બે હજાર ચોવીસ સમક્ષ/કેવળ સફરમાં છું – રઈશ મણિયાર
કવિતા
જિતુભાઈ ચુડાસમા
એક કવિની સફરનો દસ્તાવેજ
ગઝલ ગુજરાતી કવિતાના અન્ય કોઈપણ સ્વરૂપ કરતાં વધુ લોકપ્રિય છે. પરંતુ લોકપ્રિયતા એ કળા કે સાહિત્યનો એવો માપદંડ નથી, કે જેના આધારે જે-તે કળા કે સાહિત્યસ્વરૂપની ઉચ્ચવચ્ચતાનું સંપૂર્ણ અને તટસ્થ આકલન કરી શકાય. પરંતુ છેલ્લાં પોણો સો વર્ષ અને ખાસ કરીને એકવીસમી સદીની પહેલી પચ્ચીસીમાં ગઝલનું આંતરસત્ત્વ ઘણું જ બદલાયું છે. આ સંદર્ભે વર્તમાનમાં લખાતી ગુજરાતી ગઝલોનો અભ્યાસ બહુ વિશાળ પટ ધરાવે છે. ‘કેવળ સફરમાં છું’ એ સાડા ત્રણ દાયકાથી ગુજરાતી ગઝલમાં યોગદાન આપી રહેલા કવિ રઈશ મનીઆરનો ચોથો ગઝલસંગ્રહ છે. આ સંગ્રહમાં કુલ ૧૧૩ ગઝલો છે. એમાંથી અંતિમ ત્રણ ગઝલો અગાઉના સંગ્રહમાંથી કવિએ પુનઃપ્રકાશિત કરી છે. આ ઉપરાંત ૧૪ મુક્તકો/શેરયુગ્મો છે. આકારની દૃષ્ટિએ જોઈએ તો ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ નવ શેર સાથેની આ ગઝલોમાં સરેરાશ સાતથી આઠ શેર છે. મોટાભાગની ગઝલો ટૂંકી અને મધ્યમ બહેરમાં લખાઈ છે. એક-બે ગઝલોને બાદ કરતાં લાંબી બહેરનો ઉપયોગ ટાળવામાં આવ્યો છે. છંદની દૃષ્ટિએ આ ગઝલસંગ્રહમાં દસ જેટલા છંદો પ્રયોજાયા છે. એમાં પણ અમુક છંદોમાં ક્યાંક લઘુ-ગુરુનાં આવર્તનોમાં વધારો-ઘટાડો કરીને મિશ્ર છંદો પણ ઠીકઠીક ખપમાં લેવામાં આવ્યા છે. એ રીતે આ ગઝલોમાં ઘણું છંદવૈવિધ્ય રહેલું છે. ગઝલના છંદોમાં ઘણી જગ્યાએ છૂટ લેવામાં આવી છે, પરંતુ એ છૂટને કારણે ગઝલના આંતરબાહ્ય આકારને કોઈ હાનિ પહોંચતી હોય એવું જણાતું નથી. આ ગઝલોમાં પરંપરિત રદીફ-કાફિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રદીફ તરીકે સામાન્ય રીતે ક્રિયાવાચક પદોનું પ્રમાણ વધારે છે. સંગ્રહની ત્રણ-ચાર ગઝલો રદીફ વિનાની પણ છે. મત્લા અને મક્તામાં પણ પરંપરાનું અનુસરણ માત્ર થયું છે. કોઈ-કોઈ ગઝલોમાં મત્લાને ચાર-પાંચ શેર સુધી લંબાવવામાં આવ્યા છે. મક્તાના શેર બહુ ઓછી ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. આમ, બાહ્ય આકારની દૃષ્ટિએ આ ગઝલો સંપૂર્ણ રીતે પરંપરાના પાયા પર ઊભી છે. કોઈપણ પ્રકારના નાવીન્ય કે પ્રયોગનો આશરો લીધા વગર, પ્રયત્ન કર્યા વગર ગઝલનો ગુજરાતી ભાષામાં પ્રવેશ સમયે જે આકાર હતો, એને આ સંગ્રહમાં જાળવી રાખવામાં આવ્યો છે. આંતરસત્ત્વની દૃષ્ટિએ આ ગઝલોને જોઈએ. ગઝલોમાં વ્યક્ત થતું કવિનું ભાવવિશ્વ નિરાળું છે અને તે અંગતથી બિન-અંગત સુધી વિસ્તરે છે. આ ગઝલો દ્વારા કવિને કશું બતાવવું નથી, માત્ર વ્યક્ત થવું છે. ચારેબાજુ અભિવ્યક્ત થવાની હોડ વચ્ચે આ કવિ પ્રથમ ગઝલના મત્લામાં જ પોતાની આ ગઝલયાત્રાનું પ્રયોજન જણાવી દે છે.
‘કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી
રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી’
સફરનો આનંદ લૂંટવાની કવિની મંશા આ સંગ્રહની ઘણી ગઝલોમાં વ્યક્ત થઈ છે. આ ગઝલસંગ્રહમાં કવિનું અનુભૂતિવિશ્વ સુપેરે ઉઘાડ પામે છે. કવિના આગવા મિજાજથી તરબતર આ ગઝલોમાં મસ્તી છે, ફકીરી છે, બેફિકરાઈ છે, ચિંતા છે, જીવન છે, મૃત્યુ છે, કવિતા છે અને કવિતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ છે. વિરહ, વેદના, સુખ-દુઃખ, પ્રણય, પ્રકૃતિ, પુરુષાર્થ, પ્રારબ્ધ, ઈશ્વર, ધર્મ, સમાજ... જેવા, જીવન સાથે જોડાયેલા અનેકાનેક વિષયો છે. વ્યક્તિથી સમષ્ટિ સુધી અને ક્ષણથી શાશ્વત સુધી વિસ્તરવાના કવિના પ્રયાસો આ ગઝલોમાં જણાય છે. આ સાથે એ બાબત પણ નોંધવી જોઈએ કે વર્તમાન સમયમાં ગુજરાતી ગઝલોમાં વિવિધ વિષયો જે રીતે પ્રયોજાય છે, એવી અભિવ્યક્તિની કોઈ નવીન રીતિ આ ગઝલોમાં જોવા મળતી નથી. પરંપરા તરફનો ઝોક તેમજ પ્રયોગશીલતા પરત્વેની ઉપેક્ષા આ ગઝલોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. તોપણ આ સંગ્રહમાંની અમુક ગઝલો આ સંદર્ભે આસ્વાદ્ય બની છે. કેટલાક શેર દ્વારા આ બાબતનાં પ્રમાણો આપી શકાય એમ છે.
‘બોર કેવાં હોય છે, શબરીને પૂછો
રામને પૂછો તો એ મીઠાં જ કહેશે’
‘એ જ જળમાં અંતે હું ડૂબી ગયો
જેને માટે મેં કહ્યું, ‘આભાસ છે...’
‘કામના ચોંટી છે ભગવા વસ્ત્રને
હોય જો હિંમત તો ખંખેરી જુઓ’
ગઝલસંગ્રહની પ્રસ્તાવનામાં કવિ પોતે જણાવે છે કે, “મારી કવિતામાં મેં માત્ર માણસના અસ્તિત્વની વેદનાનું ગૌરવ કર્યું છે. કોઈ વિચારધારા, કોઈ પંથ, કોઈ વાદ, કોઈ સંપ્રદાય કે કોઈ શાસ્ત્રનું કાયમી અવલંબન મેં લીધું નથી. મારી કવિતા નિરાલંબનમાંથી આવે છે.” (પૃ. vi) અહીં વ્યક્ત થવા માટે વાણી છે, પણ વલવલાટ નથી. ધર્મ અને અધ્યાત્મના રંગો પણ આ ગઝલોમાં છે, પરંતુ એ રંગો એટલા ભડકાઉ કે બોલકા નથી. કોઈકોઈ ગઝલોમાં સમાજવાદ પણ ડોકિયું કરે છે, તો વળી કોઈ ગઝલમાં બાળક પરત્વેની અભિમુખતા પણ દેખાય છે. પરંતુ આ પ્રકારની અભિવ્યક્તિમાં ક્યાંક મુખરતા પણ પ્રવેશી જાય છે, જેનાથી બચી શકાયું હોત. આ ગઝલોમાં જીવાતા જીવનનો પડઘો પડતો હોવાથી જીવનની ફિલસૂફી આબાદ રીતે વ્યક્ત થઈ છે. આ સંદર્ભે આ સંગ્રહની ‘કંઈ નથી’ (પૃ. ૯), ‘મંદિરો માટે તો...’ (પૃ. ૨૪) ‘દરજ્જો નહીં આપું’ (પૃ. ૨૮), ‘મૂલ્યવાન છે’ (પૃ. ૮૨), ‘મને મેં જીવતો રાખ્યો’ (પૃ. ૮૩), ‘ચાલ્યાં, જુઓ’ (પૃ. ૯૯) વગેરે ગઝલો ભાવની સઘનતા, ઊર્મિનું પ્રાબલ્ય, વિચારની પરિપક્વતા, આગવા મિજાજ તેમજ છંદ, લય અને અર્થના સાયુજ્યથી રચાતા કાવ્યસૌંદર્યને કારણે અત્યંત ધ્યાનાકર્ષક છે. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે સાવ સામાન્ય સ્તરની ગઝલો પણ આ સંગ્રહમાં છે. કોઈ ગઝલ પોતાના બાહ્ય આકારને જાળવ્યા પછી પણ કવિતા નથી બની શકતી એની પાછળ અનેક કારણો હોય છે. શુષ્ક અને ચીલાચાલુ દાવા-દલીલો, તુકબંધી, છંદ સાચવવા માટેના પ્રયત્નો, છંદદોષ, ભરતીના શબ્દો વગેરેની ઉપસ્થિતિના કારણે આ સંગ્રહની ઘણી ગઝલો અપરિપક્વ રહી ગઈ છે અને ભાવસઘન બની શકી નથી. આ સંગ્રહના અંતે મૂકવામાં આવેલાં શેરયુગ્મો/મુક્તકો કવિચિત્તમાં જન્મેલા તણખા છે. ગઝલની સરખામણીમાં મુક્તકનું ઘડામણ સર્જકતાની કસોટી કરનારું હોય છે. માત્ર બે શેર જેટલી જગ્યામાં એક આખું ભાવવિશ્વ રચીને મુક્ત થઈ જવાનું હોય છે. સંગ્રહમાંનાં માત્ર બેત્રણ શેરયુગ્મો/મુક્તકો ભાવકના ચિત્તમાં અંકિત થઈ શકે એવાં સબળ છે, એ સિવાયનાં માત્ર કવિએ કરેલી કવાયત લેખે નોંધી શકાય એવાં છે. બીજી એક બાબત આ ગઝલસંગ્રહ નિમિત્તે ખાસ નોંધવા જેવી છે. ગુજરાતી ગઝલનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી અભ્યાસ કરતાં ખ્યાલ આવશે કે બાલાશંકર, ‘કલાપી’થી ગુજરાતીમાં ઉદય પામતી ગઝલ ઘણાં વર્ષો પછી ‘શયદા’, ‘ઘાયલ’, ‘બેફામ’ જેવા ગુજરાતીઓની ભાષાથી ગુજરાતીતા ધારણ કરે છે. સાંપ્રત સમયમાં ગઝલ જે રીતે ગુજરાતી ભાષામાં એકરૂપ બની ગઈ છે એ જોતાં એનાં મૂળ અરબી-ફારસીમાં રહેલાં છે, એ કળવું પણ હવે મુશ્કેલ છે. પરંતુ આ ગઝલસંગ્રહ સંદર્ભે આ વાત થોડી વિચારણીય બની જાય છે. આ ગઝલો વાંચતાં ગુજરાતી ગઝલનો પ્રારંભિક તબક્કો સાંભરી આવે છે. આ ગઝલોમાં પ્રયોજાયેલા ઘણા શબ્દો આ વાતની સાહેદી પૂરે એમ છે. કેટલાક શબ્દો જોઈએ – તન્હાઈ, શોરો-ગુલ, દીવાનગી, બેકરારી, ખતા, મલાલ, બરી, તૈરાકી, ફર્ક, બયાન, પ્યાજ, ગુફ્તગૂ, ગિરફ્ત, બાઇજ્જત, દરાર, રિયાસત, દૌલત, મુહબ્બત, ઇબાદત, પ્યાસ, હેરત, દિક્કત, સલ્તનત, શરાફત, ખ્વાબ, દાયરો, ખામોશ, દર્દો-ગમ, નિગાહ, પનાહ, ગુનાહ... આમાંના ઘણા શબ્દો ગઝલમાં ઓગળી જવાના બદલે સપાટી પર તરતા રહે છે. ગઝલનું ગુજરાતીપણું આ શબ્દપ્રયોગોને કારણે ઝાંખું પડે છે. ગઝલોમાં ખપપૂરતા અંગ્રેજી ભાષાના શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો વગેરેનો પણ યથોચિત વિનિયોગ થયો છે. સાહિત્યના એક સ્વરૂપ તરીકે ગઝલની માવજત કરવાના પ્રયત્નો આ ગઝલોમાં જણાઈ આવે છે. પરંતુ ગુજરાતી ગઝલના આંતરિક કે બાહ્ય સ્વરૂપમાં કશું ઉમેરણ કરવાની ક્ષમતા આ ગઝલોમાં છે કે કેમ એ પ્રશ્ન છે. એ પણ કહેવું જોઈએ કે કવિ આ ગઝલો દ્વારા, પોતાની સર્જકપ્રતિભાના જોરે ગુજરાતી ભાષાના સામર્થ્ય અને સૌંદર્યનો પરિચય કરાવવાની તક ચૂકી ગયા છે. આ સંગ્રહ કવિની એક આગવી સફરનો દસ્તાવેજ ભલે હોય, પરંતુ ભવિષ્યમાં આ સફરમાં નવા વળાંકો આવે અને ગુજરાતી ગઝલને નવા મુકામો પ્રાપ્ત થાય એવી આશા સાથે સંગ્રહમાંથી કેટલાક ઉમદા શેરનું આચમન કરીએ.
‘એ વજન પણ ઉતારીએ ક્યારેક
તનને માથે આ મનનો બોજ ન હો’
‘કાં ફરો ઓળખનો ખોટો ભાર લઈ
પ્યાર લઈ નીકળો, પ્રવાસી! પ્યાર લઈ’
‘હવે જળ કે મૃગજળ, ન ઝંઝટ પરખની
તરસનું હો ગૌરવ, તરસતાં જવું છે’
[ઝેન ઓપસ, અમદાવાદ]