બાળ કાવ્ય સંપદા/હાલાં
લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)
ઇલા ! હતી તું ક ની છેક નાની,
લોકો કહેતા તુજને જ શાણી;
ને બ્હેન વાણીય વદંતી કાલી,
સૌને હતી તું વળી ખૂબ વ્હાલી.
ઊંઘાડવા હાલરડાં હું ગાતો,
એ ગીત ગાતાં કદી ના ધરાતો;
ત્યારે સ્ફુરંતી ઉપમાવલીઓ,
આજે ન ઝીલે સ્મૃતિ-અંગુલિઓ.
'સોનાતણા પારણીએ તું પોઢે,
મોતીગૂંથી ચાદર બ્હેન ઓઢે,
હીરા જડ્યા હાંસલીએ રમંતા,
માણેકના મોર વળી ફરંતા.
ને હીરદોરી – ને બ્હેન ગોરી,
ને એક વીરો – ને વીર હીરો;
પાતાલપાણી થકી હું નવાડું,
જાતે વખાણી ઝબલાં સિવાડું.'
સ્વપ્નાંભર્યો એ સુખી બાલ્યકાળ,
આંખો મિચાતાં થતી સ્વપ્નમાળ;
એવાં હવે ના કદી સ્વપ્ન આવે,
ને સાથ મીઠી વળી ઊંઘ લાવે.
ઓ બ્હેન ; આજે નહિ ઊંઘ આવે,
તું ગાય હાલાં મુજ માટ ભાવે;
જો, ગાઢ નિદ્રામહીં વિશ્વ લાગે,
એમાં અહીં આ તુજ આંખ જાગે.
ના પારણું કે કંઈ હાંસલીઓ,
આજે ન માગું ઉપમાવલીઓ;
મારે કપાળે તુજ હાથ માંડ,
ને 'ભાઈ' બોલી મુજને ઊંઘાડ.