બાળનાટકો/5 મારે થવું છે
(પડદો ચડે છે કે તરત જ મગન જમણી બાજુથી ચટાક ચટાક પ્રવેશ કરે છે. એ રાણા પ્રતાપના લેબાસમાં છે. ભાલો, તલવાર, ઢાલ એમ જેટલાં હથિયારો શરીર ઉપર લાદી શકાય તેટલાં લાદ્યાં છે. વીર રસમાં આવી પડકારે છે.) મગન : હું રાણો પ્રતાપ. ક્ષ....ક્ષ....ક્ષત્રિયોનું, રાજપૂતોનું હું નાક. આ અરાવલીની ટેકરીઓનો હું પડઘો-સ્વાતંત્ર્યનો પડઘો. જાન જાય પણ માન ન જાય. દિલ્હીના બાદશાહની દેન નથી કે... (ડાબી બાજુથી છગન ધસી આવે છે. એ પણ રાણા પ્રતાપના વેશમાં છે. મગનની બીજી આવૃત્તિ હોય તેમ તેણે પણ ભાલો, તલવાર અને ઢાલ લાદ્યાં છે. રોષમાં, એકદમ) છગન : હવે, બેસ, બેસ, મગના! રાણો પ્રતાપ તો હું છું, આજના નાટકમાં રાણા પ્રતાપનો પાઠ તો મને આપ્યો છે મહેતાજીએ! ભાલો-બાલો ફેંકીને મારા ઘોડાની લગામ પકડી ‘‘રાણા પ્રતાપની જય!’’ પુકાર તો તારું મોઢું પણ ભરાય. (આગળ ધસી પોતાનું ભાલું ભોંય પર મૂક્યા વિના મગનનું ભાલું ખૂંચવી લેવા જાય છે.) મગન : શાંતમ્! શાંતમ્! રાણા સાહેબ. જરા ધીરા પડો. હવે તું કહે છે તો યાદ આવ્યું. મને તો ભગવાન શ્રીકૃષ્ણનો પાઠ આપવામાં આવ્યો હતો. ચાલો. (ભાલો અને તલવાર અને ઢાલ ‘વીંગ’માં ફગાવતો) ભલું થયું ભાંગી જંજાળ. સુખે બનીશું શ્રીગોપાળ! પણ ખરું પૂછે, છગના, તો મારે નથી થવું રાણા પ્રતાપ કે નથી થવું ભગવાન શ્રીકૃષ્ણ! પ્રતાપને માથે લોઢાનો ટોપો અને કૃષ્ણને માથે સોનાનો મુગટ. મારું તો માથું દુખી આવે છે, ભાઈ મારે થવું છે પાનવાળો. દુકાને બેસીએ અને પાનપટ્ટી કરીએ. ભાત-ભાતના લોકો આવે. ચકચકતા આના કાઢે. ખિયા બીડી માગે અને બંદા આપે કાતર છાપ. અને પાનપટ્ટી તો બનતી ચાલે બનારસનું પાન. એનો કાપું હું કાન. ચૂનો કાથો રંગ-રંગોળ. વાળું પટ્ટી નાની ગોળ કપૂરનો હું ભડકો કરું. લવિંગ એલચી તજથી ભરું, અને ખબર છે? વચ્ચે વચ્ચે વરખવાળું પાન પોતાના જ ગાલમાં ગોઠવી દઉં. અને કોઈને એક પૈસો પણ ન આપવો પડે. છગન : તું તો ખરો નીકળ્યો, મગન, જો તું રાણા પ્રતાપ નહિ થા તો હું પણ નહિ થાઉં. મારુંય મન ક્યાંક બીજે છે. (હથિયારો ‘વીંગ’માં ફગાવતો) હું તો થઈશ સ્ટેશન માસ્તર, (ટોપો ફગાવતો) આ એક મણના ટોપા કરતાં સ્ટેશન માસ્તરની ટોપી સારી. અને કેવી મજા! ભલભલાએ મને સલામ કરવી પડે કેમકે સિગ્નલ દેવાનું તો બંદાના હાથમાં જ ને? મરજી પડે ત્યારે ગાડી ચાલવા દઈએ, અને સગાવહાલાં મોડાં પડ્યાં હોય તો ‘લેટ’ પણ કરી દઈએ. સીટી મારા મોઢામાં. કેવી કૌવત લોઢામાં? ટિકિટ માગતાં ધ્રૂજે સહુ. મફત ચાલતી મ્હારી વહુ. (જમણી બાજુથી કનુ આવે છે. એ બીરબલના પોશાકમાં છે.) કનુ : આ તે કાંઈ નાટક છે? કે ચેટક છે? મહેતાએ તો લાકડે માકડું વળગાડ્યું છે. અને મારા કરતાં પણ તેઓશ્રી ઇતિહાસ ઓછો જાણે છે. એમને મન આઠમી સદી, કે અઢારમી સદી કે એકવીશમી સદી એક જ. કોઈને પૂછ્યા વિના જે મન આવ્યું તે લફરું લગાવ્યું. મને બીરબલ બનાવ્યો. અને મારે થાવું છે મહેતાજી. શિક્ષકને શિખવાડ્યું છે. (ખોટી દાઢી ઉતારો) લ્યો મારી આ ગર્ધભપૂંછની બનેલી દાઢી. હું તો માસ્તર બનીને માસ્તર સાહેબને કહીશ કે : ‘‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમ ઝમ’’ (એ) જૂની પુરાણી ખોટી વાત નવા શિષ્યની જુદી જાત. શિક્ષકને શિક્ષણ આપો; પગાર ફી માટે કાપો. (ડાબી બાજુથી રંભા પ્રવેશ કરે છે. બગલા જેવી ધોળી શેતર સાડીમાં એ મીરાંબાઈના પાઠમાં છે. હાથમાં મંજીરા છે.) રંભા : લ્યો, આ તમારા મંજીરા. ‘(વીંગ’ તરફ ફગાવે છે.) મારે મીરાંબાઈ નથી બનવું. આ તો વીશમી સદી છે અને એ મનુમહારાજને વીસરી ગઈ છે. વિષના પ્યાલા આજે તે કાંઈ પીવાના હોય? કોકાકોલા કેમ ન પીઈએ? મારું પોતાનું, રંભાનું, ખાનગી સ્વપ્ન છે. લોકસભાની સભ્ય બનવાનું. પણ એ ‘ટીકેટ’ ન મળે ત્યાં સુધી કોઈને નથી કહેવાની. અને એક વખત ચૂંટાઈ આવે કે તરત જ પુરુષ વર્ગને કરું પડકાર! મત મારો હરરોજ નકાર! રાંધણીયે વર મારો વસે. રશિયામાં મન મારું ધસે. (જમણી બાજુથી મનુ તાનસેનના લેબાસમાં પ્રવેશ કરે છે. એના ખભા ઉપર મોટો તંબૂરો છે.) મનુ : પિતાશ્રીનો તંબૂરો! લ્યો! ‘(વીંગ’ તરફ ફગાવે છે.) શૂન્યમનસ્ક જેવા આ તૂંબડાને કોઈ બચાવી શકો તો બચાવો! ‘(વીંગમાંથી કોઈ ઓચિંતા બહાર આવી, ‘કેચ’ કરી, અલોપ થઈ જાય છે.) મને મોટો તાનસેન બનાવ્યો. અને મારે થવું છે. બાવો. ત્યારેય તૂંબડી કામ આવશે. ‘ભિક્ષાન્ન દેહિ!’ કરીશ અને મારા પેટ કરતા બમણી ગોળમટોળ એ ભરાઈ જશે. દેનારા ભૂખે મરશે પણ લેનારાને લોહી ચડશે. રોજ રોજ કામ કરવા માટે કામ ન કરીએ. સમય બચાવવો જોઈએ. કોઈ બીજા તમારી સેવા કરીને તમને નવરા ન બનાવે તો સેવા કરવાનો વખત તમને ક્યાંથી મળે? હરિ ઓમ! In a day nobody built a Rome! So give me eternity! (ડાબી બાજુથી હબીબ પ્રવેશ કરે છે. પોતાના માથું ઉપરાંત બીજું નવ માથા ટેકવતો એ રાવણના લેબાસમાં છે.) હબીબ : મહારથી પોતાનું માથું મૂકે. લ્યો મારા નવ માથાં. (નવ માથાં ‘વીંગ’ તરફ એક સાથે ફગાવે છે.) એક તો પાઠ કરવો, અને સૌનો તિરસ્કાર સહેવો. મારે રાવણ નથી બનવું. મારે રામ પણ નથી બનતું. જે ન બની શકાય તે બનવું અજુકતું. મારે થવું છે. મદારી. ભાઈશાબ! મને માફ કરો. પણ મારે થવું છે મદારી. હું મદારી થવા માગું તેમાં તમારું શું જાય છે? મગન : અમે ક્યાં ના કહીએ છીએ? પણ ભૂખે મરશો. લોકો ગારોડીથી કંટાળી ગયા છે. એમને કાંઈક નવું જોઈએ. વળી આજકાલ જંગલો સાફ થઈ રહ્યાં છે અને નાગોનો નાશ થઈ રહ્યો છે. અને એકાદ સાપોલિયું મળી ગયું તોય ‘ઓડિયન્સ’ ક્યાંથી મળશે? ત્રાગાં કરવા પડશે, ત્રાગાં! હબીબ : તમે ભૂલો છો. અમેરિકનોનો ક્યાં તોટો છે? દ2 ક્ષણે એક અમેરિકન જન્મે છે અને દર દિને હવાઈ જહાજમાં તે હિન્દ આવે છે. પૂંગી મારી બાજે! નાગરાજ ફણસ સાથે, ગોરાના કુતૂહલ કાજે! (જમણી બાજુથી ચંપા પ્રવેશ કરે છે. એ ચાંદબીબીના પહેરવેશમાં છે.) ચંપા : ‘(વીંગ’ તરફ તલવાર ફગાવતી) ડરશો મા! નાટકની છે એટલે લાકડાની છે. નહીં તો પહેરવાની મારી પણ શું હિમ્મત? પણ ચાંદબીબી આપણાથી થવાય તેમ નથી, અને થવાય તો સહેવાય તેમ નથી. આ એક તલવારને બદલે મને બે માટલાં આપો તોય વાંધો નહિ. ખરચ પણ ઓછો થશે. હું તો થવા માગું છું ભથવારી. એ મારું સ્વપ્ન છે અને મને રાજકુમાર પણ ન જોઈએ. મને આપો એક રબારી અને ધીંગા દીકરા. ઘર મારું રેઢું છો રેતું, પાદર કેરા કોડ! વડલાની છાયામાં રાચે ગંધરાજના છોડ (ડાબી બાજુથી કાળુ પ્રવેશ કરે છે. એ સરદાર દસોંદાસીંગના લેબાસમાં છે અને એક ખચ્ચરને ખેંચતો આવે છે.) કાળુ : કોઈએ મને પૂછ્યું નહિ, અને પૂછ્યું હોત તો ઉત્તર ક્યાંથી મળત? મારી પાસે જવાબો છે પણ એ આપું જો પ્રશ્ન ન પુછાય તો જ. મને હુકમ થયો છે કે હું સરદાર દસોંદાસીંગનો પાઠ ભજવું. એક રીતે એ સહેલું છે કેમકે સરદાર દસોંદાસીંગ એટલે સૌની મૂર્ખાઈનો અર્ક. અને મૂર્ખાઈ તો બંદાની ગળથૂથીમાં. એક રીતે એ અઘરું છે, કેમકે સૌની ચતુરાઈ સરદાર દસોદાસીંગનો વાઘો સજે. મારું નામ ચતુર નથી; મારું નામ કાળુ છે. એટલે લ્યો આ તમારી કિરપાણ. (કેડ ઉપરથી છોડીને ‘વીંગ’માં ફગાવે છે.) અને દ્યો મને એક દાતરડું. મારે થવું છે માળી. મફતમાં મળે શાકભાજી મને, હું છું કાળુડો માળી મફતમાં મળે બોર જમરૂખ ને, પાળી છે એક ભેંશ કાળી. મૂઝે નહિ બનના દસોંદાસીંગ! મીરચી, લેકીન કભી ન હીંગ! (જમણી બાજુથી મંચેરશા પ્રવેશ કરે છે. એ હનુમાનના પાઠમાં છે.) મંચેરશા : આ લ્યો તમારું પૂછડું. (પૂછડું કાઢી ‘વીંગ’ તરફ ફગાવે છે.) બાબા રે બાબા! ખતમ થઈ ગયા. એક પૂંછડું પકડવામાં કાંઈ સાર નહિ. હનુમાન બનવામાં માન ઘણું પણ શાન નહિ. અને આ બંદાને કોમીક જોઈએ, કૂદકાં નહિ. ન્હાનો હતો અને માએ પૂછ્યું ત્યારે મેં જાહેર કરેલું કે મારે બંબાવાળો થવું છે. આટલો મોટો થયો પણ મન બદલાવ્યું નથી. પ્રાણ જાય પણ વચન ન જાય. આગ લગાડનારો બનાવ્યો પણ થવું છે આગ બુઝાવનારો. હું છું બંબાવાળો તેથી તમે લગાડો આગ. નહિ તો બેકારી મારે ત્યાં, ‘‘આગ કરો!’’ એ માગ (ડાબી બાજુથી મહેતાજી કોઠીની જેમ દડતા દડતા આવે છે. બધાની સામે, પ્રેક્ષકોની તરફ પીઠ વાળીને એ હાથ લંબાવી ઊભા રહે છે.) મહેતા : એ બધું ઠીક, મેં બધું સાંભળ્યું પડદા પાછળથી. તમારે જે થવું હોય તે થજો. પણ કાલે. આજે પોતપોતાનો પાઠ ભજવી જે આવ્યા છે તે મહેમાનોનું મનોરંજન કરો. બધાં : ઠીક, ત્યારે. ચાલો, આપણે આપણી ફરજ બજાવીએ, અને મઝેદાર માણસોને બદલે મોટા માણસો થઈએ. (બન્ને ‘વીંગ’માંથી ચીની સામગ્રીકોની જેમ કેટલાક ડ્રેસવાળા ધસી આવે છે અને મગન-છગનને ભાલાં, કનુને દાઢી, મનુને તંબૂરો, રંભાને મંજીરા, હબીબને નવ માથાં, ચંપાને તલવાર, કાળુને કિરપાણ અને મંચેરશાને પૂંછડી આવવા લાગે છે. પ્રેક્ષકોની હસાહસ અને તાળિયોના ગડગડાટ વચ્ચે પડદો પડે છે.) (પણ જો અહીં ન અટકવું હોય તો આગળ ચાલો. જમણી બાજુથી અનંતશંકર અવધાની પ્રવેશ કરે છે. મુંડેલા માથા વચ્ચેથી પાછળ ચોટલી નીતરે છે. એ બ્રાહ્મણના વેશમાં છે.)
અનંતશંકર અવધાની : જય ત્રિકાલજ્ઞાની દત્તાત્રેયની! હું અનંતશંકર અવધાની. મારું વ્હાલસોયું નામ અનંત. અને મને સમજવાનું મન થાય તો અનંત જ કહેવો. પણ એ ઉપર આવું તે પહેલાં એક કામ કરી લઉં. (મહેતાજી તરફ ફરી) માસ્તરસાબ, આપ પધારો. વિદ્યાર્થીઓને છુટ્ટી તમે ન આપી તો માસ્તરને છુટ્ટી હું આપું. તમારી ગેરહજરીમાં જ આ છોકરાંઓનો ને મારો મેળ થશે અને રંગ જામશે. (મહેતાજી જોવા જાય છે.) આ બધા ડ્રેસવાળાઓને પણ લેતા જાવ. જરા સ્ટેઈજ ખાલી થાય. (મહેતાજી અને ડ્રેસવાળાઓ જાય છે.) સૌંદર્યને મઢવું જોઈએ ખાલી જગ્યામાં અને કલ્પનાને મોકળાશ જોઈએ. બધાં : તો આપ અનંતશંકર અવધાની પોતે જ! જરા વિચિત્ર લાગો છો. અનંતશંકર અવધાની : વિચિત્ર નહિ, ત્રિચિત્ર છું. હું ટૂંકામાં અનન્ત, એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ત્રિશૂળ. (બે હાથ મુંડાની બાજુએ ઊભા કરી) કેમ નથી લાગતો? ત્યારે? ભાઈઓ અને બહેનો! તમારી સૌની વચ્ચે મારી ખાસ જરૂર છે. મારા વિના તમારો મેળ નહિ ખાય. તમે બધાં જુદાજુદા વખતે જન્મેલાં અને અલગ અલગ વખતે અલોપ થયેલા. એટલે આ અનંતશંકર અવધાનીના મગજમાં જ તમે એક સાથે હળીમળીને રહી શકશો. નહિ તો એકબીજાને ઓળખશો નહિ અને બહુ ગોટાળો થશે. (બધા, પોતપોતાના પાઠના ડ્રેસમાં એકબીજા સામે જુએ છે અને આંખો ફાડે છે.) બધાં : ધીમેધીમે ઝાંખી થાય છે. એટલે એમ કે એકબીજાને ઓળખવા માટે અમારે તમને ઓળખવા જોઈએ. ત્યારે ઓળખાણ પડાવો, અનંતશંકર! અનંતશંકર અવધાની : હું તો એથીય વધારે મદદ કરવા તૈયાર છું. ચાલો, સૌ! આંખો બંધ કરી, અદબવાળી ઊભા રહો. હું એક મંત્ર જપીશ કે તરત જ તમે બધા પોતપોતાના ભજવવાના પાઠમાં ઓતપ્રોત થઈ જશો. એથીય વધારે. તમે જેનો પાઠ ભજવો છો તે મહારથીઓ જ તમારા બદનમાં અવતરશે, અને તમારી જીભે બોલશે. (બધા આંખ મીંચી, અદબવાળી ઊભા રહે છે.) જંતર મંતર! કાલ, આજ ને કાલ પડી છે મારે અંતર અંતર મંતર! ગોરખ આવ્યા ચેત મછંદર! (બધાં આળસ મરડતાં આંખો ખોલે છે. એકબીજાની સામે અચંબાથી જુએ છે. અનંતશંકર અવધાની સૌની પાછળ ખસીને ઊભા રહે છે.) રાણપ્રતાપ (મગન) : (છગનવાળા રાણા પ્રતાપનો હાથ પકડી) કાં, ભાઈ! આપણા જોટાએ તો ઇતિહાસને પણ બેવડો કર્યો. આજે આ તખ્તા ઉપર મળીએ છીએ તેમ જો સદીઓ પહેલાં અરવલ્લીની ટેકરીઓમાં મળ્યા હોત તો જુદો ઇતિહાસ લખાત, એકને બદલે બે રાણા પ્રતાપ હોય તો યવનોનું આવી બનત. પણ હિન્દુસ્તાનનું દુ:ખ જ એ છે ને? બીજો માણસ મળવી મુશ્કેલ છે. રાણ પ્રતાપ (છગન) : વળી પાછી એની એ પંચાત? ઇતિહસ! ઇતિહાસ! ઇતિહાસ! ભવિષ્યમાં જીવવા માટે આપણે આપણા કાળમાં જીવવવાનું ભૂલી ગયા. ઇતિહાસમાં અમર થવા માટે આપણે આપણા વર્તમાનને માણવાનું છોડી દીધેલું. ભવિષ્યની પ્રજાને ઉગારવા છતાં આપણે ખુવાર થયા. કહો, ભવિષ્યની પ્રજાએ શું બદલો વાળ્યો? પાઠ્યપુસ્તકમાં આવી ગયા એટલે ગોખનારાઓને મન કડવા થયા. હું તો આ બખ્તર ઉતારી ઢીલી પાયજામો પહેરી જરા લેટી જવા માગું છું. રાણા પ્રતાપ (મગન) : હા, ભાઈ! તેં ઠીક કહ્યું. આ અનંતશંકર અવધાનીએ એક તક આપી છે તો ઇતિહાસના પીળાં પાનાંઓમાંથી સરકી જઈને મગન-છગન કેમ ન બની જઈએ? લીલાલહેર કરશું. જલેબી ખાશું. સિનેમા જોવા જાશું. રાણા પ્રતાપના આજના લોકોએ શા હાલ કર્યા છે એની આપણને સિનેમામાં ખબર પડશે. (મગન જમણી‘વીંગ’ તરફ, અને છગન ડાબી ‘વીંગ’ તરફ પોતપોતાના ટોપાં, ભાલાં, બખ્તર વગેરે ફેંકે છે.) બીરબલ : હું બાદશાહનો માનીતો બીરબલ હસાવી-હસાવીને મારી આંખમાં તો પાણી આવી ગયાં છે. અને આટલું હસાવ્યા તોય લોકો પોતાની મેળે હસતાં થયાં નહિ. હિન્દના લોકોને આંસુ સાર્યા વિના લહેજત આવતી નથી. આ દેશમાં આપણું કામ નહિ. વળી રાજા નવાબોને રદ કર્યા અને બાદશાહ વિના બીરબલ કાંઈ ખીલે? લો. આ તમારી દાઢી. (જમણી બાજુ ફગાવે છે.) હું તો કનુ થઈને રહીશ. પહેલેથી જ મને કનુ નામ પસંદ હતું. પણ કર્યું તો બાદશાહ સલામત જીભ કાપી નાખે તેવો ડર હતો. મીરાં : મારેય તે મીરાં મટી રંભા થવું છે. (મંજીરા ડાબી બાજુની ‘વીંગ’માં ફગાવે છે.) આજનો જમાનો કોઈ રાણાને પેસવા ન દે, અને રાણા વિના મને વિષનો પ્યાલો કોણ આપે? અને વિષના પ્યાલા વિના કૃષ્ણ કનૈયો મને કેવી રીતે ઉગારે? ભક્તિ તો કરી જોઈ, અને એમાં સાર છે તે પણ જોયું. પણ હવે રંભા થઈ શક્તિ અજમાવું. રંભા થઈ લોકસભામાં આવી જાઉં તો મીરાંબાઈનાં બધાં જ ભજનો નિશાળે-નિશાળે ફરજિયાત કરાવું. આજના કવિઓ તો પોતપોતાની ચોપડીઓને જ પાઠ્યપુસ્તકો કરાવી રહ્યા છે. તાનસેન : હું તાનસેન! સંગીતસમ્રાટ! પણ હુંય તે તાનસેન મટી મનુ થા માગું છું. અને છતાંય તંબૂરો રાખવા માગું છું. એટલે મારા પહેલાઓની જેમ (તંબૂરાનો તાર રણકારી) આને હું ‘વીંગ’માં ન ફગાવું તો મને માફ કરશો. મનુ થવા છતાં તંબૂરો રાખવાનું કારણ છે. હું જ્યારે અકબર બાદશાહના વખતમાં સંગીત કરતો અને નવા રાગો રચતો ત્યારે મારા જમાનામાં જીવતો અને જે જોતો તેને સ્વરમાં સપડાવતો. પણ આજના કલાકારો જૂની કૃતિઓને સંગ્રહાલયોમાં સંઘરી પોતાને ધન્યધન્ય લેખવા લાગ્યા છે અને નવા સર્જનની ઉપાસના છોડવા લાગ્યા છે. મને નોટેશનમાં કેદ કરી, મને ગાઈને ફરી ફરી, તેઓએ અજાયબઘરની કળાની જોહુકમી શરૂ કરી છે. એટલે હું તાનસેન મનુ બની ફરી તંબૂરો રણકારીશ, અને આજના જીવનનું સ્વરદોહન કરીશ. પછી ભલે મને ફિલમિયો કહી વગોવે. મારે કનુ બનવું છે અને આજનો તંબૂરો વીંઝવો છે. રાવણ : (હનુમાન તરફ જઈ) હાથ મિલાવો. તમે મારી લંકા બાળી તોય તમને હું માફ કરું છું. આટલી સદીઓ વહી ગઈ એટલે હવે બીજું હું કરી પણ શું શકું? વળી આજકાલ દ્રાવિડીસ્તાનની હવા ચાલી રહી છે એટલે કાંઈ વધારે કહીને હું પ્રજાને ઉશ્કેરવા નથી માગતો. રાવણ તરીકે મને દશ માથાં હતાં એટલે હું Easy target હતો. એક માથું સાચવવા માટે હું મારાં નવ માથાંને કુરબાન કરવા તૈયાર છું. લો આ મારાં નવ માથાં ‘(વીંગ’ તરફ ફગાવે છે.) અને એ નવ કુરબાનીઓનો જશ મૂકો હબીબને માથે. કેમકે આજથી મારે બનવું છે હબીબ. મારા જમાનામાં આવાં સરસ નામ પણ નહોતાં. દસોંદાસીંગ : (ચાંદબીબી પાસે જઈ) આ ચાંદબીબી પણ ચાંદબીબી મટી ચંપા બનવા માગે છે એટલું આપણે સ્વીકારી લઈએ અને એક ગલોટિયાનો વખત બચાવીએ. ફેંકો આપકી તલવાર! (ચાંદબીબી જાણે હુકમ ઉઠાવતી હોય તેમ પોતાની તલવાર ‘વીંગ’ તરફ ફગાવે છે.) અને આ લો મારી કિરપાણ (ફગાવે છે.) બંદા પણ દસોંદાસીંગ મટી કાળુ બનવા તૈયાર છે. અને મારે માટે આ પલટો બહુ સહેલો છે. મેં ઇતિહાસને છેતર્યો છે. મગન (રાણા પ્રતાપ) : ઇતિહાસને છેતર્યો? કેવી રીતે? દસોંદાસીંગ : બંદા કભી જન્મ્યા નહોતા અને મર્યા નહોતા. બંદા કભી માણસ જ ન હતા એમ કહીએ તોય ચાલે. દસોંદાસીંગ તો દરેક મૂર્ખાઓના મગજમાં બિરાજતા. એટલે હવે હું કાળુ થઈ મૂર્ખાઓનું એક યુનિયન બનાવવા માગું છું. મને ખાતરી છે કે અમારા યુનિયનની સંખ્યા સૌથી મોટી થશે. હું પણ જે નથી તે થઈને આજના નાટકનો સર્વાનુમતે અંત આણવા માગું છું. હનુમાન : (ગંભીરતાથી આગળ આવી) હું હનુમાન. મારે મારો મત વિરોધમાં નાખી તમારી સર્વાનુમતિની ઝંખના બગાડવી પડશે. મને માફ કરશો. (નમે છે.) કાળુ (દસોંદાસીંગ) : તમેય તે ખરા નીકળ્યા. અમે સૌ ઊંધાથી એ ઊંધા! હનુમાન : બે વખત ઊંધા તે ચત્તા ગણાય. પણ માફ કરો. મારાથી હનુમાન મટી મંચેરશા બનાય તેમ નથી. પણ હું ખાતરી આપું છું કે મંચેરશા સામે મારે કાંઈ અંગત વાંધો નથી. વળી એ પારસી ભાઈ સમૂજી છે એટલે એ કદાચ મારો કોયડો સમજશે અને મને માફ કરશે. ચંપા (ચાંદબીબી) : હું ચાંદબીબી મટીને માત્ર ચંપા બની અને તમને હનુમાન મટવામાં પણ વાંધો છે? આ છે શું? (એક પગ પછાડે છે અને કેડ ઉપર હાથ પ્રસારે છે. પણ ત્યાં તલવાર નથી એવું તરત જ ભાન થાય છે.) હનુમાન : ઉશ્કેરાવાનું કશું કારણ નથી. હું તો મારી ફરજ બજાવું છું. જેમ રામરાજ્યમાં મેં મારી ફરજ બજાવી, તેમ આ કળિયુગમાં મારી ફરજ બજાવી હું ધન્ય થાઉં. હું વાનર રહું તે જ સારું છે. કાળુ (દસોંદાસીંગ) : પોતાના પૂંછડાના ગૂંચળામાં અમને નાખો છો. હબીબ (રાવણ) : એ તો એમની ઘણી જૂની ટેવ છે. (લલકારે છે) યાદ હૈ મુજકો લંકાજીકી આગ! હનુમાન : લો, ત્યારે તમને સમજાવું, આ જમાનો બહુ વીફર્યો છે. માણસ માણસ રહ્યા નથી એટલે વાનર રહેવાની મારી ફરજ છે. ધારો કે એકબીજા ઉપર અણુબોંમ્બ ફેંકીને સમસ્ત માનવજાત આખી ધરણી ઉપરથી ખતમ થઈ જાય તો? પછી? ઉત્ક્રાંતિનો ક્રમ ફરી પાછો અમારે વાંદરાઓએ જ શરૂ કરવો પડશે ને? બધાં : હા, એ સાચું કહ્યું તમે! હનુમાન : તો મારી સરદારી નીચે ચાલો સૌ જંગલમાં. આ મંગળમાં કાંઈ સાર નથી.
(હનુમાન પાછળ એક હારમાં ગોઠવાઈ, હનુમાનનું પૂંછડું પકડી, બધાં ધમ ધમ કરતાં, માર્ચ કરતાં, જેવા જમણી ‘વીંગ’માં જાય છે તેવો જ તાળીઓના ગડગડાટ અને હસાહસ વચ્ચે પડદો પડે છે.)