બાળ કાવ્ય સંપદા/પરથમ છાંટા
Jump to navigation
Jump to search
પરથમ છાંટા
લેખક : ઉશનસ્
(1920-2011)
પરથમ છાંટા તો ભૈ, છોકરાંને આપ્યા;
છોકરાંને આપ્યા ને કંઈ છાપરાંએ છાપ્યા;
પરથમ છાંટા તો ભૈ૦
છોકરાંની દડબડ ને પગ તો અડવાણા,
છાપરાંની ગડગડ જાણે ગડગડતા દાણા !
રેલાને આપ્યા ને કંઈ વોકળાને આપ્યા;
—પરથમ છાંટા તો ભૈ૦
છોકરાંની ટોળી ને ઘુમરડી ગોળગોળ,
છાપરે ખિસકોલી ને ફુદરડી ગોળગોળ,
છોકરાં નાગોડિયાં ને છાપરાંને નેવાં
નેવલિયાં નીતરે છે મોતીના જેવાં
અધ્ધર ઝીલે છે કોઈ ચાતક બે ફોરાં,
ને નીચે ઝીલે છે બેક નાગોડિયાં છોરાં,
ફોરાંને લાગલાં જ મોઢામાં થાપ્યાં;
—પરથમ છાંટા તો ભૈ૦
પરથમ છાંટા તો ભૈ, છોકરાંને આપ્યા,
છોકરાંને આપ્યા ને કંઈ છાપરાંએ છાપ્યા;
ટેકરાય ટાંપ્યા ને કંઈ ખેતરાંય ટાંપ્યાં;
—પરથમ છાંટા તો ભૈ૦