બિપિન પટેલની વાર્તાઓ/૧૦. આદમી
મંગળદા નાહીધોઈ, તૈયાર થઈ ખુરશીમાં બેઠા. ઘડિયાળમાં જોયું છ વાગવામાં પંદર મિનિટ બાકી હતી. રઈ બખડિયામાં ઢોરનું ખાણ ઉપટાળતી હતી. એના બે હાથ ઊંચા થતાં પાલવ ખસ્યો. મંગળદા બીક અને શરમથી એની ખુલ્લી થયેલી છાતી તાકીને જોઈ રહ્યા. ધ્યાન જતાં રઈએ છાંછિયું કર્યું, ‘લાજતાય નહીં મૂવા. જાણે ઘૈડપણ આયું જ નથી.’ મંગળદા આરતી માટે વહેલા હતા, તોય ઊભા થયા. પગે તરોડ થતી હોય એમ પા પા પગલી વાસના નાકે પહોંચ્યા. ધફ્ફો ઓળંગે એટલે રામજી મંદિર. બેચરને આવતો જોઈ ઊભા રહ્યા. શિયાળો હતો તેથી હજુ અંધારું હતું. ગામડા ગામની ભાગોળ તેથી ચારે બાજુથી ખુલ્લું. વીંધી નાંખે એવો પવન વાતો હતો. તોય મંગળદા પરસેવે નહાતા હતા. પહેરણની ચાળથી પરેસેવો લૂછતાં બોલ્યો, ‘હમણાંથી પરસેવો બહુ વળે છે, બેચર. સળી ભાગીને બે કટકાય નથી કરતો.’ – તે ડાયાબીટીસ તો નથી? બેચરે ચિંતા કરી. – નખમાંય રોગ નથી, દિયોરનો. શી ખબર કેમ આવું થાય છે, મારું હાહરું? બેચરની નજીક જઈ કાનમાં કહેતા હોય એમ, ‘ક્યારનો મેળ નથી પડતો. બધાં રઈનાં વઢાણાં, કાલેય કોરો ર’યો. આખી રાત ઊંઘ ના આઈ. જ્યારનું ઘરમાં ભક્તાણું પેઠું છે ત્યારનો ડખો થયો છે. આખા ગામનો ઘાઘરીયો ઘેર ભેગો થઈને આંતરે દહાડે ભજનિયાં ગાય.’ – હવે સમજાણું. બેચરે કહ્યું, ‘ભાભીને અલખનો મારગ જડી ગ્યો છે. અને તમે દેહના ફરતાં આંટા મારો છો, મંગળદા. એક પાલ્ટીને મંજૂર નો હોય એટલે મેલી દેવાનું.’ – એમ ચપ દઈન શી રીતે મેલી દેવાય? કેમ આદમી નથી ર’યા? – હારું હેંડ, મહારાજની ટોકરી ખખડી. બંને જણ મંદિરમાં ગયા. રામદાસજી મહારાજે પાંપણ ઝબકાવી બેયનું સ્વાગત કર્યું. ઢોલ તરફ ઇશારો કર્યો. મંગળદાએ બે દંડૂકા લીધા ને બાવડામાં હોય એટલું જોર કાઢ્યું. બેચરને આવી જરૂર નહીં એટલે ખલબલીયાં લીધાં. રામદાસજી મહારાજ એક એક કડી બે વાર ગવડાવતા. ભૂલી જાય તો ત્રણવાર પણ ગવડાવે. એમ આરતી લાંબી ચાલી. મંગળદાનું મન આ માર્ગે વળ્યું હોય એવો ભાવ એમના મોં પર દેખાયો. કપાળ તરફ હાથ ગયો. ચંદનતિલક યાદ આવ્યું. મહારાજ આરતી પૂરી કરી જેવા બહાર આવ્યા કે મંગળ દોડી ગયો. માથું નમાવીને ઊભો રહી ગયો. ત્રિપુંડિયું ચંદનમાં બોળી મહારાજે તિલક કર્યું. મંગળ તોય ઊભો રહ્યો. બેચરે ચોખવટ કરી, ‘એને આટલાથી નો મેળ આવ બાપજી. પગથી માતા સુધી એનો કોઠો નિત ગરમ રહે છે. એને તો ચંદનની આડ્ય કરવી જોશે. હારી ગોડે.’ મહારાજ હસી પડ્યા. હજુ પણ મોટા એના વાળ પાછા કરી આખા કપાળ પર આડ્ય કરતાં કહ્યું, ‘મંગલ અભી તો તુ જવાન લગતા હૈ.’ ‘બાપજી લોક ક્યાં માને છે?’ કહેતાં એનો ચહેરો ઓઝપાયો. એના બરડે ધબ્બો મારીને, ‘ચલ હટ ગાંડુ’ કહીને મહારાજે બેચરને પણ આડ્ય કરી. બેય જણ આરતીમાં એક એક રૂપિયો મૂકી, પ્રસાદ લઈ બહાર નીકળ્યા. ધફ્ફો પૂરો થાય ને પાકો સિમેન્ટ રોડ શરૂ થાય. ત્યાં મોટો વડ, જવાન હતા ત્યારે તો વડની વડવાઈઓ પકડી ઝૂલતા, ડાળે બેસતા, થડના ટેકે ઊભા રહેતા કલાકો. પણ હવે તો પંચાયતે ફરતો ગોળ ઓટલો ચણી દીધો છે. બેઠાં બેઠાં, લોક અવરજવર કરે એની ખબર રાખે અને બેમાંથી જેની નજર પહેલી પડે એ ‘ધ્યાન’ બોલે એટલે બંને ચેતન. ઝીણી નજરે આંખને ટાઢક વળે ત્યાં સુધી આંખો ત્યાં જ જડાયેલી રહે. કોકવાર નજર મળે, ને સામેની આંખ ઢળે તો કંઈ ન બન્યું હોય એમ વડના ટેટા ગણવા માંડે. એમ રોજ કલાક નીકળી જતો. આજે વળી બે કલાક ગયા. હજુ જમવાની વાર હતી. ને મંગળદાએ આઘાપાછા થતાં, પહેરણ ઊંચું કરી બંડીના ખિસ્સામાં હાથ અડાડી, તરત બહાર કાઢી, સબ સલામતનો શ્વાસ લીધો. એમને વારેવારે આમ કરતાં જોઈ બેચરદાએ પૂછી લીધું, ‘કંઈક ખાનગી લાગે છે.’ ખાનગી ખરું પણ તારાથી નઈ. નિશાળ બાજુ જવું છે?’ મંગળદાએ પૂછ્યું. ગામ બહાર, જોટાણા જવાના રોડ ઉપર વટેમાર્ગુ માટે વિશ્રામસ્થાન, એટલે એક ઓરડી ચણેલી. હવેના સમયમાં તો બી.પી.એલ. પણ સ્કૂટર પર ફરતા થઈ ગયા છે, ને અર્ધા અર્ધા કલાકે બસ મળે. ચાલતો માણસ નજર નાંખો તોય જોવા ન મળે. એટલે એ ઓરડીમાં માણસને બદલે ધૂળ બેઠી હતી. જોડી ત્યાં પહોંચી, ખભે રહેલા ગમછાથી સારી પેઠે ઝાપટઝૂપટ કરીને બેઠી. બરાબર તરસ લાગી’તી. બેય પાછા નિશાળમાં ગયા. બાગમાં વળગાડેલી પાઈપમાંથી ધરાઈને પાણી પીધું. ‘કોઠો ટાઢો હેમ થઈ ગ્યો બેચરિયા.’ મંગળદાએ રાજીપો દેખાડ્યો. બેચરે પણ બાકી ન મૂક્યું, ‘હવે તો આમ જ કોઠા ટાઢા કરવાના દહાડા આયા છે. લે હેંડ, શું કહેતો’તો?’ ‘કાલે સાંજે શી ખબર કેમ તે, પરેશના કબાટનું ખાનું ખોલ્યું ને ઉડીને ફોટો ભૂંય પડ્યો. રૂપનો કટકો મારી હાહરીની. હું તરત હાથમાં લઈ ટેનિસની ચાળથી લૂછી નાખી, ફોટો હતો એમનો એમ મેલી, બારણું વાખવા ગયો, પણ મન ના માન્યું. ધોળી ફ્રુટ જેવીને એમની એમ જવા દેવાય? પછી તો બેચરિયા ફેરવી ફેરવીને જોઈ. બીજા ફોટાય જોયા. બધી અડધી ઉઘાડી, કૉક કૉકે તો ખાલી દોરા વીંટેલા. મને થયું કે, આમ એકલો એકલો સવાદ ચાખું તો બેચરિયાનો શો વાંક? તે સંતાડીને તારા ઓલે લેતો આયો. ઘેર જઈને હતા એમના એમ મેલી દઈશ. ખબરેય નઈ પડે.’ મંગળદા બેચરની નજીક ખસ્યા, ‘તું જ જો’, કહી ફોટાની થોકડી બેચરને પકડાવી. પહેલા ફોટામાં બેચર ઘાયલ. ‘મારી દિયોર કેવી ફિટ બોડીસ પહેરી છે, મંગળદા? આખા દેહ ઉપર ક્યાંક કરચોલી ભાળી? ત્યારે શહેરવાળાં કોને કીધાં? આપણે આમાંનું કંઈ જોયું? એમ કરતાં ઘઈડપણ આઈ ગ્યું.’ ‘એમ રોયા વના ફોટા જોઈ લે. પછી જઈએ. રઈ બૂતારશે,’ ‘ક્યાં સુધી ઝાલીન બેહી રઈએ?’ મંગળદાએ ચિંતા કરી, ‘મારે તો રુખીનું સુખ. ખાવાનું ઢાંકી અડોશપડોશમ ચોળા હોવા જતી રે, આપણી તથા જ નહીં જાણે.’ કહી બેચર ફોટા આપી ઊભો થયો.
મંગળ અને બેચર કાયમ વડ જોડેના ઓટલે જ બેસે એવું નહીં. કોકવાર મંદિરના ઓટલે પણ બેસે. ખાસ શિયાળામાં. અહીં સીધો તડકો આવે એટલે બુલું ના ઠરે. વડ બાજુ આખો દિવસ છાંયડો રહે તેથી ઠાર પડ્યો હોય એટલી ઠંડી આખો દિવસ લાગે. આજે તો બાંકડે ખાસ્સું બેઠા. એટલામાં પાછલા વાસવાળા બાલચંદદા ભગરી અને ભૂરીને લઈને નીકળ્યા. બેચરે પૂછ્યું, ‘બપોર થવા આયો ન ક્યાં હેંડ્યા?’ ‘દવરાવવા. હેંડો બેય જણા, પગ છૂટો થશે.’ બંને જણે આંખના ઇશારાથી નક્કી કર્યું હોય એમ બાલચંદદા ગયા પછી ઊભા થયા. મંગળદાએ આંખ ઝીણી કરી કહ્યું, ‘વાત તો સાચી છે.’ જગ્યા નિશાળથી ખાસ્સી દૂર, એક વડ નીચે હતી. પાડાની બાજુમાં ઊભેલા, ગળે રેશમી રૂમાલ, મોંમાં બીડી અને હાથમાં દંડીકાવાળા જણને જોઈ બેચરે મંગળદાને બરડે ધબ્બો મારીને કહ્યું, ‘આ તો મીઠાનો રમતુડો.’ – તે એમાં શું થઈ ગ્યું? – ફેર પડે. ભેંસ ચપટીમાં છૂટી જાય. આ બધું જોવા આયા છે એમ ન લાગે એટલે ઘટનાસ્થળથી થોડે દૂર જઈ એક આંબલી નીચે બેઠા. સાંઠેકડાં લઈને રેતીમાં આડા-ઊભા લીટા કરી વાતો કરવાનો ડોળ કરતા’તા, પણ નજર તો ત્યાં જ ખોડાયેલી. પહેલી ભેંસ તરત ફેરવી દીધી. બીજા પાડા પાસે બાલચંદદાની ભેંસ ઊભી હતી. પાડાને જોયો ત્યારની આઘીપાછી થતી’તી. એની પાછળ જઈ જેવો પાડો તૈયાર થયો કે ભેંસ ડાબી બાજુ ખસી ગઈ. બીજા પ્રયત્ને પણ જમણી બાજુ ખસી. તાળી ઠોકીને મંગળદા બોલ્યા, ‘આજ બાલચંદદાની ભેંસ નઈ ફર, બોલ લાગી શરત?’ – કેમ? – કેમ કે તે ભેંસ ખદલપુરની છે. – તને શી રીતે ખબર પડી? – અલ્યા ભૂલી ગ્યો? તારી ભાભી, રઈ, ખદલપુરની નઈ? ટાઢી હેમ? આજ બાલચંદદાનો ફેરો ફેલ જવાનો, બેચર. બેચરે ઊભા થતાં કહ્યું, ‘હેંડો મંગળદા, ત્યારે, આજે આંખો ટાઢી કરવાનો મેળ નઈ પડે.’
રાતે ઘણીવાર ઊંઘ ન આવે ત્યારે, મંગળદા કેટલા શિયાળા ને ચોમાસા કોરેકોરાં કાઢ્યાં, એની ગણતરી માંડતા અને છેક આરતીનો ટાઇમ થાય ત્યાં સુધી જાગતા રહેતા. આરતીના ટાઇમે રઈ ઉઠાડવા આવે ત્યારે એને છણકો કરીને કાઢી મૂકતા. હમણાંથી અઠવાડિયામાં આવું બે-ત્રણવાર થવા માંડ્યું છે. સવારે ઊઠે ત્યારે આખું શરીર કડક થઈ જકડાઈ ગયું હોય, માથું ભારે, બીજા તો કોને કહે? બેચરને કહેતા. બેચરનો રોકડો જવાબ, ‘મારી જેમ સાધુ થઈ જા. પછી ડફારો જ નઈ રે.’ મંગળદા રોવા જેવા થઈને કહેતા, ‘માણસમાં હોઈએ ત્યાં સુધી સાધુ શી રીતે થઈએ?’ એ સાંઈઠે પહોંચ્યા ત્યારે પરેશે અચાનક પાર્ટી રાખી. એમની લગ્નગાંઠને દિવસે. પાછી અચાનક, એમને કહ્યા સિવાય રાખી. કાયમ તો એ બે માણસ એકલાં જ જાણતાં. એ દિવસે મૂઈ રઈ. એમને ગમતો સાલ્લો પહેરતી. લાડવાય બનાવતી, ઘરનાંને કહેતી, બેસતો મહિનો છે. એ દહાડે મંગળદા ઘર ગજવતા ફરે, ઘેરથી આઘા ખસે જ નહીં. આજે તો પરેશે એમના કુટુંબના બધાં અને એમના ખાસ મિત્ર બેચરને બોલાવી રાખેલા. એક પછી એક બધાં આવતાં ગયાં ને મંગળદાને બત્તી થઈ. આમ તો સવારથી જ રાજા હોય, આ દિવસે. પણ આજે તો બધાંને જોઈને કંઈ રાજી થયા છે, કંઈ રાજી થયા છે! રઈ પણ લગનના દિવસે રાતે જે પીળો સાલ્લો પહેરીને આવી હતી એ જ સાલ્લો ઠઠાડીને, રૂમઝૂમ કરતી ફરતી હતી. આજે મંગળદાને ખાતરી હતી કે એ કોરા નહીં રહે. જમતી વખતે બેચરે પણ મોહનથાળનો કટકો એમના મોમાં મૂકતાં કહેલું, ‘મંગળીયા આજે તારી રાત સુધરી જવાની. બોલ લાગી? આજે... સો ને દસ ટકા.’ સાંભળીને મંગળદાના ધબકારા વધી ગયા. એમણે હૃદયને હુકમ કર્યો, ‘ધાયણ ખમ મારા હૃુદિયા, વખતે વાજાં વગાડજે....’ જમીને બધાં વેરાયાં. કલાક તો મંગળદા ધોતિયાનો છેડો હાથમાં લઈ આંગણામાં ફરતા રહ્યા. રઈને પણ નવાઈ લાગી. એણે પરેશેને કહ્યુંય ખરું, જો તો બેટા, તારા ભઈનું આજે ફરી તો નથી ગ્યું ને? તેં તો સારા ઓલે કર્યું છે, ને આમનું ચમકું ફરી જાય તો, હું અડધા રસ્તે નોંધારી થઈ જઉં.’ પરેશે એની બાને આશ્વાસન આપ્યું, ‘એવું કશું નહીં થાય. બા, ઘરડા માણસને આમ મહત્ત્વ ન મળે તો વધારે પડતા રાજીપાને કારણે આમ વિચિત્ર રીતે વર્તે. તું ચિંતા ન કરીશ. હું બેઠો છું ને?’ સૂવાના સમયે મંગળદા કલાક વહેલા જઈને પથારીમાં ગોઠવાઈ ગયા. માથા પાછળ હાથ રાખી મલકતાં મલકતાં રઈની રાહ જોતા રહ્યા. એકાદ ઝોલું પણ આવી ગયું. ઊભા થઈ ગોળામાંથી પવાલું ભરી આંખો પર પણ છાંટ્યું. મનોમન વિચારતા રહ્યા. રઈ પીળો સાલ્લો બદલી ના કાઢે તો સારું. આમ તો સારી છે. સાવ તરછડ નથી. આજે માની જશે. લગાર કહીશ ને, ‘તમેય તે શું બળ્યું’ કહીને સેવો જેવી થઈ જશે. બારણું ઉઘડવાનો અવાજ આવ્યો કે એ લાલ લાલ થઈ ગયા. સફાળા ઊભા થઈ ગયા. રઈને વધાવવા બારણા પાસે પહોંચી ગયા. આખો દિવસ ગોખી રાખેલાં બધાં વાક્યો ભૂલી ગયા. સાવ જુદું જ બોલ્યા, ‘રઈ તું આઈ તે સારું કર્યું.’ રઈ તો કંઈ હસે, કંઈ હસે! ‘આમ શું ગાંડા કાઢો છો? મારું ઘર છે તે આવું તો ખરી જ ને! આજ તો આખો દા’ડો ઊંચી નીચી થઈ, તે કેડોના કટકા થઈ ગ્યા છે.’ બોલી એના અલગ ખાટલામાં જઈને બેઠી. મંગળદાને થયું પહેલ કરવી પડશે. ઊભા થઈ રઈનો હાથ પકડી લીધો. હથેળીમાં ગણી ગણાય નહીં એટલી બચીઓ કરી. રઈ નીચું જોઈને બેસી રહી. એમણે એનું મોં ઊંચું કરીને એને વિનવતા હોય એમ પૂછ્યું, ‘આજના દહાડે સહુ શું કરે?’ રઈએ ફરી નજર ઢાળી દઈ કહ્યું, ‘આજના દહાડે મારો વિચાર નોખો હતો. જોવો પેલો ભગવાનનો ફોટો. એના ઉપર નવો ચંદનહાર ચડાયો છે. આપણે બેય એકબીજાના હાથ ઝાલીને ભગવાનને કરગરી પડીએ, ‘હે! ભોળાનાથ! અમને બેયને સંગાથે ઘણું જિવાડ્યા, તમારો પાડ પ્રભુ! અમને આમ જ સાજાં સારાં રાખજો મારા દીનાનાથ!’ ચલો ઊભા થાવ.’ મંગળદાના પગમાં મણીકા બાંધીને એમને કોઈક ઊંડા પાણીમાં પધરાવી દીધા હોય એમ આગળ ડગલું ન માંડી શક્યા. રઈ એમનો હાથ પકડીને ધધેડીને લઈ ગઈ ત્યારે ગયા, પરાણે ભગવાનને પગે લાગ્યા અનેક શું બોલ્યા સિવાય એમના ખાટલામાં જઈ માથા પાછળ બે હાથ મૂકી વિચારે ચડી ગયા. ઊંઘ તો આવવાની નહોતી. સૂતાં સૂતાં ઘડિયાળમાં જોયું. હજુ દસ જ વાગ્યા હતા. રઈ તો ઘડીકમાં નસકોરાં બોલાવવા લાગી. મંગળદા એને જોઈ રહ્યા. બોલી ઉઠ્યા, ‘કેટલો સુખીયો જીવ! વલોપાત કરે એના ભોગ. ક્યાંથી ઊંઘ આવે!’ ઊભા થઈ કમાડ ઊઘાડ્યું. કિચૂડ અવાજ આવ્યો, પણ રઈને શો ફેર પડે? ઓસરીમાં ઊભા રહી આકાશને તાકી રહ્યા. પૂનમની રાત હતી પણ વાદળમાં ગર્ભ હતો. વેગે દોડતાં વાદળો સાથે ચાંદો સંતાકૂકડી રમતો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ને વાદળ કાળાં મેશ થયાં. પૂનમ જાણે છે જ નહીં એમ ચંદ્ર અદૃશ્ય થયો. પહેલાં ધીમો વહેતો પવન એવો વાયો કે મંગળદાએ ધોતિયું ના પકડ્યું હોત તો ધજા થઈ જાત. ધીમા ફોરે વરસાદ વરસવો ચાલુ થયો. આજે આકાશનો ડોળ જોતાં મંગળદાને થયું કે આજ સૃષ્ટિ કાબૂ બહાર જાય એમ લાગે છે. એમને ગોમતીનો અવાજ સંભળાયો. પહેલાં તો એમણે ના ગણકાર્યું. પણ આજે એનું રેંકવું જુદું જ હતું. કદાચ ભૂખનું રેંકતી હોય, ના આજનું રેંકવું નક્કી જુદું હતું. મંગળદા મૂછમાં હસ્યા, બબડ્યા, ‘માણસ હોય કે ઢોર, મેઘો મંડાય ત્યારે સહુ સરખું.’ ઢોરાંવાળા ઘર તરફ ગયા. એમને જોઈને ગોમતી આઘીપાછી થવા લાગી. એ પાછલા પગ ઉલાળતી હતી. એમને થયું ચારો નાખી, એને લગાર પંપાળીને ટાઢી પાડું. પણ એની આંખમાં જોયું તો મંગળદા બી ગયા. એના ડોળા ફાટી ગયા હોય એવા લાગ્યા. ક્યાંક ભેટું મારે તો આજ સપરમા દહાડે ડફાકો થાય. થોડા દૂર જઈ ગોમતીની આંખોમાં તાકીને જોતાં બેસી રહ્યા. ગોમતી ખાસ્સી આડીઅવળી થઈ, રેંકી, કૂદી ને છેવટે આંખો ઢાળી દીધી. જોખમ ટળી ગયું એમ લાગતાં ઊભા થઈ ગોમતી પાસે ગયા, એને થાબડીને કહ્યું, શાંતિથી ઊંઘી જજે પછી વરસાદ ધીમો થતો જતો હતો. નેવાં નાના છોકરાની દદૂડી જેમ ધીમે ધીમે ટપકતાં ટપકતાં અટકી ગયાં. મંગળદાને થયું, હવે પલળવાનો ભો નહીં. જતાં જતાં બોલ્યાય ખરા, ‘માણસ તો સહન કરે, પણ આમ ઢોરોના નિસાસા લઈને ક્યાં જશો? પરમદહાડે સાંજે જ પરેશ ઢોરોંના ડૉક્ટરને લાયેલો. ડૉક્ટર ગોમતીને ઇન્જેક્શન આપતા કે’તોતો, ‘ટંકે દહશેર દૂધ આપે એવી પાડી આવશે.’ સહુ સારું, પણ ગોમતીનું શું?’ મંગળદાને કોઈકે લાકડીએ લાકડીએ માર્યો હોય એમ આખું શરીર દુખતું હતું. એમના ઓરડામાં જઈ ખાટલામાં બેઠા. રઈ સામે જોયું. બેચરને કહેતા હોય એમ બોલવા માંડ્યા, ‘આ રઈ, ફોટાવાળી કરતાં ઓછી રૂપાળી છે? મોં ઉપર ક્યાંય ડાઘો ભાળ્યો? ક્યાંય કરચલીય છે? ત્યારે નન્નો કેમ ભણતી હશે? બળજબરી કરું? તો તો માણસમાં જ ન ગણાઉં, કેવી મડાની જેમ પડી છે? મારાથી એમ થાય? બીજે ફાંફાં મારું તો બાપા સ્વર્ગમાં રહ્યે વઢે. રઈની જેમ ભગત થઈ જઉં? ત્યારે શું કરું? ગામકૂવે જઉં? ના, મંગળદા, ના, અવગતે જવું છે?’ ઊભા થઈ રઈના ખાટલા પાસે ગયા. રઈને પંપાળી જોઈ. વખત છે ને જાગી જાય, ને એનું મન પલળે. પણ રઈ ઊંઘતી રહી. મંગળદા આંખો ઘેરાઈ ત્યાં સુધી ગોથાં ખાતા રહ્યા. છેવટે ગોમતીની જેમ રઈના ખાટલા જોડે બેસી રહ્યા. આજની બધી વાત બેચરને કહેવાનું નક્કી કરી તાવ ભરેલા શરીરે એમના ખાટલામાં પડ્યા ને ઘસઘસાટ ઊંઘી ગયા.
સવારે આરતીમાં જવાની તાકાત નહોતી. તોય અર્ધી આરતી થઈ ત્યારે મંગળદા પહોંચ્યા. ઢોલ વગાડવાનો દંડૂકો લેવાને બદલે બધાંથી જુદા જઈ એક ખૂણે ઊભા રહ્યા. આરતી પૂરી થઈ પછી, ન ચંદનનો લેપ, કે ન પ્રસાદ, બસ ઉપડી જવાની હોય એમ બહાર જઈ બેચરની રાહ જોતા ઊભા રહ્યા. જેવો બેચર બહાર આવ્યો કે એનો હાથ પકડીને ખેંચી ગયા મંદિરના પરિસર બહાર. નિશાળના બગીચામાં પીપળો આવ્યો ત્યાં સુધી બોલ્યા કે ચાલ્યા સિવાય એને ખેંચતા રહ્યા. એમના રંગઢંગને જોઈને બેચરને થયું કે કાલની રજેરજ વાત કહી દેશે, આજે મંગળદા. મંગળદા નીચું મોં રાખી, બેચરનો હાથ પકડી રાખી બોલ્યા, ‘બધાંને અબખે પડી ગ્યો છું રઈના વાદે. રઈને હું ગમતો જ નથી જાણે.’ પછી નીચું મોં રાખી ક્યાંય સુધી બેઠા રહ્યા. ગઈ રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો તોય વાતાવરણમાં સહેજેય ઠંડક નહોતી. હજુ ધામ હતો. આખી નિશાળમાં ટીપુંય પવન નહોતો. ઝાડનાં પાંદડાં સહિત બધું સ્થિર હતું. બેચરે ગમછાથી મોં લૂછી પૂછ્યું, ‘સાંજ સુધીમાં ત્રાટકે એમ લાગે છે, મંગળ?’ જવાબ આપ્યા સિવાય મંગળદા મૂંગા મૂંગા દૂર વખડા બાજુ જોતા રહ્યા. વખડા નીચે બે કૂતરાં ગેલ કરતાં હતાં. એકબીજાના મોંમાં મોં નાંખે, કાન કરડે, ચાટે, એકબીજાને નીચે પાડી આળોટતા વહાલ કરે, વિચિત્ર અવાજ કરે. બેચરનું ધ્યાન જતાં અકળાઈને હાથમાં ઢેખાળો લઈ બબડ્યો, ‘મારા હાહરાં ટાણું કે કટાણું જોયા વગર જો ન મંડ્યા છે તે?’ મંગળદાએ ઇશારાથી બેચરને રોક્યો. બેચરના હાથમાંથી ઢેખાળો પડી ગયો. પેલાં કૂતરાંનો અવાજ મોટો થતો ગયો. મંગળદા અચાનક ઊભા થયા, ને ભલામણ કરતાં હોય એમ, ‘પેલ્લાં.... કૂતરાંને રમવા દેજે બેચર, કહી ઘર બાજું એકલા દોટ મૂકી.’