બાળ કાવ્ય સંપદા/રમકડાંનો દરબાર
Jump to navigation
Jump to search
રમકડાંનો દરબાર
લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)
બબુએ ભર્યો ઘર બહાર
રમકડાંનો દરબાર.
મગી લાવી કૂતરો,
ગગી લાવી ઘૂઘરો;
મની લાવી મોટર
નન્ની લાવી શોફર.
હરુ લાવી ઘોડી,
સરુ લાવી હોડી.
કપિ લાવી તોપચી,
પપી લાવી પડઘમચી.
કીકી લાવી પૂતળું,
ભીખી લાવી ભૂંગળું;
અંકી લાવી આગગાડી,
બંકીએ એને ભગાડી.
બબી લાવી બિલાડી,
કબીએ એને સુવાડી.
નૂરી લાવી મરઘો,
ભૂરી લાવી ચરખો.
બાવલી તો કોઈ લાવ્યું નહીં,
એના વિના શું શોભે અહીં.
બબુ ઝભલું પે'રી લઈ,
બાવલી થઈને બેસી ગઈ.