બીડેલાં દ્વાર/16. પાપછૂટી વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
16. પાપછૂટી વાત


પછી પોતે પોતાના અંતરમાં અજિતનું ધ્યાન ધરવા લાગી. એની સમસ્ત આકૃતિ કલ્પનામાં ખડી કરવા મથતી, પણ એને યાદ આવતી પતિના ચહેરાની તેમ જ સ્વભાવની ફક્ત અણગમતી જ રેખાઓ. આ અનુભવે એને હૈયે જખમ હુલાવ્યો. પોતે પોતાના હૃદયને જાણે કે જોરથી પુકારી ઊઠી, ‘અજિત મહાન છે, ઉદાર છે, સુંદર છે.’ ને અજિતે પોતાના પ્રત્યે જે જે સારો વર્તાવ કર્યો હોય, તેને તલેતલ યાદ લાવવા એ મથી રહી.

અજિત આવ્યો ત્યારે તો પ્રભા વિશેષ શરમિંદી બની. એના શરીર પર કઠિન પ્રવૃત્તિનો શ્રમ સ્પષ્ટ હતો. એ ફિક્કો ને ઉજાગરે બહાવરો બનેલો હતો. ‘એ મારું ઇસ્પિતાલનું બિલ ભરવા માટે જ આ મહેનત ખેંચે છે! એણે મારી નાનામોટી ઇચ્છાઓ પૂરવા માટે કેટલું કેટલું જોખમ ઉઠાવ્યું છે!’ સ્મરણોનાં મહાપૂર ચડ્યાં; ‘સાચેસાચ એ મહાન છે, મહાનુભાવ છે! એ રૂપાળો છે, રૂપરૂપનો અવતાર છે!’ આવું પ્રભા ગોખવા લાગી. અજિત આવીને એની પથારી પર બેઠો ને એણે પ્રભાના હાથ હાથમાં લીધા; પ્રભાને કપાળે ને શિરે પંજો ફેરવ્યો, ને અમાપ મમતાભર્યા પ્રશ્નો કર્યા : “કેમ છે? હવે ઘેર ક્યારે આવીશ? હું તો સાવ નઘરોળ, બહારગામ ચાલી જવું પડ્યું. બાપડા દીવેશ્વરજી સારા તે એણે તારી સાર લીધી.” ‘કેટલો ભલો! કેટલો મહાન! શંકાય કરતો નથી!’ પ્રભાનું અંતર બોલી ઊઠ્યું. ને એણે આખી ઑપરેશન-કથા કહી દેખાડી : કહ્યું કે “વહાલા, તમે તે વખતે મારી પાસે નહોતા તેથી તો શું નું શું થતું હતું, જાણે પાછાં કદી મળશું જ નહિ.” અજિતે એને કંઠે ને એની છાતીએ હાથ ફેરવ્યો, આસપાસ કોઈ નહોતું ત્યારે ચૂમી પણ ભરી લીધી. એની અસરે પ્રભાને શીતળતા અર્પી; સાંત્વન આપ્યું. અજિત ચાલ્યો ગયો તે પછી પ્રભા પડી પડી વિચારતી હતી : ‘મને એના ઉપર હજુય વહાલ છે — છે જ.’ ‘પણ એકીસાથે બે પુરુષો પર વહાલ હોવું એ કેવી અજબ વાત! કેટલું પાપ! આવું હું પ્રભા કરું તેવી તો કદી કલ્પના પણ નહોતી.’ એને છબીલ યાદ આવ્યો, છબીલના સાન્નિધ્યમાં એને જે રોમાંચ થયેલ તે યાદ આવ્યો. ‘અને તે જ પાછું આજે ફરીવાર!’ એ વિચારી રહી : ‘પણ આ વખતે તો આ બધું ભયંકર છે. આ તે મને શું થવા બેઠું છે!’ અજિતે પોતાનું કામ રઝળાવીને પણ પ્રભા પાસે રહી જવા તૈયારી બતાવી. પણ પ્રભાએ આગ્રહપૂર્વક ના પાડી : “ના, અહીં કોઈની જરૂર નથી. તમારું કામ ન રઝળાવો. આપણે ઇસ્પિતાલમાં બિલ ભરવું છે, તેનો આધાર તો એ કામ પૂરું થવા પર જ છે. મને અહીં કાંઈ અગવડ નથી. હવે તો બે-ત્રણ દિવસમાં હું ઘેર જઈશ.” અજિત ચાલ્યા ગયા પછી પ્રભાને એક વિચારે દંશ દીધો : “મેં એને જવા દીધો તેનું સાચું કારણ તો આજે દીવેશ્વરના આવવાનો દિવસ છે તે છે!’ અજિત પર પોતાને પ્રેમ છે કે નહિ તેના વિચારે એ ફરીવાર ચડી. મનને મનાવી, ફોસલાવી, પટાવી એણે પ્રત્યુત્તર કઢાવ્યો : ખરે જ હું મારા પતિને ચાહું છું, પણ મને ચાહતાં એણે યત્ન કેમ કરવો પડે છે? એવો યત્ન શું મને ચાહવામાં દીવેશ્વરને પડતો હશે? ના, ના, મને એમ નથી લાગતું.’ એમ ફરી પાછા એ યુવાન શાસ્ત્રીના વિચારો પ્રભાને પજવવા લાગ્યા ને પોતાની લાગણી વચ્ચેનો તફાવત એને પોતાને તાજ્જુબ કરી રહ્યો. દીવેશ્વરને યાદ કરતાં તો ઊર્મિનાં ઘોડાપૂર એના અંતઃકરણ પર ચડી બેઠાં, હૈયાના ધબકારા ધમધમ ગતિએ ચાલુ થયા, અને ગાલ રાતાચોળ બની ધગધગવા લાગ્યા. આખું પ્રભાત બળું બળું થઈ રહ્યા પછી, બાલોશિયાં આમતેમ ફગાવીને પથારીમાં તરફડ્યા પછી એણે મન સાથે નિશ્ચય કર્યો કે આ સંતાપમાંથી છૂટવાનો માર્ગ એક જ છે કે, પોતે પોતાની પાપછૂટી વાત એની પાસે કરી નાખવી. હું એને કહી આપીશ કે હું એને ચાહું છું : એ મને ક્ષમા આપશે, ને પછી મારું હૃદય આટલા બધા ધમધમાટ કરતું બંધ પડશે, એને જોતાં આજે જે ઉશ્કેરાટ થાય છે તે તો પછી અટકી જશે. મારો તાવ પણ ઊતરી જશે ને મને આરામ મળશે. એક વાર મારા દિલનો ઊર્મિભાર વામી નાખવા દે. પણ પછી જ્યારે દીવેશ્વર આવ્યો, સામે બેઠો, દિવ્ય અને સુંદર દેખાયો, વાતો કરવા લાગ્યો, ત્યારે એ ધ્રૂજી ઊઠી. ને પાંચસાત વાર એણે જીભ ખોલવાના વિફળ યત્નો કર્યા. પછી એણે મહામહેનતે કહ્યું : “તમે જરા ખુરસી નજીક લેશો? મારે તમને એક બહુ અગત્યની વાત કહેવી છે.” ને પછી થોથરાતે થોથરાતે, લોચા વાળતી જીભે, ભાંગીતૂટી વાણીમાં, ઘડીભર વેદનાભરપૂર લજ્જા પામતે પામતે ને ઘડીવાર પાછો દીવેશ્વરનો પ્રસન્ન મુખભાવ ભાળી ઉત્સાહના પૂરજોશમાં આવી જઈ, એણે પોતાની વેદના તેમજ એ વેદનાનું કારણ વર્ણવી બતાવ્યાં, ને જ્યારે પોતે ‘હું તમને ચાહું છું’ એ શબ્દોચ્ચાર સુધી આવી પહોંચી ત્યારે એ આંખો મીંચી ગઈ, અને છુટકારાના ગહરા એક નિઃશ્વાસ સાથે પથારીમાં ઢળી પડી. આંખો જ્યારે એણે ફરીવાર ઉઘાડી ત્યારે પોતાનું મોં પોતાના હાથમાં ઢાંકીને એ હલ્યાચલ્યા વગર બેઠો હતો. “દીવેશ્વર!” પ્રભાએ ધીરેથી કહ્યું : “મને માફ કરશો, દીવેશ્વર? તમે મને ધિક્કારતા તો નથી ને?” પ્રયત્ન કરીને એણે મોં ઊંચક્યું. “પ્રભા…!” એ બોલતો હતો ત્યારે એનો ચહેરો જેવો દયામણો હતો તેવો દયામણો કોઈ બીજો ચહેરો પ્રભાએ કદી દીઠો નહોતો : “માફી તો ઊલટાની મારે તમારી માગવી રહે છે.’ એ ઊભો થયો, પ્રભાની પથારીની અડોઅડ ગયો, પ્રભાના બેઉ હાથ એણે પોતાના હાથમાં લીધા ને કહ્યું : “જે આપવીતી તમે તમારી કહી છે તે જ આપવીતી મારી છે, પણ એ ઉચ્ચારવી ઉચિત નથી. આ બાબત ફરી આપણે શબ્દ પણ બોલવાનો નથી. આટલું મને તમે વચન આપો, એટલે કાલે જ તમને આરામ આવી જશે. તમારું હૈયું હળવુંફૂલ થઈ જશે. ને તમારા પતિ — અમે સૌ કેટલો આનંદ પામીશું!” આટલું કહીને એણે પ્રભાના હાથ જોરથી દબાવ્યા, ને એ ઓરડામાંથી ચાલ્યો ગયો. પ્રભાએ પોતાનું મોં દીવાલ તરફ ફેરવી લીધું. ને એણે પોતાના હૃદયને કહ્યું, ‘સાચે જ એ મને ચાહે છે! ચાહે છે! બસ, હવે હું વિશ્રાંતિ પામીશ.’ રાત્રિભર એને નિરાંતથી નીંદ આવી. પણ પ્રભાતના વહેલા પહોરે એ જાગી ગઈ. એના પડખામાં શૂળ નીકળતું હતું. જાણે કોઈ તીર ભોંકતું હતું. છતાં પોતે સુખમય હતી. બપોરે એ આવશે એ આશામાં ને આશામાં દર્દ ભૂલી જવાયું. પણ પીડા ફરીવાર જોર પકડવા લાગી. નર્સની દોડાદોડ થઈ રહી. છતાં પ્રભા તો દીવેશ્વરનાં જ શમણાં જોતી રહી. હમણાં આવશે. અબઘડી આવશે. આવ્યા વગર નહિ રહે. દ્વાર ઊઘડ્યું. પ્રભાની નાડી ધબાક ધબાક થઈ રહી. એ આવ્યો! પણ એ નહોતો આવ્યો, દાક્તર આવ્યા હતા. એનું હૈયું ઊંડે ચાલ્યું ગયું, ને એણે વેદનાનો ઓહકારો કરીને આંખો મીંચી દીધી. શું એ નહિ આવવાનો હોય? એની લાગણી વિશે પોતે વિભ્રમમાં તો નહોતી પડી ગઈ શું? એ શું નહિ ચાહતો હોય? એને મળવું જ જોઈએ. મળ્યા વગર છૂટકો નથી. આમ અધ્ધર શ્વાસે જિવાશે નહિ. આ બીજાં બધાં લોકો અહીં વચ્ચે શા માટે આવી રહ્યાં છે? એને કોણ દોઢડાહ્યાં કરે છે! દાક્તરે આવીને કહ્યું : “મારે જાણવું જોશે કે તમને આરામ કેમ થતો નથી, મારે ફરીવાર તમને ઑપરેશન-થિયેટરમાં લઈ જવાં પડશે.” “નહિ! નહિ!” “ન ડરો. કંઈ નથી થવાનું.” “ડરતી નથી. મારે દીવેશ્વરભાઈને મળવું છે.” એને લઈ જઈ ફરી તપાસવામાં આવી. અંદર હજુ રસી રહી ગયેલી લાગી. ‘બહાદુર બનજો, હાં કે? કંઈ નથી’, એટલું કહીને દાક્તરે ફરીવાર એને મોંએ ક્લોરોફોર્મની ટોપી મુકાવી, છૂરી ચાલુ થઈ.

‘જલદી આવો.’ એવો તાર અજિતના હાથમાં મુકાયો. એણે પહેલી જ ગાડી પકડી, પણ એની દશા તો આખી આવરદાનો અંકોડાબંધ ચિતાર જોતા ડૂબતા માણસ જેવી હતી. મુસાફરીના એ ત્રણ કલાક દરમિયાન, ભરચક ડબાની અંદર પણ અજિત ગાંસડી જેવો થઈને બેઠો બેઠો, પોતાની ને પ્રભાની વચ્ચેના દાંપત્ય-સંસારનું ચિત્રપટ જોતો હતો. પ્રભા મરતી હશે? કે મરી ગઈ હશે? એનું મોં જોવા મળશે કે નહિ? કદી ન અનુભવેલી વેદનાનાં જાણે કે કરવત ચાલુ થયાં. ઓ પ્રભુ! એને કેટલી બધી ચાહું છું! કેવો વિશુદ્ધ આત્મા! કેવો તેજોમય! જાણે કોઈ દિવ્યલોકનું માનવી! મારે ખાતરનું કેવું એનું આત્મસમર્પણ! ને એ સ્વાર્પણનો આ કેવો કાતિલ નતીજો! મરતી હશે — મરી ચૂકી હશે. એના વિના કેમ જીવી શકાશે? ભાવિનો પંથ વેરાનમય ભાસ્યો. એ વેરાનમાં એકે ય લીલું ઝાડવું ન દેખાયું. સ્મરણોની વીજળી ઝબૂકી ઊઠી. વેદનાના લોઢ ગડગડ્યા. પ્રભાનો પ્રત્યેક હાવભાવ, પ્રભાના ચહેરા પરની પ્રત્યેક રેખા, પ્રભાના કંઠનો પ્રત્યેક ઝંકાર, પ્રભાએ ગાયેલું પ્રત્યેક ગીત. સ્મરણોની અનંત અસીમ વણઝાર વહેતી થઈ, ને એના ગળામાં ડૂમો ભરાયો. છેલ્લી એને જોઈ હતી તે આકૃતિ નજરે તરવરી ઊઠી. કેટલો દુર્બુદ્ધિ હું! હું એને મરતી મૂકીને ધંધે ચાલ્યો ગયો. કેવો અંધ હું! અંતરની કેટલી કેટલી વાતો ન બોલ્યો હું! ઉમળકા અણકથ્યા રહી ગયા, ક્ષમાઓ અણયાચી રહી ગઈ. જિંદગીભર અવ્યક્ત રહી ગયેલી આકાંક્ષાઓ ને આરજૂઓ — ઓ પ્રભુ, અશક્તિ અને નિષ્ફળતાઓની એ કેવી કરુણ પરંપરા! પછી એની યાદદાસ્ત પર ચમચમી ઊઠ્યા ધગધગતા લોહ-ડંડા : રોષ અને રીસનાં જે જે વેણ પોતે બોલ્યો હતો તે તમામ : જે જે ઘાતકી આચરણો ગુજાર્યાં હતાં તે તમામ : એને રડાવી હતી ને છાની નહોતી રાખી તે કઠોર પ્રસંગો તમામ : કેવો બેવફા ને બેવકૂફ બન્યો હતો પોતે : ને હવે જો એને જીવતી પામવાને બદલે એના શબને જ જોવાનું રહ્યું હશે, પોતાની શરમના ને વેદનાના એકરારો કરવાની વેળા જો વહી ગઈ હશે, તો એ સ્મૃતિઓના રુધિર-નીતરતા જખમો કલેજા પર લઈને આખી ભવ-વાટ રઝળવાનું જ રહેશે ને! પણ એને તો જીવતી પામી શકાઈ. અજિતે ઊંડો શ્વાસ લીધો ને એની સેવામાં રોકાઈ ગયો. હવે તો પ્રશ્ન એને બચાવવાનો હતો. હું જો એને નહિ પંપાળું, પ્રેમમાં નહિ નવરાવું, અશ્રુજળે નહિ ભીંજાવું, નવી હિંમત ને નૂતન આશાના હીંચોળે નહિ હીંચોળું, તો પછી એનું કોણ? કોણ બીજું એ કરશે? અધૂરા પ્રવાસની અવશેષ મજલ ખેંચવા એના પ્રાણમાં ઉત્સાહ પૂરવાનો સ્વધર્મ હવે મારો છે. મૃત્યુની અંધારી ખાઈમાંથી બેઉ સજોડે બહાર નીકળ્યાં. જ્યારે યુદ્ધ પૂરું થયું ને ડૉક્ટરે એને નિર્ભય જાહેર કરી, ત્યારે અજિતને થાકનાં તમ્મર આવતાં હતાં. ઘેર જઈને પડ્યા વગર છૂટકો નહોતો. તૂટી પડવાની તૈયારી હતી. એ જ્યારે પોતે પ્રભાને કહ્યું ત્યારે પ્રભાએ જ એને વિશ્રાંતિ લેવા ઘેર ચાલ્યા જવા કહ્યું : ‘તમે હવે ચિંતા કરો મા. ચાર દિવસમાં તો હું ઘેર આવીશ. દરમિયાન અહીં દીવેશ્વરભાઈ મદદમાં રહેશે.’ આરામ લઈને પછી અજિત પોતાના અધૂરા ધંધા-કામે બહારગામ જઈ પહોંચ્યો.