બીડેલાં દ્વાર/9. જીવવાનું પ્રયોજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
9. જીવવાનું પ્રયોજન


અખબારની ઑફિસમાં અજિતને જ્યારે જ્યારે રાતપાળી આવતી ત્યારે એ રાતના એક-બે વાગ્યે સૂવા આવતો. રાતપાળી ન હોય ત્યારે પણ એ પોતાના સ્વતંત્ર સાહિત્યસર્જનને સારુ મોડી રાત સુધી ઑફિસમાં રોકાતો. મોડી રાતે પ્રભાને ઊઠવું ન પડે તે માટે ઓરડીનાં બે બારણાં પૈકી એકને બહારથી તાળું દેવાતું ને એક ચાવી અજિત પાસે રહેતી.

એવી એક રાત હતી. રાતના બે વાગ્યે અજિત તાળું ઉઘાડી હળવે રહીને ઓરડીમાં પેઠો, ને પ્રભા જાગી ન જાય તેની કાળજી રાખી શોર કર્યા વગર પોતાની પથારીમાં પેસી ગયો. એકાએક એણે પ્રભાની પથારીનાં એક રુંધાયેલા ડૂસકાનો સ્વર સાંભળ્યો. માન્યું કે કદાચ ઊંઘમાં રડતી હશે. પણ અવાજ વધ્યો. ધ્રુસકાં વધુ ઉગ્ર બન્યા. અજિત ઊઠ્યો. એણે પ્રભાના શરીર પરનું ઓઢણ ખસેડ્યું. જુએ ત્યાં તો છાતીફાટ ધબકારા : આંખોમાં અવિરત અશ્રુધારા : ને હાથમાં એક બાટલી જેને છુપાવવાના પ્રભાએ જોરથી પ્રયત્નો કર્યા. પણ અજિતના મનમાં ભયાનક અનુમાન ઊઠ્યું. એણે બાટલી ઝૂંટવી, દીવો તેજ કરી જોયું, તો ચોળવાની દવાની બાટલી હતી. ઉપર ‘ઝેર’ એ શબ્દ જોતાં જ અજિતને કમકમાં આવ્યાં. બાટલી એણે ફગાવી દીધી. એ પ્રભાની પથારી પાસે ગયો. પ્રભા એના ખોળામાં ભાંગી પડી. એની ચીસ ફાટી ગઈ : “ઓ વહાલા! મને બચાવો!” “શું હતું! શું હતું, પ્રભા! વહાલી!” અજિતનું કલેજું ધબક ધબક થઈ રહ્યું. “હું ન કરી શકી. ન પી શકી. મેં ઘણો પ્રયત્ન કર્યો. મારી હિંમત ન ચાલી.” “વહાલી! વહાલી!” એના સ્વરમાં કટકા થયા. “મને ન પીવા દેજો, ઓ અજિત! મને બચાવજો.” પોતાના કલેજે એને ચાંપી લઈને અજિત એનાં ધ્રુસકાં શાંત કરવા મથ્યો. ધીરે ધીરે આખી કથા એ પ્રભાના મોંમાંથી કઢાવી શક્યો; ત્રણ દિવસથી એ ઝેર પીવાની કોશિશ માટે મનમાં નિરધાર કરતી હતી; ને આખરે એણે આજની રાત નક્કી કરી હતી. “બે કલાકથી હું પથારીમાં બેઠી હતી આ લઈને.” એણે ધીરે સ્વરે કહ્યું : “પણ શીશી મોંએ માંડવાની મારી હિંમત ચાલી નહિ.” અજિતનો ચહેરો ભયનો માર્યો સફેદ પૂણી જેવો બની ગયો. એણે પ્રભાને બાથમાં ભીડી લીધી. પ્રભા માંડ માંડ વિશેષ બોલી : “તમને આવતા સાંભળી મેં માથે ઓઢી લીધું, ને ઊંઘવાનો ઢોંગ કર્યો. પછી ઓઢીને મેં વારંવાર યત્ન કર્યો. પણ હું ન કરી શકી. ન કરી શકી. હું કાયર છું — ઓહ, હું હિચકારી છું.” “ગાંડી! છેક ગાંડી!” “એક જ વાતે મને અટકાવી. તમને તો, વહાલા, હું જાણું છું કે મારા વગર ચાલ્યું જાત-” “એવું બોલ ના, ઘેલી! એવું બોલ ના.” “ના, હું જાણું છું કે તમે ચલાવી શકત; હું તમારા માર્ગમાં ફક્ત વિઘ્નરૂપ છું. પણ મારા આ બાબાને મારા વગર કેમ ચાલત! એ મા વગરનો બનત, ને તમને જો કંઈ થાત તો એનું આ દુનિયામાં કોણ રહેત! આ એક જ વિચારે મને કાયર બનાવી.” “પણ તને આવું કેમ સૂઝ્યું ગાંડી?” “બીજું કાંઈ નહિ. મેં બહુ સહ્યું છે. હું થાકીને તૂટી પડી છું. મારાથી હવે ટક્કર ઝીલી શકાતી નથી. હું બીજું શું કરું?” “ઓ રે ઘેલી! ઓ મારી પગલી!” અજિતના પ્રાણમાં ભય અને વેદનાના ઝંઝાવાત જાગ્યા. છાપામાં સો-સો વાર વાંચેલી આવી ઘટનાની શક્યતા ખુદ પોતાના જ ઘરમાં પડી હતી તેવી કલ્પનાની છાયા પણ ન ભાળનાર અજિતના ભેજાની ચોપાસ એ ક્ષણે ભયની ભૂતાવળો નાચી ઊઠી. એના કંઠમાંથી રુદન ઊઠ્યું. એના કલેવરને અશ્રુહીન ધ્રુસકા હચમચાવવા લાગ્યા. એક જ પ્રશ્ન એને ઢંઢોળી રહ્યો : “આને હું કઈ રીતે મદદ કરી શકું? આ બાપડીને બચાવવા, ટકાવી રાખવા, તાકાત આપવા હું શું કરું?” પોતે માનતો હતો કે પોતે પ્રભાને ઘણી મદદ કરી હતી. પણ પ્રભાના આવા રુદન-પ્રસંગોનો એ ક્વચિત્ જ સાક્ષી બન્યો હતો. પોતાના જીવનમાં પોતાને પ્રભાની સાચેસાચી જરૂર છે એવી પ્રતીતિ પ્રભાને કરાવવાના પ્રસંગો પણ બહુ આવ્યા નહોતા. “અજિત! વહાલા! સાચે જ શું તમારા સંસારમાં મારો તમને ખપ છે?” પ્રભાના મોંમાંથી આ પ્રશ્ન પડ્યો કે તરત જ અજિત સમજ્યો કે પ્રભા જેવી નારીને જીવન ટકાવવા કયા બલવાન પ્રયોજનની જરૂર હોય છે. “હેં વહાલા! મને કહો જોઉં, તમારા જીવતરમાં મારી જરૂર હોય એટલો મારા પર પ્રેમ છે ખરો?” “પ્રેમ છે! પૂરેપૂરો પ્રેમ છે!” એનાં ધ્રુસકાં ભરતા કંઠમાંથી શબ્દો નીકળ્યા. “બસ-બસ, તો પછી હું રહીશ, હું જીવીશ. તમને મારો ખપ હશે તો પછી હું ચાહે તેટલું સહન કરીશ. મારી તમને જરૂર હોય, તો પછી મારે શા માટે ચાલ્યા જવું પડે?” જીવન અસહ્ય તો ત્યારે જ બને છે, જ્યારે તે પ્રયોજનહીન બનેલું ભાસે છે. પુરુષને તો પોતાના જીવનનું — ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવનનુંયે — પાકું પ્રયોજન પગલે પગલે આત્મપ્રતીત છે. એથી કરીને જ એ દુઃખની ગગડતી નોબતો વચ્ચેય લિજ્જત રાખીને જીવ્યે જાય છે. કુટુંબીજનોને જિવાડી શકું, એ કાંઈ જેવું તેવું પ્રયોજન નથી. ઘરનાં માણસોની સૂકી રોટીના રળનાર તરીકેની ખુમારી એ કંગાલ પુરુષોનું પણ પ્રાણતત્ત્વ છે. સ્ત્રીને પોતાના પતિના જીવનમાં પોતાના જીવવાનાં પ્રયોજન વિશેની વારંવાર શંકા ઉદ્ભવે છે તેનું કારણ આ એક જ છે. બુદ્ધિજીવી અને પ્રતિભાવંત પુરુષના સંસારમાં સ્ત્રીને પોતાની નિરુપયોગિતાની આ શંકા પગલે પગલે પડે છે. એવા સ્વામીના જીવનમાં સ્ત્રી બીજી સંખ્યાબંધ એવી વસ્તુઓ જુએ છે કે જેનાથી સ્વામીનો સંપૂર્ણ ટકાવ થતો એ કલ્પે છે. પ્રતિભાવંતોના જીવનની આ કેટલી પ્રકાંડ કરુણતા! પ્રતિભાવના પૂજક અજિતની આંખોનાં પડળ ઊઘડી પડ્યાં. આ ક્ષણે પ્રભાનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હોત. આ ક્ષણે એ એકલી પ્રતિભાની પોટલીને, આદર્શ મસ્તીના એકલા બોજાને લઈ કેમ કરી જીવી શકત? રાત્રિના એ બિહામણાં પ્રહરે બેઉનાં આંસુ એકબીજામાં મળ્યાં, વિપત્તિના હળ વડે ખેડાયેલી બેઉ આત્માની ધરતીનો ઊંડો ચાસ દેખાયો. દંપતીનાં સંસારજીવન પર જામી ગયેલા નિષ્પ્રાણતાના ને સ્ફૂર્તિહીનતાના પોપડાને ઉખેડી નાખી, તેમાં પૃથ્વીતલમાંથી મુક્ત આનંદના ફુવારા વહેતા કરવાનો કટ્ટર પ્રયત્ન આદરવાનો બેઉએ નિશ્ચય કર્યો. આવી ક્ષણોમાં જ અજિત પ્રભાનું એના અસલ સ્વરૂપમાં, સુમહોજ્જ્વલ આત્મામય સ્વરૂપમાં, પાર્થિવતાની દીવાલો વચ્ચે પુરાયેલા દેવસ્વરૂપમાં દર્શન પામતો. પરંતુ ઓ પ્રારબ્ધ! એ અઘોર કારાગૃહની ચાવી જો એની પાસે હોત, તો એના તકદીરમાં આવી આવી ભયાનક વેળાએ જ અસલ નારીસ્વરૂપનું દર્શન પામવાનું ન રહેત : તો તો એ હરહંમેશ જ્યારે જ્યારે ઇચ્છા થાય ત્યારે ત્યારે તાળું ખોલીને મંગલમૂર્તિનાં દર્શન પામત; તો ગેરસમજણોની ભુલભુલામણીઓ વચ્ચે થઈને એને માર્ગ શોધવો ન પડત. અફસોસ! એને તો આ સ્વરૂપ પાસે પહોંચવાના એક જ પંથની ખબર હતી. એ પંથ હતો વિષાદ અને હતાશાની ગિરિકંદરાઓ વચ્ચે થઈને જનારો. હતાશા ને કુશંકાઓ, તેમાંથી નીકળતો રસ્તો મનોવેદના અને ઊર્મિપછાડા પર લઈ જતો; એ પછાડામાંથી જતો માર્ગ આવેશ, રોષ અને આત્મતિરસ્કાર પર ઉતરતો, ને તે પછી જ સ્વપ્નો, ઉપાસનાઓ, હર્ષોદ્રેક અને દિલ-શું દિલનાં આલિંગન-ભીડનની હરિયાળી ખીણ આવતી. કારાગૃહનો માર્ગ પામવાની સીધી કેડીનો અજાણ એ પુરુષ ભયાનક સંતાપની જટિલ કેડીએ થઈને તે રાત્રે પ્રભાના આંતરસ્વરૂપની ભવ્યતા નિહાળી રહ્યો. સાદી અને મૂરખી, જડસું અને ભાવનાવિહીન માનેલી એ નારીનું આંતરિક નારીત્વ કેટલું અગ્નિમય ને અભ્રરંગી હતું! અર્ધા જ કલાક પૂર્વે આત્મહત્યાની ભયાનકતામાં ઊતરી પડેલી એ નારીનું મુખ ઝળહળી ઊઠ્યું. ચક્ષુઓ ચમકી રહ્યાં, વાણીતેજના તો ધોધ એના કંઠમાંથી વહેવા લાગ્યા, આવેશભરપૂર કવિતાનો તેજોરસ એ વાચાને શોભાવી રહ્યો. ભાવિનું દર્શન કરતી કોઈ પયગમ્બરી જાણે બોલતી હતી! અબુધતા કોણ જાણે ક્યાં જતી રહી, ને ઊંડી સમજના દીપકો ચેતાઈ ગયા. એના બોલેબોલની અંદર તલસ્પર્શી બુદ્ધિ અને વિવેકશીલ સમજશક્તિનાં કિરણો પાથરતી એ નારીને જોઈને અજિત તો ડઘાઈ જ ગયો. આવી શબ્દચમત્કૃતિ અને આવો વાણીવૈભવ ધરાવતી આ સ્ત્રી કોઈ રંગભૂમિ પરની નટી બની હોત, તો કેટલાં માનવીઓના પ્રાણને હલાવી નાખત? આવો છલકતો સંગીતભર કંઠ જો એને ગાયિકા-જીવનમાં લઈ ગયો હોત, તો એ કેટલાં હૈયાને ગુંજાવત! અહોહો! કેવી પદભ્રષ્ટ, વારસાભ્રષ્ટ તેજસ્વિની! આવી પળોમાંથી જ એ બેઉની આત્મશ્રદ્ધાનું ફરી પાછું નવેસર ઘડતર થતું. આવી પળોમાં જ અજિત સ્ત્રી વિશેના વિચારોનું નવવિધાન કરતો. એને મન તો નારી નરની સમોવડી હતી. આ એ ફક્ત હોઠેથી કહેતો નહિ પણ લાગણીમાં જીવવા મથતો. જગતમાં એ ગયો ત્યારે એને કહેવામાં આવ્યું હતું કે સ્ત્રી એટલે મિથ્યાભિમાન, ક્ષુદ્રતા અને આછકલાઈનો સમુચ્ચય. આ જ્ઞાનને એ ગુપચુપ ગટાવી ગયો હતો; કેમકે નારીના આત્માનું એને દર્શન થયું હતું. નારીના ઉપલા જીવનપોપડાની નીચે ક્યાંક પણ હજુ ન ખોદેલી ને ન શોધેલી એક એવી શક્તિ સૂતી છે, જે તમામ માનવ-આદર્શોમાં ને સંસ્થાઓમાં ક્રાંતિ આણશે. આ એની શ્રદ્ધા હતી, આ એનું આર્ષદર્શન હતું, આ એની પરમ ચેતના હતી. પરંતુ એ ચેતનાને મોકળી કરી, આત્મભાન અર્પી, જીવનની સેવાર્થે કેવી રીતે જોતરી કાઢવી, તેની સમસ્યા એ ઊકેલી શક્યો નહોતો. એ માનતો કે પૈસાનો અભાવ એ જ આમાં મુખ્ય મૂંઝવણ હતી. ઘણીખરી સ્ત્રીઓ અજિતના આ વલણની જેવીતેવી ઝાંખી કરી શકી હોઈ તેને પસંદ કરતી હતી. પણ ઘણાખરા પુરુષો એ જ કારણે અજિતને તિરસ્કારતા હતા. પુરુષો સ્ત્રીઓને દુર્બલ અંગ માની એના સારથિ બનવા માગતા હતા. પુરુષના શાસન હેઠળ રહેવું પસંદ કરનારી સ્ત્રીઓ પણ ઘણી હતી; એ છતાં અજિત તે વિષય પર દલીલો કરવા થોભતો નહોતો. અજિતની દલીલોને ચૂપ કરી દેનારા સંજોગો પણ મોજૂદ હતા. પ્રભાને એનાં ચણિયા-ચોળી ધોઈ આપવા સુધી પણ મદદમાં રહેતો અજિત પોતાના ગૃહસંસારમાં જે શાંતિ નહોતો સ્થાપી શક્યો અથવા પોતાના પ્રતિ સ્ત્રીની જે કૃતજ્ઞતા નહોતો પ્રેરી શક્યો તે શાંતિ અને તે કૃતજ્ઞતા, પોતાના છાપા-ઑફિસના સ્ત્રી-શાસક ભાઈબંધોના ઘરમાં એણે નિહાળી હતી. એ ભાઈબંધોના, રાતે ચાહે તેટલા મોડાં ઘેર આવવા સામે એમની સ્ત્રીઓ કદી બબડાટ કરતી નહિ. એ ભાઈબંધોના રવિવારો પર પણ સ્ત્રીઓ કશો હક્ક-દાવો કરતી નહિ. એ ભાઈબંધો માંદી સ્ત્રીને સગામાં ભળાવી લહેરથી બહાર ખાતાપીતા, તેથી સ્ત્રીઓ અસંતુષ્ટ કે અપમાનિત બનતી નહોતી. એમનું સંસારચક્ર સુંવાળી ગતિએ ચાલ્યા કરતું. ઊલટાની એ જ સ્ત્રીઓએ અજિતને એની સ્ત્રીના ઘરકામમાં મદદ દેતો દેખી ઠપકો દીધો હતો કે — ‘બાયલા કેમ બનો છો? એટલે જ પછી પ્રભાબહેન ગાંઠતાં નથી ને! એટલે જ પછી એમનો અસંતોષ કોઈ વાતે મટતો નથી ને! અરે, અજિતભાઈ! એ તો મૂકીએ ખસતી તો આવે હસતી.’ સ્ત્રીઓની પોતાની જ આ આત્મલઘુતાની ભાવના! છતાં અજિત પર તેની અસર નહોતી. અજિત દલીલો કરવા થોભતો નહોતો. અજિતને માટે તો આટલું જ બસ હતું કે, ગુલામને મુક્તાત્મા માનવો, ને ચાકરને સજ્જન ગણવો. પરિણામનો નતીજો આજે નથી, કાલે પણ કદાચ ન આવે, આખરે આવશે, માનવીમાનવી વચ્ચેની સાચી સમાનતા સ્થપાશે, આજે નહિ તો એક ભાવિ-દિને.