બાળ કાવ્ય સંપદા/શહેર છે, કે છે આ સરોવર ?

શહેર છે, કે છે આ સરોવર ?

લેખક : હેમેન શાહ
(1957)

એક સવારે ઊઠ્યો ત્યાં તો રસ્તાના પગ પાણી રે,
શહેર છે, કે છે આ સરોવર ? વાત નહીં સમજાણી રે.

આ જોઈને થોડું નાચ્યો, પાડી થોડી તાળી રે,
ખુશ થઈને ગરબો ગાયો, જય મા પાવાવાળી રે !

હું તો હમેશાં કહેતો કે આકાશ ઉપર છે દરિયો રે,
યા તો મોટી વૉટરબોટલ, વરસાદ જેમાં ભરિયો રે.

કોઈ તોફાની અણિયાળી વીજળીઓ ત્યાં ભોંકે રે,
આમ પડે વરસાદ દોસ્તો, હવાને ઝોંકે રે.

સ્વીમિંગ-પૂલ જેવા રસ્તાથી સ્કૂલે તે કેમ જઈએ રે ?
ચાલો ન્હાવા ફરી ફરીથી, સુક્કા શાને થઈએ રે ?

હું સ્કૂલે ના જઉં તો એમાં ભૂલ નથી કંઈ ભારે રે,
જો આકાશે વાદળ વાદળ, સૂરજ ગુટલી મારે રે !