બાળ કાવ્ય સંપદા/મસ્ત મજાની ખિસકોલી
Jump to navigation
Jump to search
મસ્ત મજાની ખિસકોલી
લેખક : દાદુ રબારી
(1962)
આંબા ડાળે હીંચકા ખાતી મસ્ત મજાની ખિસકોલી
તળાવ પાળે ઢીમકા ખાતી મસ્ત મજાની ખિસકોલી
ખિલખિલ ખિલખિલ ગીત ગાતી મસ્ત મજાની ખિસકોલી
અમથી અમથી પ્રીત કરતી મસ્ત મજાની ખિસકોલી
પૂંછડી ઊંચી થાતી ધજા મસ્ત મજાની ખિસકોલી
ઝાડે ઝાડે મજા મસ્ત મજાની ખિસકોલી
આંબાભાઈ તો કેરી આપે મસ્ત મજાની ખિસકોલી
વડદાદા ટેટા આપે મસ્ત મજાની ખિસકોલી
પીંપળ ભૈ તો કૂંપળ આપે મસ્ત મજાની ખિસકોલી
લીંબડા ભૈ લીંબોળી આપે મસ્ત મજાની ખિસકોલી
કટકટ કરતી ખાતી ફોલી મસ્ત મજાની ખિસકોલી
સુંદર એની કેવી બોલી મસ્ત મજાની ખિસકોલી
સીતાજીની શોધ કાજે મસ્ત મજાની ખિસકોલી
બાંધે સેતુ બંધ આજે મસ્ત મજાની ખિસકોલી
રામ સીતાના ખોળે રમતી મસ્ત મજાની ખિસકોલી
અંગે સુંદર પટા ધરતી મસ્ત મજાની ખિસકોલી