બાળ કાવ્ય સંપદા/કોણે કર્યાં ?
Jump to navigation
Jump to search
કોણે કર્યાં ?
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
ચમકંતી વીજળી, ગરજંતો મેહુલો,
સૂસવતા વાયરા, કોણે કર્યાં ? કોણે કર્યાં ?
ચાંદો સૂરજ, ને ટમકંતા તારલા,
વાદળીએ નવરંગ કોણે કર્યાં ? કોણે કર્યાં ?
ઊંચેરા પહાડ, ને જંગલમાં ઝાડવાં,
ઘૂઘવતા સાગરો કોણે કર્યાં ? કોણે કર્યાં ?
કલરવથી કૂજતાં પંખીને ચૂગવા,
મીઠાં ફળ તરુવરમાં કોણે કર્યાં ? કોણે કર્યાં ?
ઊજળા હંસો ને કાળી કોયલડી,
ભાતીગળ મોરલા કોણે કર્યાં ? કોણે કર્યાં ?
નાચંતાં રંગમાં, ગાતાં આનંદમાં,
નાનાં આ ભૂલકાં કોણે કર્યાં ? કોણે કર્યાં ?