બાળ કાવ્ય સંપદા/દાદાનો ડંગોરો
દાદાનો ડંગોરો
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો
ઘોડો કૂદે ઝમ ઝમ
ઘૂઘરી વાગે ઘમ ઘમ
ધરતી ધ્રૂજે ધમ ધમ
ધમ ધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય
કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ
સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો
ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો
રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ
રાજ મેં રૈયતને દીધું
મોજ કરીને ખાધું પીધું.