બીડેલાં દ્વાર/કડી બારમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડી બારમી


બીજું એક જ્ઞાન પણ અજિતને સારુ રાહ જોઈ ઊભું હતું. સગર્ભા સ્ત્રીને ભાવા થાય છે એનું ભાન આજ પોતાને પ્રથમ વાર થયું. ‘રઘુવંશ’ની કવિતામાં ભણ્યો હતો, કે જાનકીને ‘દોહદ’ થયું હતું તપોવનોમાં વિચરવાનું અને રઘુવીરે એને પોતાના ખોળામાં બેસારી પંપાળીને પૂછ્યું હતું વાંચ્યું હતું. અન્ય કોઈ પુસ્તકમાં કે શ્રેણિક બિંબિસારની ગર્ભવતી રાણીને ચંદ્રનાં કિરણો પીવાના કોડ થયા હતા. તે પૂરવા માટે પતિએ હજારો છિદ્રો એક ઘૂમટવાળા ઘરમાં પાડેલ ને તેમાં પત્નીને પૂર્ણિમા-રાત્રીએ બેસારી, મોં ફડાવી, પછી પેલા ઘૂમટનાં છિદ્રો ધીમે ધીમે બિડાવી દઈ ચંદ્રકિરણ-પાનનું એવું મીઠું છલ રાણીના હૃદય પર કર્યું હતું.

ભલેને અજિત રાજા નહોતો, બજારુ લેખક હતો, છતાં પ્રભા તો કો રાજવધૂના જેવી જ ગર્ભધારિણી હતી ને! એને કોડ ઊપજ્યા હતા કલાકો સુધી, બસ, નહાયા કરવાના. શહેરના કાતરિયાની નાનકડી ચોકડીમાં બેસીને એ શરીર પર બે બેડાં પાણી ઢોળ્યા કરતી. ઘરની કામવાળી એવું નિરર્થક ઢોળાતું પાણી ભરવા તૈયાર નહોતી; અને નહોતો અજિત કોઈ ક્લબનો સભાસદ કે પ્રભાને એકાદ ક્લબના હોજમાં નહાવા લઈ જાય. પ્રથમ તો અજિતને આ સગર્ભાવસ્થાની બેવકૂફી ઉપર થોડો ગુસ્સો ચડી ગયો, પણ એણે આજ જીવનમાં પહેલી જ વાર પ્રભાને મુખેથી યાચના ફૂટેલી સાંભળી. કેવળ ગરીબીને કારણે જ પ્રભાના ભાવો પોતે પૂરી શકતો નથી, એ વાત એને વીંધતી હતી. “ભૂતનાથ ચાલો, પ્રભા, ભૂતનાથ જઈને રહીએ. બે મહિના ગાળી આવીએ,” એ યોજના અજિતને એકાએક સૂઝી. ભૂતનાથની જગ્યા એક ધાર્મિક યાત્રાસ્થાન છે અને ત્યાં એક મહંત વસે છે. આ વાતનો વિપ્લવવાદી અજિતને હૈયે ઊંડો ધિક્કાર છતાં એક રાત્રીએ એણે ને પ્રભાએ મળીને ઓરડીમાંથી ઉચાળા બાંધ્યા. “ઠીક છે, પ્રભા! બે મહિનાનું વીસ રૂપિયા ઘરભાડું પણ બચાવી લઈએ.” એવી વેતરણ કરીને ફાલતુ સામાન એણે પોતાના એક સ્નેહીના મેડા ઉપર પધરાવી દીધો; ને પછી એક સ્ટવ, લોટ-દાળના ડબ્બા, કડછી, તાવેથો, મરચા-મીઠાની ડબ્બીઓ ઇત્યાદિ ઘર ચલાવવાની ઓછામાં ઓછી વખરી પ્રભાએ ને પોતે રાત જાગીને બાંધી લીધી. એક દિવસની સંધ્યાએ સમુદ્રતીર પર અડોઅડ ઊભેલા ભૂતનાથ મઠના એક ઓરડામાં બેઉ ઊતરી પડ્યાં. પોતાના સ્નેહી એક રાજ્યાધિકારીની ભલામણચિઠ્ઠી વડે અહીં માર્ગ થઈ શક્યો. તે ઉપરાંત મંદિરમાં જઈ ઠાકોરજીની મૂર્તિને લળી લળી નમન કરતાં કરતાં, (અંતરમાં થોડી ગાળો ઉચ્ચારતા) મહંતજીને કાને રણકાર જઈ શકે એવી કુનેહથી એક રૂપિયો ધરી દીધો. આવા ભાવિક મુસાફર એક છાપાના લેખક છે, એટલું જાણ્યા પછી તો જગ્યામાં એને સારુ સગવડની કશી ન્યૂનતા ન રહી. વીસમી સદીમાં ઠાકોરજીનેયે પ્રથમ શરણું પત્રકારોનું જ લેવું રહ્યું છે. પત્રકારો અને ખબરપત્રીઓને કોઈ પોતાનાથી વધુ પ્રામાણિક, વધુ પવિત્ર, કે વધુ શાણા, પોતે જેવું લખે છે તેવું આચરનારા સત્યનિષ્ઠ પુરુષો તરીકે સન્માનતું નથી. ‘નાગા’, ‘આબરૂ પાડનારા’, ‘દાદાઓ’ લેખે જ એમનો સહુને ડર છે. માટે જ જગત એમને નમતું-ભજતું રહે છે. પહોંચીને પહેલું જ કામ પ્રભાએ સાગરસ્નાનનું કર્યું. ગાંસડાં-પોટલાં કશું જ ઠેકાણે પાડ્યા પહેલાં, ગાંડી જેવી એ દોડી ગઈ. ભરતીનાં ફીણવાળાં નીલાં પાણીમાં હજારો મોજાં, વિરાટ કોઈ શિશુ-સૃષ્ટિમાંથી રમવા નીસરેલાં નાનાં બાળકો-શાં, પ્રભાને આખે દેહે ગેલ કરવા લાગ્યાં. એને અડકી-પંપાળીને પ્રભા પકડી પાડે તે પહેલાં તો મોજાં પાછાં વળી જતાં હતાં. ત્યાં તો બીજાં નવાં આવી પ્રભાના શરીર પર ચડી ચડી રમતાં હતાં. આ દોટમદોટમાં એને શરમિંદી બનાવનાર કોઈ પાડોશણો ત્યાં નજર માંડવા સારુ હાજર નહોતી. માથા પરથી લગાર સાળુ સરકી જાય તો મર્માળી દૃષ્ટિનાં કટાક્ષો વરસાવનાર કોઈ શહેરી સજ્જનો ત્યાં ઊભા નહોતા. જરા વધુ પાણી ઢોળાતાં જ ખાળકૂવો છલકી જવાની બીકે લડાલડી કરવા ધસ્યાં આવનાર સહ-ભાડૂતો નહોતાં. અને સહુથી વધુ રાહત તો ભૂતનાથજીને સાગરતીરે ઘરધણીની ‘શેઠાણી’ની ગેરહાજરીની હતી. પ્રભાને મન શહેરી મકાનની જાડીપાડી ‘શેઠાણી’નો જે ત્રાસ હતો તે ત્રાસ ગીરની ગાયને સિંહવાઘની જે ધાસ્તી હોય તેને મળતો હતો. પૂરેપૂરાં ભાડાં ભરવા છતાં વાતવાતમાં આવીને શેઠાણીજી સંભળાવી જાય કે ‘ઈ તો અજિતભાઈ શેઠ કને બહુ વીનવવા મંડ્યા કે તમારા ઘરમાં અમને રાખો ને રાખો; એટલે જ શેઠે તેમને આંઈ જગ્યા દીધી, નીકર અમે અજાણ્યાં માણસોનો વશવાસ ન કરીએ, માડી!’ વળી ફરીને પ્રસંગ કાઢી શેઠ-પત્ની ટકોર કરી જાય કે ‘ઈ તો અજિતભાઈને લખવાનો ધંધો મોળો ચાલે, કંઈ આવક નઈ, એમ જાણ્યા પછી જ શેઠે આટલું ભાડું કબૂલ રાખ્યું. નઈ તો અમારે કાંઈ ભાડાની થોડી ભૂખ હતી? અમે કાંઈ ભાડાં ખાવા સારુ થોડાં આ ખોરડાં ચણાવેલ છે! અમારે શેઠને તો એવી ચીડ છે, કે ઘર ખાલી પડ્યાં રહે તો ઘોળ્યાં, પણ ભાડું ઓછું કરી ઘરનો મોભો તો ન જ બગાડવો. વળી સૂઝે ઈ થાય. પણ રોગિયાં-માંદાંને તો અમે મકાનમાં રાખીએ જ નઈ. શેઠને હવા બગડે ઈ તો લાખ વાતે ય ન પોસાય; પણ આ તો અજિતભાઈને દેખીને શેઠને દયા આવી ગઈ અને ઉધરસનાં ઠસકાં આવતા’તાં તોય શેઠે કહ્યું કે, બાપડા અજાણ્યા છે, ભલે રહેતા આપણા મકાનમાં. વળી આંઈ ભાડૂતોને ત્યાં કોણ આવે કોણ નઈ, માંઈ સારાં પગલાંના હોય, માંઈ હીણાં પગલાંના હોય, અમારે ઘરમાં જુવાન વહુદીકરીઓ રહી; એટલે બહુ અવરજવર શેઠને ધરમૂળથી જ ન ગમે. ઘણી વાર તમારે ત્યાં તો માડી, મેમાનસેમાનનો ભરાવો રહે એ દેખીને શેઠનું મન માલીપાથી બહુ બહુ કોચવાય; છતાં અજિતભાઈનું મન-મોં મેલાય નઈ. બીજું હોય ને તો રાતોરાત ખોરડું ખાલી કરાવીએ અમે!’ આવું આવું કહી સંભળાવવાની અનેક તકો શોધ્યા કરનાર શેઠાણીના આ બે આશ્રિતોએ ભૂતનાથજીના દરિયાતીરે એ દયાળુ મકાનમાલિક દંપતીના ઓળા માંડ માંડ પોતાના મન પરથી ભૂંસી નાખ્યા. પ્રભાનો મોકળા હૈયાનો હાસ્ય-ખખડાટ : સામસામા બરડા પર ધબ્બાનો અવાજ : અને સાડી કમ્મર પર્યંત સરી જાય તેની યે ખેવના વગરનાં નિર્લજ્જ જીવન શરૂ થઈ ગયાં. ઓરડીની અંદર આખી રાત જાગીને બેઉ જણાંએ રાચરચીલું ગોઠવી દીધું. શરૂ શરૂમાં તો અજિતે ‘પ્રભા! શેઠાણી આવે!’ એવું કહી કહીને પ્રભાને આઠ-દસ વાર બરાબર બિવરાવી હતી. દીવાલો પર ખીલી ઠોકતી પ્રભાને ‘એ પ્રભા, શેઠ બૂમ પાડે!’ એવું કહી અજિતે મીઠા ચોંકાટ ઉપજાવ્યા. રાતના બાર વાગ્યે બેઉ જણાંએ રસોઈ કરી. વરવહુ એક જ થાળીમાં ભેળાં જમે છે એ વાતનો ફજેતો કરવા માટે, પતિદેવોની અજીઠી થાળીની અંદર જ નિત્ય ખાનાર પતિવ્રતા પાડોશણોનાં અટ્ટહાસ્ય અહીં સંભળાતાં નહોતાં. મશ્કરી, તિરસ્કાર ને શેઠ-શેઠાણીનાં મુરબ્બીપણાંને બદલે એકલો સમુદ્ર-ડોસો જ દિવસ-રાત દાંત કાઢતો પડ્યો હતો. પણ સમુદ્રના હસવા પાછળ આ ‘ગંડુ યુગલ’ની હળવી, મીઠી બેપરવાઈભરી હાંસી હતી, કપટ નહોતું, ચેષ્ટા નહોતી. હજારો આંખોવાળું આકાશ પ્રભાની મોકળી ક્રીડાને ઉઘાડેછોગ નીરખતું હતું. કોઈ તરડમાંથી તાકતું નહોતું અથવા ત્રાંસી નજરે રહસ્યો જોવા મથતું નહોતું; મનુષ્યને ખટકે છે હમેશાં તીરછી દૃષ્ટિનાં ભાલાં; પાધરી અને ઉઘાડી નજરો બહુ બીવા જેવી નથી. એથી ઊલટું, જોનારાંને તો હંમેશાં ગુપ્ત છિદ્રો વાટે જ જોવાનો રસ હોય છે.