બે દેશ દીપક/વીરોનો પણ વીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વીરોનો પણ વીર

ઈ. સ. ૧૯૦૭ નો મે મહિનો ચાલતો હતો. દમનદોર ચારે દિશામાં દેશને ચગદતો હતો. અને એ ઘર્ષણમાંથી અસંતોષનો અગ્નિ ફાટતો હતો; બંગાળામાં બંગભંગની સામે બિપીનચંદ્ર પાલે અાંદોલન મચાવ્યું અને બંગ-યુવકોએ હથેળીમાં લઈ આત્મસમર્પણની તૈયારી કરી. મહારાષ્ટ્રમાં લો. મા. તિલક જ્વાલા ચેતાવી રહ્યા હતા અને પંજાબમાં ત્યાંની સરકાર જમીન પરનો કર વધારી જાટ કૃષિકારોની કમબખ્તીનો એક ખરડો ઘડતી હતી તેની સામે લાલાજી અને જાટ કોમના નેતા સરદાર અજીતસિંહની જોડલીએ જાહેર મતનો બળવો જગાવવા ઝુમ્બેશ માંડી. લાલાજી તો એના બનારસ મહાસભાના વ્યાખ્યાન પછીથી સરકારપક્ષનાં છાપાંઓએ ‘બળવાખોર' શબ્દે ડામી દીધા હતા. એના ઉપર લશ્કરમાં વિદ્રોહ જગાવવાના નિર્મૂલ આક્ષેપો પણ થઈ રહ્યા હતા. સરકાર ચોગમ વિપ્લવના ઓળા દેખતી હતી. એવે વખતે લયલાપૂરમાં જાટોની મેદની મળી. અંગ્રેજ સૈન્યને ઉત્તમોત્તમ સિપાહીઓ જે કોમમાંથી મળતા હતા તે જ આ જાટ કોમની સામે લાલાજીએ જોશીલું ભાષણ કર્યું અને સરકારે સમય વર્તી લીધો. રાવલપીંડીના જે પાંચ નેતાઓને કારાગૃહમાં પૂરવામાં આવ્યા, એ પાંચેને માટે જામીન મેળવવા, ઉશ્કેરાએલા પ્રજાસાગરને શાંત પાડવા, અને જરૂર પડે તો જેલમાં મિત્રોને સાથ કરવા લાજપતરાય યત્નશીલ હતા. સરકારને એક તક સાંપડી. એક મિત્રે કહ્યું, ‘લાજપતરાય, તમારા લયલાપુર ખાતેના ભાષણમાંથી ‘રાજદ્રોહ'નું ટીપું નીચેાવવા માટે જમીન આસમાન એક થઈ રહ્યાં છે.' બીજાએ કહ્યું “કુકા, લોકોના આગેવાન ભાઈ રામસીંગના જેવી તમારી પણ વલે કરવાની ગોઠવણ ચાલી રહી છે.' [ભાઈ રામસીંગ શીખોના એક ધાર્મિક સંપ્રદાયનો નેતા હતો. ૧૮૭૨ માં એને ૧૮૧૮ ના કાયદા નં. ૩ ની રૂઈએ, મુકર્દમો ચલાવ્યા વગર બ્રહ્મદેશ કાળા પાણીએ ઉપાડી જવામાં આવ્યો હતો ત્યાં એ તુરત જ મરણ પામ્યો હતો.] ત્રીજા મિત્રે સલાહ આપી કે ‘ચાલો લાહોરમાંથી નીકળી જઈએ. વાદળું પસાર થઈ જવા દઈએ.' લાલાજીએ જવાબ આપ્યોઃ ‘નહિ, નહિં; એ કાયદાની ચુંગાલમાં આવવા જેવું એક પણ કામ મેં કર્યું નથી. કાયદેસર મને સરકારની આંગળી અડકી શકે જ નહિ. મને કશો ભય નથી. મારા મગજમાં તો એક જ વિચાર ઘૂમે છે કે રાવલપીંડીવાળા પાંચ મિત્રોને માટે હું કાંઈક કરી છૂટું. અત્યારે એ પાંચ જણા બંદીખાનામાં છે ને હું ઘરમાં સુખે નિદ્રા કરું છું, એ વિચાર મને જંપવા દેતો નથી. હું રાવલપીંડી જઈને જેમ બને તેમ તેઓની નિકટમાં રહું તો ઠીક.' લાલાજી જ્યાં આ વિચાર કરે છે ત્યાં એમને ખબર મળ્યા કે એ પાંચે જણાના સ્નેહી–સંબંધીઓ ઈચ્છે છે કે લાજપતરાય દૂર જ રહે તો ઠીક. તેઓનું માનવું છે કે પાંચ જણ પર પડેલી આ આફત લાલાજીની જ રાવલપીંડી ખાતેની હાજરીને આભારી છે અને તેઓ લાલાજી સાથેનો સંબંધ તજી દેવા ઈચ્છે છે. લાજપતરાયે આ માગણીને શિર પર ચડાવી. પરંતુ એનું હૃદય રહેતું નહોતું. એણે પાંચ પરહેજ થયેલાઓને કારાગૃહમાં સંદેશો પહોંચાડ્યો કે ‘મારી જરૂર પડે ત્યારે તૈયાર જ ઊભો છું. અત્યારે તો નથી આવતો, કેમકે મને ના પાડવામાં આવી છે.' પોતાના પર ઘેરાતાં વાદળાંની વાતો વધવા લાગી. ૧૮૧૮નો કાળો કાયદો ઉઘાડીને વાંચી જોયો: માથું ધુણાવ્યું: ના, ના, આમાં વર્ણવેલું કૃત્ય મેં કદિ કર્યું જ નથી, મને પકડે જ નહિ. હું એવો કયો મોટો માણસ! છતાં અફવાઓ વધવા લાગી. કદાચ ગામતરૂ કરવું પડશે એવું માનીને લાલાજીએ તૈયારી કરવા માંડી. અને શી શી તેયારી કરી? ૧. પત્ની તો બહાદુર છે. એ નહિ મુંઝાય. એ તો બચ્ચાંને હિમ્મતથી ઉછેરશે. એની મને ચિંતા નથી. ૨. પિતાજીનો પ્રેમ અપરંપાર છે: એ ડોસો ઝૂરીઝૂરીને મરશે! માટે એના પર હિમ્મત દેનારો પત્ર લખી કાઢું: