બીડેલાં દ્વાર/કડી પહેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડી પહેલી


અજિત જ્યારે હોટેલના દ્વારમાં દાખલ થયો ત્યારે એની ઇચ્છા એ હતી કે છેવાડાની કોઈ એકાંતવાળી બેઠક શોધીને આરામથી ખાઈશ; પરંતુ અઠ્ઠાવીસ કલાકની ક્ષુધાએ એના પગને આગળ વધવા આપ્યા નહિ. તમ્મરે ઘેરાયેલી એની આંખો એટલું પણ ન જોઈ શકી કે પોતે વચલા ખંડની કોઈ ખાલી ખુરસીમાં બેસવાને બદલે બીજા બેઠેલા આદમીના ખોળામાં જઈ પડેલ છે. એને કોઈ ઢીંચેલો માતેલો સમજીને એ ખુરસીના આસનધારીએ બાજુની ખાલી બેઠક ઉપર ધકાવી દીધો.

‘પીધેલો છે પીધેલો!’ એવા થોડાક સંજ્ઞા-સંદેશા એ હોટેલના રસોયા, પિરસણિયા અને દરવાન ભૈયા સુધી પહોંચી ગયા; પણ તેઓ વધુ તમાશો નિહાળી શકે તે પહેલાં તો અજિત પાછો સ્વસ્થ બનીને બેસી ગયો હતો, ને પોતાને ધમકાવનાર પુરુષની ચા ઢોળાયા બદલ ‘માફ કરજો, ભાઈ!’ એવા ચોખ્ખા બોલ બોલતો હતો. સામેના ટેબલ ઉપર બન્ને હાથની કોણીઓ ટેકવીને એણે પોતાની આંખોને હથેળીઓમાં દબાવી દીધી. બીજી કશી ચેષ્ટા કે દારૂની દુર્ગંધ માલૂમ ન પડવાથી, એકઠા થઈ ગયેલા હોટેલવાળાને એક પ્રકારની નિરાશા આવી ગઈ. બે-ત્રણ જણાઓએ આ મામલાને આમ નિર્માલ્ય રીતે ખતમ થઈ જતો જોઈ ઉદ્ગાર કાઢ્યા કે ‘હારેલો સટોડિયો લાગે છે.’ કશો ખુલાસો કરવા જેટલી તાકાત અજિતમાં રહી નહોતી. થોડી વારે તમ્મર ઊતર્યા બાદ એણે પોતાની સન્મુખ નજર ચોડી : આઘેના ૐ નંબરના ખંડમાં એક ડુંગરા જેવી ફાંદના ભાર તળે ચંપાઈને પડેલો કોઈ મારવાડી વ્યાપારી આઇસ્ક્રીમની ગુલાબી રકાબી પોતાના મોંમાં ઠાલવી રહ્યો હતો; અને એ થીજેલી મલાઈમાંથી ઓગળતા દૂધના રેગાડા એની દાઢી ઉપરથી, પસીનાની ધારોમાં સંગમ કરીને છાતી પર ઊતરતા હતા. એ જોતાં જ અજિત મનમાં મનમાં બબડી ઊઠ્યો : ‘આ પૃથ્વી પર અક્કેક સેકન્ડે આવા બબ્બેનો જન્મ થાય છે. વાહ કરામત! દાક્તરે સાચું કહ્યું. સાચું કહ્યું.’ એના ફફડતા હોઠ તરફ એ ઓરડાના ચા પીનારાઓ તાકી રહ્યા હતા. કોઈ કહેતું હતું, ‘બેટાનું ફટકી ગયું લાગે છે’. અજિતની આંખો તો પેલા પાંચમણિયા મારવાડી તરફ જ હતી, પોતે બબડતો હતો : ‘અક્કેક સેકન્ડે બબ્બેનો જન્મ! હા-હા-હા-હા.’ પાછું હસવું થીજી જતું હતું, ને એની બંને ભમ્મરો ખેંચાઈને અરસપરસ અડકી જતી હતી. મનમાં ને મનમાં એ બબડ્યો : ‘છતાં, છતાં ઓ બેવકૂફ! તને કશી જ ગમ છે ખરી, કે તને એકને પ્રસવતાં પ્રસવતાં તારી માને શી શી યાતનાઓ વેઠવી પડી હતી? તને એ ચમત્કારના ય ચમત્કારની કશી જ કિંમત છે તારા આંકફરકના બજારમાં? જગતની એક જનેતા તારે સારુ જીવનમરણનાં બે કડાંએ બાંધેલ હીંડોળે ફંગોળાઈ રહી હતી તારા જન્મકાળે, તેની ખબર રહી છે તને? તું અત્યારે પડ્યો પડ્યો મીઠાઈ ઉડાવે છે, પણ તને શું ભાન છે, કે તારું આ જગત પરનું આગમન જગતની એક સ્ત્રીને માટે કેવું ભયંકર થઈ પડ્યું હતું?’ માનવીને હૈયે રમે છે તેટલી બધી જ વાતો જો હોઠે આવતી હોય તો દરરોજનાં બસો-પાંચસો ખૂનો અક્કેક શહેરમાં ઊજવાતાં હોત. આમ બબડાટ કરતા યુવાન અજિતની દૃષ્ટિ કોઈ લપાઈને બેઠેલ વરુની તીણી ખૂની નજર-શી ફરતી ફરતી એ હોટેલને દરવાજે ઊભીને કરગરતી, પોતાનું કંગાલ કલેવર ઝુલાવીને પીઠ પરની ખોઈમાં રડતા બાળને નીંદરમાં નાખવા મથતી એક લગભગ વસ્ત્રહીન ભિખારણ પર ઠેરાઈ; ને એના ફફડતા હોઠ જો કોઈ મૂગો-બહેરો જોઈ જાય, તો સત્વર કળી કાઢે, કે એના અંતરમાં શા શા બબડાટ ચાલતા હતા. (છૂપી પોલીસમાં મૂગા-ટુકડી વસાવવાનું હજુ કેમ કોઈને નહિ સૂઝ્યું હોય!) ભિખારણને સંબોધીને અજિત જાણે પૂછતો હતો કે ‘ઓ સ્ત્રી! તું શું છે તેની તને ખબર શાની હોય? તું કેવી નિગૂઢ વિશ્વનિયતિની સાથે મરણના જંગો ઝૂઝી રહી છે! તારી અંદર કેવું સામર્થ્ય વસે છે! એક નાના પરમાણુમાંથી નવીન માનવી સર્જવાની એ તારી શક્તિ : યુગયુગાન્તરો સુધી આ દુનિયા, બસ, ચાલ્યા જ કરે, સંસારસિંધુનો જનપ્રવાહ કાળકાળાન્તરને આરે આરે અનવરત વહેતો જ રહે, તેવું પરમ નિર્માણ સાધવાની તારી એ ગુપ્ત ચેતના છે. તારા આ હાડકાંના માળખામાં પોતાની કામક્ષુધા ઠાલવનારો કોઈક ગંજેડી ભંગેડી બાવો-સાધુ તારામાં રમણ કરતી એ ચેતનાને ક્યાંથી પામી શક્યો હોય? કોને ગરજ પડી છે?’ આ બધા પ્રલાપો કેવળ હોઠને જ ફફડાવતા નહોતા, પણ અજિતના ગળાનેય જરી જરી બોલાવતા હતા. એનો ચહેરો પણ ભેગો હાવભાવ પૂરતો હતો. ચા પીનારાઓ અક્કેક બીજો ‘કપ’ મંગાવીને આ દૃશ્ય નિહાળવા સારુ સ્થિરતા પકડી બેઠા હતા. એકે કહ્યું : “કોઈક દુખિયારો લાગે છે. કશુંક કહેવા મથે છે, પણ કહી શકતો નથી.” અજિતે અસ્પષ્ટ અને તૂટક અવાજે નિજ મનને સંભળાવ્યું : ‘સાચે જ મારે ઘણું કહેવાનું છે. પ્રસૂતિની વેદના મારે પ્રત્યેક કાનમાં જઈને વર્ણવવી છે. પરંતુ માતા છોકરું જણે એની વાતનો ઉચ્ચાર કરવામાંયે આજ અસભ્યતા મનાય છે. માનવી જેવા માનવીનો જગત-પ્રવેશ, એની પ્રગટ વાત સંભળાવવા-સાંભળવામાં શરમ આડે આવે છે. એ વાતોને વાણીમાં મૂકવા જતાં ઉપર શિષ્ટતાના ને અસ્પષ્ટતાના સુનેરી ગાભા વીંટવા પડે છે. એ પૃચ્છાના પ્રતિબંધે જગતની લાખો જુવાન માતાઓના ભોગ લીધા છે. ‘નાનો ભાઈ ક્યાંથી આવ્યો?’ એવું પૂછનાર બાર વર્ષની બહેનને માબાપ ‘ભગવાન નાખી ગયા’, ‘વાડ્યમાંથી જડ્યો’ એવા ઉડાઉ ઉત્તરોથી ઠગે છે. જુવાન દીકરાને ચારસો ગાઉ દૂર રાખીને એનાં આપ્તજનો વહુની સુવાવડ સારે છે. હા! હા! જગતનો એક મહા પ્રશ્ન, વિજ્ઞાનનું એક પરમ રહસ્ય, ફિલસૂફીની એક ઉત્કૃષ્ટ નિગૂઢતા, એને સમજવી સમજાવવી એ આજ અશ્લીલતામાં ખપે છે. એના અજ્ઞાનના ખપ્પરમાં બલિદાન ચડતી માતાઓ ‘ઈશ્વરની મરજી હોય તો જ ઊગરે છે. બાકી તો એની દરેક સગર્ભાવસ્થા એને ફાંસીની સજારૂપ લેખવામાં આવે છે. માટે જ પિયર પ્રસવ કરવા જતી પુત્રવધૂના અંગ પરથી સાસુજી તલેતલ સોનું ઉતારી લે છે!’ આવા કટ્ટર વિચારોથી વલોવાઈ રહેલા અજિતે જાણ્યે-અજાણ્યે પણ હાથની મૂઠીઓ વાળી, પાસે બેઠેલાઓએ ફક્ત એટલો જ પ્રલાપ સાંભળ્યો કે ‘આજે નહિ — એક દિવસ : એક દિવસ : કોક દિવસ’. ‘ક્યાંક માર ખાઈને આવ્યો લાગે છે.’ એક ચા પીનારાએ અન્યની સામે આંખમિચકારો કર્યો. અજિતનો આત્મા બોલતો હતો કે ‘આજે ભલે નહિ, પણ એક દિવસ દુનિયાને ભાન થશે, એક દિવસ જગતને વિચાર આવશે, કે માતૃત્વ એટલે પ્રકૃતિનું કેવું મહિમાવંત દાન છે ને એને કેવા જતનથી રાખવું ઘટે છે. આજે જગતને જો જાણ હોત, તો તો પછી માનવજાતિની યંત્રણાઓ ને વેદનાઓના વિષકટોરા મૂગી મૂગી પી રહેલી જે માતાઓ, તે આજ પુરુષોના કબાટની ઢીંગલીઓ કે ખાણો-સડકોની ને મિલો-કારખાનાંની ગુલામડીઓ હોત શાની? જગત પર માનવની જિંદગી એટલી સસ્તી શી રીતે હોત?’ અજિતના એ વિચારવહેણમાં કોઈ મોટો જુવાળ આવ્યો હોય તેવાં બૅન્ડ-પડઘમનાં રણવાજિંત્રો રસ્તા પરથી ગાજી ઊઠ્યાં. એ ધ્વનિને તાલ દેતાં ચારસો-પાંચસો માનવપગલાંની કૂચકદમ એને કાને પડી. કોઈએ આવીને ખબર આપ્યા કે નં. 11ની પલટનને લઈ જાય છે — સરહદ પરનો દંગો શમાવી દેવા. એ સાંકળના અંકોડા અજિતની વિચારકડી સાથે પરોવાઈ ગયા : ‘આ દરેક સિપાહીને જણવા સારુ અક્કેક માતાએ દારુણ ચીસો પાડી હશે — મારી પત્નીએ આજ પ્રભાતે મને સંભળાવી હતી તેના જેવી જ. સામે લડનાર સૈન્યનો પ્રત્યેક સૈનિક પણ એક એક માનું કલેવર ચીરી ચીરી બહાર આવ્યો હશે. એ તમામને લાલ, પીળા ને વાદળી રણસ્વાંગો સજાવી, રાઇફલો અને મશીનગનો ઝલાવી, શિસ્ત અને નિમકહલાલીને નામે દેશ અને ધણીને નામે પરસ્પર જલ્લાદગીરી કરવા લઈ જવા, એ શું જેવું તેવું પાતક છે!’ રણવાદ્યોનાં ધ્વનિ ચાલ્યાં ગયાં. ચા પી પીને સાથીઓ પણ ઊઠી ગયા. હોટેલના છોકરાએ આવીને પૂછ્યું : “માસ્તર, તમારે કંઈ ખાવુંપીવું હોય તો બોલો. અહીં અમસ્તા બેસવાનું નથી.” તમાચા જેવા આ શબ્દોએ અજિતને ભાન કરાવ્યું, કે પોતે ત્યાં અઠ્ઠાવીસ કલાકની ક્ષુધા ઓલવવા આવ્યો છે; મનન-ચિંતન કરવા માટેની એ જગ્યા નથી. એણે પૂરી, શાક, દાળ ને ભાતની વરધી આપી. ખાતાં ખાતાં એની યાદદાસ્ત પોતાના ભૂતકાળના એક પછી એક પડદાને ઊંચકતી ઊંચકતી અતીતમાં ડોકિયું કરવા લાગી.