વાયુ વાય; થથરે પણ નવ બૂઝી જાય! અંબર ગરબો માથે મેલી, આદ્યા જગમાં રાસ રમે! નવલખ તારા છિદ્રો એનાં મીઠાં મહીંથી તેજ ઝમે! વ્યોમ તોયે પેલે પાર, જ્યોત ઝબૂકે જગઆધાર! શુક્ર : વડલાભાઈ! હવે તો રાત જામવા લાગી. હું જઈશ. વહેલા પ્રગટે તે વહેલા આથમે! પ્રણામ. વડલો : આવજો, શુક્રવાર! (શુક્ર આથમે છે. પૂર્વમાં ચંદ્ર ચડે છે. કુમુદિની ખીલીને હાસ્ય વેરે છે.) તારાગણ : જય હો, જય હો ! ઉડ્ડગણપતિનો. કુમુદિની : દેવનો જય થાઓ. ચંદ્ર : કુમુદિની! (આગળ નથી બોલતો.) કુમુદિની : દેવ! (આગળ નથી બોલતી. બન્ને ત્રાટક માંડે છે, અને મૌન રહે છે.) દેવયાની : વડલાભાઈ! આભ પણ એક વિશાળ વડલો છે, અને અમે તારાઓ એના ટેટા છીએ. (વડલો હસે છે.) વડલાભાઈ! તમે સાવ નાના હતા ત્યારે હું તમને મારી આંખો પટપટાવી હસાવતો. હું દેખાઉં છું તો નાનો, પણ વડલાભાઈ! અગણિત ચોમાસાં ગાળ્યાં છે. મંગળ : અને હું મારી લાલ આંખથી તમને ખોટુંખોટું ડરાવતો, વડલાભાઈ! ગુરુ : અને હું તો તમારા પિતાને પણ ઓળખું છું, વડલાભાઈ! તમે છો તેથી પૂર્વમાં સો ગાઉ ઉપર પહેલાં એક વડલો હતો. કોઈ પંખી તેનો એક ટેટો લઈ આવી અહીં ફેંકી ઊડી ગયું! શ્રવણ : અને પછી એમાંથી એક ફણગો ફૂટ્યો. વડલો : અને પછી એને સો વર્ષો વીતી ગયાં. અને હું મોટો થઈ ગયો. પણ તમે, મંગળભાઈ! એવડા ને એવડા જ કેમ રહ્યા? મંગળ : વડલાભાઈ! મારી પાસે આવો તો મારા કદની ખબર પડે. તમારી ધરણીમાતાની સરસાઈ કરું એવો છું, હો! વડલો : શ્રવણભાઈ! તમે પણ મારું નાનપણ જોયેલું, એમ? માતાપિતાને કાવડમાં બેસાડી તમે સો વર્ષથી નીકળ્યા છો તોય તમારી જાત્રા હજી પૂરી થઈ નથી? શ્રવણ : સો વર્ષ શું, તમારી કલ્પનામાં પણ ન આવે એટલા કલ્પોથી મેં યાત્રા શરૂ કરી છે. અને હજીયે અસંખ્ય કલ્પોએ એ પૂરી નહિ થાય. વડલાભાઈ! અમારી તે અનંત યાત્રા. પણ હવે તો મધરાત થઈ ગઈ, વડલાભાઈ! હું જઈશ; પ્રણામ! (શ્રવણ આથમે છે, થોડી વારે ઝાકળ ગાતીગાતી આવે છે.) ઝાકળ : વાદળના મહેલમાં બાર બાર બાળકી, તેરમી હું બાળકી રોતી જી રે! આસુમાં જનમી ને આંસુમાં જીવતી, વન વન વેરતી મોતી જી રે! ફૂલડાં અપારને નથડી નથાવી, ખડ ખડ મોતી પરોતી જી રે! કુમુદિની કાનમાં મૂકું લિવિંગડાં, હીરલા ગૂંથું હું ગોતી જી રે! વડલો : આવો, અશ્રુસુંદરી! આછાં વરસજો, હો! ગઈ કાલે મારાં પંખીડાંને શરદી થઈ ગઈ હતી. ઝાકળ : અમારા વરસાદ તો આછા જ હોય, વડદાદા! એ કામ તો મેઘરાજાનાં હશે! (કુમુદિની પાસે જાય છે.) કુમુદિનીબહેન ત્રાટક સાધ્યું છે? કુમુદિની : (શરમાતી) અશ્રુબહેન! આવો. ઝાકળ : તમને શણગારવા આવી છું. સખી શોભે એ તો મારા કોડ છે! (ઝાકળ કુમુદિનીના કાનમાં લવિંગડાં અને વેણીમાં હીરા ગૂંથે છે. કુમુદિની : (ઝાકળને ભેટતી) અશ્રુબહેન! આટલો પ્રેમ કરો છો અને મનની વાત નહિ કરો? આ અખંડ આંસુ શાનાં? ઝાકળ : (જાતાં જાતાં કુમુદિનીના ગાલ ઉપર એક તાળી મારતાં) એ પ્રશ્ન મને પૂછશો મા. (જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. સમીર ગાતોગાતો પ્રવેશે છે.) સમીર : દરિયાના બેટમાં બેઠી નીંદરડી, અવ્ળિનને આંચળા ઓઢાડે જી! મંદ મંદ, મંદ મંદ, ગાતી હાલરડાં, પ્રાણી ત્રિલોકનાં પોઢાડે જી રે! ઊંઘમાં મીઠી પોઢ્યાં પંખીડલાં, પારણે-વડલાની ડાળે જી રે! અણદીઠ હીરલાની દોરી અમે તો, તાણી નીંદરડી ઝુલાવે જી રે! ગાજે ગભીર ગાન મીઠો મ્હેરામણ, એ તો નીંદરની સિતારી જી રે! આંગળી ફર ફર વાયુ નીંદરની, સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે! વડલો : મારા પોઢ્યાં પંખીડલાંને ઝુલાવવા આવ્યા શું, સમીરભાઈ? આવો, પધારો. સમીર : (નમ્ર થવાનો પ્રયત્ન કરતો) ઝુલાવનારી તો દરિયાના બેટમાં બેઠી છે. અમે તો એની અદની, અદૃશ્ય હીરની દોરીઓ છીએ. (કુમુદિની પાસે જાય છે.) કુમુદિની! ઊંઘ નથી આવતી? આ તમારી બહેન કમલિની કેવી ઝોંપી ગઈ છે! કુમુદિની : (ટોળ કરતી) નિશાપતિને બદલે જો દિનકર આકાશમાં રાજતો હોત, અને કમલિની આમ જ ઝોંપી ગઈ હોત તો હું જિંદગીભર ઝોંપી જવાનું કબૂલત (મસ્તીથી) પ્રેમના ઘેન પારો નીંદરનું ઘેન કદી કામ આવ્યું છે? સમીર : (કુમુદિની સાથે ગેલ કરતો) કુમુદિની! તમે તો બહુ અજબ! કુમુદિની : આઘા રહેજો, સમીરરાય! હવે પધારો; તમારી નીંદરરાણીને મારા પ્રણામ પહોંચાડજો. સમીર : (વધારે છૂટ લેતો) કુમુદિની! કુમુદિની : મને અડશો નહિ. (સમીર અડવા જાય છે.) અરે, અરે ! તમે અડશો તો મારી ઝાકળે મઢેલાં મારાં મોતી સરી પડશે! દૂર રહો. સમીર : (લહેરીની માફક) કુમુદિની! - (કુમુદિનીને ઝુલાવતો ચાલ્યો જાય છે.) કુમુદિની : (ક્રોધથી ધ્રૂજી ઊઠતી) નફફ્ટ! - (સમીરની દિશામાં તાકી રહે છે.) ચંદ્ર : (આંખોમાં અમી લાવતો) બહુ ઉગ્ન થયાં, કુમુદિની! એ તો નાદાન છે! કુમુદિની : (શરમાતી નીચે નમીને) દેવ! ચંદ્ર : કુમુદિની! આજે આપણે વહેલાં વિખૂટાં થવું પડશે. ક્ષિતિજ ઉપર જો વાદળાં ચડે! કુમુદિની : આટલી જ વારમાં? ચંદ્ર : ગાંડી રે ગાંડી! આટલો બધો વખત તને આટલી જ વાર લાગે છે? તારામૈત્રકમાં સમયનું ભાન સરી ગયું! ફરી કાલે. કુમુદિની : પધારજો, દેવ! (વંદન કરવા માથું નીચું નમાવે છે.) નમનોમાં તો માથું ફરી ઊપડે છે; પણ હું તો તમારા પુન: ઉદય સુધી આ નમન લંબાવીશ. ચંદ્ર : કુમુદિની! જાઉં છું — ઘેરાઉં છું. આજનાં વાદળાંઓ વસમાં લાગે છે. (ચંદ્રનાં કિરણો કુમુદિનીને છેલ્લું છેલ્લું ચૂમીને અદૃશ્ય થાય છે. કુમુદિની ઝોંપી જાય છે. આકાશ ઘેરાય છે. થોડી વાર શાંત પથરાય છે.) વડલો : (ગંભીર બનતો) આકાશ કેવું ઘનઘોર થતું જાય છે! કેટલું ભયાનક બનતું જાય છે! (થોડી વાર મૌન રહે છે. મનની વ્યથાની આછીપાતળી છાયા મુખ ઉપર ઢળે છે.) મારું મન પણ આમ જ ઘેરાતું હોય એમ થાય છે. (થોડી વારે) આ શું થતું હશે? ઓહ! ઓહ! છાતીમાં કંઈક થાય છે. (એક ઘુવડ ઊડતું આવી વડઘટામાં બેસી ભયાનક અવાજ કરે છે. વડલો ચમકતો) ઓહ! કેવો ભયંકર અવાજ? કેવું અમંગળ? લોકો કહે છે કે જેની ઉપર ઘુવડ બોલે એની ઉપર કાળના પંજા ઊતરે! (અટકે છે.) ઊડી જા, ઊડી જા, ઓ અમંગળ પંખી! ઊડી જા. તારા ભયંકર અવાજથી મારાં પંખીડાંઓની ઊંઘ ઊડી જશે અને તેઓ ફફડી ઊઠશે. (ઘુવડ ફરી એક વાર ભયંકર ઊંડો અવાજ કરી ઊડી જાય છે. થોડી વારે) પંખીઓને ઉઠાડું?... ઉઠાડીને તેઓની છેલ્લી વિદાય લઈ લઉં?... (અટકે છે.) ના, ના. એવું કશું નથી, વડલા! એ તો મનનાં ભૂત. (થોડી વાર આકાશ સામે જોઈ રહે છે.) આ વાદળાંઓમાં કાંઈક ફેર છે, અરે, ઓ વાદળાંઓ! આજે તમે હંમેશની માફક અને બ્રહ્માંડના ભેદની ગહન વાતો કેમ કરતાં નથી? આજ તમે કોઈ બીજી આંખોથી મારા તરફ કેમ જોઈ રહ્યાં છો? (આકાશમાં જબ્બર ગડગડાટ થાય છે.) ઓહ, ઓહ! તમે કેવું ભયંકર અટ્ટહાસ્ય કરો છો? વાદળાંઓ! તમે હસો છો કેમ? વાદળાંઓ : તને જોઈને જ તો, વડલા વડલો : (વ્યથાથી) અરે ઓ વહાલાં વાદળાંઓ! તમે આજે ફરી ગયેલાં જણાઓ છો. જાણે તમે કોઈ બીજાં જ વાદળાંઓ ચડી આવ્યાં હો! વાદળાંઓ : એમ જ છે, વડલા! અમે તો કાળની ઊડણપાવડીઓ છીએ. (આકાશમાં ગડગડાટ થાય છે. કડાકા સાથે વીજળીનો ચમકારો થાય છે. ધરણી ધ્રૂજ ઊઠે છે.) વીજળી : વડલા! જિંદગી મારા ઝબકારા જેવી છે. વડલો : ઓહ! આ તો કેર થતો હોય એમ લાગે છે. જાગો, પંખીઓ! જાગો. (પંખીઓ ફફડી ઊઠે છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.) ઊડી જાવ, પંખીઓ! ઊડી જાવ. મારો કાળ નજીક આવ્યો લાગે છે. ઊડો, ઊડો; પંખીડાં! ઊડી જાવ. (આકાશમાંથી મુશળધાર વરસાદ વરસવો શરૂ થાય છે.) ઊડો પંખીઓ! ઊડી જાવ. વાર કરશો તો મારી સાથે તમારું પણ આવી બનશે. (સૃષ્ટિમાંથી એક ધડાકો ઊઠે છે, અને અંદરથી ઝંઝાવાત નીકળે છે. પર્વતો કંપી ઊઠે છે. પક્ષીઓ કલ્પાંત કરી મૂકે છે.) ઝંઝાવાત : (ગર્જના કરતો) સૃષ્ટિનાં તમામ ઝાડવાંઓ! તમારા કાળને વંદન કરો. (ઝાડવાંઓ કંપી ઊઠે છે. થોડી વાર ઝંઝાવાત રાહ જોતો મૌન રહે છે.) તરુઓ! તમારા કાળને ઓળખો, મને વંદન કરો! (કોઈ કાંઈ બોલતું નથી.) મને વંદન કરો છો કે મૂળ સોતાં ઉખેડી ધરણી પર ઢાળી દઉં? બોલો, વંદો છો? વડલો : (ગૌરવથી) આવ્યા એવા ચાલ્યા જાવ, ઝંઝાવાત? તરુગણ પ્રેમસમીર સિવાય કોઈને નમતો નથી. (ઝંઝાવાત મોટું રુદ્ર રૂપ ધારે છે. વડલા સિવાય સૌ થથરી જાય છે.) ચંપો : હું વંદું છું, ઝંઝાવાત! (પવનના ઝપાટાની દિશામાં નમે છે.) ખડ : મારાં પણ વંદન સ્વીકારજો, દેવા! (ઝાપટાની દિશામાં ઢળવાં લાગે છે.) વડલો : (તિરસ્કારથી) ઓહ! ...... ભીંડો : મારાં પણ કોટિ કોટિ વંદન સ્વીકારજો; વાયુરાજ! (નમી પડે છે.) મને ઉખેડશો મા! (વડલા સિવાય સૌ નમી જાય છે.) ઝંઝાવાત : (ગાજતો) વડલા! તારું ગુમાન છોડ, નહિ તો ઘડી બે ઘડીમાં હતો ન હતો થઈ જઈશ. મને વંદન કર. વડલો : વાયુરાજ! આ માથું પ્રભુ સિવાય કોઈને નમ્યું નથી, અને નમશે નહિ. ઝંઝાવાત : (ઊંચોનીચો થતો) તો જોઈ લે એ અભિમાનનું ફળ. (પવન સુસવાટે વધે છે. વડલાની ડાળો એકબીજા સાથે અફળાય છે.) વડલો : (ધૈર્યથી) પંખીગણ! ઊડી જાવ, ઊડી જાવ. મારો કાળ આવ્યો છે. (થોડાં પંખીઓ ઊડી જાય છે.) ભીંડાભાઈ! ગભરાશો નહિ. મારાં મૂળ મજબૂત છે. જ્યાં સુધી હું સાબૂત છું ત્યાં સુધી પવનના સર્વ ઝપાટા સામે મારી ઘટાને ઢાલ બનાવી તમને સુરક્ષિત રાખીશ. એ તો પાંખાળાં હતાં તે ઉડાડ્યાં. તમે તો સુખેથી રહો મારા વિશાળ થડની ઓથમાં. ભીંડો : મરવા પડ્યા છો ત્યારે તો મૂંગા રહો, વડલાભાઈ! (અસહાય બનતી) મરતાં મરતાં પણ મારી બદનામી કરશો? અભિમાન ન કરો અને જાત સંભાળો એટલે બસ! બાકી અમે તો ઝંઝારાજાની કૃપા હશે તો બચશું. (ફરી ઝંઝાવાતને નમન કરે છે.) (વાયુ વધે છે. વડલાનાં મૂળ હલી ઊઠે છે.) વડલો : પંખીઓ! ઊડી જાવ, ઊડી જાવ. પંખીઓ : વડદાદા! આજ સુધી જેણે આશરો આપ્યો તેને અણીને વખતે છોડશું, એમ? અમને એવાં હીન ધાર્યાં? વડદાદા! તમારું નસીબ તે અમારું નસીબ. (ઝંઝાવાત વધે છે. વડલો ઊછળે છે.) વડલો : (નમતો) પ્રણામ, ઝરણી! પ્રણામ, પ્રકૃતિ! હું જાઉં છું. પવનના એક ઝપાટા સાથે વડલો ભૂમિ ઉપર પટકાઈ પડે છે. પંખીઓ અંદર ચગદાઈ જાય છે. ડાળીઓનો કચ્ચરઘાણ વળી જાય છે.) ઝરણી : ઓહ, ઓહ, વડલાભાઈ! માફ કરજો મારા સૌ અપરાધો. (ઝરણીની આંખમાંથી આંસુની ઝરણી વહે છે.) વડલો : પ્રણામ! ઓહ!... (ઝંઝાવાત અટ્ટહાસ્ય કરતો ચાલ્યો જાય છે. ધીમેધીમે તોફાન શમે છે. આકાશમાં ઉઘાડ થાય છે. પૂર્વમાંથી કૂકડો ગાતોગાતો આવે છે.) કૂકડો : અમે તો સૂરજના છડીદાર અમે તો પ્રભાતના પોકાર!... ધ્રુવo સૂરજ આવશે...... (વડલાને ન જોવાથી એકદમ અચકાઈને, અરે! વડલાભાભા ક્યાં ગયા? (આમતેમ જુએ છે. વડલાને ભૂમિ ઉપર ઢળેલો જોઈને અરેરે આ શું થયું? ઝરણી : કૂકડાભાઈ! કેર થઈ ગયો. લાખોના પાળનાર રાજા મરે અને જેમ ધરણી રંડાય તેમ આજે વનશ્રી રંડાઈ ગઈ છે. કૂકડાભાઈ! વડદાદાનો દેહ પડ્યો છે, પણ પ્રાણ તો હજી અણનમ છે. અને જે ઝંઝાવાતે વડદાદાના મહાન જીવનનો અંત આણ્યો છે તે જ ઝંઝાવાતે વડદાદાના અસંખ્ય ટેટાઓ ગાઉઓના ગાઉ સુધી પ્રસારી દીધા છે. એ ટેટાઓમાંથી વડદાદા જેવા બીજા અસંખ્ય વડલાઓ ફૂટી નીકળશે. કૂકડો : ગજબ થયો કહેવાય, ઝરણીબહેન! (થોડી વારે) હવે હજારો પંખીઓને કોણ આશરો આપશે? વડલાભાભા તો પ્રેમના સાગર હતી. ભીંડો : (કઠોર હાસ્ય કરતો) અરે, બેવકૂફ હતો, બેવકૂફ! એક સહેજ નમી લીધું હોત તો જિંદગી ઊગરી જાત, એટલું પણ એ ન સમજ્યો! ચાલો, જે થાય છે તે સારા માટે જ થાય છે. હવે મારી પ્રગતિને રોકનાર કોઈ જ ન રહ્યું. (આકાશ આ સાંભળીને લાલ થઈ જાય છે. ઝરણીના મુખ ઉપર પણ લોહી દોડી આવે છે.) કૂકડો : વડલાભાઈને જગાડવામાં આજે મારો સંજીવનમંત્ર કાંઈ જ ખપ નહિ લાગે. મારે મારું ગીત બદલવું પડશે. (ગાતોગાતો જાય છે.)

જાગે જગના પ્રાણ સહુ પણ, વ્યર્થ બધો પોકાર! આભ ચીરું હું તોય ન પહોંચે, નાદ મૃત્યુને પાર ...અમેo મૃત્યુ કેરી નીંદ ચિરાતન, ક્યાં છે જગાડનાર! સૂર્યકિરણ જે પાર ન પહોંચે, શા ખપનો છડીદાર! અમે તો સૂરજના છડીદાર, અમે તો પ્રભાતના પોકાર ! (કૂકડો ગાતોગાતો જાય છે.)

(પૃથ્વીનો ક્રમ પાછો શરૂ થાય છે.)