બાળ કાવ્ય સંપદા/અભિલાષ
Jump to navigation
Jump to search
અભિલાષ
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
તારો હું મા, બેટો જ્યારે
બનીશ મર્દો મોટો,
ઘરધંધો કરતાં તુજને તવ
થાક ન ચડશે ખોટો.
મારા ચાકરનોકર એ સહુ
ઘરનો ધંધો કરશે;
તું તારે હીંચોળે ઝૂલી-
આ કર, તે કર-કરજે.
દેવસેવની ફૂલછાબમાં
સૂકાં પર્ણો જોઈ;
તે વેળા નહિ માડી, તારે
રહેવું પડશે રોઈ.
ઘરવાડીનાં ગુલાબ મોટાં,
પારિજાત ચંપેલી,
જાતજાતનાં, રંગરંગનાં
ચડાવજે મન મેલી.
દેવદ્વારથી પાછાં ફરતાં
માગણ હાથ પસારે,
અચકાતાં ખચકાતાં ત્યારે
પાઈ ન દેવી તારે.
માગણ સહુ વીંટાવા દેજે,
લૂટવા ભરેલ થેલી;
ફરી કરશે ચડી વહાણે બેટો
લક્ષ્મી પાય પડેલી.
તે વેળા નહિ લોક ગામના
ગણશે ગરીબ ઘરની;
ભર્યાં ગામની મોટેરી શી
પંકાશે મુજ જનની.
ભાગોળે બંધાવીશ મોટી
ધર્મશાળ તુજ નામે,
દેશદેશના પંથી વહેશે
તવ યશ ગામોગામે.