બાળ કાવ્ય સંપદા/ઓ ખિસકોલી ! ઓ ખિસકોલી !
Jump to navigation
Jump to search
ઓ ખિસકોલી ! ખિસકોલી !
લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)
ઓ ખિસકોલી ! ખિસકોલી ! !
તું ચટકમટક લટકાળી !
તું રમત કરે રઢિયાળી !
સૌને જોતાં ગમી જાય તું, સૌને લાગે વ્હાલી !
ઓ ખિસકોલી ! ખિસકોલી ! !
તું મીઠા માણે મેવા,
તું સૌની પામે સેવા,
છોટામોટા સૌયે ખેલે તારી સાથે કેવા !
ઓ ખિસકોલી ! ખિસકોલી ! !
તું દહાડો આખો ફરતી,
તું ગેલ ઘણીયે કરતી,
સૌને કેવી મજા કરાવે ડાળ ડાળ પર સરતી !
ઓ ખિસકોલી ! ખિસકોલી ! !
તું ચટાપટાળી ચમકે,
તું રેશમ સરખી સરકે,
હેત રામજીનું તારે ડિલ કેવું કોમળ થરકે !
ઓ ખિસકોલી ! ખિસકોલી ! !