બાળ કાવ્ય સંપદા/સૂરજ ભણવા આવે

સૂરજ ભણવા આવે

લેખક : ઉષા ઉપાધ્યાય
(1956)

વાદળની સ્કૂલબસમાં બેસી
સૂરજ ભણવા આવે,
લંચબૉક્સમાં પંખીઓના
ટહુકા લેતો આવે.

બિચ્ચારાએ શૂઝ ન પહેર્યાં
આજે પહેલી વાર,
ટીચર એને ઊભો રાખે
આખ્ખો દિવસ બ્હાર.

બ્હાર ઊભો અકળાતો સૂરજ
એવા પગ પછાડે,
ટીચરના સ્કૂટરમાં જઈને
છાનો પંચર પાડે.

રૉફ મારતા ટીચર આવ્યા
પંચર જોઈને ઠૂસ !
દરિયાખોળે ઊંઘી જતો
સૂરજ થઈને ખુશ !