બીડેલાં દ્વાર/7. સંસારની બખોલમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
7. સંસારની બખોલમાં


પરાજય અને લજ્જા બન્નેની ટીલી લઈને અજિત પોતાને શહેરે પાછો આવ્યો. ત્યારે ત્રણેક મહિનાના વિયોગની એ સમાપ્તિની ઘડી સુખમય થવી જોઈતી હતી એને બદલે એ ઘડી વિષપાનના પ્રસંગ સમી બની ગઈ. અજિત આવ્યો છે એ સમાચારની ગંધ વધુમાં વધુ ઝડપે તો લેણદારોને નાકે પહોંચી ગઈ. લેણદારોની ઘ્રાણેન્દ્રિયો શ્વાનની સૂંઘવાની શક્તિ જેવી જ નીરોગી અને તીવ્ર હોય છે. તેમણે આવી બિલો હાજર કરવા માંડ્યાં. સૌથી વધુ બુલંદ બિલ ડૉક્ટરોનાં હતાં. તેમણે પ્રભાનાં અનેક શારીરિક-માનસિક દરદોની સારવાર કરી હતી; ને પ્રભાનો રોગ જોકે કેવળ એક ચોક્કસ માનસિક રોગ હતો, તોપણ તેને માટે ડૉક્ટરોએ જુદાં જુદાં સંખ્યાબંધ સુશોભિત નામો શોધી કાઢ્યાં હતાં ને જુદીજુદી ‘ટ્રીટમેન્ટ’ આપી હતી.

બિલોના આ હલ્લાને બરદાસ્ત કરવા માટે અજિતે જ્યારે પોતાના છેલ્લી ઘડીના વિસામા સમા મુરબ્બીઓ-સ્નેહીઓને ખોળે સવાલ નાખ્યો ત્યારે જવાબ જુદીજુદી જાતના આવ્યા. તેમાંથી એક અમીર મિત્રનો જવાબ આ હતો : “લોનો આપવાથી આપનાર માણસ અપરાધી બને છે. તમને આજ સુધી લોનો મળતી રહી છે એટલે જ તમારું મન ચોક્કસ ધંધામાં ખૂંચ્યું નથી, એટલે જ તમે બેહાલ બન્યા છો. તમારા એક સ્નેહી તરીકે વધુ બેહાલીનો દોષિત હું બનવા માગતો નથી.” ફરી પાછાં અખબારોનાં અવલોકન અને હસ્તપ્રતોના સુધારાવધારાનાં કામ ટુકડે ટુકડે મેળવીને અજિતે દિવાળીના ઉંબરમાં પોતાના ઘરસંસારને ઘસડી આણ્યો. એક સમાજવાદી વર્તમાનપત્રના વાર્ષિક દીપાવલી-અંકમાં અજિતે પોતાના રાત્રિ પછી રાત્રિના ઉજાગરાનાં નયન-તેલ નિતારીને એનાં પાનાં પર લેખોના દીવા પેટાવ્યા. તેમાંથી મળેલી રકમને પોતાના કુટુંબનાં કલેવરો ફરતી વીંટાળીને અજિત શિયાળાના સૂસવતા વાયરાની સામે ઝઝૂમવા લાગ્યો. પરંતુ આ ઠંડી ઋતુએ અજિત-પ્રભાના દંપતી-સંસારમાં એક નવી વિપત્તિના ભેરીનાદ સંભળાવ્યા. એક બાળકના પ્રસવથી ગળા સુધી આવી જઈને તેમણે બેઉએ પોતાની વચ્ચે જે દીવાલ ચણી હતી તે તૂટવા લાગી. બન્ને જણાં ‘ભાઈ અને બહેન’નો સંબંધ સાચવવામાં સહમત થયાં હતાં, ને આજ સુધી તો જુદા રહેવાની તેમનાં શરીરોને ફરજ પડી હતી. પણ હવે તો રાત્રીઓની ઠંડીએ થર્મોમીટરના પારાને ખૂબ નીચે ઉતારી દીધો. અજિત પ્રભાને પોતાના કરતાં વધુ દુર્બળ સમજી ઘરમાં હતું તેમાંનું ઘણું ખરું બિછાનું, ઓઢવાનું, ગરમ કામળ વગેરે આપી દેતો. પોતે જઈ ચાલીમાં સૂઈ રહેવા લાગ્યો. પોતાને માટે ઓઢવા પાથરવાની સામગ્રી પૂરી ન હોવાથી આખી રાત લગભગ જાગ્રતાવસ્થામાં જ એણે ખેંચવા માંડી. પણ ઠંડીની ક્રૂરતા વધુ ને વધુ કાતિલ બનતી ગઈ, તેમ તેમ આ ગોઠવણમાં કડાકા બોલ્યા. બન્ને જણાં એક સાંકડા ખાટલા પર પાથરણું પાથરી તેમજ તમામ ઓઢવાનાં સાધનોની સોડ બનાવી, એકબીજાની હૂંફમાં રક્ષણ શોધતાં બે રાની પશુઓની પેટે લપાવા લાગ્યાં. આ અવસ્થામાં પણ તેમણે પોતાનો નિશ્ચય ટકાવી રાખ્યો. આખરે તેમનાં રુધિર ને માંસ પોતાની અશક્તિનો પોકાર કરી ઊઠ્યાં. એટલે તેમનાં દંપતી-જીવનની જટિલતામાં જાતીય સમસ્યાનું જૂનું જાળું ફરીવાર દાખલ થયું. અજિતને તો પોતાના માથા પર આસમાનમાં કોઈક શિકારી પક્ષી ચક્કર ચક્કર ઘૂમતું હોય એવી ફડક પેઠી. ચક્કર ફરતા એ રુધિરમુખા ગરુડનો પડછાયો અંતર પર ઢળતો હતો. એની પાંખોના સુસવાટા બોલતા હતા. અજિતનું કલેજું નાના કોઈ ચકલાની માફક લપાતું હતું. માનસિક સંગ્રામની સ્થિતિએ એના જીવનમાં આજ સુધી ક્યારેય વિરામની પળ આવવા દીધી નહોતી. એની બુદ્ધિ ‘બળું છું. બળું છું, પોકારીને બંડ જમાવતી હતી; ત્યારે પ્રકૃતિનો એક અંશ સ્ત્રીસમાગમની ઝંખનાએ જલતો હતો, એ અવસરનાં આદરમાન કરવા તૈયાર હતો. ને બીજી તમામ બાબતોમાં વેરી બનીને ઊભેલી ગરીબી આ એક બાબતમાં તો એનો માર્ગ સરળ બનાવી દેવા બધી રીતે અનુકૂળ હતી. બુદ્ધિના કે વિચારના હાથમાં આ બાબતનો નિર્ણય રહી શક્યો નહિ. નીતિ અને સૌંદર્યની અભિરુચિ પણ આ કેડાને રૂંધી શકી નહિ. આંધળા પ્રારબ્ધે એ નિર્ણય પેલા સુંવાળા પ્રકૃતિ-તત્ત્વને જ હાથે સુપરત કર્યો. બુદ્ધિને અને અંતરાત્માને એણે એકાંતે પ્રશ્ન કરી જોયા. નારીસમાગમ માનવીને માટે મંજૂર ક્યારે હોઈ શકે? એક જ સ્થિતિમાં : નારીસમાગમ જ્યારે કોઈ એક પરમ સર્જનોર્મિનું પરિણામ હોય ત્યારે જ. એ પરમ સર્જનોર્મિ એટલે નવા માનવાત્માની રચના : એ એક જ આશય નારીસમાગમને મંગલ, ઉન્નત, ન્યાયયુક્ત અને ધર્મયુક્ત ઠરાવી શકે. અને આવો આશય તો ત્યારે જ વ્યાજબી ઠરી શકે, જ્યારે નવો જન્મનાર જીવાત્મા નીરોગી, સ્વાધીન, સુખી તેમ જ સુંદર બને તેવા બધા જ સંજોગો મોજૂદ છે એવું માનવીની બુદ્ધિ જવાબદારીપૂર્વક ઉચ્ચારી શકે. પરંતુ આજે ‘લગ્નગાંઠનાં મંગલ બંધન’ના જોરે ચાલી રહેલા રિવાજથી સાચા નારીસમાગમનો આદર્શ કેટલો જુદેરો છે! નારીસમાગમ જ્યારે શેરડીનો સાંઠો ચૂસવા જેવી, દ્રાક્ષાસવની પ્યાલી પીવા જેવી શરીરની — ને કેવળ શરીરની જ — એકલાની ક્રિયા બની રહે, માંસના લોચાના નર્યા દીદાર અથવા સ્પર્શમાત્રથી જ નિર્માણ પામતી કેવળ ચેષ્ટા બની રહે, કેવળ એક ઓરડીમાં કપડાં પહેરવા કાઢવાના સંજોગોમાંથી જ સળગી ઊઠનાર આગ જ બની રહે, ત્યારે એમાં પ્રબલ પરમ સર્જનોર્મિની વિરલ મંગલ પળ ક્યાં રહી? સંતતિ-નિયમન માટે વાપરવા પડતાં સાધનોનો પણ એણે વિચાર કરી જોયો. એ સાધનો શરીર-સમાગમની સ્વાભાવિકતાનો નાશ કરનારાં હતાં, તેની સાથે ‘ક્યાંક ગફલત રહી ગઈ હશે તો!’ એવી એક સતત ભય-લાગણી કલેજા પર ઝળૂંબ્યા કરે! આવી ગલતી જાણે કાયમ થતી હતી, અથવા થવાની શંકા પડતી હતી, પરિણામે બેઉ જણાં પ્રત્યેક મહિનાના ઋતુસ્રાવની કંપતે થડકતે કલેજે રાહ જોઈ બેસતાં. અજિતના મનમાં નારીસમાગમ પ્રત્યે અણગમો ઊભો કરનારી આ બધી બાબતો હતી. મોતની સજા માટેની ચિઠ્ઠીઓ નાખનારાં હોય, જાણવા છતાંય વિષ-ભેળવ્યા ભોજનમાંથી કોળિયા ભરતાં હોય તેવાં એ બેઉ બની ગયાં. આખરે દીવાલો તૂટી પડી, ફરી એનું ચણતર કરવાપણું રહ્યું નહિ. અજિતે એ ફરી ચણવાનો યત્ન જ ન કર્યો; કેમકે પ્રભાના જીવનમાં એણે એક નવું તત્ત્વ દીઠું. પોતાનામાં જેનો અભાવ હતો, જિંદગીએ પોતાને જે પૂરા પ્રમાણમાં દીધું નહોતું એવા એ તત્ત્વને માટે એ તલસતી ને કર લંબાવતી બની ગઈ. શારીરિક સમાગમ-ચેષ્ટાને એણે પ્રણયનું દાન ગણ્યું. એ પ્રીતિનો એને ધરવ જ થતો નહોતો. એ પ્રીતિમાં સદાય ઝબકોળાતી રહેવામાં પોતે સુખ પામતી હતી. અજિતના અંતરમાં પ્રણય એક જુદી જ વસ્તુ હતી. પ્રણય તો એની દૃષ્ટિએ જીવનસ્થંભ હતો, જીવનને ટેકાવણહાર હતો. એ પ્રણયની યાચના કરવી એ તો દુર્બલતાનું ચિહ્ન હતું. પ્રત્યેક આત્મા પોતપોતાની તાકાત પર નિર્ભર રહે એ જીવનનો પહેલો નિયમ છે : એ આત્મિક સ્વાધીનતાને પરના હાથમાં સોંપવાના મહાદોષની માફી જ ન હોઈ શકે. પરંતુ પાછો એ પોતાના દિલ જોડે દલીલ કરતો : અમારી અવદશા વચ્ચે આવા વિચારો કાંતવા બેસવામાં કેવી નાદાની છે? અમે હવે ‘આત્માઓ’ રહ્યાં જ ક્યાં છીએ! આત્મિક જીવન અમારા તકદીરમાંથી લુપ્ત થયું છે. અમે તો આજે બે નર્યાં કલેવરો — બે કંગાલ, ઠંડાગાર, મુડદાલ અને રિબાતાં શરીરો જ રહ્યાં છીએ. અમારી સાથે વળગ્યું છે ત્રીજું એક સદંતર નિરાધાર, અમારા પર નિર્ભર અને અમારા મોંના ‘આત્મા’ નામના પોકળ ઉચ્ચારની મશ્કરી કરતું એક માનવ-જંતુ. આમ થોડા દિવસ ચાલીમાં સૂનારો, પછી થોડા દિવસ બીજી જાતના આત્મરક્ષણને શોધનારો અજિત આખરે પોતાના ‘આત્મા’ વિષેના વિચારોને મગજમાંથી નિચોવી નાખી આખરે પતિ, પિતા ને ગૃહસ્વામી તરીકેનો સંપૂર્ણ પાઠ ભજવતો થયો. પ્રભાને જે પ્રણયલીલાની આરજૂ હતી તે પ્રણયલીલા પોતે પ્રભા સાથે ખેલવા બેઠો; પ્રભાની યાચનાને આધીન થતો, પ્રભાના તલસાટોને તૃપ્ત કરતો, ને પ્રભાનું જ દૃષ્ટિબિન્દુ દરેક વાતમાં કબૂલ કરી લેતો એ ડાહ્યો પ્રેમિક બન્યો. એ જીવન એનું પોતાનું સ્વાભાવિક નહોતું. એની બુદ્ધિમાં તો ફરી ફરી સમરાંગણ મંડાઈ જતું. આઘે આઘેથી વીરહાક પડતી હતી, રણશિંગાં સંભળાતાં હતાં. પોતે સમજતો હતો કે શરીરના કાનૂનોને સ્વીકારવામાં પોતે આત્માને જન્મકેદમાં જકડાવ્યો હતો. આખરે એક દિવસ એ કારાગૃહને ભેદવાની એને ધારણા હતી, એકાદ કોઈ દિવસે હું મારું નિજ-જીવન જીવી શકીશ એવી એને આશા હતી. દરમિયાન પ્રભા અજિતનું પોતાના જીવતરને બંધબેસતું ઘડતર કરી રહી હતી, પ્રભા પાછી માનતી પણ હતી કે આ ઘડતરમાં પોતે ફતેહ પામી રહી છે. વાતવાતમાં પ્રભા અજિતને કહેતી કે ‘જુઓ, હવે તમે કેવા ડાહ્યાડમરા ને રસિક બનવા લાગ્યા છો! આજ સુધી તમે જડભરત હતા. ભેજામાં કેટલુંય ભૂંસું ભરીને ભમતા. ખુમારીનો પાર નહોતો. હવે કેવા કૂણા બન્યા છો! હવે કાંઈક માણસાઈમાં આવ્યા ખરા.’ આ પ્રશસ્તિના શ્રવણ સમયે અજિત પોતાની છાતીને દબાવી રાખીને બેસતો; કેમકે પોતે જાણતો હતો કે રત્નાકરની છાતી જેમ પોતાના આંતરિક સામર્થ્યના પ્રાણમંથનના પરિણામરૂપ ફીણથી ઢંકાતી હોય છે, તે જ રીતે મારી આ ખુમારી, મારા સ્વભાવની કઠોરતા, આ મારું જડભરતપણું, એ તો મારા આત્માના શક્તિ-ઉકળાટના ફીણ-ઉછાળા છે. આ ફીણ સંપૂર્ણપણે વિરમી જશે ત્યારે જીવનનું જલાશય બાપડું પ્રશાંત અને સમથળ બની જશે : પછી પ્રભાને એની અંદર પોતાના રૂપ-પ્રતિબિંબો નિહાળવાની મોજ પડશે! ગૃહસંસારના સાંકડા પિંજરામાં પુરાએલાં બે પ્રાણીઓ જેવાં એ ધણી-ધણીઆણી એકબીજાને આપદારૂપ, અંતરાયરૂપ, બંધનરૂપ બની રહ્યાં. બેઉ પરસ્પરનો નાશ કરતાં હતાં, ને વેદનાના બળબળતા પ્રસંગે આખરે એક જ ઉપાય લેખે બેઉ જણાં બેસીને કલહનાં અંતર્ગત કારણોની શોધ કરતાં, શોધ કરીને સામસામાં દોષમુક્ત બનાવતાં. કલહ, કંકાસ, પરસ્પરનાં સ્વભાવ-ઘર્ષણો વગેરે બધી વાતોના ઉત્પાદક કારણ તરીકે અજિતે એક વાક્ય ગોખી રાખ્યું હતું : ‘આર્થિક સંકડામણ’. બસ, પોતે ચિડાતો, અધીર બનતો, કટુતા ધારણ કરતો; કારણકે ‘આર્થિક સંકડામણ આપણને ભીંસી રહેલ છે, પ્રભા!’ એક દિવસ પ્રભા બજારમાં જઈને પાછી આવી ત્યારે એના હાથમાં ચાર-પાંચ બંડલ દીઠાં. બંડલ ખોલાયાં ને અંદરથી એક સુંદર લાલ રંગનું ટેબલ-કવર નીકળી પડ્યું. “જુઓ તો, કેટલાંય દા’ડાથી હું ઝંખતી’તી, કે આ ટેબલ ઉપર ઢાંકવાનું કાંઈક લાવું. કેટલાય દા’ડાથી મનમાં રંગ ગોઠવતી હતી. આજ સ્વદેશી સ્ટોરમાં ફક્ત ત્રણ જ રૂપિયામાં આ મળી ગયું. જુઓ તો, કેવું રૂપાળું છે!’ પણ અજિતને આર્થિક સંકડામણના ટાઇટ થતા જતા સ્ક્રૂ નીચે આ રૂપાળાપણું જોવાની શક્તિ નહોતી. “ત્રણ રૂપિયા!” એ બોલી ઊઠ્યો : “ત્રણ રૂપિયામાં તો આપણા બે દિવસ નીકળી જાત. આની આપણને શી જરૂર હતી?” એક કહે : “ત્રણ જ રૂપિયામાં કેવું રૂપાળું!” બીજો કહે : “ત્રણ રૂપિયા જેવડી રકમ પાણીમાં ફેંકી દીધી!” પતિની આ સૌંદર્યહીન દૃષ્ટિ, આ જડભરત રસવૃત્તિ જોઈને પ્રભા ઓરડા વચ્ચે બેઠી બેઠી, આંસુ ખળખળાવવા લાગી. એની આસપાસ પાંચેક બંડલો પડેલાં હતાં, ને પતિ એને આર્થિક સંકડામણની સમજ આપતો હતો. બીજી વાર બજારે ગઈ ત્યારે એ ટેબલ-કવર પ્રભા પાછું આપતી આવી. અજિતનાં ‘આર્થિક’ કારણો તેમજ દલીલો સાંભળીને પ્રભા સંમતિ આપતી. બુદ્ધિ તો એની પણ આ બધું સ્વીકારી શકતી. પણ બુદ્ધિના થરની નીચે એક એવું તત્ત્વ હતું કે જેને બુદ્ધિ સાથે કશી નિસ્બત જ નહોતી. એ હતું શુદ્ધ પ્રાથમિક આવેશનું તત્ત્વ. બુદ્ધિનો કાબૂ જરાક ઢીલો પડતો કે તત્કાળ એ પ્રાથમિક માનવની મનોર્મિ એના ઉપર સ્વાર થઈ બેસતી. પ્રભા આવી પ્રાથમિક આવેશમયતાનો સતત ઇન્કાર કરતી, પોતે એની ગુલામડી નથી એવી મનને વારંવાર ગાંઠ વળાવતી, ને એનાં આચરણોને કોઈ જો બાયડીશાઈ મનોદશાવાળાં ગણાવતું તો પ્રભા ભારી છેડાઈ પડતી. પોતાનું પ્રત્યેક આચરણ પણ બુદ્ધિની કસોટીએ કસીને પોતે આચરે છે એવો પ્રભાનો દાવો હંમેશાં મજબૂત રહેતો. આ વાતનો ઇન્કાર કરનાર પ્રત્યેક માનવી મૂર્ખ, ગેરસમજદાર ને ભ્રમિત જ ઠરતું. પ્રભા અજિતનું અનુકરણ કરવા મથતી. અજિત સ્વાવલંબી અને પોતાના સંજોગોનો શાસક હતો. પોતે આત્મતૃપ્ત હતો, જોઈએ તે મેળવી લેતો, પારકાની પસંદગી-નાપસંદગીની એને પરવા નહોતી, પોતાની ઊર્મિઓનો એ સ્વામી હતો, પ્રતિકૂળ ઊર્મિને એ ખતમ કરી શકતો. પ્રભાને પણ એવા થવું હતું. થવું હતું શું, પોતે માનતી કે પોતે એવી હતી જ. એનો ઇન્કાર કોઈએ કરવાનો જ નહોતો. પોતે જો બુદ્ધિવિરોધક કશું બોલે કે કરે, તો કાં તો એ અકસ્માત હતો, કાં અન્યની સમજફેર હતી, ને કાં સામા માણસની જ એ ભ્રમણા હતી! પોતાને વિષે એવી ભ્રમણા સેવનાર જ એના રોષનો ભોગ થઈ પડતો. પ્રભાને એની બુદ્ધિહીનતાની ખાતરી કરાવવા માટે કલાકોની માથાકૂટ કરવી પડતી, પછી બીજે જ દિવસે એ પાછી ભૂલી જતી. અજિતના જીવનની તેમ જ જગતની અમુક બાબતો તો એ કદી જ સમજી નહોતી શકતી. દાખલા તરીકે, અજિતનો વર્તમાનપત્ર વાંચવાનો નાદ પ્રભાને મન વિસ્મયકારી હતો. દુનિયામાં તે કાળે કરાળ વિપ્લવ થઈ રહ્યો હતો. જગતના પ્રત્યેક માનવી પર ભીંસીને પડેલી યાતનાઓનું પડ ઉથલાવી નાખનાર એ આંદોલન હતું; એટલે હમેશ એ સમાચાર માટે ક્ષુધાર્ત બનતો. છાપું દીઠું કે એના પર તૂટી પડતો. પ્રભાને મન છાપું જીવનનાં તમામ અધમ તત્ત્વોનું પ્રતીક હતું; એ કહેતી કે “હવે શું એવાં ફરફરિયાં વાંચ વાંચ કરતા હશો?” “બાપુ, હવે ભલી થઈને મને ન બોલાવ.” છાપું વાંચતો વાંચતો એ કહેતો : “મને વાંચવા દે.” “બહુ સારું.” એ કહેતી ને પાંચ મિનિટ વીતતી, પછી “તમે વાળુમાં શું બટેટાનું શાક ખાશો?” “હા બાપુ હા. હું હમણાં વાંચું છું.” “વારુ!” બીજી પાંચ મિનિટ. વળી પાછું — “હેં, તમે-” અહીં ધીરજનો ખજાનો ખૂટી જતો, અજિત છાપું હેઠે મૂકતો, ને આંખો ઢાળી દઈ કહેતો : “એવું કાંઈ હું તારે માટે કરી શકું, પ્રભા, કે જેથી તું મને નિરાંતે છાપુંય વાંચવા દે?” તત્કાલ પ્રભાના મોં પર વેદનાનાં લોહી ધમધમાટ કરી મૂકતાં ને એ બોલી ઊઠતી : “આમ મારું મોઢું તોડી લેવાય ને? મને તમે પ્રેમથી હસીને કહેતા હો તો —” “પણ એમ તો મેં ત્રણ-ચાર વખત કહ્યું.” “પ્રેમથી કહ્યું? ખોટું બોલો છો!” “પ્રેમથી નહિ ત્યારે કેવી રીતે કહ્યું?” “કહ્યું! મારા નસીબમાં જ જૂતાં છે ને?” પછી બન્ને જણાં દલીલો કરવા બેસતાં, છેલ્લા બે-ચાર મહિનામાંથી પ્રસંગો ટાંકી ટાંકીને અજિત પ્રભાને એના દોષ બતાવતો. દુઃખી માણસોની દુઃખપ્રસંગો યાદ કરી રાચવાની સ્મરણશક્તિ બહુ તેજ હોય છે. અને વરવહુની વચ્ચે દલીલબાજી થાય એના જેવી કોઈ બીજી કમબખ્તી નથી. વળી કોઈ વાર પ્રભા કાંઈક ખરીદી કરવા શહેરમાં જતી ત્યારે અજિત એને ભલામણ કરતો કે “પ્રભા, સાંજનું તાજું છાપું લેતી આવજે ને!” જર્મની-ચેકોસ્લોવેકીઆના મામલાનો એ છેલ્લો તબક્કો ચાલતો હતો ને અજિત એના સમાચાર માટે કેટલો સળગતો હતો તે પોતે પ્રભાને સમજાવી સમજાવી, ફરી ફરી ખરાવી કહેતો — “જોજે હો પ્રભા, ભૂલી જતી નહિ.” કેમકે તેઓ હવે શહેરના દૂરના પરામાં રહેતાં હતાં. ત્યાં છાપાના ફેરિયા જતા થયા નહોતા. સાંજે પ્રભાને દૂરથી આવતી દેખી દોડ્યો. પોતે ‘પેપર’ના ફળફળતા સમાચારને ભેટવા સામો ગયો; ને શ્વાસભેર માગ્યું : “લાવ મારું છાપું.” તરત જ પ્રભાના મોં પર સૂનકારનો ભાવ પથરાઈ ગયો. પછી તો, બસ, પ્રભાને ઠપકો દેવાનો હક્ક અજિતે પૂરી છૂટથી વાપર્યો : “ગજબ છે તારી વાત : ગજબ છે તારું ભુલકણાપણું! ભેજું જ ઠેકાણે રાખવું નથી ને! પણ આ તો મેં મંગાવેલું ખરું ને! શાનું સાંભરે?” આવા ઉદ્ગારો ન સહી શકતી પ્રભા તડફડ જવાબ દઈ દેતી કે “મારે મારી કેટલી ચીજો લેવાની હતી તે તો વિચારો!” “પણ મારી તો એક જ ચીજ! તું જ વિચારને, પ્રભા!” “આ બધી ચીજો કાંઈ મારી એકલીને માટે થોડી છે! જેટલી મારે માટે તેટલી જ તમારે માટે છે. આ ચા, કૉફી, મરી, હિંગ, એમાં મને એક ઘડીનોય વખત ક્યાં હતો?” “પણ મારું એક છાપું લેવામાં કેટલોક વખત લાગી જવાનો હતો?” “પણ —” “ને મેં તને કેટલી વાર ફરી ફરીને કહેલું? હવે શું એક છાપાને માટે મારે શહેરમાં ધક્કો ખાવો?” “હું તમને કહી દઉં છું, કે મેં આ યાદ રાખવા મારાથી બની તેટલી મહેનત કરેલી! બોલો, હવે છે કાંઈ?” “પણ તો પછી તને થયું છે શું? તારું મગજ શું નબળું પડવા માંડ્યું છે?” એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભા ધ્રુસકે-ધ્રુસકે રડી પડતી ને કહેતી : “પશુ જ બની ગયા છો, મારા પર તો બસ પશુ જ બની ગયા છો તમે.” પછી વાત વિવાદે ચડતી. બોલાચાલી નિર્બંધ બનીને ફાટી નીકળતી. અજિત કહેતો : “મારા જીવન પર કમરતોડ બોજો છે. તારી પાસેથી થોડીક મદદ મેળવવાનો તો મારો હક્ક છે.” “તમને બોજાના પ્રમાણનું તો ભાન જ ક્યાં છે? તમારી સાથે સંસાર વેઠવો શક્ય જ નથી. તમે તો સીતા, દ્રૌપદી ને તારામતીની પણ ધીરજ હરી લઈ એને ગાંડી કરી મૂકો તેવા છો.” “હં — હશે કદાચ, ફક્ત એક તને જ હું ક્યાંય કાઢી મૂકી શકું તેમ નથી. હવે તો એ અજમાયેશ કરી કરીને મારા હોશ ચાલ્યા ગયા છે.” “બહુ વાતોડિયા થયા છો તે! બહુ આવડે છે; લવારો, લવારો! લવારા વગર બીજી વાત નથી.” આવી શબ્દબાજી ચાલુ રહેતી તે દરમિયાન બેઉ જણાંના અંતઃકરણમાં શું ચાલતું હતું? શરમ અને આપદાનાં હળ હાલતાં. પ્રભાના હૈયામાં જે ઊંડા જખ્મો પડતા તેને પાછળથી મલમપાટા કરવાની ફરજ પણ અજિતને માથે જ આવતી. એ બધું તો ઠીક, પણ આ બધી ક્ષુદ્રતાની ખાડમાં ઊતરી જવાની કેટલી શરમ, કેટલી વેદના! ઉન્નત આત્મ-દેવાલય બનાવવાની ગણતરીથી માંડેલો જે દંપતી-સંસાર, તેની છેક જ વિકૃતિ થઈ હતી. ગંધાતી બખોલનું રૂપ ધારણ કરી લીધું હતું એ પ્રેમ-સંસારે. “શું કરું, અજિત!” પ્રભા ચીસ પાડી ઊઠતી : “એક ચીંથરિયા છાપાનું મહત્ત્વ તમારે મનથી મારા અંતઃકરણ કરતાં વધુ ઠર્યું.” “ના રે બાપુ, ના. એમ હું ક્યાં કહું છું!” એવો જવાબ વાળીને અજિતભાઈ પત્નીને સમજ પાડવા બેસતા કે આજે પોતાના જીવનમાં છાપાની કેવી પરમ ઉપયોગિતા હતી : છાપામાં આવતા આજના બનાવોમાંથી પોતાનું હૃદય કેટલી પ્રચંડ પ્રેરણા પકડી એકાદ જ્વલંત કાવ્ય રચી શકત; આમ હતું એટલે જ પોતે ચિડાઈ બેઠો હતો. બાકી પોતાનો સ્વભાવ અથવા પ્રભા પરનો પોતાનો પ્રેમ કંઈ થોડો કમ છે? એમ કરતાં કરતાં ફરી પાછાં બેઉ તકરારમાં લસરી પડતાં ને આત્માનું દેવળ બનાવવા ધારેલું એ પ્રણયજીવન કાળા નાગના રાફડાના રૂપમાં પલટી જતું. પોતાના જીવન-બોજના પ્રચંડપણાનો બુલંદ ખ્યાલ આપવાની ફરી પાછી અજિત કોશિશ કરતો. એની જબાન વાણીના ને દલીલબાજીના ધોધ વહાવતી, તેમાં વિક્ષેપ પાડીને પ્રભા કહી ઊઠતી કે — “ઊભા રહો, ઊભા રહો, તમને કાંઈ ખબર —” “મને બોલી લેવા દે.” “પણ મારી વાત તો સાંભળો.” “હું બોલું છું, તું વચ્ચે ઘોડો ન કુદાવ.” એમ કહીને એ પ્રભાને ચૂપ કરીને જ જંપતો. આખરે ફરી પાછાં બેઉ જણાં ભેગાં બેસીને એવી સમજણ ખેંચી લેતાં કે ‘આ તો આપણા સ્વભાવના તફાવતનો જ દોષ છે, આપણા બેમાંથી એકેયનો કશો દોષ નથી. જુદી જુદી પ્રકૃતિનાં આપણે ઘડાયેલાં છીએ, એ સિવાય આમાં કશુંય નથી. ને એ પ્રકૃતિભેદનો સચોટ ખ્યાલ આપનારી એક ઉપમા અજિત હર વખત વાપરતો કે “આપણું તો, પ્રભા, પતંગિયાની ને હાથીની વચ્ચેનું લગ્ન છે. પતંગિયું બાપડું પાણીમાં ઊતરીને પોતાની સૂંઢથી પાણી ઉડાડી શકતું નથી તેથી તેને, કે હાથી ફૂલડે ફૂલડે ભમી પોતાની સૂંઢ વડે રસ ખેંચી શકતો નથી તેથી તેને, બેમાંથી એકેયને શો દોષ દઈ શકાય?” એવી પણ પળો આવતી જ્યારે અજિત પ્રભાના દૃષ્ટિબિન્દુનો પૂરેપૂરો સ્વીકાર કરી લેતો. “સાચું છે, પ્રભા, તું સૌંદર્યમૂર્તિ છે. કલ્યાણી છે. તારી સરળતા ને તારી સ્વભાવિકતા જ તારા સૌંદર્યના પ્રાણ છે. તારા જેવી સુકુમાર સરળ સ્ત્રીને છાપા વિષેનો વિચાર કરતી કલ્પવી એ એક અધર્મ છે, ઘાતકીપણું છે, ને હું છું જડબુદ્ધિ ગધાડો. સાગરનાં ઊંડાણોમાંથી તેં બહાર ખેંચી કાઢેલો હું તો એક જડમૂર્તિ મગરમચ્છ છું. મારામાં તું માણસાઈ મૂકવા ઘણુંય મથે છે, પણ મગરમચ્છમાં માણસાઈ આવે જ શાની?” “હવે એવું બોલતાં બંધ રહો ને! બહુ ડાહ્યા!” પ્રભાનું હેત ઊભરાઈ આવતું : “એવું વળી કાંઈ નથી. તમારેય તમારાં કામ તો કરવાનાં હોય ને!” “હાં બસ, એ જ વાત છે. મારું કામ જ એવું બની ગયું છે. હું પોતે એક વિચારયંત્ર જ બની ગયેલ છું. બીજી એક પણ વાત માટે હું લાયક રહ્યો નથી. ને આવો નાલાયક છતાં પાછો હું પ્રભુતામાં પગલાં પાડીને બેઠો છું. દશા જોને — દશા!”