બાળ કાવ્ય સંપદા/આપો... આપો

આપો... આપો !

લેખક : પુષ્પાબહેન વકીલ
(1908-1983)

આપો, આપો, બે સુંદર પાંખ મને,

મારે પંખી ભમે તેમ ભમવું છે,
વન, વાડી, બગીચે રમવું છે.... આપો

મારે ઊંચેરા આભમાં ઊડવું છે,
પેલા તારા રમે તેમ રમવું છે.... આપો

પેલાં ઝાડોની કુંજમાં છૂપવું છે,
મારે પંખીનું ગીતડું ગાવું છે.... આપો

હાથ ચાંદા-સૂરજને ધરવા છે,
મારે દીવા ગગનના ગણવા છે.... આપો