બે હજાર ચોવીસ સમક્ષ/એકાકાર – નીતિન વડગામા

કવિતા

‘એકાકાર’ : નીતિન વડગામા

ઉત્પલ પટેલ

‘એકાકાર’નો શબ્દાકાર

આ સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ લખે છે : ‘પૂજ્ય મોરારિબાપુની રામકથાના શ્રવણ અને સંપાદનને નિમિત્તે કથામાં એકાકાર થવાનું બન્યું એ મારું પરમ સૌભાગ્ય છે. બાપુનું દર્શન જીવનપંથને અજવાળતું રહ્યું છે, તો મારા શબ્દકર્મને પણ આલોકિત કરતું રહ્યું છે. બાપુના સાન્નિધ્ય અને સત્સંગ થકી જીવનમાં ડગલે ને પગલે દિશાસર્જન સાંપડ્યું છે અને એમાંથી અનેકશઃ કવિતાના ભાવવિચારનું ભાથું પણ હાથ લાગ્યું છે. મારી ઘણીબધી ગઝલો બાપુના તાત્ત્વિક વિચારોની પીઠિકા પર રચાયેલી છે. મને થયેલી એ ઉપલબ્ધિનો નતમસ્તકે સ્વીકાર કરીને પૂજ્ય બાપુનાં ચરણોમાં વંદન કરું છું.’ ગઝલોના આ ભાવવિચારનું ભાથું આખા સંગ્રહમાં જણાઈ આવે છે. જુઓ :

આમ જુઓ તો સાવ અકિંચન,
સ્થાવર-જંગમ કાંઈ નથી પણ,
શબ્દોના વામન અવતારે,
ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
( પૃ. ૩૮)
સાંપડ્યું છે આજ ભગવા રંગનું સાચું પગેરું,
તત્ત્વના આ તાર સાથે તાર જોડાઈ ગયો છે.
( પૃ. ૪૦)
મળી છે કૈંક જન્મોની મને આ સંપદા મોટી,
ધણીનું ધ્યાન ધરવાના મનોરથ થાય છે પૂરા.
( પૃ. ૪૧)

પ્રસ્તાવનાકાર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કહે છે : “ ‘માલણ નદીને કાંઠે’, ‘તલગાજરડા’, ‘બેરખા-પદત્રયી’, ‘સમજણ-સંહિતા’ આવી ઘણી ગઝલોમાંથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ ગઝલકારનો રંગ જુદો છે. આ મુશાયરાના ગઝલકાર નથી; વાહ-વાહના ગઝલકાર નથી.” આપણે એટલું ઉમેરીશું કે આમ તો નીતિન વડગામા સાહિત્યના અધ્યાપક અને હાડે કવિ, પરંતુ અહીં તેમની વિશેષતા એ રહી છે કે તેઓ આધ્યાત્મિકતાની ટોચે જઈને પણ કવિત્વના નિખારમાં જરા પણ પાછા પડતા નથી. જીવન અને અધ્યાત્મ બધું આ ગઝલોમાં એકાકાર વરતાઈ રહે છે. ભાવનિરૂપણ, ચિંતનાલેખન અને શબ્દકર્મમાં એક વિશિષ્ટ ગઝલકારની પ્રતિભા વરતાય છે. ગઝલરચનાની એક રીતિ છે. એમાં તેના બે મિસરાથી થતી કડી ગઝલની છંદરચના થકી અન્ય કડીઓ સાથે સંકળાય છે. એ રીતે ગઝલમાં શેરની માળા બને છે, પરંતુ તેનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર અસ્તિત્વ પણ બની રહે છે. એક જ ગઝલમાં બે મિસરાના અલગઅલગ શેર વસ્તુતત્ત્વની દૃષ્ટિએ પણ અલગ અલગ હોય છે. જેમ કે,

પાંચીકાના ઢગલામાંથી ગોતીગોતી,
મોતીને સંઘરવા હું તો સમજણ માગું.

ભાલા ને તલવારો વચ્ચે ઊભો છું હું,
આંધીથી ઊગરવા હું તો સમજણ માગું.

જોજનનાં જોજન પથરાયા રણની વચ્ચે,
વાદળ થઈ ઝરમરવા હું તો સમજણ માગું.
( પૃ. ર૬)

ઉપર ટાંકેલી ‘સમજણ માગું’ ગઝલના ત્રણે શેરમાં ચિંતનતત્ત્વ અલગઅલગ છે એટલે તો તે તે શેર અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધારણ કરે છે. માનવીના જીવનને અધ્યાત્મદૃષ્ટિએ તાગવાનો પ્રયાસ સંગ્રહની મોટા ભાગની ગઝલકૃતિઓનું આલેખ્ય વસ્તુ છે. પરંતુ એના આલેખનમાં પદ્યરચનાનું વૈવિધ્ય હોવા સાથે ભાવ અને સવિશેષે તો અધ્યાત્મના ચિંતનતત્ત્વનું વૈવિધ્ય પણ છે.  :

શેરીથી લઈ સીમ લગી એ ક્યાંય નથી નજરે ચડતું,
ખોવાયેલું મોંઘું બચપણ અંદરઅંદર શોધું છું.

કાળ અહીં તો પાણીપોતું થઈને સઘળું ભૂંસે છે,
શૈશવની પાટીમાં પાડેલા બે અક્ષર શોધું છું.
( પૃ. ૬૮)

ઉપરોક્ત બે શેરમાં આલેખ્ય અવસ્થા બચપણની છે. અહીં શેર બે છે પણ અવસ્થા, ભાવ અને ચિંતન એક જ છે. જોઈ શકાશે કે અત્રે શૈશવના ભાવાલેખનમાં શબ્દકૌશલની સૂક્ષ્મતા ભાવને બરાબર આંકી આપે છે. શેરની ભાષા અહીં બોલચાલની સહજ ભાષાની લગોલગ પણ રહે છે. રદીફ અને કાફિયાનું વૈવિધ્ય અને ઔચિત્ય પણ ધ્યાનપાત્ર બને છે. વાદળ વિશેના સ્થૂળથી સૂક્ષ્મ પ્રતિ ગતિ કરતા શેર ગઝલાન્તે મેઘદૂત બની રહે છે. જુઓઃ

સંદેશો સાજનનો દેવા
કરતાં રહેતાં હરફર વાદળ. ( પૃ. ૯૧)

માનવજીવનના હજારો વરસના વારસામાંથી ઝમેલ શાણપણ દાખવતા કેટલાક સૂત્રાત્મક શેર કેવા નીવડી આવ્યા છે તે જુઓ :

આંધીનું રમખાણ હજીયે રોકી શકશો,
મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે.
( પૃ. ર૯)
ખુદા પાસે બધાંયે હાથ ખુદ માટે જ લંબાવે,
જગતને કાજ કરગરવું ખરેખર ખૂબ અઘરું છે.
( પૃ. ૬૩)

જુઓ, ‘સમજવાનું અઘરું’ છે તે ગઝલ અને ‘ખરેખર ખૂબ અઘરું છે’ એવા રદીફવાળી બીજી ગઝલ. છતાં વક્તવ્ય અને નાદલયમાં ફરક છે જ. ગઝલકારને ખુદને, તેમના પોતાપણાના પોતને વ્યક્ત કરતી ગઝલો પણ સંગ્રહમાં છે. કેટલાક શેર જોઈએ :

પીડાનું પારેવું ના ફરકે મારા આંગણામાં ક્યાંયે,
ઓગાળી ઇચ્છાના ડુંગર હું મારામાં મોજ કરું છું,
( પૃ. ૩૬)
આંગણામાં એક પંખી રોજ ગાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!
હરપળે ને હરસ્થળે બસ એમ થાતું,
કેટલી જાહોજલાલી ભોગવું છું!v
( પૃ. ૩૭)
નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે,
બધાંના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું.
( પૃ. ૪૩)
ઉપરછલ્લા જ આ ભભકા નથી વેંઢારવા કાયમ,
સજ્યા શણગારથી થાકી હવે હું દૂર ભાગું છું.
( પૃ. ૬૭)

ખરેખર તો સંગ્રહની પહેલી જ ગઝલ ‘એકાકાર’ (પૃ. ૧) સમસ્ત ગઝલસંગ્રહને ઉઘાડવા માટે ચાવીરૂપ પીઠિકા છે. એમાંથી આપણે પામીએ છીએ કે ભલેને પ્રસ્તુત સંગ્રહની ગઝલો અનેકાકારયુક્ત અને વૈવિધ્યસભર લાગે છતાં વસ્તુતઃ તે બધી એકાકારતા દાખવી રહેલી જણાશે. પ્રેરણાસ્રોત મોરારિબાપુએ કવિ માટે કહ્યું કે, ‘નીતિનભાઈમાં ગહરાઈ છે. પરંંતુ સરળ ગહરાઈ છે.’ અહીં કવિને અભિપ્રેત ગહરાઈ એટલે મન અને અનુભૂતિનાં ઊંડાણો એમ માનીએ તે પછી સરળતા તો કવિની ભાષાની છે. ગહરાઈ ગહરાઈ જ ન રહે ને સરળતા બની રહે તે રીતની સરળ ભાષા કવિએ આ ગઝલો માટે ખોજીને પ્રયોજી છે. છતાં હજીયે કવિની એ માટેની મથામણ ચાલુ જ છે. તેમની ગઝલોમાંના કેટલાક શેર આપણને તેની ભાળ આપે છે. જુઓ :

કરામત તેજભીનાં ટાંકણાની હોય છે સઘળી,
પ્રથમ તો શિલ્પના પથ્થર બધા સરખા જ લાગે છે,
( પૃ. પ૦)
એટલે માળા જપું છું શબ્દની,
એ મને મારા સુધી લઈ જાય છે. ( પૃ. પ૪)

શબ્દોનાં તીણાં ઓજારો,
નાજુક-નમણા ઘાટ ઘડે છે. ( પૃ. પ૮)

એ જ ધારામાં બીજા સમર્થ શેર પણ છે જ

સાવ સોંસરવી તને જે ઊતરી
     એ ગઝલ એણે મઠારી હોય છે.
( પૃ. ૪૬)

અને –

જાત સંકેલ્યા પછી જીવી જશું,
શબ્દની આ સંપદાને કારણે.
(પૃ. ૧૧૦)

ગઝલ તો જે સોંસરી ઊતરી તે તો એણે મઠારી છે. ‘એણે’ એટલે ‘કોણે’માં કવિને જે અભિપ્રેત છે તે તો સુજ્ઞ ભાવક પામી જશે. કવિની ગઝલોમાંથી આપણે સ્તરીય કાવ્યત્વ તો પામ્યા. સાથે એ ભાળ પણ મળી કે તેઓ ગઝલના કાવ્યત્વને હજીય ઊંચાઈએ પહોંચાડવા તપસ્યારત છે. આપણે કવિની તપસ્યાને સિદ્ધિ પ્રાર્થીએ અને હવે પછીની ગઝલોમાં તેમની કલમે માગ મુકાવે તેવી કવિતા ઊતરે એવી કામના કરીએ.

[ઝેન ઓપસ, અમદાવાદ]