બે દેશ દીપક/ઔદાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઔદાર્ય

ઈ.સ. ૧૯૦૭ માં જ્યારે લાજપતરાય એક સૈકા-જૂના કાયદાના બહાના નીચે પહેલવહેલા રાજદ્વારી કેદી તરીકે હદપાર થયા અને માંડલેમાં ગિરફતાર પડ્યા, ત્યારે એના આર્યસમાજી સાથીઓને હાથે એને અન્યાય મળેલો : એની! સામે એક પણ ગુનો પુરવાર નહોતો થયો. એના ઉપર એક પણ આરોપ નહોતો મૂકવામાં આવ્યો. કોઈ સાક્ષી પૂરાવો રજૂ નહોતો થયો. પોતાનો બચાવ કરવાની તક એને નહોતી અપાઈ. ઓચીંતા એક દિવસ પ્રભાતે લાહોરની પેાલીસે એને ફોસલાવી એની જ મોટરગાડીમાં ઉઠાવ્યા. સ્પેશ્યલ ગાડી જોડી, પડદો વીંટી, સુસવાટાવેગે માંડલે પહોંચાડી દીધા ત્યાં એનું જીવન અપમાનભર્યા આચરણ વડે રીબાયું. એનું કુટુંબ રઝળતું થયું. એના વૃદ્ધ પિતાની પાછળ જાસૂસો ગોઠવાયા. એનો પત્રવ્યવહાર રુંધાયો. તે વખતે એના મિત્રની ફરજ તો હતી એની નિર્દોષતા ગજાવવાની. એના જ દ્રવ્યથી તેમજ એના જ પ્રયાસથી પોષાયેલા આર્યસમાજનું કર્તવ્ય તો એના પરનો અખંડ વિશ્વાસ તે સમયે પુકારી ઊઠવાનું હતું. તેને બદલે આર્યસમાજના આગેવાનોએ શું કર્યું? પંજાબના ગવર્નર પાસે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું: એ પ્રતિનિધિમંડળે સરકારને જાહેર કર્યું કે લાજપતરાયની સાથે અમારા સમાજને કશો જ સંબંધ રહ્યો નથી. એટલે કે આડકતરી રીતે તેઓએ પોતાના નિષ્પાપ ભેરૂના શિર પર એની રાજ કારણી પ્રવૃત્તિઓ પરત્વે તિરસ્કાર ઢોળ્યો. એમ કરવામાં કદાચ તેઓની મતલબ આર્યસમાજને સરકારી દમનનીતિના પંજામાંથી ઉગારી લેવાની હશે. પરંતુ ઉગાર શોધવા જતાં આર્યસમાજના સ્થંભ લાજપતરાયનું બલિદાન દેવાયું. જ્યારે લાલાજી દેશવટેથી પાછા ફર્યા ત્યારે એને આ કિસ્સાની જાણ થઈ. સરકારી સિતમ કરતાં વધારે મોટો આઘાત એને આ મિત્રોના કાર્યથી લાગ્યો. બાબુ બિપીનચંદ્ર પાલ લખે છે કે ‘આવા સંજોગોમાં, જે મિત્રોનો ધર્મ એને પડખે ઊભા રહી એના સત્ય અને સ્વાતંત્ર્યની આરાધનાને કારણે એના પર આવી પડેલી શિક્ષામાં સાથ કરવાનો હતો, તેજ મિત્રોને ઊલટા ખસી જઈ તિરસ્કાર દેતા દેખ્યા પછી પણ ક્ષમા આપવી, એવી મનની મોટપ તો ભાગ્યેજ બીજા કોઈને માટે શક્ય હશે. પણ લાજપતરાયને તો મેં એ મિત્રો તરફ લેશ માત્ર પણ કડવી લાગણી ધરાવતા દીઠા નથી.' એ મનમોટપ કેવી હતી? લાલાજીના શબ્દો જ જવાબ દેશેઃ– ‘કેટલાક લોકો કહે છે કે મારી ગેરહાજરીમાં આર્ય સમાજે મારા પ્રત્યે દિલસોજી નથી દાખવી; અને આજે પણ મારા પર એક કાગળમાં લખાઈ આવ્યું છે કે જે આર્યસમાજીઓની મારા પ્રત્યે સહાનુભૂતિ ન હોય તો મારે જલદી એનાથી છૂટા થઈ જવું. ઈશ્વરની સાક્ષીએ હું કહું છું કે હું આર્યસમાજમાં આગેવાનીને લોભે નહિ પણ મારા જીવનને પવિત્ર બનાવનારા એના સિદ્ધાંતને ખાતર જ દાખલ થયો હતો. જો મેં એને માટે કશું કર્યું હશે, તો તેથી મેં મારા જીવનને વિશુદ્ધ બનાવ્યું છે. જે કાંઈ અલ્પ શુભ તત્ત્વ હું આજે ધરાવું છું તે મારાં માતપિતાને તથા આર્યસમાજને જ આભારી છે. × × × માટે એ હજારોમાંથી જો કોઈએ પણ મારી નિન્દા કરી હોય, તો આ વ્યાસપીઠ પરથી પ્રભુની સાક્ષીએ હું એને ક્ષમા આપું છું. આજે વિવાદનો કે પરસ્પર કૃતઘ્નતાના આક્ષેપોની ફેંકાફેંકીનો નહિ, પણ પરસ્પર ભેટી લેવાનો સમય છે. છેલ્લાં પચીસ વર્ષ સુધી મેં આર્યસમાજની યત્કિંચિત સેવા કરી છે. જો કે હું મારા આટલા ઉપકારક ધર્મનો ત્યાગ નથી કરી શકતો, તે છતાં જો આર્યસમાજનો કોઈ નેતા એમ કહે કે મારા રાજકારણી વિચારોથી સમાજને સહન કરવું પડ્યું છે, તો હું આ ક્ષણે જ સમાજ સાથેનો મારો સંબંધ છેદી નાખવા તૈયાર છું.'

સાચી નિરભિમાન વીરપૂજા એમણે ઈ. સ. ૧૯૦૭ માં સ્વ. ગોખલેજીની લાહોર ખાતેની પધરામણી વખતે કરી દેખાડી હતી. હજારો લાહોરી પ્રજાજનોએ સ્વ. ગોખલેજીનું સ્વાગત કર્યું. સ્ટેશન પરથી સરઘસ કાઢ્યું. એ સરઘસની અંદર લાલાજી ક્યાં હતા? બેઠા હતા તો ગાડી ઉપર, પણ ગોખલેજીની જોડમાં નહિ; સામેની ગાદી પર પણ નહિ; એ તો કોચ-બોકસ પર બેસીને અતિથિદેવની ગાડીના ઘોડાને હાંકી રહ્યા હતા. ગોખલેજીની કશી વિનતિ કે આજીજી કામ નહોતી આવી. પોતાનાથી ઊલટી જ જાતના રાજનૈતિક આચાર-વિચારો ધરાવનાર બંધુનેતાની પણ આવી પરોણા ચાકરી કરીને લાલાજીએ બતાવી દીધું હતું કે મતસહિષ્ણુતા અને મનની મોટપ કેવી હોઈ શકે. ફરી વાર ૧૯૧૩ માં ગોખલેજી સાથેનો ઉજ્જવલ પ્રસંગ બની ગયો. બન્નેની વચ્ચે રાજનૈતિક વિચારોનાં તો ગાડાં વહ્યાં જતાં હતાં પરંતુ એ વિચાર-ભેદથી ગુણદર્શન ઢંકાય તેવું અંતર લાલાજીનું નહોતું. હકીકત એમ હતી કે દક્ષિણ આફ્રિકામાં મહાત્માજીએ સત્યાગ્રહ માંડ્યો હતો. ગોખલેજી એમને માટે અાંહીં ફાળો ઊઘરાવી રહ્યા હતા એમણે કોઈ સ્નેહીની મારફત કહેવરાવ્યું કે ‘લાલાજી મને પંજાબમાંથી રૂ. દસ હજાર કરી આપશો?' લાલાજીએ એ મિત્ર દ્વારા જવાબ મોકલ્યોઃ ‘આપ પોતે જો પધારો તો દસ નહિ પણ વીસ હજાર મેળવી આપું; અને નહિ તો એક ફૂટી બદામ પણ મેળવી આપવાનો નથી.' મિત્ર પૂછે છે કે ‘હેં લાલાજી, ગોખલેજીને તેડાવવા માટે આટલી બધી જેહમત કાં ઉઠાવી રહ્યા છો?' હસીને લાલાજી બોલ્યા ‘ઓ ભાઈ! ગોખલેજી જેવા પુનિત નરનું મારે આંગણે તેડું કરવાનો આથી વધુ રૂડો બીજો કયો અવસર આવવાનો હતો?' ગોખલેજી ગયા. લાલાજીએ કામ શરૂ કર્યું. વીસ નહિ પણ ચાલીસ હજાર રૂપિયા મેળવી આપ્યા. મહાયુદ્ધનાં વર્ષોમાં પોતે અમેરિકાની હદપારી ભોગવતા હતા. જન્મભૂમિને માટે ઝૂરતા હતા. પરંતુ મહાયુદ્ધ શમ્યા વગર એ ચક્રવાકને વિયોગની અંધારી રાત્રિનો અંત જડવાનો નહોતો. ડો. હાર્ડીકર અમેરિકાનાં સ્મરણોમાં લખે છેઃ ‘અમે એક જ મકાનમાં સાથે રહેતા હતા. હાથે જ રાંધતા, ધોતા ને વાસણ માંજતા, હું પોતે તો ગરીબ કુળમાં જન્મેલો અને શરૂઆતથી જ ભિખારી, એટલે આ વિંટબનાઓની હું તો કશી પરવા નહોતો કરતો. પરંતુ લાલાજીની શારીરિક તેમ જ માનસિક કાળી યાતનાઓ મારાથી દીઠી જતી નહોતી. મેં મારા ભાઈ પર પૂના પત્ર લખ્યો તેમાં અમારી દિનચર્યાનું વર્ણન આપ્યું અને લાલાજીના પરિતાપોનું ચિત્ર આંક્યું. બન્યું એવું કે મારા ભાઈ એ પત્ર લોકમાન્ય તિલકની પાસે લઈ ગયા. લોકમાન્ય એ આખો અહેવાલ શાંતિથી વાંચી ગયા, દિલગીર થયા, અને તાબડતોબ એમણે મીસીસ ઍની બેસન્ટની મારફત પાંચ હજાર ડોલર લાલાજીને પહોંચાડવાની ગોઠવણ કરી. જ્યારે અમને આ રકમ પહોંચી ત્યારે લાલાજીનું અંતર લોકમાન્ય પ્રતિ આભારભીનું બન્યું અને એણે કહ્યું ‘ હાર્ડીકર, બચ્ચા, પરદેશી પ્રચારકાર્યની સાચી કિંમત સમજનાર આ એક જ પુરુષ હિંદમાં છે. એ એક વિરાટ પુરુષ છે. એ એક જ સાચો નેતા છે. તું જ્યારે હિન્દમાં જા, ત્યારે એની જોડે થોડા માસ રહીને તાલીમ લીધા પછી જ મારી સાથે જોડાજે હો!' આખા પ્રસંગમાં લાલાજીની અન્ય દેશભક્તો પ્રતિની નિરભિમાન મન મોટપ જ બોલી રહી છે. ડો. હાર્ડીકર સ્પષ્ટ કરે છે કે ‘આ આખી જ રકમને તુરત જ પ્રચારકાર્ય ખાતે જમા પાડવાનું મને કહી દેવામાં આવ્યું. લાલાજીએ પોતે પોતાના અંગત ઉપયોગ માટે એમાંથી એક પાઈ સુદ્ધાં ખરચી નથી.'

એવે પંજાબમાં લશ્કરી કાયદાએ લોકોનું લોહી વહેવરાવ્યું : જલિયનવાલા બાગમાં નિરપરાધી નરનારીઓનાં શબો વેરાયાં. આ સમાચાર અમેરિકામાં વંચાયા. લાલાજી નાના બાળકની માફક રડવા લાગ્યા. એણે હિન્દ જવાનો પરવાનો મેળવવા ઘણાં ઘણાં માથાં પટક્યાં. પણ પરવાનો ન જ અપાયો. પછી એણે પંજાબીઓને નીચે લખ્યો પ્રકટ સંદેશો મોકલ્યો : ‘વ્હાલા દોસ્તો, ‘પંજાબના હવાલ પર આ ક્ષણે મારા હૃદયમાં શું શું થઈ રહ્યું છે તે હું તમને શી રીતે સમજાવું? મારી જબાને તાળાં છે પણ મારૂ હૃદય છલછલી રહ્યું છે. અરે, જીવનના સર્વસ્વથી વધુ પ્યારી એ ભૂમિ પર ઉડીને આવવાની મને પાંખો હોત! તમારી પાસે પહોંચવા માટે મેં બધું અજમાવી જોયું, પણ હું નિષ્ફળ પડ્યો છું. મારે શહીદ બનવાનો લોભ નહોતો, ફકત તમને ખપ લાગવાની ઝંખના હતી. ‘પ્રથમ પહેલું તમારી પાસેથી આટલું માગુ છું કે, તમારે માટે સહનાર નેતાઓની પડખે – એ હરકિસન લાલ, દુનીચંદ, રામભજ દત્ત, સત્યપાલ, કીચ્લુ, (વગેરે વગેરે)ની પડખે, જાતિ, ધર્મ કે પક્ષના ભેદ રાખ્યા વિના તમે ઊભા રહેજો! તમે જાણો છો કે ભૂતકાળમાં મારે એ સહુની સાથે તેઓની નીતિ, કાર્યપદ્ધતિ તેમજ વર્તણુંક પરત્વે મતભેદ હતો. પરંતુ અત્યારે તો હું ફક્ત આટલું જ યાદ રાખવા માગું છું કે તે બધા પંજાબ સરકારની દમન-નીતિના ભક્ષ બન્યા છે અને દેશપ્રેમ તેઓનો ગુનો ઠર્યો છે. એ રીતે તો તેઓ મને વહાલા છે અને તેઓની જખ્મી દેશભક્તિને હું વંદના દઉં છું. તેઓની તમામ અંગત નબળાઈઓને, તમામ દૂષણોને હું ભૂલી ગયો છું. અત્યારે તો તેઓનાં દુ:ખો, એજ એક વિચારની વસ્તુ છે. અત્યારથી તો હું તેઓને પૂજ્યા કરીશ. ‘જાહેર જીવનના વિરોધીઓને સ્વદેશ માટે સહન કરતા દેખી વિરોધનું ઝેર નીતારી નાખવું અને પ્રેમની ધારાઓ વહેતી મૂકવી, એવી દિલાવરી બહુ થોડાને વરી છે. લાલાજીનું દરિયાવ દિલ એનાં દાનપૂન્ય અને બલિદાનો કરતાં સવિશેષ આ દ્દષ્ટાંતોમાં પ્રકટ થાય છે. એના પંજાબી બંધુ લાલા ગોકલચંદ સાચું જ લખે છે કે ‘લાલા લાજપતરાયનું હૃદય મીણ અને વજ્રની વિલક્ષણ મિલાવટથી બન્યું હતું. પારકાનું જરા જેટલું દુઃખ દેખતાં જ એ હૃદય પીગળવા લાગતું જ્યારે ખુદ પોતાના ઉપર આવી પડતી ચાહે તેવી હાડમારીનો સામનો એ ટટ્ટાર છાતીથી કરી શકતા.'

‘જોયા આ અસહકારી લાલા! આંહીં પારકાં છોકરાંને નિશાળો છોડાવીને જતિ કરી મૂકવા તૈયાર થાય છે, અને પોતાનો પૂતર તો લહોરથી અમેરિકામાં બેઠો બેઠો ભણે છે!' અસહકારના પૂર અાંદોલન વખતે, જ્યારે સરકારી અદાલતો, નિશાળો અને નોકરીઓનો ત્યાગ થઈ રહ્યો હતો, ત્યારે કોઈએ છાપામાં આવો ટોણો માર્યો, અમેરિકામાં કેળવણી લેતો પુત્ર અને હિન્દુસ્તાનની સરકારી શાળાનો બહિષ્કાર, એ બે વચ્ચે જરા જેટલી પણ લેવાદેવા નહોતી. મેણું મારનાર કોઈ બિનજવાબદાર ગમાર હશે અથવા વિરોધી દળોનો ટીકાકાર હશે. ગમે તે હો, પણ લાલાજીથી એ કટાક્ષ ન સહેવાયો. એણે પોતાની સચ્ચાઈ પર સંંદેહ ઊતરતો દીઠો. તુરત જ એણે પોતાના પુત્ર અમૃતરાયને અમેરિકાથી પાછો બોલાવી લીધો.

દેશબંધુનું અવસાન થયા પછી લાલાજીનું દિલ સ્વરાજ-દળમાંથી ઉચક થઈ ગયું. પોતાના નેતા પંડિત મોતીલાલજીના કેટલાએક દાવપેચ એને ન રૂચ્યા. બીજી બાજુ એણે હિન્દુ જાતિ પર મુસલમાન કોમનું વિઘાતક આક્રમણ વધતું દીઠું. સાચી અથવા ખોટી રીતે એને ભાસ્યું કે કમજોર પડેલી મહાન હિન્દુ જાતિ જ્યાં સુધી કમજોર જ રહેશે ત્યાં સુધી આખા હિન્દની મુક્તિને એ રુંધી રાખશે. એણે માલવિયાજીની સાથે ભળી હિન્દુ મહાસભા સ્થાપી, અને જયકર, મુંજે વગેરેની સાથે મળી નવું રાજદ્વારી દળ-રિસ્પોન્સીવીસ્ટ પાર્ટી-ખડું કર્યું. સ્વરાજ પક્ષની સામે મોરચા માંડ્યા. ૧૯૨૬ ની વરણીમાં પં. મોતીલાલની વિરૂદ્ધ પોતે ઊભા રહ્યા. બન્ને આગેવાનો વચ્ચે સિદ્ધાંતભેદ અને મતભેદનું મહાયુદ્ધ મંડાઈ ગયું. ઉતાવળીઆ સ્વભાવના ઊર્મિલ લાલાજીએ પોતે જેને સાચ માન્યું તેના પક્ષે ખડા રહી પંડિત મોતીલાલની ઝડ ઉખેડવા ઝુંબેશ આદરી. પંડિતના પક્ષને પંજાબમાં ટકવા ન દીધો. સત્યપાલ ને દુનીચંદ સરખા પોતાના ગઈ કાલના દૂધભાઈએાનો પણ વિરોધ વહોર્યો. અને ૧૯૨૮ ના સપ્ટેમ્બર માસમાં શું બને છે! લાલા ગિરધારીલાલના શબ્દોમાં જ કહેવા જેવી એ કથા છે:– ધારાસભાની બેઠકમાં હાજરી આપવા હું સીમલા જતો હતો. કાલકા સ્ટેશનેથી લાલાજી પણ મારા ડબામાં ચડ્યા. ચડતાંની વાર પહેલવહેલા જ શબ્દો એમના મોંમાંથી આ નીકળ્યા : ‘તેં નેહરૂ રીપોર્ટ વાંચ્યો? એ તો મહાન વિજયનું કામ થઈ ગયું છે.' મેં કહ્યું, ‘ના હજી નથી વાંચ્યો.' લાલાજી હર્ષભેર બોલ્યા, ‘આહા! એ ડોસા મોતીલાલજીએ તો હિન્દને બચાવી લીધું. હું તો એના ઉપર આફરીન છું. મેં તો એને તુરત જ મારા અભિનંદનનો તાર કરી દીધો છે?' મેં કહ્યું, ‘લાલાજી, આપને આટલા સુખમય મિજાજમાં નિહાળીને મને અનહદ આનંદ થાય છે.' હું વાક્ય પૂરું કરું ત્યાં તો એ ઉતાવળે બોલી ઊઠ્યા, આહાહા! તું આવું બોલે છે કારણ કે તેં હજુ રીપોર્ટ વાંચ્યો નથી! સીમલા પહોંચીને તુરત જ હું તને મારી પાસેની પ્રત આપી દઈશ અને ત્યારે જ તું મારા કહેવાનું તાત્પર્ય સમજી શકીશ. હું કહું છું કે તારા બંકડા પંડિત સિવાય કોઈની મગદૂર નથી કે આટલી હિંમત અને સ્પષ્ટતા દાખવી શકે. મુસ્લિમ પ્રશ્નના વિષમ ગુંચવાડાનો આવો વ્યવહારૂ અને ન્યાયસરનો ઉકેલ આણીને તો એણે મુસ્લિમોની ખાસ માગણીઓને ભોંઠી જ પાડી દીધી છે.' આટલું બોલતાં તો લાલાજીને નબળાઈ વરતાવા લાગી બરડામાં દુ:ખાવો થવા માંડ્યો. મારી પીઠ થાબડીને એમણે મારા ખભા પર શરીર ઢાળી દીધું. આરામ લેવા લાગ્યા વળી થોડીવારે જાગી જઈને મને કહેવા લાગ્યા, ‘શું હજુ યે તને મારા હર્ષથી અજાયબી થાય છે દોસ્ત?' કોણ જાણે નિદ્રામાં પણ એનો આત્મા આકૂલ હોય અને એ એક જ વિષયમાં એનું રટણ લાગી ગયું હોય! આ દૃશ્ય દેખીને એક તરફ મને હર્ષ થતો હતો, બીજી તરફ દિલગીરી થતી હતી. દિલગીરી એટલા માટે કે એ વળી નિદ્રાહીન બનશે અને પરિણામે એની ખળભળેલી તંદુરસ્તીને અધિક ધક્કો પહોંચાડશે. મેં વિનવ્યું કે, ‘લાલાજી, આપ સંપૂર્ણ આરામ લો!' એમની મહાનુભાવતાને છાજતો જ જવાબ મળ્યો ‘આરામ! આરામ હવે મારાથી શી રીતે લેવાય? તને ખબર છે ને, આ રીપોર્ટ એટલે મારે માટે ભગીરથ કાર્ય ઊભું થયું, હવે તો હું મોતીલાલજીની જ સેવામાં છું. મને એ જે ચીંધે તે મારે કરવાનું છે. મારી ચિંતા ન કર દોસ્ત! છેલ્લી ઘડી સુધી સંગ્રામ ખેડતાં મરવું તો મને પ્યારું છે : I would love to die in harness.' અને એ એમ જ મર્યા. એની મનકામના પરિપૂર્ણ થઈ. એના શબ્દો ભવિષ્ય-વાણી શા નીવડ્યા. એક બીજો પ્રસંગે: હું જોતો હતો કે એની કા લથડતી હતી. હું સમજતો હતો કે હવે દેશને લાલાજીની ખરી જરૂર પડશે. મારું હૃદય બળતું હતું. મેં પૂછ્યું કે ‘લાલજી, થોડાક આરામ પર ચાલ્યા જાઓને!' મારું અંતઃકરણ એણે ઉકેલી લીધું. મમતાથી મારો હાથ ઝાલી મને શાંતિપૂર્વક કહ્યું, ‘તું શીદને ચિંતા કરે છે બચ્ચા? તું મૃત્યુનો ડર રાખે છે? એ તો આપણ સહુને માટે મંડાયું છે. મને ખાત્રી છે કે મારો અંત હવે નજીક છે. મારી આશાઓ તમો-ખીલતાં પુષ્પો ઉપર અવલંબી છે. હવે તો તમારે જ યુદ્ધ ચલાવવું પડશે. મારું હૃદય તો હવે એકાએક ટાઢું પડી જાય છે. મને તો હવે કદી ન અનુભવેલો એવો થાક લાગ્યો છે. હવે તો હું ઘેર જઈશ. મને વળી પાછાં અંધારાં આવે છે.' ભાવીને વીંધી આરપાર જતી હોય તેવી દૃષ્ટિ ફેંકી, અશ્રુભીની આંખે, લાલાજીએ મારી સાથેની છેલ્લી વાતચીત ખતમ કરી; અને મારી ચિંતાતુર મનોદશામાંથી મને હચમચાવી નાખી, માયાભર્યા નમસ્કાર કરી, એ વ્હાલા ડોસા ચાલી નીકળ્યા. હાય! ફરી વાર એને નહોતું દેખાવું.