બે હજાર ચોવીસ સમક્ષ/અનુ-આધુનિક વાર્તામાં ગ્રામચેતના – નીતિન પટેલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સંશોધન

‘અનુઆધુનિક ટૂંકીવાર્તાઓમાં ગ્રામચેતના’ : નીતિન પટેલ

પ્રવીણ કુકડિયા

મૂળ હેતુને ચાતરી જતો સંશોધન-વ્યાયામ

આપણે ત્યાં સંશોધકને, સંશોધન કરવા માટે આર્થિક સહાય, સંદર્ભસામગ્રી મેળવવા બાબત અનેક પ્રકારની સગવડ પહેલાં કરતાં વધુ મળતી હોવા છતાં આપણાં સંશોધનો નબળાં, સંશોધનપદ્ધતિનો ઉલાળિયો કરી નાખનારાં, સંશોધનની આગવી શાસ્ત્રીય ભાષાને બદલે અંગત અને મનઘડંત અભિપ્રાયોના મારાવાળાં બનતાં જાય છે; એ આપણા વિદ્યાજગત માટે ખેદકારક વાત ગણાય. નીતિન પટેલે પોતાના સંશોધન માટે ઇરાદાપૂર્વક ‘અનુઆધુનિક ટૂંકી વાર્તામાં દલિતચેતના, નારીચેતના, નગરચેતના તથા ગ્રામચેતના’ એવો લાંબા પથરાટવાળો વિષય પસંદ કર્યો છે. આવો વિષય પસંદ કરવામાં આવે તો પછીથી પોતાની અધ્યાપકીય પ્રગતિ માટે જરૂરી બેત્રણ પુસ્તકો એમાંથી જ થઈ જાય! આ સંશોધનના પહેલા વાચને જ ભાષાકીય, પદ્ધતિલક્ષી, વિગતલક્ષી ક્ષતિઓ સામે આવવા લાગી. ગ્રંથને દળદાર બનાવવા વ્યાપવિશ્વને વિશાળ રાખવું, વિષયને ચાતરીને સંશોધનમાં જેની કોઈ ઉપયોગિતા ન હોય એવી બાબતો સમાવવી, સંશોધનના હાર્દસમા તારણના પ્રકરણમાં કશુંય મૌલિક ન તારવી શકવું – આ બધી જ બાબતોનું અહીં ઉદાહરણ સાથે અવલોકન કરવામાં આવશે. આરંભ વિષયની પરિકલ્પનાથી જ કરીએ. આ શોધનિબંધને આપવામાં આવેલા નામમાં જ ભૂલ છે. આખા ગ્રંથમાં ‘ટૂંકી વાર્તા’ આમ લખવાને બદલે ‘ટૂંકીવાર્તા’ આમ લખ્યું છે. એક જગ્યાએ તો સંશોધકે જયંત કોઠારીના પુસ્તકનું શીર્ષક ‘ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ બદલીને ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’ કરી નાખ્યું છે. જુઓ પૃ. ૧૦. અલબત્ત આમાં પણ એમણે એકસૂત્રતા રાખી નથી. ક્યાંક ‘ટૂંકી વાર્તા’ જુઓ પૃ. ૯, ૧૦, ૧૭, ૨૧, ૭૯, ૯૩, ૧૦૦, અને ક્યાંક વળી ‘નવલિકા’ પૃ.૧૫, ૨૧, ૩૬. અરે પ્રકરણોનાં શીર્ષકોમાં પણ નામસાતત્ય જળવાયું નથી. ચોથા પ્રકરણનું નામ ‘ગ્રામચેતનાની નવલિકાઓ’ છે. બાકી બધાં પ્રકરણોનાં નામમાં ‘ટૂંકીવાર્તા’ છે. પહેલાં તો સંશોધકે પસંદ કરેલા વિષયસંદર્ભે, કેટલાં પ્રકરણોમાં પોતે શું કરવા ધારે છે એની આછી રૂપરેખા આપવાની હોય છે, એમ કરવાના હેતુ દર્શાવવાના હોય છે. આ ઉપરાંત આ માટે માહિતી મેળવવા કેવા સંદર્ભસ્રોતનો ઉપયોગ પોતે કેવી રીતે કરશે એનો એક સ્થિતિસ્થાપક અને હંગામી આલેખ આપવાનો હોય છે. દોઢ પાનાના નિવેદનમાં અને પછી પાંચ પ્રકરણમાં વહેંચાયેલા આ સંશોધનમાં ક્યાંય આવી પૂર્વભૂમિકા આપવામાં આવી નથી. એટલે દરેક પ્રકરણ અધ્ધરોઅધ્ધર શરૂ થતું પમાશે. પહેલા પ્રકરણનું શીર્ષક ‘ગુજરાતી ટૂંકીવાર્તા વિષયવસ્તુ(સંવેદન)-અભિવ્યક્તિની દૃષ્ટિએ આવેલાં પરિવર્તનો’ છે, જે ગેરમાર્ગે પણ દોરે છે. આ શીર્ષક વાંચતાં જ આપણને એમ થાય કે અહીં વિષયવસ્તુ અને અભિવ્યક્તિમાં આવેલાં પરિવર્તનોની વાત હશે, પણ એવું નથી. સંશોધક આ પ્રકરણના ક્રમ આપીને સ્પષ્ટ બે પેટાપ્રકરણ ‘સ્વરૂપ પરિચય’ અને ‘ગુજરાતીમાં વાર્તાવિકાસ : તબક્કાઓની રૂપરેખા’ એવાં આપે છે. એટલે આ પ્રકરણનું નામ ‘ગુજરાતી ટૂંકી વાર્તા : સ્વરૂપ અને વિકાસ’ હોવું જોઈએ. જોકે આ સંશોધનના અનુસંધાને તો આ શીર્ષક પણ અનુકૂળ આવે તેમ નથી. ખરેખર તો અહીં ‘અનુઆધુનિકતા’ શબ્દ કેન્દ્રસ્થાને હોઈ, આ સમયગાળાની ટૂંકી વાર્તાઓનાં સ્વરૂપ અને વિકાસરેખા આલેખવાં જોઈએ. બીજા પ્રકરણનું નામ ‘અનુઆધુનિક ટૂંકીવાર્તાઓ અને તેનાં લક્ષણો’ છે. આ શીર્ષક પણ ગેરમાર્ગે દોરે છે. આ પ્રકરણમાં માત્ર ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાની વાત છે. જ્યારે આપેલું શીર્ષક અનુઆધુનિક ટૂંકી વાર્તાઓના વૈશ્વિક સંદર્ભનો નિર્દેશ કરે છે. આપણા સંશોધકોને અંગ્રેજી ભાષાની જાણકારીના અભાવે કોઈપણ વિભાવના સમજવા માટે એ ભાષામાંથી થયેલા સારસંક્ષેપો પર, વધીને સારદોહનો પર આધાર રાખવો પડતો હોય છે. એટલે આપણાં મોટાભાગનાં સંશોધનો મૂળ સ્રોતના અભાવમાં દ્વૈતીયીક સ્રોત પર આધારિત હોય છે. સામાન્ય રીતે કોઈપણ સંશોધકે જે-તે વિભાવનાનાં વૈશ્વિક, ભારતીય અને સ્થાનિક પરિપ્રેક્ષ્ય સ્પષ્ટ કરવાનાં હોય છે. પણ છેલ્લા દાયકાનાં સંશોધનો તો આવી વિભાવના સ્પષ્ટ કરવા વૈશ્વિક ભારતીય પરિપ્રેક્ષ્ય તો બાજુએ રહ્યાં, ગુજરાતી પરિપ્રેક્ષ્યની નોંધ લેવાની પણ તસ્દી લેતાં નથી. જેમકે આ સંશોધનમાં અનુ-આધુનિકતાવાદનો વિભાવ સ્પષ્ટ કરવો અનિવાર્ય છે. તેમ છતાં આ વાદનો એકેય પરિપ્રેક્ષ્ય સ્પષ્ટ કરાયો નથી. જેમકે ગુજરાતી સાહિત્યમાં વીસમી સદીના અંતમાં ચન્દ્રકાન્ત ટોપીવાળાએ અનુઆધુનિકતાવાદનો વૈશ્વિક, ભારતીય અને ગુજરાતી પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો છે. એના પરિણામે આપણને આ નામની એક પુસ્તિકા (‘અનુઆધુનિકતાવાદ’ પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. પ્ર. આ. ૧૯૯૯) મળેલી. એમાં પહેલાં પાંચ પ્રકરણોમાં એમણે અનુઆધુનિકતાવાદનું ‘એ ટુ ઝેડ’ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો. આ પુસ્તિકાના છેલ્લા પ્રકરણ ‘સાહિત્યમાં અનુઆધુનિકતાવાદનો સંદર્ભ’-માં ટોપીવાળા ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક સાહિત્યકૃતિઓ અને સર્જકોનો ઉલ્લેખ કરે છે. આ સંશોધકે આ પુસ્તકનો ઉલ્લેખ સુધ્ધાં કરેલ નથી. આ પ્રકરણમાં સંશોધક આરંભે છેલ્લા દાયકામાં પ્રતિભાશાળી વાર્તાકારોએ વિશેષ જીવંતતા દાખવી છે એવા મતલબનાં બે વિધાનો કરે છે; પણ અહીં અભ્યાસ માટે પસંદ કરેલી વાર્તાઓ તો વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકામાં લખાયેલી હોઈ, અહીં કોઈ પણ દૃષ્ટિકોણે આ વિધાનોની પ્રસ્તુતતા સ્પષ્ટ થતી નથી. જુઓ પૃ. ૨૨. પહેલાં દલિતચેતના, ગ્રામચેતના, નારીચેતના, શહેરી ચેતનાવાળી વાર્તાઓનાં અને વાર્તાકારોનાં નામ આપી અંતે અનુઆધુનિકતાવાદનાં લક્ષણોની યાદી આપી દીધી હોવાથી બંને બાબતોનું યોગ્ય સંયોજન થતું નથી. ત્રીજું પ્રકરણ ‘ગ્રામચેતનાનો પરિચય’ નામે છે. આ પ્રકરણ એના શીર્ષકને ઠીકઠીક ન્યાય આપે છે. તેમ છતાં બીજા પ્રકરણના ચાર ફકરા અહીં આડાઅવળા કરીને બેઠેબેઠા દોહરાવી દીધા છે. પાના નં. ૨૪નો ત્રીજો અને ચોથો અને પાના નં. ૨૫નો પહેલો અને બીજો ફકરો અનુક્રમે પાના નં. ૩૧ અને ૩૨ ઉપર મૂકી દેવાયા છે. ગામ અને શહેરની રહેણીકરણી વચ્ચેના ભેદની વાત અહીં કરવામાં આવી છે જે આગળના બીજા પ્રકરણમાં લેવાની જરૂર લાગતી નથી. ‘ગ્રામચેતનાનો પરિચય’ એવા શીર્ષકવાળા આ પ્રકરણમાં ‘ગ્રામચેતના’ શબ્દનો પરિચય છેક સાતમા પાને છે. જુઓ પૃ. ૩૪. આ પ્રકરણમાં ગ્રામચેતનાની ઓળખ દર્શાવતાં ઘટકતત્ત્વોની તારવણી કરી છે, જે હવે શહેરી ચેતનાને પણ એટલી જ લાગુ પડે તેમ છે એનો વિચાર સંશોધક કરતા નથી. ચોથા પ્રકરણનું નામ છે ‘ગ્રામચેતનાની નવલિકાઓ’. અગાઉ કહ્યું એમ કોઈપણ પ્રકારની પૂર્વભૂમિકા વિના ચાર વાર્તાકારો મણિલાલ હ. પટેલ, કિરીટ દૂધાત, અજિત ઠાકોર અને માય ડિયર જયુની વાર્તાઓના સંદર્ભમાં તપાસ છે. પ્રથમ તો અહીં અપાયેલા ક્રમ બરાબર નથી. ખરેખર આ વાર્તાકારોનો ક્રમ પરિવેશને અનુરૂપ મણિલાલ હ. પટેલ અને અજિત ઠાકોર આ બે ઉત્તર ગુજરાતના ગ્રામીણ પરિવેશને આલેખતા વાર્તાકાર અને માય ડિયર જયુ અને કિરીટ દૂધાત સૌરાષ્ટ પ્રદેશના પરિવેશને આલેખતા વાર્તાકાર, એમ ગોઠવણ કરી શકાય. આ સંશોધનના મુખ્ય એવા આ પ્રકરણમાં પ્રથમ તો વાર્તાસંખ્યાનું સાતત્ય જાળવ્યું નથી. મણિલાલ હ. પટેલની આઠ અને બાકીના ત્રણ વાર્તાકારોની બે બે ટૂંકી વાર્તાઓ પસંદ કરવામાં આવી છે. મણિલાલ હ. પટેલની આઠ ટૂંકી વાર્તાઓમાંથી છમાં પ્રગટ રીતે અને બેમાં અપ્રગટ રીતે પટેલ સમાજની વાત આવે છે, એટલે અહીં આ વિસ્તારની ગ્રામચેતનાનું એકાંગી ચિત્ર મળે છે. વાર્તાસમીક્ષાની ભાતમાં કોઈપણ જાતનું સાતત્ય જાળવવામાં આવ્યું નથી. દરેક વાર્તાના વિવરણમાં સર્જકનું નામ દોહરાવવાની જરૂર નથી. ઉપરાંત કોઈપણ પ્રકારના તારણ સુધી પહોંચ્યા વિના જ દરેક વાર્તાનો અહેવાલીય આલેખ દોરી આપવાથી આગળ સંશોધક જઈ શક્યા નથી. અલબત્ત આમાં પણ એકસૂત્રતા તો જાળવી નથી. જેમકે કિરીટ દૂધાતની અહીં પસંદ કરેલી પહેલી વાર્તા ‘ભાઈ’નું વિવરણ કરી પછી ‘લીલ’ વાર્તાનું વિવરણ છે. એના આરંભે સંશોધક એ કેવા વાર્તાકાર છે, એમણે કયાકયા અને ક્યારેક્યારે સંગ્રહો આપ્યા, એમાં કઈકઈ વાર્તાઓ નોંધપાત્ર છે – તેવી બાબતો આપવા બેસે છે; જે ખરેખર આપવી જરૂરી હોય તો પહેલી વાર્તાના આરંભે આપવી જોઈએ. જુઓ પૃ. ૭૩. આમ હોવાના કારણે આ આખું પ્રકરણ આ શોધનિબંધમાંથી છટકીને સ્વતંત્ર રીતે સમયાન્તરે કરેલા આસ્વાદો જેવું બની રહે છે. કોઈપણ સર્જકવિશેષને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરતા હોઈએ ત્યારે એમની વાર્તાઓના વિષયવસ્તુનું, પાત્રોનું, ઘટના-બનાવનું વિવરણ કરવાનો કોઈ અર્થ હોતો નથી. અહીં એમની વાર્તાઓ ગૌણ છે એ વાર્તાઓમાં અનુઆધુનિકતા અને ગ્રામચેતના ક્યાં કેવી રીતે પ્રગટે છે એ જ એમના વિવરણનો મૂળ હેતુ હોવો જોઈએ – જે આ આખા સંશોધનમાં ગેરહાજર છે. છેલ્લું પાંચમું પ્રકરણ ‘તારણો અને ઉપસંહાર’ છે. આરંભે ગુજરાતી ટૂંકી વાર્તાઓનો સામયિક આલેખ આપી, ‘ગ્રામચેતના’ એવું પેટાશીર્ષક આપી ફરીફરી ગ્રામપરિવેશની ખાસિયતો આપવા લાગે છે, જે મોટાભાગનાં પ્રકરણોમાં એકથી વધુ વાર આવી ગઈ છે. પછી ગ્રામચેતનાવાળી વાર્તાઓ આપનાર મણિલાલ હ. પટેલને કેન્દ્રસ્થાને રાખીને વાત આગળ ચાલે છે, પછી ટૂંકમાં બાકીના ત્રણ વાર્તાકારોની વાત એવી રીતે જ ઉભડકિયાં વિધાનો કરીને આટોપવામાં આવે છે. જુઓ પૃ. ૯૪. વળી પાછું યાદ આવી જતાં ‘મણિલાલ હ. પટેલની વાર્તાકલા વિશેનાં કેટલાંક તારણો અને નિરીક્ષણો’ એવું પેટાશીર્ષક આપે છે. (આ શીર્ષકમાં પણ ભૂલ છે. ખરેખર ‘નિરીક્ષણો અને તારણો’ એવો ક્રમ હોવો જોઈએ. પહેલાં નિરીક્ષણ થાય પછી તારણ આપી શકાય ને?) હદ તો ત્યાં કરી છે કે આ શીર્ષકતળે એમણે બાકીના ત્રણ વાર્તાકારોની વાર્તાવિશેષતાને પણ આવરી લીધી છે. સંશોધનગ્રંથમાં અનિવાર્ય એવી સંદર્ભનોંધમાં ક્યાંય એકસૂત્રતા રાખવામાં આવેલી નથી. અહીં બે પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. પહેલામાં આ સંશોધનમાં જે વાર્તાકારોની વાર્તાઓ લેવામાં આવી છે એના સંદર્ભો આપવામાં આવ્યા છે. ખરેખર તો સમાવેલી ચાર વાર્તાકારોની ચૌદ વાર્તાઓ જે-તે સર્જકના વાર્તાસંગ્રહમાં છે. તેમ છતાં મણિલાલ હ. પટેલના ‘બાપાનો છેલ્લો કાગળ’ સિવાય એક પણ વાર્તાકારના સંગ્રહનું નામ નથી કે વાર્તાને અંતે સંદર્ભ આપેલો નથી. જોકે મણિલાલની પસંદ કરેલી આઠ વાર્તાઓ એમના ત્રણ વાર્તાસંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. જ્યારે કિરીટ દૂધાતના વાર્તાસંગ્રહ ‘આમ થાકી જવું’નો સંદર્ભ બીજા પરિશિષ્ટમાં છે. જોકે કિરીટ દૂધાતની અહીં પસંદ કરેલી બે વાર્તાઓ તો એમના પહેલા વાર્તાસંગ્રહ ‘બાપાની પીંપર’માંથી લેવામાં આવી છે. આ સંગ્રહનો સંદર્ભ ક્યાંય આપેલો નથી. મહદંશે મણિલાલ હ. પટેલની વાર્તાઓને જ લક્ષ્ય કરીને ચાલતા આ સંશોધનમાં સંશોધકે આ સર્જકના આ સ્વરૂપ અને આ જ વિષય પર અગાઉ થઈ ગયેલાં સંશોધનો ધ્યાનમાં લીધાં નથી. જેમકે ગંધર્વકુમારી બી. પટેલે ‘મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં ગ્રામચેતનાનું આલેખન’ વિષય પર ૨૦૦૧માં અને ગિરીશભાઈ ડી. ચૌધરીએ ‘મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં ઊપસતી નારીની છબી’ વિષય પર ૨૦૦૬માં મહાશોધનિબંધ લખેલા છે. [સંદર્ભ માટે જુઓ ‘મણિમુદ્રા’ સં. હસિત મહેતા, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ પ્ર. આ. ૨૦૧૫, પૃ. ૪૭૦.] અહીં ભાષાદોષો, વાક્યરચનાદોષો, હકીકત-દોષો, સંદર્ભનોંધોમાં અતંત્રતા કે અધૂરી વિગતો, ખોટી વિગતો એટલી બધી છે કે એ બતાવવા બેસું તો લેખ ખૂબ લાંબો થઈ જાય તેમ છે. આ સંશોધનના અનુસંધાને આટલી નુક્તેચીની કર્યા બાદ મારે એટલું જ કહેવું છે કે માર્ગદર્શકે પોતાના જ સાહિત્ય પર થતા સંશોધનમાં માર્ગદર્શક બનવાથી બચવું જોઈએ. જો આ બાબતથી એ ન બચે તો સંશોધન, ઉપર દર્શાવેલી મોટાભાગની ક્ષતિઓનો ભોગ બને. અહીં આમ બન્યું હોવાથી આ સંશોધન મૂળ હેતુને ચાતરીને ચાલતું હોય તેમ લાગે છે.

[પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ]