બીડેલાં દ્વાર/કડી સાતમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડી સાતમી


અજિત આ આર્તનાદને મીઠાશથી સાંભળી રહ્યો; અને પોતાની બાજી સાધવા માટે પ્રકૃતિ કેવી વિરાટ ઉડાઉગીરી આચરી રહી છે તે નિહાળી રહ્યો. એકાદ માછલું જન્માવવાને કાજે કુદરત એના ખજાનામાંથી એક કરોડ ઇંડાં વેડફે છે. માંસના એક લોંદા જેટલું માનવબાળ ઘડવા સારુ થઈને કુદરત એક કરોડ ઊર્મિઓને વેરણછેરણ કરે છે! શી શી કવિતાઓ રચાવી છે કુદરતે અક્કેક ઊર્મિને જાગ્રત કરવા સારુ! શાં શાં ગીતો ગાયાં છે એણે એ લીલામાં બબ્બે બેવકૂફોને લપટાવવા માટે! યુગલોની વાટમાં એણે ગુલાબો વેર્યાં, પ્રેમીઓના કંઠમાં એણે મધુના કુંભો ઠાલવ્યા, કાનમાં હરેક જાતનાં વાદ્યો ગોઠવ્યાં, પછી એની આંખે પાટા લપેટી અને ડંખ મારી જડભરત બનાવી, ઘેનઘેઘૂર આંખે ને લથડતે પગલે એના મુકદ્દરને મુકામે ધકેલી દીધાં.

અરે, મારાં પોતાનાં કલા-સાહિત્ય, મારી વિદ્વત્તા અને મારી બુદ્ધિપ્રતિભા, કે જેને મેં મારાં રક્ષકો માનેલાં, તે પોતે જ પ્રકૃતિની કપટજળના તાંતણા બની ગયા; કેમકે એ મારું કવચ-સૌંદર્ય જ મારા પ્રત્યે પ્રભાનું ખેંચાણ કરાવનારું થઈ પડ્યું. મોરનો પિચ્છકલાપ, કબૂતરની સળગતી ડોક, કૂકડાની મુગટ-કલગી, અને પતંગિયાના પાંખ-દુપટ્ટા, એ તમામની પેઠે મારાં સ્વપ્ન, મારાં બુદ્ધિતેજ અને મારા ભવ્ય મનોરથો જ કેવળ નર-માદાનું બંધબેસતું યુગલ ઊભું કરવામાં સાધનરૂપ બની ગયાં. હું બીજું કશું જ નહોતો. હતો એક માનવ-મોરલો : ને પ્રભા હતી પ્રકૃતિના અનંતાનંત માદા-સમૂહ માંહેલી એક માનવ-ઢેલડી. મારો પિચ્છવીંઝણો પસારીને હું ઉન્નત ગરદને થોડી વાર જગત સન્મુખ ગર્વથી નાચવા ગયો. વિશ્વ મારી સામે હસ્યું. એણે મને એક મુગ્ધ મયૂરી મેળવી આપી! હા-હા-હા-હા! અજિત ખડખડાટ હસી પડ્યો. એને સ્મરણ થતું હતું એ દિવસોનું : જ્યારે એ જનસમૂહથી ત્રાસીને નાસતા એકાન્તવાસી અજિતને પોતાની નવતર કાવ્યકૃતિ સારુ શ્રોતા તરીકે પ્રભા સાંપડી હતી. આબુ પર પોતે જ્યાં રહેતો તે જ સ્થળ નજીક આ કન્યાને લઈ એનાં પિતા માતા હવા ખાવા આવ્યાં હતાં; અને ત્યાં રહેનારા સર્વને મન પુસ્તકકીડો, વેદિયો, એકલસૂરો ને અણઘડ ભાસતો અજિત પ્રભાના યૌવનમુગ્ધ હૃદયને આકર્ષી લઈ પોતાના કાવ્યમાં પોતે સીંચેલી સ્નેહોર્મિઓનાં દર્શન કરાવી શક્યો હતો. માન્યું હતું તે દિવસ, કે પ્રભા ખેંચાતી આવે છે પોતાના આરાધ્ય વિષય ઉપર, એટલે કે પોતે સમાજને સળગાવી મૂકવાના જે નવતર વિચારોનું આલેખન કરી રહ્યો હતો તેના ઉપર. પરંતુ એને આજે જાણ થઈ, કે નવ મહિનાના બ્રહ્મચર્યગાળામાં જે પ્રભા પોતાની કાવ્યકૃતિઓ પર મંત્રમુગ્ધ બની હતી, છતાં પાણીમાં પડેલ તેલબિન્દુ-શી અળગી ને અળગી ને અળગી જ રહી હતી, તે જ પ્રભા આજે આમ જીવનમાં એકરસ બની ગઈ છે — પાણીમાં મિસરીની પૂતળી ઓગળે તેમ દ્રવીભૂત બની ગઈ છે. તેનું કારણ જુદું જ બન્યું છે. એ કારણ બન્નેનું એક જીવનધ્યેય નથી. સંસારની નવરચનાના કોઈ આદર્શનું સેવન પણ નથી : એ કારણ તો પડ્યું છે પેલી રાત્રીની અંદર, જે રાત્રીએ દાક્તરનો દોર્યો અજિત પ્રભાના દેહમાં નિજ દેહનો વિલય કરી બેઠો હતો. સુખમય આક્રમણની એ ઠગારી રાત! ત્યારે તો આખરે કુદરતે બીજી બધી તદબીરોને કેવળ ધતિંગ પુરવાર કરીને કેવળ ઊર્મિઓની તૃપ્તિની જ સાર્થકતા સાધી? જનનની લિપ્સાને જ સાચા સહજીવનની કડી બનાવી! ને હવે હું? — મારી ગતિ પણ શું પેલા જંતુસૃષ્ટિના નરો જેવી થવાની! મધપૂડાની અંદર કુદરતે જે નિર્માણ નર-માખોનું ઠરાવ્યું છે તે જ શું મારું થવાનું? પલકની સુખસમાધિ દેનાર મિથુનની સમાપ્તિ બાદ શું એ માખાઓએ માદાઓના ડંખો ખાઈ, ચિરાઈ, ઠોલાઈ, કેવળ એક ફોતરું બનીને જ નીચે પટકાવાનું છે? એક વધુ વિચાર ચમકારો : અને અજિતને સૂઝ પડી કે : ના ના, આ માનવ-મધપૂડાને વિષે તો નરને કેવળ બીજ રોપનાર બન્યે જ છુટકારો નથી મળવાનો; એને તો જીવનવિગ્રહના શ્રમમાં પણ સાથી બની સંસાર પોષવાનો છે. પોતાની ‘મૌલિક કૃતિઓ’નાં મૂલ જગત જ્યાં સુધી ન મૂલવે ત્યાં સુધી એણે સતત એક લેખક-સંચો બની જઈ ખપત પામે તેવાં વેચાઉ ચોપડાં ઘસડ્યાં જ કરવાનાં છે. પત્રકારો સુપરત કરે તેવી સારી-નરસી ચોપડીઓનાં પાનાં વાંચીવાંચી અવલોકનો લખ્યા જ કરવાનાં છે. તે વગર ઓરડીનું ભાડું ચૂકવાશે નહિ; ને સગર્ભા પ્રભાને લઈ ફૂટપાથ પર રાત સુવાશે નહિ. ચમત્કાર તો એ હતો, કે આ કુદરતના ફાંસલા વણાયેલા હતા પ્રેમ અને મૃદુતાના વાણાતાણામાંથી, ને એના સાંધા થયા હતા પોતાના હૃદયતાંતણાની જોડે. પોતે એ તારનું છેદન કરી શકે તેમ નહોતો. સ્ત્રી અને બાળકને પોતાની મહાસિદ્ધિઓને ખાતર પણ ત્યજી શકાય તેવી એની તાકાત નહોતી. એ તાંતણા છેદતાંની વાર જ પોતે કોઈ અકથ્ય વેદના-ખાઈમાં ગબડી પડે તેવું હતું. પ્રભા તો પોતે જ સામેથી ચાલીને મરવા, ખતમ થઈ જવા, તત્પર હતી અજિતને ઉગારવાને કારણે; અને કુદરત સમજી હતી, કે એટલે જ અજિત બેવડા આત્મબળ થકી પ્રભાને બચાવી લેવા મથશે! — પ્રભા જેમ જેમ એને કહેશે, કે તમારા ઉદ્ધાર ખાતર તમે મને ફગાવી દો, તેમ તેમ તો ઊલટાનો એ પ્રભાની છાતીએ ચંપાતો જશે. અંત એ આવશે, કે એ પ્રકૃતિની લીલાના સાફલ્યને કારણે અજિત પોતાની તમામ જગપરિવર્તક તેજસ્વિતાને, મહાકાંક્ષાને, મનોરથને કરમાવી હવામાં ફૂંકી દેશે.