બાળ કાવ્ય સંપદા/રેલગાડી

રેલગાડી

લેખક : કૃષ્ણ દવે
(1963)

વાદળની રેલગાડી આવે રે લોલ,
પવનભાઈ પોત્તે ચલાવે રે લોલ.
ગરજીને વ્હિસલ વગાડે રે લોલ,
ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ.
ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ,
મેઘધનુષ એના છે પાટા રે લોલ.
સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ,
ભીંજાતાં ગામ કેવાં શોભે રે લોલ.
ખળ્ ખળ્ ખળ્ ઝરણાંઓ દોડે રે લોલ,
ઊંચા બે પર્વતને જોડે રે લોલ.
વ્હેતાં જળ ક્યાંનાં ક્યાં પૂગે રે લોલ,
ભીંજાયા હોય એ તો ઊગે રે લોલ.
ખેતર ક્હે ખેડૂતજી આવો રે લોલ,
મનગમતાં સપનાંઓ વાવો રે લોલ.
કૂંપળબાઈ દરવાજા ખોલે રે લોલ,
લીલુંછમ લીલુંછમ બોલે રે લોલ.