બીજી થોડીક/કૂર્માવતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૂર્માવતાર

સુરેશ જોષી

લાભશંકરની આંખો ખૂલી ગઈ, ને એમણે જોયું તો આંખો ખોલતાં દરરોજ સવારે સામેની બારી પર જે તડકો પડેલો હંમેશાં દેખાતો તે દેખાયો નહીં. એમની આજુબાજુ કેવળ ઘેરી ભૂરાશવાળો અવકાશ જ દેખાયો. થોડી વાર એઓ આ ઘેરી ભૂરાશમાં પડી રહ્યા. પછી એમને એકાએક વિચાર આવ્યો: ક્યાંય કશો અવાજ કેમ સંભળાતો નથી? ને એમણે કાન સરવા કર્યાં. પણ ક્યાંય સહેજ સરખો અવાજ નહોતો. નહીં તો ચીબરી ને તમરાંનો અવાજ તો સંભળાતો જ. પછી એમને થયું: લાવ, મારા હૃદયના ધબકારા સંભળાય છે કે નહીં તે જોઉં. પણ એમને કશું સંભળાયું નહીં. તો શું મારા કાન કામ નથી કરતા? કે પછી મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું છે? હૃદય બંધ… એઓ એકદમ ચોંક્યા. પછી વળી વિચાર આવ્યો: ના, એ તો કેમ બને? મને હમણાં જ ભયની લાગણી તો થઈ. તો થયું છે શું? ને ફરી એમણે આજુબાજુ નજર કરી તો એનો એ ભૂરો અવકાશ દેખાયો. પણ આ વખતે એમને પ્રશ્ન થયો. હું આ ઘેરા ભૂરા રંગને જોઉં છું ખરો? કે પછી આ ઘેરો ભૂરો રંગ તે દૃષ્ટિનો અભાવ જ છે? આ પ્રશ્ને એમને બહુ વ્યગ્ર કરી મૂક્યા. પછી એમને થયું: લાવ, હર્ષદને જગાડું. ને એઓ બૂમ પાડવા ગયા. એમને લાગ્યું કે એઓ ‘હર્ષદ’ એમ બોલ્યા પણ ખરા, પણ કશો અવાજ સંભળાયો નહીં. માત્ર પેલા ભૂરા અવકાશમાં થોડા પરપોટા થયા. પરપોટા? તો હું ક્યાંક તળિયે જઈને તો બેઠો નથી? શાને તળિયે? ને રખેને ડૂબી જવાશે એ બીકે એમણે તરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં વળી આશ્ચર્ય થયું: એમને લાગ્યું કે એમને અંગો જ નથી! તો પછી… ને એઓ આગળ જઈ ન શક્યા. તો શું આ… આ… મૃત્યુ હશે? મૃત્યુ? પછી થયું: પણ મને વિચારો તો આવે છે. તો શું વિચારો મૃત્યુ પછીય અટકતા નહીં હોય? ના, ના, મૃત્યુ શાનું? ને એમણે વિચારોની મદદથી જ જીવતા થવાનો પ્રયત્ન કર્યો: ચાલો, પહેલાં શાનો વિચાર કરું? આ પ્રશ્ન જ અવકાશમાં તાકેલા તીરની જેમ પેલી ઘેરી ભૂરાશમાં ઘૂમરી ખાઈ રહ્યો. પછી થયું: લાવ ને, હું મારો જ વિચાર કરું, હું – હું લાભશંકર, કપાળમાં ત્રિપુણ્ડ, માથે તાલ, પગમાં પાવડી, ધોતિયાની ઓટીમાં તપખીરની દાબડી… બધું સંભારી સંભારીને એમણે એકઠું કરવા માંડ્યું. પણ એકને પકડીને લાવે, ને બીજું પકડીને એની જોડે સાંધવા જાય ત્યાં પેલો ઘેરો ભૂરો અવકાશ એને ગળી જાય. આમ લાભશંકરે પોતાને એકઠા કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ પ્રયત્નને અન્તે એમને લાગ્યું કે એઓ વધારે ને વધારે ખોવાતા ગયા. તપખીરની દાબડી દેખાય, તરત ઊઘડી જાય, તેની અંદર બીજી દાબડી દેખાય, ને ઊઘડી જાય, તેની અંદર ત્રીજી દાબડી, … એમ ચાલ્યા જ કરે. ત્રિપુણ્ડનું પણ એવું જ. પણ હજુ નિરાશ થવા જેવું નહોતું, કારણ કે એમને વિચારો આવતા હતા, ને એ વિચારો પોતાના હતા, પોતાને વિશે હતા એવું ભાન હજુ ટકી રહ્યું હતું. પણ એ ભાનના પર વધારે ભાર મૂકતાં કદાચ એય તૂટી પડે તો? હવે પ્રશ્નોના જવાબ જડતા નહોતા, પ્રશ્નોના છેડા જ કેવળ ઘેરી ભૂરાશને વીંટળાતા જતા હતા. વળી એઓ વિચારે ચઢ્યા: પેલો કુશળરામ, પેલી સવિતા, પેલો નન્દશંકર… જેટલાં નામો એમને યાદ આવે તેટલાં યાદ કરતા ગયા. પણ એનું શું? કુશળરામ… બસ, એ કુશળરામની સાથે કશું જોડી શકાતું નથી. કુશળરામ એકલા છે, સવિતા એકલી છે, નન્દશંકર એકલા છે. એમને એક વિચિત્ર લાગણી થઈ: એક સાથે જાણે વિભક્તિના બધા પ્રત્યયોનો લોપ થયો. કોઈને કોઈ જોડે સમ્બન્ધ નથી, કોઈ કોઈમાં નથી, કોઈ કશું કરતું નથી, કોઈ કોઈને સમ્બોધતું નથી. કોઈ કોઈને કશું આપતું નથી. કુશળરામ…કુશળરામ પેલા ઘેરા ભૂરા અવકાશમાં ઘૂમે છે, ઘૂમવાની ગતિ વધતી જાય છે એટલે ધીમે ધીમે ચહેરો ભુંસાવા લાગે છે. પછી માત્ર એક પરપોટો જ રહી જાય છે. આમ કુશળરામ, સવિતા, નન્દશંકર – બધા પરપોટા થયા ને શમી ગયા. વળી લાભશંકર પાછા હઠ્યા. એમને થયું: મને ભય થાય છે, તો હર્ષ થાય છે? દ્વેષ થાય છે? રાગ થાય છે? ને એમણે યાદ કરવા માંડ્યું. તિરસ્કાર… પણ એ ધ્વનિ વિનાનો શબ્દ જ રહ્યો. એને કશું આલમ્બન મળ્યું નહીં – એ અવકાશમાં વીંઝાઈને ઘેરી ભૂરાશમાં લોપ પામ્યો. ને એકાએક લાભશંકરને થયું: આમ તો બધું મારામાંથી નીકળીને આ અવકાશમાં ખોવાઈ જાય છે. હું ખાલી થતો જાઉં છું …. ને એમણે જોડ્યું: ‘હું’ મટતો જાઉં છું. આ ‘હું’ ને ટકાવી રાખવાની ઇચ્છા છે ત્યાં સુધી ભયની લાગણી રહેશે; કદાચ ભયની લાગણી જ છેવટ સુધી સાથ આપશે! ‘છેવટ’ આગળ એઓ ફરી અટક્યા. ‘છેવટ’ ક્યાં? છેવટ તો આ ‘હું’ માં જ છે, એની બહાર ગયા કે ખલાસ… પછી કશાંનું છેવટ નહીં ને એમને ફરી ભયની લાગણી થઈ. પછી એમને એકાએક સૂઝ્યું: ‘હું’ છું એની પ્રતીતિ માટે ભયની લાગણી થવી જોઈએ, એ ભયની લાગણી ઉદ્ભવે તે માટે ‘હું’ને જોખમમાં મૂકવો જોઈએ; એટલે કે ‘હું’ ને ખોવાની પરિસ્થિતિ ઉદ્ભવવી જોઈએ. એવી દરેક પરિસ્થિતિમાં ‘હું’ ભાંગતો જ જશે, ભાંગતો જ જશે, ને આખરે? આખર જ રહેશે નહીં! કેવળ ભયથી જેનો પિણ્ડ બંધાયો છે એવો આ ‘હું’ સર્વથી અસમ્બદ્ધ સ્વયંકેન્દ્રિત ભૂરા અવકાશમાં તરી રહ્યો – ધીમે ધીમે ભાંગતો, ઘસાતો એ તરી રહ્યો.

લાભશંકરની પડોશના ઘરમાં સાસુવહુનો ઝઘડો જામ્યો. અપશબ્દોની વૃષ્ટિ વરસી. આખરે વરે વહુને ટીપી નાખી. વહુનો કર્કશ ચિત્કાર વાંકીચૂંકી ગલીને ખાંચે ખાંચે અથડાતો ટીચાતો બધે ફરી વળ્યો. પાસેના જાહેર નળ આગળ એવી જ બીજી જાદવાસ્થળી જામી, ઘડા ફૂટ્યા ને માથાં ફૂટ્યાં; લાભશંકરનાં વહુ પાર્વતી ડોશીને વાયુના ઓડકાર શરૂ થયા; સવારના સાત થતાં જ હર્ષદે સિલોન રેડિયો શરૂ કર્યો. આ બધા અવાજો ભેગા થઈને પેલા ઘેરા ભૂરા અવકાશને ભેદવા લાગ્યા. પાર્વતી ડોશીએ રસોડામાં બેઠા બેઠા બૂમ પાડી: હર્ષદ, તારા બાપાને જગાડ તો, જો તો કેમ ઊઠ્યા નથી? લાભશંકરે જોયું તો પેલો ભૂરો અવકાશ મોટા કાચબાના જેવો દેખાયો. એણે સંકોચી લીધેલાં બધાં અંગો એ બહાર કાઢવા લાગ્યો … રસોડાનો ધુમાડો લાભશંકરને ગૂંગળાવવા લાગ્યો. હજુ આંખ ખોલવાની એમની હિંમત ચાલતી નહોતી. એમણે કાન સરવા કર્યાં, ને પોતાના હૃદયના ધબકારા સાંભળ્યા. પછી ધીમે રહીને આંખો ખોલી. બારીનો આખો કાચ તડકો પડતાં જાણે સળગી ઊઠ્યો હતો. લાભશંકર બેઠા થયા, ધોતિયાની ઓટીમાંથી તપખીરની દાબડી કાઢી, તપખીરનો એક સડાકો લીધો, પગમાં પાવડી પહેરીને ઊભા થયા. ઓટલા પર ખૂણામાં બેસી રહેલા કૂતરાને લાકડીથી માર્યું, કૂતરું કરુણ ફરિયાદ કરતું ચાલી ગયું. લાભશંકર અંદર આવ્યા. રસોડામાં જઈને બેઠા, દાંતે તપખીર ઘસવા લાગ્યા, પછી કોગળા કર્યા, હાથ ધોયા. પછી ચા પીધી. વાસી ચા પીવા આપી તેથી પાર્વતી ડોશી પર તડૂક્યા. વળી પાવડી પટાક પટાક કરતા ઓટલે આવી બેઠા. પાનની ચમચી કાઢી. સામેના ઓટલેથી કુશળરામે એમને બોલાવ્યા. પાન ગાલના ગલોફામાં બરાબર ગોઠવીને હાથમાં તમાકુ ને ચૂનો ભેળવી એઓ સામે ઓટલે ગયા. સિફતથી ચૂનોતમાકુ મોઢામાં ગોઠવ્યાં ને કુશળરામ સાથે ગપાટે ચઢ્યા. ત્યાં એમનો હાથ અચાનક પગની ઘુંટી આગળના ખરજવા આગળ ગયો. ચળ આવતી નહોતી તોય એને સહેજ ખણ્યું. ભારે મજા પડી: ગપાટા પણ ઠીક જામ્યા. ચળ વધતી ગઈ, ને લાભશંકર ખરજવું ખણ્યે ગયા.