બે દેશ દીપક/દીકરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીકરો

‘રાધાકિસનજી! તમારે ઘેરે દીકરો આવ્યો. હું ફરીદપુરથી જોઈને ચાલી આવું છું.' ‘તું નજરે જોઈને આવે છે બહેન? મને કહે તો ખરી દીકરાનો ચહેરોમહોરો કેવો, સારો છે ને?' ‘અરેરે ભાઈ, રંગ કાળો અને ચહેરો બેડોળ છે. જાણે પંજાબનું બચ્ચુંજ નહિ તમારું એટલું દુર્ભાગ્ય છે. રાધાકિસનજી! હશે, જેવી પ્રભુની મરજી!' દિલ્હીનગરમાં પિતા રાધાકિસનજી શિક્ષકની પરીક્ષા માટે તૈયારી કરવા આવી રહેલા હતા, ત્યાં આવીને એક એળખીતી જાટ સ્ત્રીએ બાળ લાજપતનું આવું બયાન આપ્યું, સાંભળીને જુવાન પંજાબી પિતા અફસોસમાં પડી ગયા. કદરૂપ બાળકને માટે એને કંટાળો આવી ગયો. ઈ. સ. ૧૮૬૫ ના જાનેવારી માસની ૨૮ મી તારીખે, ફરીદપુર ગામડાના દુકાનદાર હુકમસિંહજીની એક ઝૂંપડીની અંદર જ્યારે પંજાબના નરશાર્દુલનો પ્રસવ થયો, ત્યારે ઉત્સવ થવાને બદલે સગા બાપના અંતરમાં પણ ગ્લાનિ ઉદ્દભવી ઉત્સવ તો નિર્માયો હતો એના મૃત્યુને માટે. ને મૃત્યુનો ઉત્સવ જ સાચો જીવન-ઉત્સવ છે. વાત્સલ્યધેલી ભોળી માતા એના ગ્રામ્ય સંસ્કારથી પ્રેરાઈને છાનીછાની જોષીને તેડાવતી, તેડાવીને લાજપતના જોષ જોવરાવતી, બાળકના હાથપગની અને લલાટની રેખાઓ તપાસીને જોષી મહારાજ કહેતા કે ‘માઈ! દેવી! તારો લાજપત કોઈ મહાપુરુષ થશે, મોટી મોટી મુસીબતો સામે મુકાબલો કરશે, લાખો દેશજનોનું કલ્યાણ કરશે, મોટો દાનેશ્વરી થશે. માતા! તું પરમ ભાગ્યવતી છે.' જોષીની આવી ભવિષ્યવાણી સાંભળીને માતા મરું મરું થતી. કાલીઘેલી ગામડિયણના અંતઃકરણમાં આ આગાહીનો પ્રત્યેક બોલ અંકાઈ ગયો હતો. વિશેષે કરીને ‘દીકરો મોટો દાનેશ્વરી થશે' એ વિચારથી તો હર્ષનાં અાંસુએ એની આંખો ભીંજાઈ જતી. લાજપત પોતેજ લખી ગએલ છે કે ‘મારી માતાને હસ્તે અમારો ઘરકારભાર એટલો વ્યવસ્થિત ચાલતો હતો કે જે દિવસોમાં પિતાજીને રૂા. ૫૦ ની માસિક આવક હતી, તે દિવસોમાં ન તો અમને તંગી વરતાઈ હતી, કે ન તો જે દિવસોમાં મારી આવક રૂા. એક હજારની હતી તે દિવસોમાં અમારે ઘેર અમીરાત દેખાએલી. એનું નિત્ય –જીવન મારે માટે પરમાર્થના પ્રત્યક્ષ પાઠ સમ બની ગયું. મારી જુવાનીમાં એ મારા જાહેરજીવન માટે મગરૂર હતી, અને સખાવત કરવામાં મને એ પ્રોત્સાહન આપતી. ઉપરાંત એ એટલી ગર્વિષ્ઠ હતી કે ઊંચા વા નીચા કોઈના તરફથી અપમાન થતું તે એ સાંખી શકતી જ નહોતી. કોઈની મહેરબાનીની ભીખ એ માગતી નહોતી. જલદ પ્રકૃતિની હતી. ઉતાવળીઆ સ્વભાવની હોવાથી ગુસ્સાને વખતે ઉગ્ર વાણી કાઢતી અને સામા ટોણા ચોડવા સદા તૈયાર જ રહેતી. મારું ઘણું ખરૂ અંગત ચારિત્ર્ય મારામાં એનામાંથી જ ઊતર્યું છે.' એજ માતાના ગુણ-પાનમાંથી લાજપતને હૃદયે આખી દુનિયાની સ્ત્રીજાતિ પ્રત્યેનું સન્માન સીંચાયું હતું. પ્રેમ અને પરોપકારે છલકતી પોતાની જનેતાનું મધુર વિશુધ્ધ દર્શન એને દુનિયાની તમામ ઊંચીનીચી કે શ્વેતશ્યામ સ્ત્રીમાં થઈ રહ્યું હતું. એટલે જ પેલી અમેરિકાવાસી મીસ મેયોના મલિન પુસ્તક ‘મધર ઈંડિયા'ના પ્રત્યુત્તરમાં પોતે રચેલા ‘અનહૅપી ઈન્ડિયા : દુઃખી હિન્દ' પુસ્તકમાં એમણે લખ્યું છે કે- ‘આ મારા પુસ્તકમાં યુરોપી સ્ત્રીઓની નીતિભ્રષ્ટતાનું ચર્ચાપ્રકરણ ઉપાડવાનો નિણર્ય કરવામાં મારી કેટલીયે રાત્રિઓ નિદ્રા વગરની ગઈ છે. કેમકે મીસ મેયોને પોતાની જાતિ પ્રતિ જેટલું માન દેખાય છે તે કરતાં મને હું પુરુષ છતાં વધુ માન છે. મારી એ સન્માનદૃષ્ટિને જાતિ, વર્ણ કે કોમના ભેદો નથી. હું માનું છું કે વિશ્વમાં ‘સ્ત્રી' જેટલું સુંદર અને પવિત્ર સર્જન બીજું એક પણ નથી. એનું માતૃત્વ-એની ગર્ભધારણ શક્તિ એને જગતની બીજી તમામ સૃષ્ટિથી ચડિયાતે દરજ્જે બેસાડે છે, અને એ કારણે જ હિંદમાં જનેતાપણું–માતૃત્વ આટલું મહદ્ સન્માન પામી રહેલ છે. પ્રાચીન હિન્દુઓએ સ્ત્રીને જુદેજુદે સ્વરૂપે પૂજેલી છે: શક્તિ (ચેતના). સરસ્વતી (વિદ્યા), લક્ષ્મી (ધન), અને દુર્ગા (માતૃત્વ) : એ બધી સ્ત્રી-દેવતાઓ જ છે. હિન્દમાં તો માતાને, પત્નીને, બહેનને, પ્રત્યેકને માટે અક્કેક અલાયદો ઉત્સવ નિમાયેલો છે. એટલે જ પોતાની પત્ની, પુત્રી અથવા માતા સિવાયની પ્રત્યેક પરાયી સ્ત્રીને હિન્દમાં ‘માતા' તરીકે સંબોધવામાં આવે છે, અજાણી સ્ત્રી સાથે વાત કરતી વેળા હિન્દુ હંમેશા ‘મા' અથવા ‘બહેન' કહીને, ઘણુંખરું તો ‘માઈ' કહીને જ બોલાવે છે.' ‘કોઈ પણ હિન્દી, સિવાય કે જેની નૈતિક ભાવના પરદેશી સરકારના ચાલુ જાસૂસી કામને લીધે છેક જ ભ્રષ્ટ થઈ ગઈ હોય, અથવા તો જેની સમતોલતા ગુસ્સાથી તદ્દન ગૂમ થઈ હોય-તે સિવાયનો કોઈ પણ હિન્દીજન સ્ત્રીજાતિનું અપમાન કરી શકે એવું અમે માનતા નથી. યુરોપીઅનો ચાહે તે બોલે, છતાં હિન્દીને સ્ત્રીજાતિ પ્રત્યે ઊંચું સન્માન છે. હિન્દને પોતાની ધર્મપત્ની પોતાના અંગ સમી છે, અને જગતની અન્ય તમામ સ્ત્રી એ ચાહે તે હો – એને મન ‘દેવી' સમાન, માતા અને બહેન સમાન અદબ કરવા લાયક છે. ‘પંજાબી' પત્રે ૧૯૦૭ની મેની ૮મીએ વ્યક્ત કરેલા આ વિચારો મારી પોતાની જ લાગણી રજૂ કરે છે.' પોતાના જીવનના અંતિમ દિવસોમાં, પોતાની અડસઠ વર્ષની ઉમ્મરે જ્યારે માતાની અને પોતાની વચ્ચે કાળનો મહાનદ ચાલીસ વર્ષોનું અંતર પાડીને વહેતો હતો, ત્યારે પણ લાજપતરાય મૃત્યુના એ મહોદધિને સામે પાર ચાલી ગયેલી માતાને નહોતા વિસારી શક્યા. કેમકે હિન્દની રીબાતી સ્ત્રીજાતિરૂપે માતાને એ જીવન્ત માનતા હતા. પોતે મિત્રોને કહેતા કે ‘હવે હું ઝાઝું જીવવાનો નથી. એટલે મારી છેલ્લી વારની સર્વોપરિ ઝંખના મારી માને નામે એક સ્ત્રીએાની ઈસ્પિતાલ બાંધવાની છે.' એમ કહીને એ બાબતની આખી રૂપરેખા પોતે તૈયાર કરેલી તે મિત્રોને બતાવતા હતા. છેલ્લી ઘડીએ પોતાનું વસિયતનામું કરીને પોતાની બાકીની બધી પૂંજી આ ‘સ્ત્રી બચ્ચાંની ક્ષયનિવારણ ઈસ્પિતાલ' માટે ટ્રસ્ટ કરીને આપી હતી, અને કાયમી ભંડોળ સ્થાપવા માટે પાંચ લાખનો સવાલ દેશ સમક્ષ નાખી, પોતે જ ભટકીભટકી મોટી રકમ ભીખી પણ આવેલ હતા. પિતાજી પ્રત્યેના પ્રેમે પણ પેલી ‘કાળા કદરૂપા બાલક માટેની ગ્લાનિનો ઠીક ખંગ વાળી દીધો! ત્રેવીસ વર્ષની વયે તો લાજપતે બાપુને નોકરીમાંથી નિવૃત્તિ લેવરાવી, પોતાના નાના ભાઈઓના અભ્યાસનો બધો બેાજ ઉપાડી લીધો, રાધાકિશનજી પોતે જ પાછળથી કહેતા કે ‘મેં પેન્શન લીધું ત્યારે લોકો મને રોકતા હતા, ડરાવતા હતા કે લાજપત ખર્ચ નહિ આપે તો? પણ હું તો લાજપતને એાળખું ખરોને! એ મારો દાનો દીકરો મને છેતરે જ નહિ.' પેન્શન પર ઊતર્યા પછી પિતાજીને નિવૃત્તિ ન ફાવી. દુકાન માંડવાનું દિલ થયું તુરત લાજપતે ૧૦-૧૨ હજાર રૂપિયા પિતાજીને વેપાર માટે દીધા અને જગ્રામમાં હાટ ખોલાવી દીધું. પિતાને નામે જગ્રામમાં “રાધાકિશન હાઈસ્કુલ”ની સ્થાપના કરી. હિન્દની કેળવણીના કોયડાઓ પર પોતે એક પુસ્તક લખ્યું છે, એ પુસ્તકની પ્રસ્તાવનામાં પોતે ઊર્મિભેર પિતાજી વિષેની મગરૂબી પ્રગટ કરે છે : ‘આ વિષય ઉપર લખવાનો મારો અધિકાર એ છે કે હું એક શિક્ષકનો પુત્ર હોવાનું ગૌરવ ધરાવું છું. ગઈ સદીની સાઠીની અંદર અંગ્રેજ સરકારે જે પહેલી શિક્ષક-ટુકડીને તાલીમ આપી હતી, તેમાં મારા પિતા પહેલવહેલા હતા. મારા પિતા પહેલા વર્ગમાં આવેલા, અને કેટલાક વિષયમાં તો એને ઊંચામાં ઊંચા દોકડા અપાયેલા. મારું પહેલું શિક્ષણ મને એમની પાસેથી મળ્યું છે. હું મીડલ સ્કુલમાંથી લાહોર હાઈસ્કુલમાં ગયો ત્યાં સુધીના અંગ્રેજી સિવાયના તમામ વિષયો હું એમની પાસેથી જ શીખ્યો હતો. શિક્ષણની અંદરનો મારો રસ એમને જ આભારી છે. મારી જીંદગીમાં હું ઘણા શિક્ષકોને મળ્યો છું, પણ એમના કરતાં કોઈ અચ્છો શિક્ષક મેં દીઠો નથી. એ વિદ્યાર્થીઓ સાથે ભાઈની રીતે વર્તતા અને તેઓના સહવાસમાં આનંદ પામતા. એણે પોતાનામાં જે કાંઈ શ્રેષ્ઠ જ્ઞાન હતું તે પોતાના વિદ્યાર્થીઓને અર્પી દીધું હતું : દેતા હોય તેવા ભાવથી નહિ, પણ સહકારની–પરસ્પર વિનિમયની લાગણીથી, જ્યાં જ્યાં એ ગયા ત્યાં ત્યાં એ વિદ્યાર્થીઓની સ્નેહમૂર્તિ સમા હતા. પોતે શિખવતા તે વિષય પર વિઘાર્થીને બુદ્ધિપૂર્વકનો તલસ્પર્શ દેખે ત્યાં સુધી વિદ્યાર્થી કેટલું યાદ રાખી શકે છે તેની એમણે કદી ખેવના કરી નથી. એમણે કદી શીખવ્યું નથી, માત્ર સહુને પોતાની રીતે શીખવામાં સહાય જ કરી છે. આ બધું એમને માટે સહજ હતું, કેમકે અંગ્રેજી ભાષાનો એક શબ્દ પણ પોતે ન જાણતા હોવાથી, શિક્ષણનું શાસ્ત્ર કે શિક્ષણની કલા-બેમાંથી કશું યે બનાવટી ભણતર પોતે ભણ્યા નહોતા.' આવા પિતા પ્રત્યેનો સ્નેહ લાલાજીની ૧૯૦૭ની પહેલી જેલજાત્રા વખતે કેવું વીરોચિત-સ્વરૂપ ધારણ કરી શક્યો હતો તે એમના બીજા પુસ્તક (મારી હદપારીની કથા)માંથી જડી આવે છે : ઈ. સ. ૧૯૦૭ના મે મહિનાની ૯મી તારીખ, એટલે લાજપતરાયની બેતાલીસ વર્ષની ઉમ્મર : એટલે પિતાનો પૂરેપૂરો બુઢાપો અને માતાનો વિદેહ : પોતાની પૈસેટકે છલોછલ જાહોજલાલી અને બહોળું કુટુંબ : લખે છે કે ‘મારે મારા પિતાને આ વિપત્તિ માટે તૈયાર કરવાના હતા. મારી પત્ની, મારી તાજેતર રંડાયેલી પુત્રી અને મારો સહુથી નાનો દીકરો: એ ત્રણે તો લુધીઆને મોસાળમાં ગયાં હતાં, એટલે મને સંતોષ હતો કે મારી ગિરફ્તારીને સમયે કૌટુંબિક પ્રેમનું કશું નાટક નહિ ભજવાય. પરંતુ સહુથી વધુ વ્યથા મને મારા બુઢ્ઢા બાપુની હતી. મારું આખું જીવન મારા પ્રિતૃપ્રેમ તથા દેશપ્રત્યેના કર્તવ્યની લાગણી વચ્ચેના સતત સંગ્રામ સમું બની ગયું હતું. વારંવાર એમને ન રૂચે તેવાં, એમની મંજૂરી વિરૂદ્ધનાં જાહેર કાર્યો કરીકરીને મેં એમને નારાજ કર્યા હતા. તેમ છતાં યે એમની નારાજી મારી સાથે છુટા પડી જવા જેટલી હદે હજુ સુધી કદી પણ નહોતી ગઈ. ક્વચિત ક્વચિતની ઘડીભરની નારાજી અને નાપસંદગી છતાં પણ એ હમેશાં મારા રક્ષા–દેવ જ હતા, મારા આરોગ્યની ચિંતામાં ને ચિંતામાં એના વાળ અકાળે ધોળા બની ગયા હતા. મારી બિમારીમાં જે વખતે ઘરનાં બીજાં સર્વે એ મારી આશા છોડી દીધી હતી, તે વખતે પોતાની વૃદ્ધાવસ્થા છતાં પણ, મહિનાઓના મહિના સુધી, એક ઘડી પણ મારી પથારીથી અળગા થયા સિવાય એ પિતાએ મારી સારવાર કરી હતી, મારા પરનું આ આવેશભર્યું વાત્સલ્ય જ એની જીવનદોરી સમાન હતું, અને એ વાત્સલ્યે જ મારા પર મુખ્ય સંયમ જમાવીને, મને કુટુંબ-સ્નેહનાં બંધનો તોડી નાખી ત્યાગજીવનમાં જતો અટકાવી રાખ્યેા હતો. મારા હૃદયને આધ્યાત્મિક વલણ આપનાર પણ એમના જ ઉચ્ચ ચારિત્ર્યની તેમજ નીતિમય જીવનની અસર હતી. હું જુવાન બન્યો ત્યારથી હમેશાં મારી મુખ્ય કાળજી એમની નારાજીના પ્રસંગો ન આવવા દેવાની જ રહેતી, અને મારા જાહેર જીવન સિવાયનાં ઘર તેમજ બહારનાં દરેક કામમાં એમની ઈચ્છા એજ મારે તથા મારા સ્વજનોને માટે કાયદો હતો. એટલા માટે જ મારા પર જે કશી આફત આવે તે અંતરમાં દુઃખ ન ધરવા માટે મેં એમને તૈયાર કર્યા. કાગળ લખ્યો.'

‘જ્યારે હું દેશવટેથી છ મહિને પાછો વળ્યો, ત્યારે મેં સાંભળ્યું કે એમના શિર પરની આ મોટામાં મોટી આફત દરમ્યાન એમણે મક્કમ, મર્દને શોભતું અને ગર્વમય વલણ ધારણ કરી રાખ્યું હતું, એમની મર્દાનગીને ન છાજે અને મારા કાર્યની વિશુધ્ધિ પરના મારા વિશ્વાસને હીણપ લગાડે એવું કોઈ પણ પગલું ભરવાનો એમણે પલવાર પણ વિચાર કરેલો ન હતો. આ સાંભળીને મારા આનંદને પાર ન રહ્યો. એ મને પત્ર લખતા તે ઘણા ટુંકા હતા, છતાં પોતે પોતાનાં દુઃખો કેવી ધીરજથી સહન કરતા કરતા મર્દની રીતે મારાં બાળબચ્ચાંની રક્ષા કરી રહ્યા છે, એટલું સમજી જવા માટે તે એ ટૂંકા પત્રમાં પૂરતું લખાણ હતું. પરંતુ એમણે તો તે ઉપરાંત મારા બચાવ માટે પોતાની કસેલી કલમ ઉઠાવી હતી અને એ કલમ વડે એ કાળા કામ કરનારા મારા દેશબન્ધુઓની કુટિલ પેરવીને ધૂળ મેળવી રહ્યા હતા, એની તો મને ખબર પણ શી રીતે હોય! હું પાછો આવ્યો ત્યારે જ મને શરમ માથે માલૂમ પડ્યું કે એક હિન્દી ડેપ્યુટી કમીશ્નરે, કેમ જાણે મારો બુઢ્ઢો પિતા મારા રાજદ્વારી વિચારો બદલ અને મારી હીલચાલ બદલ કોઈ રીતે જવાબદાર હોયની, એ રીતે એ વૃદ્ધની હીલચાલ પર ગેરકાયદેસર રીતે સતત છૂપી ચોકી રાખવાનું હીચકારું કૃત્ય પોતાની નોકરીને અંગે આવશ્યક ગણ્યું હતું. તેમ છતાં એ ડોસા ક્ષણ માત્ર પણ ડગમગ્યા નહોતા, એણે મારી નિર્દોષતા પર ઘડીભર પણ વિશ્વાસ ખોયો નહોતો, અથવા તો પોતાના પ્રત્યે અદ્વતીય પિતૃપ્રેમ ધરાવનાર બેટાની ગેરહાજરી થકી અંતરમાં વલોવાતી વેદનાને વશ બની કદી પણ નિરાશાને નોતરી નહોતી.