બે હજાર ચોવીસ સમક્ષ/કૃતિસમીપે, સર્જકસમીપે – ભરત મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વિવેચન

‘કૃતિસમીપે, સર્જકસમીપે’ : ભરત મહેતા

પ્રવીણ કુકડિયા

જથ્થો નહીં, જવાબદારીભર્યા સુકાનની અપેક્ષા

ભરત મહેતાનું આ તેરમું વિવેચનપુસ્તક છે. પોતાના વિવેચનમાં નવલકથાને વધારે મહત્ત્વ આપનાર આ વિવેચકના આ પુસ્તકમાં પણ એ સ્વરૂપના લેખો વધારે છે. આ સદીના બીજા દાયકામાં જુદાંજુદાં નિમિત્તોએ આપેલાં ભાષણો અહીં બહુલતા ધરાવે છે. સાહિત્યના કોઈ મોટા મંચ પરથી, કૃતિની ઝીણવટભરી છણાવટ કરતાં, લક્ષ્ય વાતનાં મોઢે દૃષ્ટાંત આપતા હોય ત્યારે ભલભલા વક્તાનેય એમની વાકછ્‌ટાની ઈર્ષા થાય એવા ભરત મહેતાનું એ વક્તવ્ય જ્યારે કોઈ સામયિકમાં મુદ્રણરૂપ ધરે છે ત્યારે અનેક પ્રકારના દોષો સાથે આવતું હોય છે. ઘણીવાર આ લખનારે સામયિકમાં આવેલા એમના લેખની ભૂલો બતાવી અંતિમ પ્રત સુધારી લેવાની વિનંતી કરી છે. પણ મુદ્રિત પ્રતને ફરીવાર ન જોઈ જવાની ઉદાસીનતા એમના લેખોને ક્ષતિવાળા બનાવે છે. એમના આ પુસ્તકમાં એમની પોતાની ભૂલોમાં થોડું પાર્શ્વ પ્રકાશને પણ એના તરફથી ઉમેરણ કરીને આ લેખોને સાહિત્યજગત સામે ધર્યા છે. ભરત મહેતા અધ્યાપક હોવાના નાતે એમનાં મોટાભાગનાં વિવેચનો પોતાનાં અધ્યાપન, વાચનના અનુસંધાને થયેલાં હોઈ સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકો માટે ઉપયોગી થાય તેવાં હોય છે. આ પુસ્તકમાં કોઈ સર્જકના સર્વગ્રાહી કે કોઈ વિશેષ મુદ્દાના અનુસંધાને લેખો છે, જુદાંજુદાં સ્વરૂપવિશેષના લેખો, ઉપરાંત કૃતિ-અવલોકનો છે. પણ પુસ્તકનું સરળતાથી થઈ શકે તેવું વ્યવસ્થાપન ન કરવાને કારણે અભ્યાસી તરીકે આખા પુસ્તકમાંથી પસાર થવાનો અનુભવ એક પ્રકારની રઝળપાટ સમાન બની રહે છે. અવલોકનની સરળતા ખાતર હું આ પુસ્તકના લેખોને ત્રણ વિભાગમાં – સર્જકલક્ષી લેખો, કૃતિ પરિચયો અને છૂટક પ્રકીર્ણ લેખોમાં વહેંચીશ. પછી સ્થાલીપુલાક ન્યાયે પરિચય કરાવીશ. પણ એ પહેલાં આ પુસ્તકમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે અભ્યાસીઓનું ધ્યાન દોરવું જરૂરી છે. આ પુસ્તકના નામ પ્રમાણે અહીં વિવેચક પોતે તો કૃતિ અને સર્જકની સમીપે જાય છે; અલબત્ત, આ પુસ્તકમાં આરંભે સર્જકલક્ષી લેખો છે અને પછી કૃતિલક્ષી. આ રીતે જોઈએ તો આ પુસ્તકનું નામ ‘કૃતિસમીપે, સર્જકસમીપે’ને બદલે ‘સર્જકસમીપે, કૃતિસમીપે’ હોવું જોઈએ. આવી ઘણી ક્ષતિઓનું નિવારણ કરવું સાવ સહેલું ગણાય, તેમ છતાં એમનાથી એ થઈ શક્યું નથી. બીજી વ્યવસ્થાવિષયક ક્ષતિઓ. અંદરના બીજા પાને ‘લેખકનાં અન્ય પ્રકાશિત પુસ્તકોની માત્ર યાદી આપી છે. એમાં પ્રકાશનસાલ આપેલી નથી. પછી ‘અનુક્રમ’માં લેખક્રમાંક અને પાનાનંબર અંગ્રેજીમાં આપેલાં છે. જ્યારે જે-તે પાના પર લેખક્રમાંક અંગ્રેજીમાં અને પાનાનંબર ગુજરાતીમાં છે. આ પુસ્તકનો છેલ્લો લેખ ‘મધ્યકાલીન સાહિત્ય- સંશોધનના પ્રશ્નો’ છે; એ લેખને અંતે એ લેખ કરવામાં ઉપયોગમાં લીધેલા સંદર્ભગ્રંથોની યાદી આપી છે. લેખ છેલ્લા અડધા પાને પૂરો થાય છે પછી, એની તરત નીચે નહીં પણ સામેના પાને એ યાદી મૂકેલી છે. જેને ‘અનુક્રમ’માં આખા પુસ્તકના સંદર્ભગ્રંથોની યાદી તરીકે ખપાવી છે! પુસ્તકમાં કુલ ચોત્રીસ લેખો સમાવવામાં આવ્યા છે. એમાં એકપણ લેખને અંતે સમુચિત રીતે સમય-સંદર્ભ આપેલો નથી. વિવેચનપુસ્તકમાં આવી બાબતો બહુ મહત્ત્વની હોય છે. અપવાદરૂપે છ લેખને અંતે સંદર્ભ અપાયો છે; તો ત્યાં કોઈપણ પ્રકારની એકસૂત્રતા રાખવામાં આવી નથી. ‘પ્રતિબદ્ધ સર્જક : ઉમાશંકર જોશી’ લેખને અંતે સંદર્ભ છે : ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા (૨૦૧૧), સં. ચંદુ મહેરિયા, મનીષી જાની, સ્વાતિ જોશી.’ હવે આમાં પ્રકાશનવિગત આપેલી ન હોવાથી કશું સ્પષ્ટ થતું નથી.(પૃ. ૪૩) આવા જ પ્રકારના અધૂરા સંદર્ભો પૃ. ૧૫૧, ૨૧૧, ૨૪૨, ૨૮૨, ૨૯૪, ૩૫૬ ઉપર પણ છે. આ પુસ્તકમાં સમાવાયેલા અમુક લેખોને અપાયેલાં શીર્ષકો ગેરમાર્ગે દોરે છે. ‘વિદ્રોહમૂલક દલિત કવિ : શંકર પેન્ટર’ આ શીર્ષક વાંચતાં એમ લાગે કે અહીં આ કવિની કવિતાને આધારે એમની વિદ્રોહી છબી ઉપસાવવામાં આવી હશે. ખરેખર આ લેખમાં આ કવિના ‘હાચ્ચે હાચ્ચું બોલન્‌અ ફાડ્યા’ નામના કાવ્યસંગ્રહનું અવલોકન છે. ‘વ્યાપક બનતું જતું દલિતસાહિત્યવિવેચન’ લેખમાં પણ આવું જ બન્યું છે. આ લેખ રતિલાલ કા. રોહિતના ‘વાત આપણા દલિતસાહિત્યની’ નામના વિવેચનસંગ્રહનું અવલોકન છે. આ અવલોકનનો બીજો ફકરો આમ શરૂ થાય છે : ‘આજે કાન્તિ માલસતર, હરીશ મંગલમ્‌, રતિલાલ રોહિત, ભી. ન. વણકર....ની દલિતસાહિત્યસમીક્ષા ધારદાર બની રહી છે. એમાં હવે એક નવું નામ રતિલાલ કા. રોહિતનું ઉમેરાઈ રહ્યું છે’ (પૃ. ૨૪૦) અહીં આપણને પ્રશ્ન થાય કે રતિલાલ રોહિત અને રતિલાલ કા. રોહિત જુદાજુદા હશે? પછી ‘હાઈકુમાં પ્રગટ થતી સામાજિક નિસબત’ જેવું વ્યાપક શીર્ષક ધરાવતો લેખ ધનંજય ચૌહાણના ‘તણખાનું તેજ’ નામના હાઈકુસંગ્રહનું અવલોકન- માત્ર છે. તો ‘એક એક પે અદકાં મોતી’ નામના લેખનું શીર્ષક પણ આ પ્રકારનું છે. (પૃ. ૨૧૦) આવી ક્ષતિઓ અભ્યાસીઓને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગી થઈ શકે તેવા આ પુસ્તકમાં ન હોવી જોઈએ. ઉપરાંત આખા પુસ્તકમાં વિવેચકને અનુસ્વાર ક્યાં આવે અને ક્યાં ન આવે એનો ખ્યાલ ન હોવાથી બધાં જ લખાણોમાં આ વિષયક અરાજકતા ઊડીને આંખે ખૂંચેે છે. ઉપરાંત અમુક જગ્યાએ મુદ્રણ કરવાવાળાએ શબ્દના છેલ્લા અક્ષર પર અનુસ્વાર મૂકી દઈને આ અરાજકતાને વધારે ઘેરી બનાવી છે. અમુક જગ્યાએ સર્જકનાં, કૃતિનાં નામ ભૂલોવાળાં છપાયાં છે. આ ઉપરાંત બીજી ઘણી ક્ષતિઓ મેં ઉપયોગમાં લીધેલી પ્રતમાં નિર્દેશી જ છે. અહીં પ્રસ્તારના ભયે નોંધતો નથી. આટલી નુક્તેચીની આ પુસ્તકનાં ઉધાર પાસાં સંદર્ભે કરવી મને અતિ જરૂરી લાગી છે. સાહિત્યજગતમાં નીવડેલા લેખકોએ નવીનો માટે રોલમોડેલની ભૂમિકા ભજવવાની હોય છે. ભરત મહેતા જેવા નીવડેલા વિવેચક પાસેથી આપણને વિવેચનમાં ઉત્તમ અને કંઈક અંશે નવીનની અપેક્ષા રહે તે સ્વાભાવિક ગણાય. અંગત રીતે તો હું એમ કહું કે ભરતભાઈની ક્ષમતા જોતાં એમની પાસેથી ગુજરાતી વિવેચન કોઈ સઘન કાર્યની રાહ જુએ છે. આ પુસ્તકમાં આરંભે મૂકવામાં આવેલા વ્યક્તિપરિચયો જે-તે વ્યક્તિના લક્ષ્ય પાસાને સર્વગ્રાહી રીતે રજૂ કરવાના પ્રયત્ન રૂપે આપણી સામે આવ્યા છે. આમાં વીસમી સદીમાં થઈ ગયેલા મુનશી, જવાહરલાલ નહેરુના અભિગમને આગળ કરીને એમનું ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યાંકન કે પુનઃમૂલ્યાંકન છે. મુનશીની નવલકથાઓનાં પાત્રો પુરાણ કે ઇતિહાસની બહાર નીકળી વર્તમાન સમયસંદર્ભ સાથે અનુસંધાન ન જોડી શક્યાં એ પ્રકારનું નિરીક્ષણ વજૂદવાળું છે. ‘પ્રતિબદ્ધ સર્જક’ શીર્ષકતળે અહીં ચાર સર્જકો ઉમાશંકર જોશી, જયંતિ દલાલ, કાનજી પટેલ, કુલબર્ગીના સાહિત્યસર્જનમાં એમની કેવા પ્રકારની નિસબત પ્રગટ થાય છે તેનું વિસ્તૃત રીતે આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દલિતસાહિત્ય વિષે સાત લેખો છે. ઉમેશ સોલંકીની ‘ફેરફાર’ નવલકથાના સંદર્ભે વિવેચકનો દલિતસાહિત્ય પ્રત્યેનો અભિગમ આમ પ્રદર્શિત થાય છે : ‘જ્યારે ‘ફેરફાર’ નવલકથામાંથી પસાર થયો ત્યારે દલિત નવલકથામાં હું જે ઝંખું છું તે, સાંપ્રત સમય ઝિલાયેલો નજરે પડતાં મને ગમી.’ (પૃ. ૧૭૫) ગુજરાતી સાહિત્યમાં આ ધારાના સાહિત્યને કઈ રીતે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યું એની વાત આ લેખોમાં તારસ્વરે કરવામાં આવી છે. ‘વિદ્રોહમૂલક દલિત કવિ : શંકર પેન્ટર’ લેખમાં આ કવિનાં કાવ્યોની હેતુલક્ષિતાનું બહુમાન કરતાં લેખક નોંધે છે : ‘આ સંગ્રહની રચનાઓ મહાન કવિતા નથી, અમર કવિતા નથી, પણ આજની ઘડીએ જરૂરી એવી કવિતા છે. એની પ્રસ્તુતતા એનો વિશેષ છે.’ (પૃ. ૧૧૫) રતિલાલ કા. રોહિતના વિવેચનગ્રંથ ‘વાત આપણા દલિતસાહિત્યની’માંના ‘ગુજરાતી દલિતસામયિકો : એક દૃષ્ટિપાત’ લેખ વિષે લખતાં, આ સાહિત્ય અને એનાં સૂત્રધારસમાં દલિત સામયિકોને કેવો અન્યાય કર્યો છે તેની વાત આમ કરવામાં આવી છે : ‘મુખ્ય ધારાનાં સામયિકો વિષે આપણે ત્યાં કિશોર વ્યાસ, હસિત મહેતા કે રમણ સોની કામ કરે છે. પરંતુ દલિત સામયિકોને તપાસવાનું ઘણીવાર ચુકાયું છે. હજુ આપણે ત્યાં ‘નયામાર્ગ’માં આવતી સાહિત્યસામગ્રીને સાહિત્યસૂચિમાં આવરી લેવાનો છોછ અકબંધ છે... મુખ્ય ધારાનાં સામયિકોના વિશેષાંકો વિષે આપણે ત્યાં ઊલળીઊલળીને વાતો થાય છે, પરંતુ દલિત સાહિત્યના વિશેષાંકો વિષે મીઠું [મીંઢું?] મૌન ધારણ કરાતું હોય છે.’ (પૃ. ૨૪૨) તો ડૉ. ધનંજય ચૌહાણના ‘તણખાનું તેજ’ નામના હાઈકુસંગ્રહનું અવલોકન છે એમાં બાળ દલિત નાયકની વેદના આપણને પણ પણ સ્પર્શી જાય તેવી છે. ‘શિક્ષક મારે સૌ છાત્રોને હાથથી, મને સોટીથી’ (પૃ. ૨૪૪) આ પુસ્તકમાં અમુક નીવડેલી ભારતીય નવલકથાઓનો પરિચય મળે છે. જેમકે વીરેન્દ્ર જૈનની ‘ડૂબ’, ફણીશ્વરનાથ રેણુની ‘મૈલા આંચલ’, ગીતાંજલિશ્રીની ‘રેત સમાધિ’, શરદબાબુની ‘પલ્લીસમાજ’. આ કૃતિઓનો સામાન્ય પરિચય સાંપડી રહે તેવા, પ્રમાણમાં ટૂંકા પટવાળા આ લેખો છે. ‘મૈલા આંચલ’ નવલકથાના વિષય અને હાર્દને ટૂંકમાં રજૂ કરતાં વિવેચક લખે છે. ‘ એક સામંતી સમાજ રાષ્ટ્ર બનવા જઈ રહ્યો હતો ત્યારે કેવાંકેવાં કંપનો અનુભવ્યાં તેનો જીવંત દસ્તાવેજ મૈલા આંચલમાં છે.’ (પૃ. ૨૫૭) તો વીસ પાનાંમાં વિસ્તરેલું ‘પલ્લીસમાજ’નું અવલોકન આ બૃહદ્‌ નવલકથાનું રસદર્શી આલેખન બની રહે છે. અંતે લેખક આ નવલકથાને ભારતની ગ્રામસુધારણા-લક્ષી નવલકથાઓમાં અગ્રહરોળમાં મૂકે છે. બુકર પ્રાઇઝ વિજેતા કૃતિ ‘રેત સમાધિ’ની નવીન શૈલીની બહુમાનના કરીને પણ અંતે કહે છે ‘રેત સમાધિને બુકર પ્રાઇઝ મળ્યું છે તેથી અવશ્ય એ સારી કૃતિ છે, પરંતુ એ ભારતની શ્રેષ્ઠ કૃતિ નથી. એનું સીધું કારણ એ છે કે જેની અનુવાદો કરાવવાની પહોંચ નથી એ પ્રાદેશિક કૃતિઓ તો બુકર સુધી પહોંચતી નથી.’ (પૃ. ૨૯૪) ‘સંસ્કૃતિરાણી દેસાઈની કવિતાઓ’, ‘હસમુખ બારાડીનાં નાટકો’, ‘જયભિખ્ખુનું ઇતિહાસદર્શન’, ‘આપદ્‌ધર્મે વિવેચક ચિનુ મોદી’ લેખોમાં જે-તે સર્જકના જે-તે સ્વરૂપવિશેષમાંના પ્રદાનની નોંધ ક્યાંક ટૂંકમાં તો ક્યાંક પહોળા પટે લેવામાં આવી છે. હસમુખ બારાડીની નાટક પ્રત્યેની નિસબતને અધોરેખિત કરીને એમણે નાટ્યલેખન સાથે જ નાટ્યમંચનની પણ કેવી રીતે ખેવના કરી એ એમનાં નાટકોને સામે રાખી બતાવી આપ્યું છે. તો ‘ભારતીય નવલકથામાં ભારતીય ઇતિહાસ’, ‘ચૈતન્ય મહાપ્રભુના ભક્તિઆંદોલન વિષે કેટલાંક નિરીક્ષણો’ અને મધ્યકાલીન સાહિત્યસંશોધનના પ્રશ્નો’ જેવા પ્રકીર્ણ લેખો પણ અહીં સમાવવામાં આવ્યા છે. છેલ્લા લેખમાં એમણે નગીનદાસ પારેખ અને મોહનભાઈ પટેલના આ સંદર્ભેના કાર્યની સમીક્ષા કરી મધ્યકાલીન સાહિત્યસંશોધન કેવી ચોક્કસાઈ અને નિષ્ઠા માંગે તેનું સદૃષ્ટાંત વિવરણ કર્યું છે. આ વિષયના સંશોધનમાં સંશોધક પાસે કળામીમાંસા, ભાષાવિજ્ઞાન અને જ્ઞાનમીમાંસાની જાણકારી અપેક્ષિત છે એ ન હોય તો આ કામ ક્યારેક કેવું સાવ નિરર્થક બની રહેતું હોય છે એની વાત કરી છે. આમ, વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્યમાં માત્ર વિવેચનને જ સમર્પિત રહેનારા સાવ ઓછા થતા જાય છે ત્યારે ભરત મહેતા જેવાએ સાચા અર્થમાં ગુજરાતી વિવેચનને પોતાની ક્ષમતાનો લાભ આપવો હશે તો નવોદિત વિવેચકોની સામે એમના રોલમોડેલ બની રહે તેવું સઘન, સાફસૂથરું, નક્કર-નવીન આપવું પડશે. એમની પાસેથી હવે આમ જથ્થો નહીં જવાબદારીભર્યું સુકાન જોઈએ.

[પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.]