બૃહદ છંદોલય/પરિશિષ્ટ1
૧૯૪૯થી ૧૯૫૯ લગીમાં પાંચ કાવ્યસંગ્રહો – ‘છંદોેલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘છંદોલય’ (‘પ્રવાલદ્વીપ’ તથા અન્ય આઠ કાવ્યો સમેત સંકલિત, ૧૯૫૭), અને ‘૩૩ કાવ્યો’ (૧૯૫૯) – પ્રગટ કર્યા હતા. ૧૯૭૩માં આ પાંચ કાવ્યસંગ્રહો ‘છંદોલય’ શીર્ષકથી એક જ કાવ્યસંગ્રહ રૂપે પ્રગટ થયા હતા. એ મારો ‘સમગ્ર કવિતા’ સમો કાવ્યસંગ્રહ હતો. ‘૩૩ કાવ્યો’માં ૧૯૫૬-૧૯૫૭માં જે કાવ્યો રચાયાં હતાં તેનો સંગ્રહ કર્યો હતો. પણ પછી ૧૯૫૮માં અંગત પત્રમાં એક મિત્રને સંબોધનરૂપ જે કાવ્ય રચાયું હતું તે કાવ્ય ‘ક્યાંથી ટકે ?’, ૧૯૬૧માં એક મિત્રના અંગ્રેજી કાવ્યના છાયાનુવાદ રૂપે જે કાવ્ય રચાયું હતું તે કાવ્ય ‘પ્રિયતમ મારો’ તથા ૧૯૭૧માં ઉમાશંકરની ૬૦મી જન્મતિથિ પ્રસંગે જે કાવ્ય રચાયું હતું તે કાવ્ય ‘ઉમાશંકરને’ – એમ ત્રણ અગ્રંથસ્થ કાવ્યોનો પણ એમાં સમાસ કર્યો હતો. અહીં આટલી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે કારણ કે ૧૯૫૮ પછી પૂર્વોક્ત ત્રણ કાવ્યોના અપવાદ સાથે ૧૯૯૬ લગીનો સમય એટલે કે લગભગ ચાર દાયકાનો સમય એ દીર્ઘકાલીન મૌનનો સમય હતો. મૌન – અલ્પકાલીન હોય કે દીર્ઘકાલીન હોય – કદી નિષ્ક્રિય હોતું નથી. મૌન ભલે પ્રત્યક્ષપણે સક્રિય ન હોય પણ પ્રચ્છન્નપણે એ સક્રિય જ હોય છે. કોઈ પણ મૌનને નિષ્ક્રિય માનવું એ ભારે મોટી એવી ભૂલ છે. મૌન એ મનુષ્યનો એક અકળ અનુભવ છે. મૌનની પ્રક્રિયા એ માનવમનની એક રહસ્યમય પ્રક્રિયા છે. કોઈ કોઈ મૌન તો શબ્દથી પણ વિશેષ મુખર હોય છે. મૌન પણ સર્જકપ્રક્રિયાનો એક અંતર્ગત – બલકે અનિવાર્ય – અંશ છે. એથી સ્તો કાવ્યમાં મૌનનો શબ્દ જેટલો જ – કદાચને શબ્દથી યે વિશેષ – મહિમા છે. શબ્દ માત્રનું સર્જન મૌનમાંથી થાય છે. શબ્દનો જન્મ મૌનના ગર્ભમાંથી થાય છે. આમ ન હોત તો ૧૯૯૬થી આજ લગી જે કાવ્યો રચાતાં રહ્યાં છે – અને હજુ રચાતાં રહેશે – તે રચાયાં ન હોત. આમ, લગભગ ચાર દાયકાના મૌન પછી, એ મૌનની ફલશ્રુતિ રૂપે આ કાવ્યો રચાયાં છે. એથી કાવ્યસંગ્રહનું ‘પુનશ્ચ’ એવું નામાભિધાન કર્યું છે. ‘પુનશ્ચ’માં કુલ ૬૦ કાવ્યો છે. આ સૌ કાવ્યો એક જ છંદ – વનવેલી – માં રચાયાં છે. ૧૯૨૦માં ગુજરાતી ભાષામાં પ્રથમ વાર જ કેશવ હર્ષદ ધ્રુવે અને પછીથી ૧૯૨૩માં એના અનુસંધાનમાં રામનારાયણ પાઠકે શેક્સ્પિયરનાં નાટકોનાં દૃશ્યોના અનુવાદ રૂપે વનવેલીનો પ્રયોગ કર્યો હતો. તે પૂર્વે ગુજરાતી ભાષામાં કવિતના અન્ય બે પ્રકારો – ઘનાક્ષરી અને મનહર – માં અનેક કવિોએ કાવ્યો રચ્યાં હતાં. પણ વનવેલીમાં કોઈ કવિએ કાવ્યો રચ્યાં ન હતાં. પૂર્વોક્ત બંને કવિ-વિવેચકોએ વનવેલીનું વિસ્તૃત, વિગતપૂર્ણ એવું લગભગ નિ:શેષ વિવેચન પણ કર્યું હતું. પછીથી ૧૯૩૩માં એના અનુસંધાનમાં ઉમાશંકરે યુરિપિડીસના એક નાટકના પરાકાષ્ઠા રૂપ દૃશ્યનો અનુવાદ વનવેલીમાં કર્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૬ લગીમાં એમણે પાંચ મૌલિક પદ્યનાટ્યકાવ્યો તથા તે પૂર્વે પણ ૧૯૪૦થી ૧૯૪૬ લગીમાં એક પદ્યસંવાદકાવ્ય અને કેટલાંક ઊર્મિકાવ્યો વનવેલીમાં રચ્યાં હતાં. મેં પૂર્વોક્ત પાંચ કાવ્યસંગ્રહમાંનાં કેટલાંક કાવ્યો તથા ૧૯૫૮ પછી જે રચાયાં હતાં અને ૧૯૭૩ના ‘છંદોલય’માં ગ્રંથસ્થ થયાં હતાં તે બે કાવ્યો વનવેલીમાં રચ્યાં હતાં. ઉપરાંત ૧૯૬૧માં રવીન્દ્રનાથના પદ્યનાટક ‘ચિત્રાંગદા’નો અનુવાદ વનવેલીમાં કર્યો હતો. પણ હમણાં જ નોંધ્યું તેમ આ ‘પુનશ્ચ’ કાવ્યસંગ્રહની વિશેષતા એ છે કે એમાં સૌ કાવ્યો એક જ છંદ – વનવેલી – માં રચાયાં છે. વનવેલી એ કવિતનો એક વિશિષ્ટ પ્રકાર છે. કવિતના કુલ ત્રણ પ્રકારો છે – ઘનાક્ષરી, મનહર અને વનવેલી. કવિતનો પ્રત્યેક પ્રકાર એ સંખ્યામેળ છંદ છે. અક્ષરમેળ છંદોમાં પ્રત્યેક પંક્તિમાં અક્ષરોની નિશ્ચિત સંખ્યા અને પ્રત્યેક લઘુ ગુરુ અક્ષરનું નિશ્ચિત સ્થાન છે તથા માત્રામેળ છંદોમાં નિશ્ચિત માત્રાની સંધિ આદિ બંધનો છે. કવિતમાં આ બંધનો નથી. વનવેલી અને કવિતના અન્ય બે પ્રકારો – ઘનાક્ષરી અને મનહર – વચ્ચે અનેક સામ્ય છે. પણ વનવેલી એ અન્ય બે પ્રકારોથી ભિન્ન એવી એની વિશેષતાને કારણે ગદ્યની સૌથી વધુ નિકટ એવી પદ્યરચના છે. ઘનાક્ષરી અને મનહર બંનેમાં ચાર ચરણ છે. ઘનાક્ષરીના પ્રત્યેક ચરણમાં ચતુરક્ષર સંધિના અખંડ આઠ આવર્તનો છે. મનહરમાં પ્રત્યેક ચરણમાં આઠમા સંધિમાં એક અક્ષરની ન્યૂનતા છે, એટલે કે આઠમો સંધિ ત્ર્યક્ષર સંધિ છે અને એક અક્ષરની ન્યૂનતાને કારણે ત્રીજો અક્ષર ગુરુ અક્ષર છે. બંનેમાં પ્રત્યેક ચરણને અંતે યતિ અને પ્રાસ આવશ્યક છે. વનવેલીમાં ચરણ નથી, પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ચતુરક્ષર સંધિના અનિયતસંખ્ય આવર્તનોને અવકાશ છે અને એનો અંતિમ સંધિ ખંડિત હોય તો તે નિર્વાહ્ય છે. પંક્તિને અંતે યતિ અને પ્રાસ આવશ્યક નથી. આ સંદર્ભમાં કવિતના બંને પ્રકારોથી વનવેલીનું સ્વરૂપ ભિન્ન છે. એથી હમણાં જ નોંધ્યું તેમ વનવેલી એની આ વિશેષતાને કારણે ગદ્યની સૌથી નિકટ એવી પદ્યરચના છે. વનવેલીમાં પંક્તિને અંતે યતિ અને પ્રાસ આવશ્યક નથી એથી એમાં પ્રવાહિતા, ધારાવાહિતા છે. એમાં ગદ્યની વાક્યરચના જેવી વ્યુત્ક્રમ વિનાની વાક્યરચનાને અવકાશ છે. એમાં લઘુ કે દીર્ઘ પંક્તિઓ તથા પંક્તિની વચમાં વાક્યના આરંભ અને અંત માટે અવકાશ છે. એથી એમાં અર્થાનુસારી પદ્યરચનાને માટે અવકાશ છે, વાક્યોચ્ચય માટે અવકાશ છે, બોલચાલની ભાષાભંગી અને વાતચીતની વાક્યભંગી માટે અવકાશ છે, એથી એમાં પાઠ્યતા છે. વનવેલીનું પદ્ય ગદ્યની જેમ વાંચી શકાય છે. વનવેલીમાં યતિ અને પ્રાસ ન હોય, એનું પદ્ય ગદ્યની જેમ વાંચી શકાય એવું હોય તો પછી વનવેલીનું પદ્યત્વ ક્યાં રહ્યું ? ગદ્યમાં અને વનવેલીના પદ્યમાં ભેદ ક્યાં રહ્યો ? પદ્યમાં ગદ્યથી ભિન્ન એવું કવિતાને અનુરૂપ અને અનુકૂળ એવું સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચાર સાથે, યોગ્ય અને ઉચિત આરોહ-અવરોહ તથા વિરામ સાથે ગંભીર અને ઉદાત્ત ભાવાનુકૂલ પઠન અનિવાર્ય છે. વળી ગદ્યમાં તાલ નથી. વનવેલીના પદ્યમાં ભલે બલિષ્ઠ તાલ ન હોય, પણ શિથિલ તાલ તો છે જ. એમાં ચતુરક્ષર સંધિના પહેલા અને ત્રીજા અક્ષર પર અનુક્રમે પ્રધાન અને ગૌણ તાલ છે. આ પઠન અને આ તાલ એ જ વનવેલીનું પદ્યત્વ. ‘પુનશ્ચ’માં પ્રેમ અને મૈત્રી વિશેનાં કાવ્યો છે. આ સૌ કાવ્યો ઊર્મિકાવ્યો છે. એથી મોટા ભાગનાં કાવ્યો પ્રાસયુક્ત છે. મૈત્રીમાં પ્રેમની ચરિતાર્થતા છે. પ્રેમ મૈત્રીમાં પર્યવસાન પામે એમાં પ્રેમની ધન્યતા છે. પ્રેમ વિશેનાં કાવ્યગુચ્છમાં સ્ત્રી-પુરુષ સંવાદ, પુરુષને સંબોધન રૂપ સ્ત્રીની ઉક્તિઓ, સ્ત્રીને સંબોધન રૂપ પુરુષની ઉક્તિઓ તથા પ્રેમ વિશે કેટલાક દ્વિધાપ્રશ્નો એવા ચાર ગુચ્છો છે. એમાં સ્ત્રી અને પુરુષનાં જે પાત્રો છે તે સભાન, સ્વમાની, સુસંસ્કારી અને સંવેદનશીલ એવાં આધુનિક નગરનાં સંતાનો છે. એમનામાં આધુનિક નાગરિક માનસ અને મિજાજ છે. એમાં જે પ્રસંગો છે તે નાટ્યાત્મક છે. પ્રેમ એ મનુષ્યનો જન્મથી મૃત્યુ લગીનો આજીવન અનુભવ છે કારણ કે પ્રેમ એ દૈહિક કે હાર્દિકથી વિશેષનો ચૈતસિક અનુભવ છે. એથી કેટલાંક કાવ્યોમાં ઉત્કટ ઊર્મિ છે, પણ મોટા ભાગનાં કાવ્યોમાં વ્યંગ અને વક્રતા છે, કાકુ અને કટાક્ષ છે. પણ સૌ કાવ્યોમાં સ્ત્રી અને પુરુષમાં પરસ્પર પ્રત્યે સમભાવ અને સહાનુભૂતિ છે, સૌજન્ય અને સહૃદયતા છે. એ એમની વાણી અને એમના વર્તનમાં વ્યક્ત થાય છે, સૌથી વિશેષ તો પરસ્પરના સંવાદો અને સંબોધનોમાં જે માનાર્થે બહુવચન છે એમાં પ્રગટ થાય છે. જન્મદિન અંગેના કાવ્યગુચ્છમાં મૈત્રીના અનુભવને કારણે જીવનની ધન્યતા અને ચરિતાર્થતા વ્યક્ત થાય છે. જગતમાં કશું પણ દુર્લભ હોય તો તે મૈત્રી. મનુષ્યના જીવનમાં બે ક્ષણ માટે પણ સુખ હોય તો તે મૈત્રીને કારણે. દેવો અને ગ્રહો નહિ, પણ મિત્રો જ મનુષ્યને જિવાડે છે. માનવસંબંધોમાં મૈત્રી જ એક માત્ર નિર્દોષ અને નિસ્પૃહ સંબંધ છે. મૈત્રી થવી, મિત્રો હોવા – એકાદ પણ મિત્ર હોવો – એ મનુષ્યનું મોટામાં મોટું સદ્ભાગ્ય છે. આમ, ‘પુનશ્ચ’માં શૈલીસ્વરૂપ અને વસ્તુવિષય બન્નેના સંદર્ભમાં મારા પૂર્વેના સૌ કાવ્યસંગ્રહોમાં જે કાવ્યો છે તથા ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગમાં પ્રેમ અને મૈત્રીનાં જે કાવ્યો છે એ કાવ્યોથી કંઈક જુદું, કંઈક નવું નીપજી આવ્યું છે. ૧૯૫૯ પછી લગભગ ચાર દાયકાના મૌનનો જે અનુભવ થયો એમાં સંભવ છે કે ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો – મુખ્યત્વે ‘પાત્રો’ અને ‘ગાયત્રી’ – માં જે કવિતા છે એની સમકક્ષ એવી કવિતા – બલકે એને અતિક્રમી જાય એવી કવિતા–રચાય તો જ એ કવિતાનો કંઈ અર્થ છે એવો ભાવ હૃદયમાં સતત રહ્યો હતો એ મુખ્ય કારણ હોય. પણ ૧૯૪૬થી ૧૯૫૬ના દાયકામાં જેમ મુંબઈ વિશે એક કાવ્યગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયો હતો તેમ ૧૯૯૬ પછી મેનહેટ્ટન વિશે એક કાવ્યગુચ્છ ‘પક્ષીદ્વીપ’ વનવેલી છંદમાં રચવાનો આરંભ થયો છે. ‘પ્રવાલદ્વીપ’માં એક અતીતોન્મુખ અને નિમજ્જનગામી કલ્પન રૂપે મુંબઈ વિશે વાસ્તવદર્શન હતું તેમ ‘પક્ષીદ્વીપ’માં એક ભવિષ્યોન્મુખ અને ઊર્ધ્વગામી પુરાકલ્પનરૂપે મેનહેટ્ટન વિશે વિસ્મયદર્શન હશે. આમ, ‘પક્ષીદ્વીપ’માં પણ શૈલીસ્વરૂપ અને વસ્તુવિષય બન્નેના સંદર્ભમાં ‘પ્રવાલદ્વીપ’થી કંઈક જુદું, કંઈક નવું નીપજી આવશે એવી આશા છે. ૨૦૦૭ (પુનશ્ચ ૨૦૦૭ની પ્રસ્તાવના)