બે દેશ દીપક/બાલ્યાવસ્થા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાલ્યાવસ્થા

૨મવું, કૂદવું, પોલિસોના હાથે લાડમાં ઊછરવું, અને બરેલી ગામમાં સંસ્કૃત ભાષાનું કશું શિક્ષણ જ ન હોવાથી મૌલવીના મુખના ઉર્દૂ સબક (પાઠ) શીખવા, એજ મારા શૈશવનાં કામ હતાં. એમ કરતાં પિતાજીની બદલી કાશીમાં થઈ. એમને બહારગામ ભટકવાનું હતું, અને મકાન મોટું તેથી માતાએ એક પંજાબી કુટુંબને વગર ભાડે એમાં ઘર કાઢી રહેવા આપેલું. અમારા પાડોશીનાં પત્નીનું નામ નિહાલદેવી. એ દેવીએ કાશીમાં આવીને ‘આભડછેટ'ની નવી દીક્ષા લીધેલી એટલે અમારો તો એણે જીવ જ કાઢી નાખ્યો. માહ મહિનાનો કડકડતો શિયાળો ચાલે, અને એમાં અમને હુકમ થયો હતો કે તદ્દન નગ્ન બનીને ઝાડે જવું, પછી નહાઈને જ ધોતલી પહેરવી! જો પગ લગાર મોરીમાં પડી જાય તો ફટ નહાવાની આજ્ઞા! જો હાલતાં ચાલતાં ક્યાંયે છાંટો પડી ગયો તો કપડાં ધોઈ નાખવાનો નાદિરશાહી હુકમ! એક દિવસ સાંજે રમતાં રમતાં મારો પગ એક ભઠ્ઠીના ઠીકરાને અડકી ગયો ત્યાં તો કમબખ્તી બેસી ગઈ. નિહાલદેવીએ બૂમાબૂમ કરી મૂકી કે છોવાઈ ગયો! છોવાઈ ગયો! નવરાવી નાખો! નવરાવી નાખો! માતાજી તો કોઈ મોટી આફત પડી સમજીને દોડ્યાં આવ્યાં. જુવે ત્યાં તો વાતમાં કાંઈ સાર ન મળે, વળતે દિવસે માતાજીએ આ મરજાદણ દેવીને હાથ જોડી કહ્યું, ‘બીજું ઘર શોધી લો!' એક દિવસ પિતાજી કંઈક તુમાર લખતા હતા. મેં ધીંગામસ્તી મચાવી. પિતાજીએ હાકલ દીધી, ધમકાવ્યો. મને તો બહુ જ માઠું લાગ્યું. દાદરનું દોરડું લટકતું દેખ્યું. બસ! દોરડું ગળામાં નાખીને મેં તો દમ દીધો કે ‘હમણાં ગળાટૂંપો ખાઉં છું!' પિતાજીએ આવીને એક થપ્પડ ચોડી દીધી. જીંદગીમાં તે દિવસ પહેલી જ વાર મને લાડકવાયાને માર પડ્યો. રોઈ રોઈને ગળું બેસી ગયું. માતાએ આવીને ગોદમાં લીધો. અત્યાર સુધી તો હું નુગરો જ રહીને ભણ્યો હતો મૌલવી સાહેબ મોટા ભાઈને ગોખાવે, એ બધું હું સાંભળીને જ મોંયે કરી લઉં; પંજાબી સ્ત્રીઓ ‘કાશી મહાત્તમ' કહે ત્યાં એ મારે કંઠે રહી જાય, પિતાજી સ્તોત્રો બોલે તે પણ જીભને ટેરવે રહી જાય; પરંતુ હવે તો મને યજ્ઞોપવિત (જનોઈ) દેવાનું નાટક ભજવાયું. ગુરૂકુલેાની પ્રથા તો હજારો વર્ષથી બંધ હતી, પણ યજ્ઞોપવિત પહેરાવવામાં આવે. વેદારંભની વિધિ થઈ જાય એટલે બ્રહ્મચારી કૌપીન અને દંડ ધારણ કરીને ભિક્ષા લઈ કાશી ભણવા જવાની તૈયારી કરે! તે વખતે બહેનની જરૂર પડે, નવા બ્રહ્મચારી બહાદુર જ્યારે કહે છે કે ‘હું તો કાશીએ ભણવા જઈશ' ત્યારે બહેન બાવડું ઝાલીને સમજાવે, ‘ના ભાઈ, તને આંહીં જ ભણાવશું,' એટલે ભાઈ પાછો વળે, અને તેજ દિવસે એના સમાવર્તનની વિધિ પણ પતાવી દેવાય, આ નાટક મારે પણ ભજવવું પડ્યું. સગી બહેન નહોતી એટલે ‘ધર્મની બહેન' બનાવી કાઢી! કાશીમાં તો રહેતા જ હતા તેથી ‘કાશ્મીર ભણવા જાઉં છું' એમ મારે મુખેથી બોલાવ્યું. બહેન મને પાછી વાળી આવી. અને બાપુએ તુરત એક પંડિત રાખીને મને દેવનાગરી અક્ષરોનો અભ્યાસ મંડાવી દીધો, પણ પંડિતજી બિચારા અમને અંકૂશમાં ન રાખી શક્યા. દરમિયાન પિતાજીએ રાતની રોન ફરતાં ફરતાં કોઈ એક વિદ્યાર્થીને ખીંતી સાથે ચોટલી બાંધીને વાંચતો દેખ્યો હતો. પૂછતાં વિદ્યાર્થીએ એવું કહ્યું કે ‘જ્યારે વાંચતાં વાંચતાં ઝોલું આવી જાય છે ત્યારે ચોટલીને આંચકો લાગવાથી પાછું જાગી શકાય છે!' પિતાજીને લાગ્યું કે વાહ! કેવો ઉદ્યમી વિદ્યાર્થી! એમ સમજીને અમને પણ હિન્દી પાઠશાળામાં ભણવા બેસાર્યા, પાઠશાળાના પાઠ તો હું પાઠશાળામાં જ પાકા કરી લેતો અને ઘેર આવી પિતાજીનું તુલસીકૃત રામાયણ વાંચવા બેસતો.