બાળ કાવ્ય સંપદા/બબલભાઈ
લેખક : ભાવના હેમન્ત વકીલના
(1956)
બબલભાઈ બજારમાં ચાલ્યા બમ્ બમ્ બમ્ (2)
બબલભાઈએ કોટ પહેર્યો, બબલભાઈએ બૂટ પહેર્યા
માથે મોટી હેટ પહેરી, હાથમાં લાંબી સોટી લીધી.
બબલભાઈની સોટી બોલે ચમ્ ચમ્ ચમ્ (2)
બબલભાઈની મોટર ચાલી પમ્ પમ્ પમ્ (2)
બડા બજારમાંથી બબલભાઈએ લીધું ચું ચું ચું,
મીની માટે મં મં લીધું, ટોમી માટે ટમ્ ટમ્ લીધું.
ઠમકતી ચાલે બજારમાં ચાલ્યા ચમ્ ચમ્ ચમ્ (2)
એ ફુગ્ગાવાલે બાજુ ખસ, હટી જા ડોશી ઝટપટ.
ત્યાં સામેથી આવ્યો એક જોગંદર લાગતો મોટો એક કલંદર.
જોગંદર બોલ્યો જાદુમંતર છૂમંતર.
બબલભાઈ ઠમકતી ચાલે ચાલ્યા ચમ્ ચમ્ ચમ્ (2)
એઈ જોગટા બાજુ ખસ્ અમે તો ચાલ્યા ચંદર પર,
જોગટાએ તો આંખ મીંચી મંતર ભણી છાંટી દીધો.
ત્યાં થયો ભઈ બહુ ધુમાડો ત્યાં થયો ભઈ એક ભડાકો.
ઉભી પૂંછડીએ બબલભાઈ નાઠા ધડડડડડ ધુમ્
બબલભાઈ ઝબકીને જાગ્યા ઝમક ઝમક ઝમ્ (2)
જાગ્યા એટલે ઝટપટ ભાગ્યા, મમ્મીને તો વળગી પડ્યા,
ક્યાં છે મમ્મી, જોગટો બતાવ, મમ્મી હસી પડી ખડખડાટ.
આ તો ભૈ સપનાની વાત ઝમક ઝમક ઝમ્
બબલભાઈ બજારમાં ચાલ્યા બમ્ બમ્ બમ્.