બાળ કાવ્ય સંપદા/જંગલ જંગલ રમીએ
Jump to navigation
Jump to search
જંગલ જંગલ રમીએ...
લેખક : નટવર હેડાઉ
(1955)
ધમ્માચકડી પકડાપકડી, આવો આપણે કરીએ,
એક ઝાડથી બીજે ઝાડ કૂદીને, હુપાહુપ એમ કરીએ,
પીંકી બન તું પતંગિયું, આવ ફૂલે ફૂલે ફરીએ,
હરણાં ને ઝરણાંની સંગે, આવો કૂદાકૂદ કરીએ,
સાપ ને અજગર બની સરકીએ, દ૨ ઊંડાં ઊંડાં કરીએ,
દીપડો દેખી ડરી ન જઈએ, વાતો તેનાથી કરીએ,
હાથીભાઈના કાનમાં જઈ, વાત કોઈ મજાની કરીએ,
સિંહભાઈ જંગલના રાજા, તેને સૌ સલામ કરીએ,
વાઘ વિકરાળ બની આપણે, હાઉ... હાઉ... કરીએ,
દિનુ દેડકો, કનુ કાચબો, બની ડ્રાંઉં ડ્રાંઉં કરીએ,
મોર બની તું નાચ મયૂરી, સારસની સંગે ઊડીએ,
કબૂતરની જેમ કરીએ ઘુ.. ઘુ... કોયલની જેમ ટહુકીએ,
બે હાથે બીજ ખોતરી ખાઈએ, ખિસકોલીની જેમ કરીએ,
‘વનવિહારી’ સંગે આવો, વન વગડામાં ફરીએ,