બાળ કાવ્ય સંપદા/સંપાદકીય
ગુજરાતી બાળકાવ્યસંપદા
બાળકાવ્ય એટલે બાળકો માટે લખાયેલું કાવ્ય. બાળકાવ્યમાં બાળકની ભાવસૃષ્ટિ, કલ્પનાસૃષ્ટિ ને સંવેદનાસૃષ્ટિનું હોવું જરૂરી છે. બાળકોની દુનિયા મોટેરાંઓ કરતાં અલગ હોય છે. બાળક પરિવાર, પોળ, નિશાળ, મિત્રો, શિક્ષકો સાથે તેમજ નદી-તળાવ, દરિયો, પશુ-પંખી, વૃક્ષ-ફળ-ફૂલ વગેરે સાથે તેમજ કુદરતી બાબતો જેમ કે ચંદ્ર, સૂરજ, આકાશ, તારા વગેરે સાથે ભાવાત્મક રીતે જોડાયેલું હોય છે. વળી બાળકની જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હોય છે અને તેનામાં વિસ્મય અપાર હોય છે. સૌથી મહત્ત્વની વાત તો એ કે બાળકાવ્યમાં લય-તાલ-પ્રાસાનુપ્રાસ અને ગેયતા તથા અભિનેયતાનું તત્ત્વ હોય તો એવાં બાળકાવ્યો બાળકના હૃદયમાં ચિરસ્થાયી બની રહે છે.
બાળગીતની ભાષા સરળ-સાદી પણ રસવંતી-પ્રવાહી હોવી જોઈએ. બાળકને બાળકાવ્ય દ્વારા ભાષાજ્ઞાન આપી શકાય પણ તેમાં કાવ્યતત્ત્વ પ્રમુખ સ્થાને જ રહેવું જોઈએ. જેમ બાળક રંગીન ચિત્ર કે રમકડાં પ્રત્યે આકર્ષાય તેવી જ રીતે તે બાળકાવ્ય તરફ આકર્ષિત થવું જોઈએ. ટૂંકમાં, બાળકાવ્યમાં વિષય ગમે તે હોય, પણ તેના અનુભવજગતને તથા હૃદયને-ભાવને તે સ્પર્શે તેવી તેની રજૂઆત હોવી જોઈએ. બાળકાવ્યમાં દરેક શબ્દનો અર્થ થવો જ જોઈએ એ અનિવાર્ય નથી, પણ બાળકને તે ગાવામાં મજા આવવી જોઈએ. ને તેથી બાળકાવ્યમાં સરળ પ્રાસાનુપ્રાસ ને લયનું મહત્ત્વ વધુ રહે છે. હરિકૃષ્ણ પાઠક કહે છે તેમ : 'બાળકાવ્યનો ભાષાલય બાળક સહજ રીતે ઝીલે તેવો હોય, તેનું ભાષાપોત હળવું ફૂલ હોય, તેમાં યોજેલી સામગ્રી આનંદપ્રદ હોય અને જે કલ્પના કરી શકીએ તે બાળકલ્પનાની નજીકની તો હોવી જ ઘટે. તેમાં ગેયતા હોય તો ઉત્તમ, બાકી ઊછળકૂદના લય સાથે ગુંજી શકાય તેમ કરવું તો અનિવાર્ય.' બાળકવિએ બાળમાનસની તાસીર સમજવી જોઈએ અને એને પોતાનું અને જીવંત લાગે તે રીતે કાવ્યમાં તેનું લયબદ્ધ રીતે નિરૂપણ કરવું જોઈએ. બાળકાવ્ય દ્વારા ભાષાશિક્ષણ અને અંકશિક્ષણ પણ થાય છે. બાળકને બાળકાવ્ય સહજતાથી યાદ રહી જાય તેવી તેની શબ્દપસંદગી થવી જોઈએ.
બાળકાવ્યના જોડકણું, ઉખાણું, કૂચગીત, રમતગીત જેવા અનેક પ્રકારો છે. એ જ રીતે ઋતુઓ, ઉત્સવો વગેરેને સાંકળતાં ઋતુગીતો, ઉત્સવગીતો, કથાગીતો, સંવાદગીતો, વર્ણનકાવ્યો જેવા પ્રકારો પણ મળે છે.
ગુજરાતી બાળકાવ્યસાહિત્યનો વિચાર કરીએ તો એમાં આનંદ થાય તેવું કાર્ય થયું છે. નરસિંહ, પ્રેમાનંદ કે શામળની કૃતિઓ કે એમના કૃતિ-અંશો બાળકોએ માણ્યા છે. દલપતરામની ઘણી કૃતિઓ બાળભોગ્ય છે. એ અર્થમાં દલપતરામ આપણા પ્રથમ બાળકવિ છે. વળી ન્હાનાલાલ, ખબરદાર વગેરેએ પણ કેટલાંક સુંદર બાળકાવ્યો આપ્યાં છે. એ પછી મહત્ત્વના બાળકવિ મળે છે ત્રિભુવન વ્યાસ. 'મારો છે મોર', 'ખિસકોલી' કે 'મહાસાગર' જેવાં કાવ્યો આપનાર આપણા અગ્રણી બાળકવિ છે. બાળભોગ્ય ભાષા, બાળસહજભાવો અને સુગમ શબ્દોની પસંદગી એ તેમની વિશેષતા છે. લોકસાહિત્યનો વારસો ઝીલી, હૂંફાળા શબ્દો દ્વારા વિનોદ સાથે વીરરસ પીરસતા ઝવેરચંદ મેઘાણી, લયહિલ્લોળવાળાં, રમણીય કલ્પનાઓની સભર, ગેય બાળકાવ્યો આપનાર સુન્દરમ્, બાળ મન, લય અને અર્થને સરખું મહત્ત્વ આપનાર દેશળજી પરમાર અને વસંત નાયક, ગીતો અને કથાગીતો આપનાર રમણલાલ સોની, બાળકોને કંઠસ્થ થઈ જાય તેવાં કાવ્યો આપનાર સોમાભાઈ ભાવસાર વગેરે અનેક કવિઓએ બાળકાવ્યક્ષેત્રે સત્ત્વશીલ પ્રદાન કર્યું છે. આ સિવાય મકરન્દ દવે, બાલમુકુન્દ દવે, કૃષ્ણલાલ શ્રીધરાણી, સ્નેહરશ્મિ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ વગેરે ઉત્તમ ગીતો સાથે સુંદર બાળકાવ્યો પણ આપ્યા છે. આ ગાળામાં ચં. ચી. મહેતા પાસેથી 'ચાંદરણાં' કે 'દૂધના દાણા' પણ મળે છે. જેમાંનાં કાવ્યોનો સ્વાદ મીઠો છે. તેમનાં 'ઇલાકાવ્યો' તો ખૂબ જાણીતાં છે. એ પછી સુરેશ દલાલે 'ઇટ્ટાકિટ્ટા', 'છાકમછલ્લો' વગેરે અનેક બાળકાવ્યસંગ્રહો દ્વારા આધુનિક જીવનસંદર્ભને સાંકળતાં અને બાળમાનસને વ્યક્ત કરતાં અનેક કાવ્યો આપ્યા છે. ઈ. સ. 1979નું વર્ષ એટલા માટે મહત્ત્વનું છે કે તે 'આંતરરાષ્ટ્રીય શિશુવર્ષ' તરીકે ઊજવાયેલું. આથી આ સમયે ઘણાં સામયિકોના વિશેષાંકો પ્રકાશિત થયેલા. વળી આ અરસામાં અનેક કવિઓનાં બાળકાવ્યો મળેલાં, જેમાં બે કવિઓનું સર્જન ખાસ ઉલ્લેખપાત્ર છે : એક ચંદ્રકાન્ત શેઠ અને બીજા રમેશ પારેખ. બંને કવિઓનાં બાળકાવ્યો બાળકોએ ખૂબ હેતથી ગાયાં છે. ચંદ્રકાન્ત શેઠની 'ચાંદલિયાની ગાડી' હોય કે રમેશ પારેખનાં કાવ્યો 'એકડો સાવ સળેકડો', 'હું ને ચંદુ છાનામાના' જેવાં ગીતો હોય બાળકોએ ભરપૂર માણ્યાં છે ને હૃદયસ્થ-કંઠસ્થ કર્યાં છે.
આ પછી આજસુધીમાં અનેક કવિઓએ આ ક્ષેત્રે અર્પણ જેમાંના થોડાંકનો ઉલ્લેખ – પ્રીતમલાલ મજમુદાર, કરસનદાસ લુહાર, બલદેવ પરમાર, જગદીશ ધ. ભટ્ટ, ધનસુખલાલ પારેખ, યોસેફ મેકવાન, હરિકૃષ્ણ પાઠક, રમેશ ત્રિવેદી, નટવર પટેલ, અમૃતલાલ પારેખ, સુશીલા ઝવેરી, નીતા રામૈયા, રક્ષા દવે, માલિની શાસ્ત્રી, વિરંચિ ત્રિવેદી, કૃષ્ણ દવે, ત્રિવેણી પંડ્યા, પારુલ બારોટ, ગિરા ભટ્ટ, કીર્તિદા બ્રહ્મભટ્ટ, રેખા ભટ્ટ વગેરેનું પ્રદાન સત્ત્વશીલ છે.
ગોવિંદ દરજી 'દેવાંશુ', ધર્મેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર વ્યાસ, વિનોદ જાની, કિરીટ ગોસ્વામી અને બિરેન પટેલનું કાર્ય પણ ઉલ્લેખપાત્ર છે.
આમ ગુજરાતી બાળકાવ્યપ્રવાહ ચેતનવંતો અને અસ્ખલિત રહ્યો છે. આવતી દરેક નવી પેઢી માટે નવા સર્જકો નવા માહોલ અને વીજઉપકરણોથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ને સાથે જ બાળકનું પથ્ય રીતે મૂલ્યશિક્ષણ થાય અને તેમને આનંદ મળે એ રીતે કાવ્ય સર્જશે તેવી શ્રદ્ધા અસ્થાને નથી. અસ્તુ.
–શ્રદ્ધા ત્રિવેદી