બાળ કાવ્ય સંપદા/બા ! જો થાઉં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બા ! જો થાઉં

લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)

બા ! જો થાઉં પતંગિયું તો ફૂલડે ફૂલડે દોડું,
હું ફૂલડે ફૂલડે દોડું;
એની ઝીણી કુમળી કુમળી પાંખડીઓ પર પોઢું
બા ! પાંખડીઓ પર પોઢું !

બા ! જો થાઉં કૂકડો તો વહેલો વ્હાણે બોલું,
હું વહેલો વ્હાણે બોલું;
નીંદરતા નાના-મોટાને સાદ દૈ ઢંઢોળું,
બા ! સાદ દૈ ઢંઢોળું !

બા ! જો થાઉં કબૂતરું તો ચાંચે ડાંગર ફોલું,
હું ચાંચે ડાંગર ફોલું;
માળે માળે જઈને દાણો પંખીડાંને મેલું,
બા ! પંખીડાંને મેલું !

બા ! જો થાઉં મોરલો તો નાચું થનગન વાટે,
મેહુલિયાને સાદ કરીને લાવું ધરતીઘાટે,
બા ! લાવું ધરતીઘાટે !

બા ! જો થાઉં મરગલું તો પહોંચું ચંદરખોળે,
હું પહોંચું ચંદરખોળે,
એના અમૃતને ઉછાળું જગમાં છોળેછોળે,
બા ! જગમાં છોળેછોળે !

ને બા ! થાઉં દીવડો તો હળવો હળવો ડોલું,
હું હળવો હળવો ડોલું;
અંધારામાં અજવાળાની નાની બારી ખોલું,
બા ! નાની બારી ખોલું !

ના બા ! મારે કંઈ જ થવું ના, રહીશ હું તારો છોરો,
બા ! થઈશ તારો છોરો,
અમ્મર નામ કરી તુજ શિરે ખોસીશ વિજય-તોરો,
બા ! ખોસીશ વિજય-તોરો !