બાળ કાવ્ય સંપદા/કોણે ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કોણે ?

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

નીલેરા આભની રૂપાળી જાજમે
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?

વહેલી પરોઢના પૂરવના બારણે
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?

સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?

મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?

પૂનમની રાતના ખીલે છે પોયણાં
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?

વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?

સાગરની કાયાને સુંદર સોહાવતાં
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?

તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?