બિપિન પટેલની વાર્તાઓ/લેખકનો પરિચય
બિપિન પટેલનો જન્મ ૧/૭/૧૯૫૩ના રોજ દેત્રોજ મુકામે થયો. પિતાજી ન્યૂ કોટન મિલમાં મિલ કામદાર હતા. જેને અનુરૂપ બિપિનના બાળપણના કેટલોક વારસો અમદાવાદના નિમ્ન મધ્યમવર્ગનાં વિસ્તાર અમરાઈવાડીમાં પસાર થયો. એમણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. અને પછી બી.એડ. કર્યુ છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે વિવિધ વિભાગોમાં ડેપ્યુટી સેકશન ઑફિસરથી શરૂ કરીને એમણે અંડર સેક્રેટરી સુધીની કામગીરી કરી, વયનિવૃત્તિ અગાઉ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હાલ અમદાવાદમાં પોતાની મનગમતી વાચન અને લેખનની પ્રવૃત્તિ કરે છે. એમને સાહિત્યમાં બાળપણથી રસ સચિવાલયમાં ત્યાંના સાહિત્યપ્રેમીઓ દ્વારા ચાલતી અને દર ગુરુવારે જુદા જુદા સાહિત્યરસિકોને ત્યાં મળતી રાત્રી ‘બૃહસ્પતિ સભા’માં નિયમિત હાજરી આપતા. આ બૃહસ્પતિ સભાની રોજિંદી આવૃત્તિ જેવું એક મિલન લંચના (અરધા) કલાક દરમિયાન પણ થતું. એટલે સુધી કે બહારગામના જે મિત્રો રાતની સભામાં ન આવી શકે એ આ લંચઅવરમાં જરૂર આવે. આ બધો સમય સાહિત્યની ચર્ચાઓ તો ચાલે પણ દેશ અને દુનિયાની સાંપ્રત સમસ્યાઓની ઉત્તેજક ચર્ચા પણ થાય. ખાસ કરીને માર્ક્સના આકંઠ અભ્યાસી દિલિપ ચંદુલાલ અને ડંકેશ ઓઝાની ચર્ચાઓમાં વચ્ચેનાં વરસોમાં અમૃત ખત્રી પણ હોંકારો પુરાવતા. દિલિપ ચંદુલાલની સજ્જતા આપણા વિદ્વાન નવલરામથી અમેરિકન તત્ત્વજ્ઞાની નોસબોમ સુધીની. આ બધી ચર્ચાઓનો લાભ બિપિનને ભરપૂર મળ્યો એટલે બિપિન પહેલી વાર્તા ‘હોળી’ લઈને આવ્યા ત્યારે એમાં ઉત્સવના નામે જુદા વિચારો ધરાવતા એક Individualના અવાજને કચડી નાખવા ભેગા થયેલા સોસાયટીના રહીશોનું કથાવસ્તુ છે એ યોગાનુયોગ નથી. બિપિનના અત્યાર સુધી ત્રણ વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયા છે, ‘દશ્મન’ (૧૯૯૯), ‘જે કોઈ પ્રેમ અંશ’ (૨૦૦૮) અને ‘વાંસનાં ફૂલ’ (૨૦૧૭). અહીં જે વાર્તાઓ સમાવી છે એમાં આ સંગ્રહો ઉપરાંત ૨૦૧૭ પછી લખાયેલી પણ હજી સુધી સંગ્રહિત ન થયેલી કેટલીક વાર્તાઓ એના તાત્કાલિક સમય સંદર્ભને લઈને સ્થાન પામી છે. ‘દશ્મન’ વાર્તામાં પિતાઓ અને સંતાનો વચ્ચે ચાલ્યા આવતા સનાતન સંઘર્ષનું થીમ છે. ક્યારેક માબાપો સંતાનોના વ્યક્તિત્વને કચડી નાખવામાં સફળ થાય છે તો મોટેભાગે માબાપો સંતાનો આગળ vulnerable સાબિત થાય છે. અહીં માબાપની વ્યથાકથા સ્તબ્ધ થઈ જવાય એ રીતે રજૂ થઈ છે. પિતા અને સંતાનો વચ્ચે પરસ્પરના સંબંધોમાં જે ભાવ ઉપસીને આવે છે એ તો દશ્મન હોવાનો. ‘ગ્રહણ’માં ખગોળીય ગ્રહણની માન્યતાને અંધશ્રધ્ધામાં ખપાવતો નાયક એ સમયે પાળવાના ક્રિયાકાંડોની ઠેકડી ઉડાવવા છતાં પોતાને કશું નુકસાન નથી થયું એમ છાતી ઠોકીને જાહેર કરે છે પણ બજારવાદનું ગ્રહણ ટીવીમાંથી નીકળીને એના બેડરૂમ સુધી વ્યાપી ગયું છે, એનાથી આજના મધ્યમવર્ગની જેમ એ પણ અજાણ છે, બલ્કે એ ગ્રહણથી એ મુગ્ધ છે. તો ‘વોશિંગ મશીન’ વાર્તા ઘરનાં વડીલ એવાં વૃદ્ધાની કુટુંબમાં પોતાની ઉપોયગિતા ટકાવી રાખવાના કીમિયા જેવા શારીરિક શ્રમને વોશિંગમશીન ખૂંચવી લે ત્યારે એ અસ્તિત્વની કેવી તો કટોકટી અનુભવે એની વાત છે. સ્ત્રી દ્વારા થતું અર્થોપાર્જન એને સ્વાતંત્ર્ય બક્ષે છે એવું આપણે માની બેઠા છીએ, પણ ‘તદ્ દૂરે તદ્દ્ દૂરે’ની બે નાયિકાઓ સચિવાલયની માનવાળી નોકરીમાં આટઆટલું કમાતી હોવાં છતાં બંનેનું અસ્તિત્વ એક નાના ટપકાથી વિશેષ નથી એવી ઘેરી વાસ્તવિકતા રજૂ કરે છે. અહીં બુર્ઝવા સમાજ શ્રમ અને સંપત્તિના સમાજવાદી ખ્યાલને સ્ત્રીઓના સંદર્ભમાં ધ્વસ્ત કરી દે છે. આ દીવાલ તોડવાનો શ્રમ કાફકાની ‘બરો’ વાર્તામાં આવે છે, એ રીતે માથું અફળાવીને લોહી કાઢીને એને સફળતા માનવા જેટલો જ સફળ ગણી શકાય. ‘પિટિશન’ વાર્તામાં ન્યાયતંત્રની ફરજ કોણે સૌથી કાબેલ વકીલ રોક્યો છે એ નક્કી કરી આપવા માત્રનું બની રહે છે. સરકારી તંત્ર અને ન્યાયતંત્ર જેવાં લોખંડી યંત્રો ગરીબો માટે જેમ કુંભકર્ણ જેવા પ્રતિવાદી તરીકે છે એવું જ ન્યાયતંત્ર જેના આધારે ચાલે છે એ અંગ્રેજી ભાષાનું જે ભાષા ન્યાયની અભિવ્યક્તિનું વાહન છે એ જ ન્યાય મેળવવામાં કઈ રીતે વિલન થઈ બેસે એની વાત પણ અહીં થઈ છે. ‘રંડી’ વાર્તામાં જેની પાછળ યુવાનીનાં વરસો સૂકવી નાખ્યાં એ પ્રેમી તરફથી વિશેષણ મળે છે તો પણ કેવું વિશેષણ! બિપિન તરફથી સ્ત્રી-પુરુષના કેટલાક કિસ્સામાં પ્રેમ સફળ હોવા છતાં અધૂરા રહી ગયેલા સંબંધોની વાર્તાઓ મળે છે, એમાં આ વાર્તા મહત્ત્વની છે. સરકારી તંત્રમાં જ્યાં સ્ત્રી પુરુષો સતત સાથે કામ કરતાં હોવાને લીધે જે પ્રેમસંબંધો બંધાય છે એ સંબંધોને બિપિને કેલિડોસ્કોપ રચીને નિહાળ્યા છે. તો ‘વાંસના ફૂલ’ અને ‘સિલ્વર જ્યુબિલી’ વાર્તાઓ પણ આ સમૂહની વાર્તાઓ છે. ‘સિલ્વર જ્યુબિલી’માં આ સંબંધની રજત જયંતિ ઉજવી શકાય એટલાં વરસોનો સતત દેહરાગ હોવા છતાં નિષ્ફળ જાય છે, તો ‘વાંસના ફૂલ’માં નાયિકાના પક્ષે અગાઉથી આ સંબંધોનું ફૂલ નહીં ખીલે એ અંદેશાને કારણે સતત નિસ્યંદિત થતો વિષાદ છે. જેમ કુટુંબમાં શ્રમથી પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાં મથવાં દાદી ‘વોશિંગ મશીન’માં છે તો કલાકો સુધી જરૂરી બિનજરૂરી શ્રમથી પોતાની એકલતાને દૂર કરવા માંગતા અને નિષ્ફળ જતાં એકાકી માણસનું કરૂણ આલેખન ‘વિષ્ણુની ફેક્ટ’માં છે. કંઈ નહીં તો છેવટે બારણાના કાચને બિનજરૂરી હોવાં છતાં સતત સાફ કર્યા કરતાં અને સચિવાલયના પાંચ હજાર કર્મચારીઓ છતાં એકાકી હોવાનું વરદાન પામેલા આધુનિક નહીં, પણ એક અનુઆધુનિક મનુષ્યની નિયતિમાં પણ એકલતા હોઈ શકે એ વાત અહીં ઉજાગર કરતી વાર્તા છે. ‘સંગીતશિક્ષક’ વાર્તા બિપિનની ખૂબ વખણાયેલી વાર્તા છે. મુક્ત બજારવ્યવસ્થાનાં માઠાં ફળ તરફ સટિક ઇશારો કરતી લેખકની post truth તબક્કાની શરૂઆતની આ વાર્તામાં હવે શિક્ષણ જ્યાં અપાય છે એ વિદ્યાનું ધામ નથી, પણ જમીનના સોદાઓથી કમાયેલા નફાઓનું વધારે નફાકારક રોકાણ કરવા માટેની એક આર્થિક વ્યવસ્થા માત્ર છે. પોતાની જમીન જ નહીં પણ એક હૃદયંગમ ભૂતકાળ ગુમાવીને વર્ગ ચારના કર્મચારી તરીકે માંડમાંડ ગોઠવાયેલો એનો નાયક આપણા ગુજરાતમાં ઊભા થયેલા એક નવ્યરહિતોનો પ્રતિનિધિ છે. ‘રિવ્યૂ’ વાર્તામાં માનવીને શ્વાનની કક્ષાએ ગણતી અને એમનું કહેવાતું કલ્યાણ તાકતી એક રાજ્યવ્યવસ્થા પ્રજાની શ્વાન થવાની પ્રક્રિયા કેટલે પહોંચી એનો જાયજો લેવા બેઠેલી અધિકારીઓ અને પદાધિકારીઓની મિટિંગનો અહેવાલ રજૂ કરતી વાર્તા છે. જ્યાં એકાકી કે રહિત મનુષ્યની વાત આવે ત્યાં ફેન્ટસીની સાથોસાથ બિપિનની અંદરનો કટાક્ષકાર પણ મોરચો સંભાળે છે એની સાક્ષી આ વાર્તા છે. ‘દશ્મન’ અને ‘ગ્રહણ’માં કૌટુંબિક વિપર્યાસોમાં કટાક્ષ કરતી આ સર્જકની કલમ આવા રાજકીય થીમની વાર્તાઓમાં વધુ અણિયાળી થઈને આવે છે એ પણ નોંધવા જેવું છે. આજની તારીખે અગ્રંથસ્થ વાર્તાઓ પૈકી ‘પંચદ્રવ્ય’ વાર્તા જોર્જ ઓરવેલની ‘૧૯૮૪’ નામની નવલકથામાં રાજ્ય, શાસન ‘મોટાભાઈ’ તરીકે તમારા પર નજરથી પહેરો ભરે છે એ વિભાવનામાંથી આજનું રાજતંત્ર ફૂકોએ Governmentalityમાં શોધ્યું છે કે સરકાર ખુદ નાગરિકને સમ્મત કરે છે ‘તમારા પર નિયંત્રણ રાખવામાં તમે જ સાથ આપો’ સુધી પ્રગતિ કરી ગયું છે. પંચામૃત ચાખવામાં ધાન્યભાગ્ય સમજતી પ્રજા હવે પંચદ્રવ્યનું ઘોળ જાણે-અજાણ્યે પોતાને બડભાગી સમજીને પીતી થઈ ગઈ છે. ‘ઊધઈ’માં જંતુઓની જે ગણતરી દાદા બાળ બટુકો પાસે હાથ ધરાવે છે એ National Citizen Registerના રૂપક તરીકે છે તે સહેજેય સમજાય એવું છે. વાર્તામાં તો કિશોરો છેવટે ‘ભણવા’ને પ્રથમ પસંદગી આપે છે પણ We the peopleની પણ એ જ પ્રાથમિકતા હોવી જોઈએ એ ઊંચા અવાજે ક્યારે કહી શકીશું? ‘આદમી’માં જેની ઇવ હવે સંસારનો ભોગવટો કરવા કે કરવા દેવામાંથી રસ ગુમાવી બેઠેલી હોવાથી એકાકી રમણા કરવા મજબૂર આદમ જેવી થઈ છે. ટૂંકમાં વાર્ધક્યને આરે પહોંચેલા પુરુષને હજી શરીર સંબંધ બાંધવામાં રસ છે પણ એની પત્નીને નથી. અહીં નાયકની જાતિયતાની ન ઠરેલી આગને થોડી કરુણાથી અને થોડી સમભાવ પ્રેરક રમૂજથી પણ જોવાઈ છે. બિપિનનો નાયક અહીં છેલ્લે આદમિયત જાળવી રાખે છે, હેવાન નથી થતો એ ઇશારો એના નાયકને નાયકત્વ બક્ષે છે. આમ બિપિનની વાર્તાકલાનું ફોક્સ ‘હોળી’માં પંદર-વીસ આવાસો ધરાવતી સોસાયટીથી પોતાનું મનુષ્યત્વ ટકાવી રાખવા મથતી સોસાયટી (સમાજ) સુધી વિસ્તર્યું છે. સાથોસાથ સ્ત્રી પુરુષના સંબંધોને એમણે જુદીજુદી પરિસ્થિતિમાં કસોટીની એરણે ચડાવ્યા છે. આર્થર મિલરે કહ્યું છે કે, a good news paper, I suppose, is a nation talking to itself. (મારા મતે સારું અખબાર એટલે રાષ્ટ્ર જાણે કે ખુદની સાથે વાત કરતું હોય એવી ઘટના) એક જાગૃત લેખક વિષે પણ એવું જ કહી શકાય કે national talking to itself. સોસાયટીને આટલી પ્રતિબદ્ધતા ઉપરતળે કરી રહેલા આવા પણ એક સર્જક આપણી પાસે છે એ આ સમયમાં ઓછા આશ્વાસનની વાત નથી.