બાળ કાવ્ય સંપદા/પારેવાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પારેવાં

લેખક : ગિજુભાઈ
(1885-1939)

આવો પારેવાં, આવો ને, ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો પોપટજી, મેનાને લાવજો,
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો કાબરબાઈ, કલબલ ના કરશો,
ચોકમાં દાણા નાખ્યા છે.
બંટી ને બાજરો, ચોખા ને બાવટો,
ચોકમાં દાણા નાખ્યા છે.
ધોળી છે જાર ને ઘઉં છે રાતડા,
ચોકમાં દાણા નાખ્યા છે.
નિરાંતે ખાજો, નિરાંતે ખૂંદજો,
ચોકમાં દાણા નાખ્યા છે.
બિલ્લી નહિ આવે, કૂતરો નહિ આવે,
ચોકમાં દાણા નાખ્યા છે.
ચક ચક કરજો ને કટ કટ કરજો,
ચોકમાં દાણા નાખ્યા છે.