બે હજાર ચોવીસ સમક્ષ/એલીહાઉસ – ગિરા ભટ્ટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ટૂંકી વાર્તા

‘એલીહાઉસ’ : ગિરા પિનાકિન ભટ્ટ

નીતા જોશી

સામાજિક નિસબત ધરાવતી વાર્તાઓ

કુલ સત્તર વાર્તાઓના આ સંગ્રહનું ઉપશીર્ષક છે ‘સાંપ્રત અને શાશ્વત સંવેદનાની નવલિકાઓ’. ગિરા ભટ્ટનો આ બીજો વાર્તાસંગ્રહ છે. ભૂમિકામાં લેખક વાર્તાઓનાં શીર્ષકનો ઉપયોગ કરી વાતને જુદી રીતે બાંધે છે. લખે છે કે – “આપણું મન ચિત્ર-વિચિત્ર માયાજાળનું ગેબી ગૂંચળું છે. એનું ‘સવાસો મણનું તાળું’ કેમ કરીને ખોલવું? એ મથામણ કરતાંકરતાં ‘વ્યવસાયે ગૃહિણી એવાં આ લેખકેે આ ગૂંચળાંને પોતાની આવડત મુજબ ઉકેલી સમાજસમક્ષ મૂક્યાં છે. આ ‘એલીહાઉસ’ એ મારું ‘અમરતરુ’ છે.” વાર્તાના માધ્યમથી સાંપ્રત સમયની સંવેદના અને સામાજિક ચેતના સુધી પહોંચવાનો વાર્તાકારનો હેતુ સિદ્ધ થાય છે. તમામ વાર્તાઓ સરળ અને હળવી શૈલીથી લખાયેલી છે. મહત્તમ વાર્તાઓનું કેન્દ્ર મધ્યમ વર્ગ અને પારિવારિક જીવન છે. વાર્તાઓમાં દામ્પત્યજીવનની કર્કશતાનો સૂર ઓછી જગ્યાએ જોવા મળે છે. સમાજના અનેક પ્રશ્નો, જેવા કે અશ્પૃશ્યતા, ગેરકાનૂની ભ્રષ્ટાચાર, ભ્રૃણહત્યા, યુદ્ધની વિનાશકતા, બળાત્કાર, ગૃહિણીનો થાક આ બધું આવરી લેવાનો અહીં પ્રયાસ છે. ‘બાણાસુરની તાકાત’ અને ‘પશલો આવે છે’ જેવી વાર્તા ગરીબ કે દલિત વેદના તરફ ઇશારો કરે છે. શીર્ષકનામી વાર્તા ‘એલીહાઉસ’ જરા જુદી છે. એને આ સંગ્રહની કે ગુજરાતી વાર્તાસાહિત્યની નોંધપાત્ર વાર્તા એટલે પણ કહી શકાય કે એનો વિષય વૈશ્વિક સમસ્યા તરફ ધ્યાન ખેંચે છે. વાર્તાનું કથાવસ્તુ ભાવાત્મક છે. એમાં રશિયા/યુક્રેનના યુદ્ધનો માહોલ છે. એક શહેરમાં પતિ સાયમન, પત્ની મારિયા અને નાનકડી રમતિયાળ દીકરી એલી રહે છે. એકમેકની હૂંફે જીવતાં ત્રણેય સુખી છે. લગ્નજીવનનાં સાત વર્ષે પ્રાપ્ત થયેલી દીકરી એલી સાયમન માટે ગૉડ-ગિફ્ટ છે. યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. બૉમ્બમારો, મૃત્યુની દહેશત અને સરકારી આદેશનું ફરજિયાત પાલન કરવા લોકો મજબૂર થયેલા છે. સરકારી માધ્યમોએ આપાતકાલીન સમયે સાર્વજનિક આશ્રય માટેની સૂચનાઓ જાહેર કરી છે. ફરજ બજાવતો સાયમન પણ પત્ની અને વહાલસોયી દીકરીને મૂકી ડ્યૂટી ઉપર જવા નીકળી જાય છે. યુદ્ધના વિનાશની જેને જાણ પણ નથી એ એલી નામની બાળકી તો એનાં મિત્રો, રમત, દોડાદોડી અને મસ્તીમાં વ્યસ્ત છે. બાળકીનું મમ્મી-પપ્પા સાથેનું સંવેદનભર્યુ જીવન છે. પપ્પાનું અપાર વાત્સલ્ય મેળવતી દીકરી અને એકમેકની સાથે સુખમય જીવન વિતાવતો આ પરિવાર કેવી રીતે યુદ્ધનો ભોગ બને છે એની અહીં વ્યથાભરી કથા છે. યુદ્ધભૂખ્યા બુદ્ધિજીવીઓ, નેતાઓને વાર્તાકાર નામનિર્દેશ સાથે વખોડે છે. યુક્રેનની ભૂમિનો પરિવેશ એટલો મજબૂત નથી બની શક્યો પરંતુ યુદ્ધનું વર્ણન તાદૃશ્ય કરી શકવામાં વાર્તાકાર સફળ છે. આમ યુદ્ધની વિનાશકતા સાથે પરિવારની સંવેદનકથાને જોડી વાર્તાને હૃદયસ્પર્શી બનાવી શકાઈ છે. સમાજની ઉપેક્ષાઓ વેઠી જીવતાં લાચાર લોકો કે ધનિક વર્ગની જોહુકમીનો ભોગ બનેલા શોષિત લોકોને લઈ લખાયેલી વાર્તા ‘બાણાસુરની તાકાત’ અને ‘પશલો આવે છે’નું કથાકેન્દ્ર ‘અપના ખૂન ખૂન, દૂસરોં કા પાની’ જેવી ઉક્તિને ચરિતાર્થ કરે છે. ‘બાણાસુરની તાકાત’ વાર્તા પણ પિતા-પુત્રીની સંવેદનકથા છે. ‘એલીહાઉસ’ વાર્તાનાં પિતા-પુત્રી શહેરી, શિક્ષિત અને સંપન્ન છે, અહીં સ્થિતિ વિરુદ્ધ છે. આ વાર્તાના પિતાની લાચારી ગરીબ અને દલિત હોવાની છે. ઉત્તર ગુજરાતની બોલીનો ઉપયોગ વાર્તાને વાસ્તવની વધુ નજીક લાવે છે. જેમ કે – ‘પપ્પા, મંદિરમાં કો’ક બુંદી-ગાંઠિયા ખાવા આલતા’તા. મીં તો કઉં, આટલા બધા ખાધા.’ કહેતાં એણે બે હાથ પહોળા કર્યા.’ ગરીબ બાળકની ક્ષુધાની કરુણતા ઉપસાવવામાં વાર્તાકાર સફળ રહ્યાં છે. અને ‘પશો આવે છે’ વાર્તામાં સફાઈ કામદાર સાથેનો વર્ણભેદ/વર્ગભેદ બાળકના મુખેથી કહેવાનો પ્રયત્ન છે. વાર્તાનો વિષય અશ્પૃશ્યતાનો છે. નાનીમોટી માગણીઓ કરતા બાળકની જિદ્દ ન સંતોષવા, ‘પશલો અડી ગયો છે’ એવું કહીને એનાં મમ્મી અને પપ્પા ‘ના’ કહેવાનો ટૂંકો રસ્તો અપનાવતાં હોય છે. બાળકને એક દિવસ ગુસ્સો આવે છે કે આ પશલો અડી જાય છે એટલે જ હું માગું છું એ મળતું નથી અને પછી એ અને એના મિત્રોની ટોળી પશલાને શોધવા માટે બધે ફરે છે ત્યારે ખબર પડે છે કે પશલો તો તાવમાં તરફડતો હોય છે એટલે દેખાતો નથી, ત્યારે બાળકના મનમાં ફરી પ્રશ્ન થાય છે કે એ હમણાંથી આવતો જ નથી તો મમ્મીને અડવા કેવી રીતે આવ્યો હશે? વાર્તામાં વ્યંગ્ય ભારોભાર છે છતાં વાર્તા પ્રભાવક બની શકી નથી. આરંભે કાલુંકાલું બોલતો, નિશાળે પણ ન જતો હોય એવો બાળક સમયકાળને ઉલંઘ્યા વગર જ વાર્તાના અંતે કિશોર વયનો બની જતો અનુભવાય એનું પણ આશ્ચર્ય રહે છે! એવી રીતે ‘મમ્મી પેન આપ ને...’ વાર્તામાં ભ્રૂણનો મા સાથે સંવાદ છે. અને ભ્રૂણહત્યા, ગેરકાનૂની ભ્રષ્ટાચાર, બળાત્કાર, નારીશોષણ જેવી એક સાથે અનેક સમસ્યા મૂકી દેવાનો મોહ વાર્તાની કથનરીતિમાં પ્રયોગ કરવા છતાં વાર્તાને નબળી બનાવે છે. વાર્તાકળામાં બંધ બેસે એવી વાર્તાઓ છે ‘કેડો’ અને ‘સ્તબ્ધતા’. ભાષા અને વાર્તાના વળાંકોની રીતે પણ એ સફળ બને છે. ‘સ્તબ્ધતા’ વાર્તાનો ગંભીર વિષય સંયમપૂર્વક હળવાશથી મૂક્યો છે. સાધારણ જીવન જીવતા પરિશ્રમી ખેડૂતદંપતીને મોટી વયે સંતાન જન્મે છે દીકરી. એ એટલી ચબરાક નથી, થોડી મંદ છે. શાળાએ જતી વખતે તેર/ચૌદ વર્ષની આ કન્યા બળાત્કારનો ભોગ બને છે અને ગર્ભવતી બને છે. મા-બાપને જાણ થાય છે ત્યારે ધબકારો ચૂકાવી દે એવી ક્ષણ સામે આવી રહે છે – “મારી પારેવડીની અબૂધતા, નાદાનિયતનો ગેરલાભ કૂણે ઉઠાયો, ચાણ ઉઠાયો? મીનાના બાપા ગરજ્યા.’ હાળાન મારી નોંખું અમણાં ન અમણાં. આખેઆખો વેતરી નોખું હરામખોર ન... મારી સોડીનું જીવતર ઝેર કર્યું હાળા વોંજણીના, મેર મૂઆ, તારી મા વોંજણી ના રઈ તે તન જણ્યો. અવ તારી ચોંમડી ના ઉતારું તો મારું નોંમ નારોણ નંઈ, હું હમજ્યો?’ આંખોના ડોળા જાણે લાલ-લાલ અંગારા!” અહીં પણ ફરી પિતાનું રૂપ જોવા મળે છે. પરંતુ વાર્તાક્ષણ ઉત્તમ ત્યારે બને છે જ્યારે અભણ દેખાતાં આ મા-બાપ સામાજિક પ્રતિષ્ઠા કે આબરૂની પરવા કર્યા વગર દીકરીનો સધિયારો બને છે અને દીકરીએ જન્મ આપેલી બાળકીને બચાવે છે. બળાત્કારી તરફની ઘૃણાથી વિશેષ સમજદાર મા-બાપની ભૂમિકા વાર્તાને અનોખી ઊંચાઈ બક્ષે છે. ‘કેડો’ વાર્તા પંચાણું વર્ષના કાળુદાદાની છે. જેની પાસે દામ્પત્યજીવનની સુખદ સ્મૃતિ છે. પત્નીની મધુર યાદો સાથે જોડાયેલી જર્જરિત સાયકલની કથા છે. હવે ખખડધજ થઈ ગયેલી સાયકલનું મમત્વ એ એના માટે સાધનનું મમત્વ નહીં પણ એની સાથે જોડાયેલી યાદોનું વળગણ વાર્તામાં સરસ રીતે ઝિલાયું છે. કેટલીક વાર્તા બાળવાર્તાની લઢણથી ચાલે છે એટલે પરિપક્વ વાર્તા બની શકતી નથી. ‘અમરતરુ’, ‘પરીઓ એટલે...’, ‘ભયાવહ’ જેવી વાર્તા શિલ્પની રીતે અને વ્યવહારની ભાષાના અતિરેકથી કલાત્મક બની શકી નથી. ‘કેદી નંબર બાસઠ’ જેવી વાર્તા એની ગંભીર ક્ષણોને સાચવી શકતી નથી અને પ્રાસયુક્ત વિધાનોનો ઉપયોગ – ‘બાસઠ નંબરની ઓરડી ઉપર નજર પડે ત્યાં જાણે દેખાય સાધુ-સંતનો મઠ! સાવ સાચું કહું તો, મારી ફરજમાંથી હું ન કરું જરાય પીછેહઠ. પણ સાચ્ચે જ કોઈ શઠ તને બનાવી ગયો છે લઠ.’ કોઈ ચમત્કૃતિ સર્જવાને બદલે વાર્તાને એ નબળી બનાવે છે. દામ્પત્યજીવનની પ્રસન્નતા વાર્તાકારનો બોલકો સૂર છે. ‘વ્યવસાયે ગૃહિણી’, ‘સવાસો મણનું તાળું’, ‘કેડો’ જેવી વાર્તા સહજીવનનાં ઉદાહરણ છે. ‘તો એ મને ગમશે’ વાર્તામાં મૃત્યુ પામેલી પત્નીનો મૃતદેહ હજુ તો વિદાય નથી થયો. એ આત્મા-સ્વરૂપે ઘરમાં જ છે અને પતિને સધિયારો આપે છે. પોતાની શરીરી ગેરહાજરી અને પતિ સાથેનો આભાસી સંવાદ વાર્તામાં ખાસ ચમત્કૃતિ સર્જવામાં નિષ્ફળ છે. બોધસૂચક વાત કહેવાનો મોહ વાર્તામાં પાત્રો કરતાં લેખકના પ્રવેશનો વધારે અનુભવ કરાવે છે. ‘એમાં મારો શું દોષ’ વાર્તાની પ્રયુક્તિ જુદી છે. એમાં પણ મૃત પત્ની સાથે સંવાદ છે. થોડો વિનોદ છે, થોડી ગંભીરતા છે. વિધુર પુરુષના મનમાં ઊઠતાં સંવેદનો, સ્ત્રીસહવાસની ઝંખના, માનવસહજ આકર્ષણ આ બધું ખૂબ સહજ રીતે બને છે એટલે વાર્તાનો રસ જળવાઈ રહે છે. સમગ્ર વાર્તાસંગ્રહમાં સર્જકની ભાષા સહજ અને વ્યાવહારિક છે. બોલીનો ઉપયોગ સરસ થયો છે. આલંકારિક ભાષાનો નહિવત્‌ ઉપયોગ છે. છતાં કેટલાક ભાષા-લસરકા વાર્તાને નિખાર આપે છે, જેમ કે ‘એલીહાઉસ’ વાર્તામાં પતિપત્નીના સંવાદ વ્યવહારની ભાષા અને વાર્તાની ભાષા કેવી રીતે અલગ પડે એનો પણ ઉત્તમ નમૂનો છે – ‘આખો દિવસ મને એ જરાયે ગાંઠતી નથી. પવનના સપાટામાં સૂકું પાંદડું હડિયું કાઢે એમ મારી વાતને એ ખદેડી દે છે.’ ‘દીકરી છે તો પવન છે, પાંદડું છે. વાત છે... ને સાચું કહું તો આનંદમય દિવસ ને રાત છે. બાકી, આપણી સવાર-સાંજ કેવી ભેંકાર હતી. શું તું એની સાક્ષી નથી?’ ‘અમરતરુ’ વાર્તાનો વિષય આમ તો અનેક વખત વાંચવા મળ્યો હોય એવો છે. વાર્તા નાના માણસની સંબંધોનું મૂલ્ય સાચવવાની ઊંચાઈ સાબિત કરે છે. પરંતુ ભાષાની તાજગી અહીં અલગ છે. જેમ કે “એના પાલવની કોર અને પાંપણની દોર ભોમિયો બનીને મારી આસપાસ ફરતી રહેતી.”

‘ચાંદાને બાનમાં લઈને વાદળ વીફયાર્ં હતાં.’
‘પાણીમાં પડેલી ભેંશ ને પિયરમાં ગયેલી દીકરી.’.

ઉપમા, પ્રતીક અને કહેવતોનો ઉપયોગ અનેક જગ્યાએ મળી આવે છે. જેમ કે ‘સ્તબ્ધતા’ વાર્તામાં ‘એમનાં નસકોરાં નંદલાલની વાંસળી પેઠે ખીલ્યાં’ સવારનું વર્ણન કરતાં લખે છે કે “ઢોર ઢાંખર ને પશુઓ અમ્મા... અમ્મા ને એં...એં...એં... એવા ભૂખના દુઃખનું ભૈડકું વાગોળતાં, પૂછડું વીંઝોળતાં ને પગ આઘા-પાછા કરતાં ચેતનવંતા થયાં.” ઘરેલુ બોલચાલની ભાષાનો અતિરેક, વાર્તામાં ચમત્કૃત વળાંકોનો અભાવ, ઉપદેશાત્મક વિધાનો, બાલસુલભ કથનશૈલી વગેરેને કારણે કેટલીક વાર્તાઓ ઉત્તમ બની શકી નથી. પરંતુ ‘એલીહાઉસ’ જેવા મોટા વિષયને સહજ રીતે વ્યક્ત કરીને લેખક સારી વાર્તા આપી શક્યાં છે. ભવિષ્યમાં એમના તરફથી ઉત્તમ વાર્તાઓ મળતી રહે એવાં આશાસ્પદ વાર્તાકાર ગિરા પિનાકિન ભટ્ટનો આ વાર્તાસંગ્રહ સાહિત્યજગતમાં આવકાર્ય બને છે.

[ગૂર્જર પ્રકાશન, અમદાવાદ]