બીડેલાં દ્વાર/14. મિશનરીની ધગશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
14. મિશનરીની ધગશ


પત્નીના હૃદયપદ્મની પાંખડીઓને આ રીતે એકાએક આનંદમાં વિકસી ઊઠેલી જોઈ અજિત તો વધુ ને વધુ વિસ્મય પામ્યો. ચીમળાયેલ ફૂલરોપ ઉપર જાણે ઓચિંતી કોઈ શીતળ વાદળી વરસી. જાણે અજિતની આખાય જીવનની પ્રાર્થના ફળી. પોતાના એકલાના જ જીવન-કબાટમાં પુરાયેલી પત્નીની બેહાલીથી પોતે ત્રાસી ગયો હતો. એટલે હવે પોતાના વિચારોને દબાવી રાખીને એ બે સખીઓને જ એમનો આંટી-ઉકેલ કરવા દેવાનું એણે મુનાસબ માન્યું. પ્રભાએ ઘેલી બનીને કહ્યું : “ઓ અજિત! એ જો મારી જોડે રહેને, તો હું સર્વાંગી સુખ પામું.”

“તો એમ માની લેને! આપણી સાથે રહેવા સમજાવને!” “તમે એને ન સમજાવી શકો? એ એકાદ ગામડાના લોકોનું શું દળદર ફિટાડવાની હતી? તમારા ક્રાંતિના વિચારો એને ગળે ઉતરાવો તો તમારા કાર્યને પણ એ કેટલી મદદગાર બને?” “હા, એ સાથે રહેવા કબૂલ થાય તો આપણે એને કાંઈક પુરસ્કાર આપીએ, મારી આ નવી ચોપડીમાંથી મને ચારસો રૂપિયા ચોક્કસ મળવાના છે.” ગુજરાતના એ કોઈક ગામડાની રેંટિયા ફેરવતી સ્ત્રીઓ, બાળકો અને છાશનાં માટલાંમાંથી સાવિત્રીના આત્માને ઉગારી લેવાની મહેનત અજિતે શરૂ કરી. પોતાના ક્રાંતિકારી વિચારોમાં સાવિત્રીનો રસ ઉત્પન્ન કરવા એણે યત્ન આદર્યો. એણે પોતાનાં નવલો અને નાટકો સાવિત્રીને વાંચવા આપ્યાં — એ કૃતિઓમાં ધર્મ અને ઈશ્વર વિષેની કોઈ વાતો જ નહોતી. આ કૃતિઓમાં સાવિત્રીને રસ પડ્યો. વિશેષ કૃતિઓ વંચાવી ને તેમાંથી સાવિત્રી રાજી થઈ ગઈ. આ રેટિયા-ફેંટિયાનાં ને છાશ આપવાનાં થીંગડાં માર્યે ગામડિયાંનું કશું વળવાનું નથી એવી વાત એના મનમાં અજિતે ઠસાવવા માંડી. એક દિવસ સાવિત્રી આવી ત્યારે પ્રભા માથાના દુખાવાને કારણે ઊંઘતી હતી. એ વખતે અજિત સાવિત્રીને તેમના જીવનની કડવી આંતરકથા કહેવા લાગ્યો. પોતે કરવા ધારેલા મહાન કાર્યની યોજના, એને કારણે પ્રભાના જીવનમાં ચડી બેઠેલી એકલતા, અત્યાર સુધી પોતે વેઠેલી વ્યથાઓ ને એની પ્રભાના જીવન પર થયેલી અસરો, એ સર્વેનું એણે વર્ણન કરી બતાવ્યું ને કહ્યું : “સાવિત્રીબહેન, તમે એક અદ્ભુત શક્તિ છો. તમે ઇચ્છો તો અમારું બેઉનું જીવન જીવવા જેવું બનાવી શકો, કેમકે પ્રભાના આત્માનાં તાળાં ઉઘાડવાની જે સુવર્ણ-ચાવી તમારી પાસે છે તે મારી પાસે નથી.” અફસોસ! અજિતે કરવા ધારેલી અસર આ સ્ત્રીના ઉપર ન પડી. અજિતની વર્ણનશક્તિ એને સચોટ લાગી, પણ એથી તો એને પોતાને પણ પોતાનાં ગામડાંની વેદનાઓ વર્ણવવાની ચાનક ચડી : “તમારે, ભાઈ, તમારી ચોપડીઓ લખવાનું હશે, પણ એથી વધુ જરૂરનું તો એ ગરીબ ગામડિયાંને સહાય પહોંચાડવાનું છે. એ બાપડાં ચોપડીઓ કદી ભાળવાનાં પણ નથી. ચોપડીઓ જ્યાં નહિ પહોંચી શકે, ત્યાં કોઈક બીજાએ તો પ્રકાશ પહોંચાડવો જોશે ને! એમની માંદગીઓ, એમના પર થતા જુલમો, એમને થતી વેપારીઓની ને સરકારવાળાઓની સતાવણીઓ, એમાંથી એમને રક્ષણ આપવાની તો આ ચોપડીઓ વંચાવવા કરતાં વધુ જરૂર છે.” “અરેરે સાવિત્રીબહેન! તમે જરા ઊંડાં ઊતરીને સમજો તો ખરાં! આ બધું તો મૂડીવાદને જ આભારી છે. આ બધી ગામડે ગામડે ચાલતી લૂંટનાં મૂળ તો મુંબઈ-અમદાવાદ જેવાં નગરોમાં છે. એમનાં ખેતરોને લૂંટનારા તો શીવરીમાં બેઠા છે.” આવી લાંબી પારાયણની અસર સાવિત્રીબહેન ઉપર કશી જ ન થઈ. “હું એ બધું સમજું છું, કબૂલ કરું છું, પણ મારી ઊર્મિ ઉપર એ કશો કાર કરી શકશે નહિ. મારી આત્મસ્ફુરણા જુદી જ દિશામાંથી જાગેલી છે. મારે તો એમને ખવરાવવું છે. નાગાંને ઢાંકવાં છે, ધર્મહીનોને ધર્મ શીખવવો છે. ખ્રિસ્તી મિશનરીઓના હાથમાંથી ને વટલાવનારા લોકોની વટાળ-પ્રવૃત્તિમાંથી મારે તો એમને બચાવી લેવાં છે. એ બધું કરવા સામે જેમ શત્રુ-શક્તિઓ વિશેષ જબરી હોય તેમ મારો નિર્ણય પણ વધુ કટ્ટર બને છે.” ક્રાંતિવાદની એકેય દલીલે સાવિત્રીના દૃઢ નિશ્ચયના નકૂચા ઢીલા ન કર્યા. વાતો પૂરી થઈ ત્યારે પેલા દીવેશ્વરભાઈ રાહ જોતા બહાર ચાલીમાં એકાકી બેઠા હતા. અજિતને એની હાજરી જરાય ડરવા જેવી ન લાગી. બાપડો ભલો ને ભદ્રિક પુરાણી હતો. જુવાન હતો, છતાં એનામાં કોઈ આકર્ષણ નહોતું. જાગી ઊઠ્યા પછી પ્રભાએ પણ સાવિત્રીને રોકવા દલીલો કરી જોઈ, સાવિત્રી ફક્ત એટલું જ ગાતી રહી, ‘એ જ્ઞાન મને ગમતું નથી’ ઋષિરાયજી રે!’ અને બીજું —


વ્રજ વહાલું રે
વૈકુંઠ નહીં આવું
ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું — વ્રજ વહાલું રે૰

“એ તમારી ધાર્મિક શ્રદ્ધાની વાતોમાં હું શું સમજું?” પ્રભાએ કહ્યું. “હા, હું એ જ કહું છું.” કહેતી સાવિત્રી પ્રભાને ગળે ભેટી પડી : “તમારા જીવનમાં એકલતાનો સંતાપ છે, બીજી કેટલીયે વ્યગ્રતા છે, તેનું કારણ એક જ કે તમને ઈશ્વર પર, ધર્મ પર, કશા પર શ્રદ્ધા નથી. તમે પ્રભુને ફગાવી દઈને પછી શાંતિ શોધો છો. જો પ્રભુ પર શ્રદ્ધા હોત તો ગામડામાં શું, આફ્રિકાના રણવેરાનમાં પણ તમને એકલતા ન લાગત.” “પણ જે સાચું નથી તેના પર શી રીતે શ્રદ્ધા ટકે?” અજિતે કહ્યું. આના જે કડકડાટ જવાબો સાવિત્રીએ દીધા તે અજિત ચૂપચાપ સાંભળી રહ્યો. સાંભળતો સાંભળતો એ જીવનની આપદાઓ અને વિફલતાઓનાં ઊંડાં રહસ્યો ભેદવા મથતો હતો. સાવિત્રીને પોતાની સાથે રહેવાનું મનાવવાની આશા એણે છોડી દીધી. હવે તો એ એક જ વિચારે ચડી ગયો : આવો ઉમદા આત્મા આ ઈશ્વર, કૃષ્ણગોપીઓ ને પુરાણના પાંચસો ગપાટામાં કેવો અટવાઈ જઈ રસ્તો ભૂલ્યો છે! “તમે શ્રદ્ધા શ્રદ્ધા કરો છો, સાવિત્રીબહેન!” અજિતના આત્માએ સાવિત્રીના આત્મા સાથે જીવ સાટેની કુસ્તી માંડી દીધી : “હું પણ શ્રદ્ધાની જ વાત કરી રહ્યો છું. હું પણ પ્રભુ અને ધર્મનો પ્રેમી છું. મારો પ્રભુ પ્રત્યેક માનવહૃદયમાં છે, મારો ધર્મ પ્રત્યેક માનવીની સુખશાંતિનો છે. આજે એ આખી માનવપ્રજા રિબાય છે ને રહેંસાય છે, કેમકે આપણી શ્રદ્ધા પોતાનું સ્વરૂપ ફેરવી શકતી નથી, બુદ્ધિને અનુસરી શકતી નથી. જે આખી સમાજરચના આ માનવપીડનનું કારણ છે, તેને ઉથલાવી પાડવાનું ભૂલી જઈ આપણે ખોટાં થીંગડાં મારી રહ્યાં છીએ,” વગેરે વગેરે ધોધમાર ક્રાંતિવાદી વાતો જ્યારે પૂરી થઈ ત્યારે સાવિત્રી તો જ્યાંની ત્યાં જ હતી; આ તમામ નવા વાદ પ્રત્યે એની આંખોમાં એ-ની એ જ હાંસી રમી રહી હતી. સાવિત્રી તો પોતાનું કામ સંભાળવા ગામડામાં ચાલી ગઈ, પણ અજિતને માટે એક સારો વિચાર મૂકતી ગઈ. આ સ્ત્રીની ધગશ — બુદ્ધિપૂર્વકની કોઈ દલીલને કે સત્ય હકીકતોને ન માનતી, ન કબૂલતી એ ધગશ — એ સાચા મિશનરીની ધગશ છે. મારા ક્રાંતિવાદી વિચારો માટે મને એ ધગશ છે ખરી? હું તો લખું છું, હજુ મારી ચોપડીઓનાં મૂલ્ય વધુ મળે તેની માથાકૂટમાં પડ્યો છું, પણ આ સ્ત્રીની શ્રદ્ધા જોયા પછી સાહિત્યનું એકલાનું સેવન કેટલું ટાઢુંબોળ ને કેટલું રૂઢિગ્રસ્ત, કેટલું એકધારું અને નિષ્પ્રાણ થઈ પડ્યું છે! ક્યાં પડી છે મારે સાહિત્ય મારફત જેમનો ઉદ્ધાર કરવો છે તે જનતા, ને ક્યાં પડ્યો છું હું! મારું લખેલું વાંચતે વાંચતે કઈ આંખોમાં આશાનાં કિરણો રમી રહેતાં હશે ને કયા પ્રાણમાં ઊભરાતી પ્રેરણા મોં પર ચમકી ઊઠતી હશે તે જોવાનું મને જડતું નથી, મારો ને મારી વાચક જનતાનો સીધો સમાગમ જ નથી. એ સમાગમ ગુમાવી બેઠો છું માટે તો મારી નાની નાની અગવડો દુઃખોના પહાડ જેવડી દેખાય છે ને પ્રભાને પોતાની જ એકલતા પર રડ્યા કરવાનું રહે છે. એક પ્રકાશનમંદિર ખોલું? એક મુખપત્ર ચલાવું? એક પુસ્તકાલય ઉઘાડું? કે એક નાટક મંડળી ઊભી કરું? નહિ નહિ, એક સંસ્થા ઊભી કરું, જેને અંગે એક વસાહત ખોલી શકાય, સમાન વિચારનાં બધાં એ વસાહતમાં જ સાથે રહી આદર્શ ક્રાંતિવાદી જીવન જીવી બતાવે. એ બધી ધૂનોના ગબારા આકાશે ચડી ચડીને વીખરાઈ ગયા. આખરે એનો બધો વીરરસ એક પ્રહસનમાં પરિણમ્યો : એણે પોતાના ક્રાંતિવાદી લેખની પત્રિકાની આઠ-દસ હજાર પ્રતો છપાવી. એક મોટરનું ઠોઠિયું ભાડે કરી, આસપાસના પંદરેક ગાઉ સુધીમાં ભમી એ પતાકડાં વહેંચવાનો આરંભ કર્યો. એણે પ્રભાને પણ આ પરાક્રમમાં સાથે લીધી. એ પરાક્રમ કેવળ કૃત્રિમ અને હાંસી કરાવનારું નીવડ્યું. મિશનરી અને દીક્ષિત બનવાનું રસ્તામાં નહોતું પડ્યું. પ્રભાને આ પરાક્રમ દરમિયાન એક રોમાંચક અનુભવ મળી ગયો. સાવિત્રીબહેનના ધર્મભાઈ દીવેશ્વર પોતાની શાળામાં ઉનાળાની છૂટી હોવાથી અજિતના ક્રાંતિવાદી વિચારો ઝીલવા વધુ ઘાટા સંબંધમાં આવી ચૂક્યા હતા. અજિતને વશ કરી લેવાનું દીવેશ્વરનું સૌથી મોટું બળ એનું મૌન હતું. અજિતને પોતાના વિચારોની ધૂન પાગલપણાની હદે લાગી હતી. એને તો કોઈક સારો શ્રોતા જોઈતો હતો, હોંકારો દેનારો ને ‘હા, ખરું છે’ કહેનારો એકાદ જણ મળે તો પણ એને મહાન વિજય લાગતો. મહાન ક્રાંતિકારોએ એને પકડાવેલું એક નાડું આ હતું, કે વધુ નહિ, એકાદ સારો વિચારપલટો અનુભવનાર માણસ મળી રહે ને, તોપણ આપણા ‘કૉઝ’ને પરમ લાભ છે. દીવેશ્વર શાસ્ત્રી જે ચૂપકીદીથી અજિતના કલાકો સુધીના દલીલ-પ્રવાહો ઝીલતા હતા, ને મૂંગા મૂંગા જાણે પોતે બધું સ્વીકારતા હોય તેવો મુખભાવ દાખવતા હતા, તે એમને સજ્જનમાં ગણાવવા માટે બસ હતું. એને પણ અજિતના ક્રાંતિવાદમાં ગમ્મત પડી. એ શંકાશીલ બનતો ત્યાં પ્રશ્નો પણ પૂછતો, અને અજિત જ્યારે એને એકડે એકથી શીખવવાની સબૂરી હારી બેસતો, ત્યારે પ્રભા દીવેશ્વરને શાંતિપૂર્વક ગળે ઉતરાવી શકતી. કોણ જાણે કેમ પણ દીવેશ્વર શાસ્ત્રી પ્રભાની સમજાવવાની શક્તિની સારી કદર કરતા.