બે દેશ દીપક/જેલ–જાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જેલ–જાત્રા

સડસઠ વર્ષની ઉમ્મરે એક નૌજવાનને પણ શરમાવે એવા પરમ ઉલ્લાસથી સંન્યાસીએ જેલ–જાત્રા સ્વીકારી લીધી. કારાગૃહનાં નોતરાં તો એને માટે છેલ્લા ત્રણ વર્ષથી નીકળું નીકળું થતાં હતાં. અને સંન્યાસી એ મિજબાની માણવા માટે ઝૂરતા હતા પણ પ્રત્યેક વાર સરકાર એ નોતરું પાછું ખેંચી લેતી હતી. ‘બંદીઘર કે બિચિત્ર અનુભવ' નામના પોતાની કારાવાસ-કથાની અંદર પોતે જ લખે છે : ‘૧૯૧૯ની ૩૦ મી માર્ચના રોજ દિલ્હીમાં સરકારી ફોજે પ્રજા પર ગોળીઓ ચલાવી, તે દિવસથી બરાબર વીસ દિવસ સુધી હડતાલ પડાવનાર અને નગરીને ઉજ્જડ કરનાર હું જ હતો એમ ચીફ કમીશનર પોતે સમજતો હતો; એણે અન્ય અનેકને ‘સ્પેશ્યલ કોન્સ્ટેબલ' બનાવી અપમાન દીધું, પણ મને તો કોઈએ પૂછ્યું યે નહિ કે તું ક્યાં રહે છે. વારંવાર પ્રગટ થયું કે મારા નામનું વારંટ નીકળ્યું છે. અને ૧૦ મી એપ્રીલે જ્યારે મને કહેવામાં આવ્યું કે રાત્રિયે જ મને ગિરફતાર કરવાના છે, ત્યારથી હું મારા ઘરનાં, ઉપરનું તેમજ નીચેનું સીડીનું, બન્ને કમાડ રાત્રિભર ઉઘાડાં જ રાખવા લાગ્યો, કે જેથી પોલીસને મારા ઘરમાં પ્રવેશ કરતાં મુશ્કેલી ન પડે. એ દિવસેામાં હું એટલો થાકેલો હતો કે જેલમાં મને આરામ મળત. દોઢ-બે લાખ પ્રજાજનોને એ ઉશ્કેરાટની અંદર અહિંસાધર્મનું પાલન કરાવવું એ નાની સૂની વાત નહોતી. પરંતુ કોઈ યમદૂત મને એ વિશ્રામસ્થાને તેડી જવા ન આવ્યો– ન જ આવ્યો. ‘બીજી વાર મારી ગિરફતારીનો ગણગણાટ ઊઠ્યો. પંજાબના ગવર્નર એડવાયરને ખાત્રી થઈ ચુકી હતી કે પંજાબમાં બધી મદદ દિલ્હીથી જ જાય છે અને એ મોકલનાર હું જ છું. હું ‘માર્શલ લૉ ‘ના ભોગ થઈ પડેલાં કુટુંબોને લાહોર મદદ આપવા ગયેલો ત્યારે મને એક જૂના વખતનો ખાનગી હુકમ બતાવવામાં આવ્યો. એ લખનાર માઈકલ એડવાયર જ હતા. એણે લખ્યું હતું કે ‘શ્રદ્ધાનંદને અમૃતસર ન રોકતાં લાહોરમાં આવવા દેવો. ત્યાં એના હાથપગમાં બેડી પહેરાવી, બજારોમાં ફેરવીને બંદીખાને લઈ જવો, શહેરમાં મશીનગનો પણ ગોઠવી દેવી, બે હજાર હથિયારબંધ સૈનિકોને બજારમાં ખડા કરવા અને શ્રદ્ધાનંદને એવી રીતે અપમાનિત કરીને ફેરવવા કે લોકો કમ્પી ઊઠે.' ‘અફસોસ! આ ચિઠ્ઠી મારા હાથમાં બહુ જ મોડી આવી. હું એ દિવસેામાં લાહોર ન જઈ શકયો. અને એડવાયરની તેમજ મારી–બન્નેની દિલની દિલમાં જ રહી ગઈ.' ‘કહેવાય છે કે દિલ્હીના ચીફ કમીશ્નર પર મને પકડવા માટે વાઈસરોયનું અને વીલીઅમ વીન્સેન્ટનું દબાણ થયું, પણ ચીફ કમીશ્નરે જવાબ વાળેલો કે ‘શા મુદ્દા પર કેદ કરું? સરકારને બદનામીમાંથી બચાવનાર તો શ્રદ્ધાનંદ જ છે. અને છતાં જો એને પકડવો હોય તો દિલ્હીનો વહીવટ થોડા દિવસને માટે હિન્દી સરકારે જ હાથમાં લઈ લેવો!' ‘ત્રીજી વાર પકડવાની તૈયારી થઈ, દિલ્હીના નેતાઓ સીમલાની હવા ખાવા ગયેલા. એમાંથી એક રાવ બહાદુર, એક ખાનબહાદુર અને એક વકીલ, એ ત્રણેને બેલાવીને સી. આઈ. ડી. ના વડાએ પૂછ્યું કે ‘શ્રદ્ધાનંદને પકડવા વિષે આપનો શો મત છે?' ‘પકડાય તો શી અડચણ છે?' ત્રણેએ જવાબ દીધો. ‘તો આપ સહુ સરકારને સહાય કરશો?' ‘હા, હા!' ‘માથું હલાવીને ત્રણ મહાપુરુષો ઘેરે આવ્યા પછી સહુ માથાં ખંજવાળવા લાગ્યા. વકીલ બંધુ બોલ્યા કે ‘યાર, તમે બહુ જ ભૂલ કરી. સ્વામીને પકડવાથી લોકો છેડાઈ ઊઠશે તો ગજબ થશે હો! પછી એની જવાબદારી આપણા ઉપર આવશે. ચાલો પાછા જઈને ના કહી દઈએ.' ‘ત્રણે જણા પાછા ગયા. જઈને સાહેબને સંભળાવ્યું કે શ્રધ્ધાનંદને પકડવો હોય તો દિલ્હીમાં ન પકડજો. બહાર લઈ જઈને પકડજો, નહિ તો તોફાન જાગશે.' ‘સાહેબે કશો જવાબ ન દીધો. શરમીંદાં મેાં લઈને એ ત્રણે બહાદુરો પાછા ઘેરે સિધાવ્યા.' ‘ચોથી વાર : દિલ્હીની પોલીસે પ્રસિધ્ધ કર્યું કે મને બહાર નીકળવાનો હુકમ નથી. છતાં હું તો તુરત જ પંડિત મોતીલાલ નેહરૂના નિમંત્રણથી પ્રયાગ જવા ચાલ્યો. અલીગઢ સુધી સી. આઈ. ડી.એ મારો પીછો લીધો, પણ મને કોઈએ કેદ ન કર્યો. ‘પાંચમી વાર અમૃતસરની મહાસભા વખતે: અને છઠ્ઠી વાર મારી બ્રહ્મદેશની મુસાફરી વખતે : રંગુન પહોંચતાં જ સર રેજીનાલ્ડ ક્રેડોકે લોર્ડ ચેમ્સફર્ડ પાસેથી મને પકડવાની આજ્ઞા માગી. એ આખો પત્રવ્યવહાર જ કોઈ દૈવી પંખીડું મારા હાથમાં મૂકી ગયું. હું એક મહિનો બ્રહ્મદેશમાં ઘૂમ્યો, વ્યાખ્યાનો દીધાં. પચીસ પચીસ હજારની મેદની જામતી હતી. પણ મારા રહેવા દરમ્યાન બ્રહ્મદેશમાં એક પાંદડું પણ ન હલ્યું. ‘ત્યાર પછી અંગ્રેજ યુવરાજના દિલ્હી ખાતેના આગમન વખતે, હડતાલ પડાવવાનાં પ્રથમ વિજ્ઞપ્તિપત્રો હિન્દુ સભા તરફથી મેં જ ચોડ્યાં. અને પં. માલવિયાજીને પ્રકટ તાર પણ કર્યો કે એ ગોમાંસ ખાનાર યુવરાજને શું મોં લઈને હિન્દુ યુનિવર્સિટી પદવીદાન કરવા બોલાવી રહી છે! આમ છતાં પણ મને કોઈએ ન પકડ્યો.' આખરે એ ગિરફતારીનો સહુથી વધુ ઉજ્જવલ અવસર આવી પહોંચ્યો. અકાલીઓના યુદ્ધમાં પોતે અમૃતસર જઈને ઝંપલાવવાની ઘેાષણ કરી. ૧૯૨૨ના સપ્ટેમ્બરની ૧૧મીના રોજ સાડા પાંચ બજે એને પકડવામાં આવ્યા. અદાલતમાં એને ૧૧૭મી કલમ પ્રમાણે એક વર્ષની, તથા ૧૪૩ પ્રમાણે ચાર માસની સાદી કેદની સજા પડી. તે જ વખતે પોતે માજીસ્ટ્રેટને કહ્યું કે ‘સાહેબ, મેં પણ એક વર્ષની ભવિષ્યવાણી કરી હતી!' જેલ-જીવનનાં સંકટો તો સ્વામીએ પોતે જ એ પુસ્તકમાં વર્ણવી દીધાં છે. ચુંકારો પણ કર્યા વગર એણે તમામ વીતકોને વેઠી લીધાં. અને પંજાબ ગવર્નર સર એડવર્ડ મેકગ્લેગને જ્યારે જેલમાં સ્વામીની મુલાકાત લઈ પ્રશ્ન કર્યો કે are you comfortable here?-આપને અહીં ઠીક પડે છે ને?' ત્યારે સ્વામીજીએ જવાબ વાળ્યો હતો કે “I am comfortable everywhere-મને તો સર્વત્ર ઠીક જ પડે છે!' આખરે કારાવાસમાંથી છૂટતી વખતે એણે લખ્યું છે કે ‘જેલમાંથી નીકળતી વખતે મને સારું નહોતું લાગ્યું. સ્વતંત્રતા બહુ પ્રિય અવસ્થા છે, અને એની પુનઃપ્રાપ્તિથી આનંદ થવો જ જોઈતો હતો. સ્થૂળ દૃષ્ટિવાળાને માટે તો જેલમાં મનુષ્ય પરતંત્ર જ થઈ જતો જણાય છે. પરંતુ મેં જેલની એકાન્તમાં આત્મચિન્તનના આનંદને જ સ્વતંત્રતા સમજી લીધેલ. એને મુકાબલે તો બહાર આવ્યા પછી હું દેશસેવા અને ધર્મસેવાના પ્રેમીઓને અપ્રસન્ન કર્યા વિના સાચો સ્વતંત્ર નહિ રહી શકું. ખેર! આપણી અવસ્થાઓ આપણને સ્વાધીન ક્યાં છે!'