બે હજાર ચોવીસ સમક્ષ/કોતરમાં રાત – હિમાંશી શેલત

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ટૂંકી વાર્તા

‘કોતરમાં રાત’ : હિમાંશી શેલત

હર્ષદ ત્રિવેદી

અંતિમ અધ્યાયની વાર્તાઓ

થોડા સમય પહેલાં, કુવેમ્પુ પુરસ્કારથી ભારતીય કક્ષાએ પોંખાયેલાં આપણી ભાષાનાં મહત્ત્વનાં વાર્તાકાર હિમાંશી શેલતનો આ બારમો વાર્તાસંગ્રહ છે. કાયમને માટે જેની નોંધ લેવી પડે એવી અનેક વાર્તાઓ એમણે આપી છે. એમાં સામાજિક નિસબત અને વાર્તાકળાનો અપૂર્વ સુમેળ છે. બહુ નાના ફલક ઉપર પણ લાઘવપૂર્ણ રીતે મોટું સંવેદન મૂકી જવાની એમની કુશળતા, ગુજરાતી ટૂંકીવાર્તાને એક સાહિત્યસ્વરૂપ લેખેય ચકાસતી રહી છે અને નવાનવા મુકામો પણ બતાવતી રહી છે. મોટે ભાગે એમની વાર્તાઓ સ્ત્રીકેન્દ્રી કે શોષિતકેન્દ્રી રહી હોવાની વ્યાપક છાપ છે. પણ હિમાંશીબહેને ફક્ત અને ફક્ત સ્ત્રી હોવાને નાતે આ વાર્તાઓ લખી નથી. સ્ત્રીને નિમિત્ત કરીને પણ એમણે વાત તો મનુષ્યની વ્યાપક સંવેદનાની, પીડાની, કશ્મકશની અને માનવનિયતિની ભીષણતા કે વિડંબનાની જ કરી છે. તરત જ એમની જાણીતી વાર્તાઓ ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘બળતરાનાં બીજ’, ‘સામેવાળી સ્ત્રી’, ‘ઇતરા’, ‘ખાંડણિયામાં માથું’, ‘કિંમત’, ‘બારણું’, ‘ખરીદી’, ‘ગૂંચ’ વગેરે યાદ આવે. ‘તમે તમારાથી જે કંઈ અપાયું તે આપી દીધું, અગાઉની વાર્તાઓમાં. હવે એ સ્તરે ન પહોંચાય અથવા કંઈક નવીન ન થાય તો કોઈ અન્ય સ્વરૂપને અજમાવો ને!’ આવા કોઈ પ્રતિભાવના પ્રતિભાવમાં જ કદાચ આ વાર્તાસંગ્રહના નિવેદનમાં એમણે એક કબૂલાત કરી છે : ‘– થયું કે બરાબર છે. જે કર્યું એનાથી ઊંચું કે વિશિષ્ટ ન થાય, અભિવ્યક્તિનું પુનરાવર્તન થતું રહે, તો કલમ મૂકવી બાજુ પર. આમ છતાં સામાજિક અને રાજકીય વાતાવરણે પીછો ન છોડ્યો. બળબળતા મુદ્દાઓનો દાહ એવો, કે તરફડાટ અંતે કાગળ પર અવતરવાનો જ આગ્રહ સેવે.’(પૃ. ૪) બસ, અહીંથી જ એક પ્રશ્ન ઊઠે કે એ બળબળતા મુદ્દાઓનો દાહ જ રહે છે કે પછી વાર્તામાંથી ‘આહ’ પણ ઊઠે છે? આ પ્રશ્નનો જવાબ અહીં સંગ્રહાયેલી બાર વાર્તાઓ અને ત્રણ સર્જનાત્મક રીતે લખાયેલા સામાજિક દસ્તાવેજો દ્વારા મેળવવાનો પ્રયત્ન કરીએ. સમાજમાં એવીએવી ઘટનાઓ ઘટે છે કે એ કોઈપણ સંવેદનશીલ સાહિત્યકારની સર્જકતાને પડકારે. એક સાહિત્યકારની નિસબત શી હોઈ શકે એ જોવા માટેય આ વાર્તાઓ વાંચવી જોઈએ. ‘વણનોંધાયેલી ઘટના’(પૃ. ૭)માં, એક સ્ત્રી છે જે પોતાનું માથું અને મોં ઢાંકીને બસ માટેની કતારમાં ઊભી છે. વર્ષો પહેલાં એના ઉપર બળાત્કાર થયેલો છે. એની આંખ સામે જ અઢી-ત્રણ વર્ષની દીકરીને દીવાલ સાથે અફળાવીને મારી નાખવામાં આવી છે. માત્ર બળાત્કાર જ નહીં, હિંસા પણ. એ વખતે કુલ પાંચ વ્યક્તિએ જીવ ગુમાવેલા. હ્યુમન રાઇટ્‌સવાળાઓની મદદ મળી અને વર્ષો સુધી કેસ ચાલ્યો. છેવટે એ બધા પાપીઓને સજા થઈ ને જેલ ભેગા થયેલા. સ્ત્રીના મન ઉપરથી એ દુર્ઘટનાનાં પોપડાં ખરી પડેલાં. પણ આ શું? એ સ્ત્રીની નજર એક પુરુષના રેલિંગ ઉપર સરકતા હાથ ઉપર જાય છે ને ઓળખી જાય છે કે આ તો પેલો બળાત્કારી હાથ! જાડાં ડરામણાં આંગળાં, અંગૂઠાનો તૂટેલો નખ વગેરે... અને એના શરીરનું લોહી ઊડી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે બળાત્કારીઓ છૂટી ગયા છે. ભયનું એક લખલખું આખા શરીરમાં ફરી વળે છે અને એ કામ પર જવાનું માંડી વાળીને કતારમાંથી નીકળી જાય છે. ઘેર પાછી આવી જાય છે. ભાષા પરથી ખ્યાલ આવી જાય છે કે આ સ્ત્રી મુસ્લિમ છે. ઘરવાળાને પૂછે છે : ‘શું આ બધા છૂટી ગયા?’ પતિ પણ એની વાતને બહુ મહત્ત્વ નથી આપતો કેમ કે આ ઘટનાને સત્તર વર્ષ ઉપરનો સમય થઈ ચૂક્યો છે. કહે છે કે જેલમાં એમણે સારું વર્તન કર્યું હતું એટલે એમને આઝાદીના જશ્નની ઉજવણીનો લાભ મળ્યો..! લેખિકાએ એ સ્ત્રીની મનોયાતના બહુ ઓછા લસરકામાં આંકી આપી છે. ટૂંકમાં સમાજ કેવો તો બરડ છે કે બળાત્કાર અને હત્યાને પણ રૂપિયા ચાલીસ લાખના વળતર સામે ભૂલી જવા માગે છે. જાણે કે આ ઘટના નોંધાઈ જ નથી એમ બધું રાબેતા મુજબ ચાલવા લાગે છે. પીડાય છે તે ફક્ત પેલી સ્ત્રી! એના મનનું પાણી ઠર્યું નથી, ઊકળી રહ્યું છે. આ વાર્તા એટલા માટે વાર્તા બને છે કે લેખિકાએ ભાવિ પેઢીને પણ આમાં સાંકળી છે. આવી ઘટનાના પડછાયા ક્યાં સુધી લંબાય છે તે દર્શાવ્યું છે. જેલમાંથી છૂટેલા દાદાને એનો પોતરો પૂછે છે : ‘તમારે કેમ તાં જેલમાં જવું પઈડું? તાં તો લુચ્ચાલફંગા જ જાય એમ સર કે’તા તા. તમે કઈ રીતે તાં?’ દાદાને પેટમાં ચૂંથારો થાય છે ને એ જવાબ ગળી જાય છે. એમને જો રિક્ષા મળી જાય તો પોતરાને લઈને સંતાઈ જવું છે. લેખિકાએ આ ઘટના ન લખી હોત તો આ વાર્તામાં નવું પરિમાણ ઉમેરાયું ન હોત. બીજી એક મહત્ત્વની વાર્તા છે ‘ગૂંચ’. ખંડિત થવાના આરે લટકેલું દામ્પત્ય છે. આધેડ વયનાં પતિ-પત્ની કાયમી ધોરણે છૂટાં થઈ જવાનો પાકો પ્લાન કરીને બેઠાં છે. વ્યવધાન છે તે યુવાન દીકરો પલાશ. કેમ કે એને આ ઘટનાની જાણ થવા દેવાની નથી. એટલે બંનેએ નક્કી કરી લીધું છે કે કેલિફોર્નિયામાં રહેતા મામાને ત્યાં એને અભ્યાસ અને કારકિર્દીને નામે મોકલી આપવો. ત્યાં પણ એવું છે કે મામાનો યુવાન દીકરો અકસ્માતમાં ગુજરી ગયેલો છે. એટલે એક પંથ ને દો કાજ. મામા-મામીનેય સારું લાગે ને પલાશની જિંદગી બની જાય, વળી અહીંની વાસ્તવિકતાની એને તરત તો જાણ પણ ન થાય! આગળ ઉપર જોયું જશે એમ બંનેએ ધારી લીધું છે. વાર્તાકારે પતિ-પત્નીનાં નામ સહેતુક નથી આપ્યાં, એમને સ્ત્રી અને પુરુષ તરીકે જ વર્ણવ્યાં છે. કેમ કે બંને જણ ગણતરીઓની લ્હાયમાં પતિપત્ની અને માબાપ મટી ગયાં છે. પોતાનો અસલી ચહેરો અને વિશ્વાસ ગુમાવી બેઠાં છે. વાર્તામાં બે જ નામ આવે છે એક પલાશ અને બીજું પુરુષના મિત્ર વિરાટનું. પુરુષ કોઈ અન્ય સ્ત્રીના પ્રેમમાં છે એવા ઇશારામાં આ વાર્તાનું બીજ પડેલું છે. પરંતુ વાર્તામાં એ બાબત મહત્ત્વની કે સપાટી ઉપરની નથી લેખાઈ. કરુણતા તો એ છે કે જેમ કોઈ ઠંડે કલેજે હત્યાનું આયોજન કરે એવી ચોકસાઈ જુદાં પડવા સંદર્ભે બંને પક્ષે પ્રવર્તી રહી છે. પોતે જણેલા દીકરા સાથે, એની જાણ બહાર જે રીતે છેતરપિંડી થઈ રહી છે તે વાચકને માટે આઘાતજનક છે. મિત્ર વિરાટનો પણ ઉપયોગ જ થવાનો છે. બધી જ યોજનાઓને ન્યાય્ય ઠેરવવાની જાણે રમત મંડાઈ છે. ખરેખર ‘ગૂંચ’ ક્યાં છે? કે પછી સર્વત્ર ગૂંચ જ છે? એવો પ્રશ્ન થાય. વાર્તાની કળા કોને કહેવાય એનું આ વાર્તા એક નિદર્શન છે.. મુસ્લિમ મહોલ્લાના ભૂતકાળને સમાવીને બેઠી છે એક ઘરની વાર્તા ‘સુખી જીવ’. નાનકી જે હવે ચાલીસની થઈ ગઈ છે એની સાલગિરહ છે. સહુ સગાંવહાલાંને બોલાવવામાં આવ્યાં છે. ઘર અચાનક જ જીવતું થઈ ગયું છે. સહુને સૂવાબેસવા માટે બારી પાસેનો ડામચિયો ઉખેળવામાં આવે છે. ડામચિયો જ શું કામ? કહો કે ધરબાયેલા ભૂતકાળનો ભાર કાઢવામાં આવે છે. બે-ચાર ગાદલાં-ગોદડાં ઉતાર્યાં પછી અચાનક જ એમાંથી કેરોસીનની કોહવાયેલી વાસ આવે છે. આટલાં વર્ષોમાં પહેલી વાર સહુ ભેગાં થયાં છે. આ પૂર્વે ડામચિયો ખોલવાની જરૂર જ નથી પડી. બધાંને આશ્ચર્ય થાય છે કે આ વાસ ક્યાંથી? અલ્ઝાઈમરની દર્દી છોટી અમ્મી વાત માંડે છે અને કહે છે કે દંગા વખતે બારીમાંથી કેરોસીન છંટાયેલું, પરંતુ પોલીસ આવી ગઈ એટલે કાંડી ફેંકવાનો સમય નહીં રહેલો. પરિણામે ડામચિયો તો બચી ગયો, પરંતુ કેરોસીનની ગંધ ન ગઈ! દંગાની વાત સાંભળીને કોઈ પૂછે છે : ‘ઐસા કૌન કરેગા અપને યહાં?’ અમ્મી કહે છે : ‘અબ કી બાત નહીં, એ તો દંગાફસાદ હોવે તબ કી બાત. ઘર ક્યા ચીજ, જિન્દા આદમી ભી જલા સકતે હૈ કોઈ કોઈ! ખાસ કશાયે કારણ વગર ભૂતકાળનું એક રાખોડી પાનું ખૂલે છે. અમ્મી તબ તો છોટી થી મગર સૂના હૈ પૂરા વાકિયા બડી અમ્મી સે.’ આગ્રહ થાય છે ઘટનાની માહિતી માટે. જેમ ભૂતપ્રેત બાબતે કથા જાણવાનો તલસાટ જાગે એમ જ, બીક લાગતી હોય તોયે સાંભળવી તો હોય. આખીયે વાર્તામાં સુખી છે તો બે જીવ. બુઢ્‌ઢા બાબુરાવ અને મોહનદાસ. બેમાંથી એકેયને ઇતિહાસ સાથે લેવાદેવા જ નથી. ન દેખવું ન દાઝવું! આ વાર્તાની વિશેષતા એ કે સારા પ્રસંગે ભેગાં થયેલાં લોકો, કેરોસીનની વાસ જેવી ભૂતકાળની એક પીડાદાયક ઘટનાને એક કહાનીની જેમ ભેગાં થઈને સાંભળે છે. ઇતિહાસ જ નથી રહેવા દીધો તો ઓથાર ક્યાંથી? અમ્મીના જવા સાથે બધું પૂરું થઈ જશે! ‘ભવચક્ર’ એક કરુણ વાર્તા છે. એક સ્ત્રીની યુવાન દીકરી ઉપર બળાત્કાર કરીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારો પકાડાઈ ગયો. જેલવાસ દરમિયાન કેસ ચાલ્યો ને ફાંસી થઈ. હવે જો એ દીકરીની મા માફીપત્ર લખી આપે તો પેલાની ફાંસી રદ થાય. સમાજના અગ્રણીઓ ક્ષમા આપવાનો મહિમા સમજાવે છે અને તમે તો મહામાનવ બની જશો એવું અપ્રગટ પ્રલોભન પણ આપે છે. પરંતુ મા એકની બે નથી થતી. કેમ કે એણે દીકરીને લાડકોડથી ઉછેરી-ભણાવી હતી. અગ્રણીઓ ગયા ત્યારે એક કાર્ડ આપીને ગયેલા કે જો વિચાર બદલાય તો ફોન કરજો. અહીં સુધી તો આ એક ઘટના જ બની રહે છે. પણ, વાર્તા ત્યારે બને છે જ્યારે આરોપીના અર્ધદગ્ધ પણ મોટી ઉંમરના છોકરાને પોતે જ કરેલી ગંદકીનું લીંપણ કરતો જુએ છે ત્યારે એના હૃદયમાં પાછી એક મા જાગી ઊઠે છે! અને ફોન કરવા પેલું કાર્ડ શોધે છે! વાર્તાકાર લખે છે : ‘એક ફોન કરવામાં શી વાર? – તોયે વાર લાગે છે, એક ભવ જેટલી કે વધારે?’ હાંજા ગગડાવી નાંખે એવી વાર્તા છે ‘કોતરમાં રાત’. વાર્તાકારે અહીં એક વિશિષ્ટ પ્રયુક્તિ કરી છે. વાત તો પેલી જ છે બળાત્કાર અને હત્યાની. ચૌદપંદર વર્ષની બે છોકરીઓ ભોગ બની છે. એકને માથું અફળાવીને અને બીજીને ગળું દબાવીને મારી નાખ્યા બાદ નદીના વેરાન કોતરમાં એક અતિશય જૂના મજબૂત ઝાડની ડાળી સાથે લટકાવીને નરાધમો ભાગી ગયા છે કે જેથી આખો કેસ આત્મહત્યામાં ખપી જાય. પ્રયુક્તિ એવી છે કે આ રીતે લટકાવાયેલી બે બહેનપણીઓ હવાનાં ઝોલાં જેમ વાતો કરે છે. જાણે હવે એમને શરીરનો ભાર નથી રહ્યો. એમની વાતોમાં ખિખિયાટાથી માંડીને રમૂજો પણ છે. એમની વાતોનો સાર એ જ કે જગતમાં કોઈ સ્ત્રી સલામત નથી. આ અગાઉ ઝીણકી, ચંદન, ભાણકી અને રમા સાથે પણ ઘટનાફેરે અને શબ્દફેરે આવું જ બન્યું છે. પણ હવે મરી ગયા બાદ આ લોકોને કશાનો ડર રહ્યો નથી. થાય છે કે ચાલો બધીઓને ભેગી કરીને વંતરીઓ થઈએ. લોકોને ડરાવીએ! પણ, આ લટકતી લાશોને નથી કોઈ જોવાવાળું કે નથી કોઈ સાંભળવાવાળું! ‘ઘેર કઈ રીતે ખબર આપ્પાની?’ એ એમની ચિંતા છે. હિમાંશી શેલત જ લખી શકે એવી આ વાર્તા અનેક રીતે નોંધપાત્ર છે. લેખિકાનો સંયમ ગજબનો છે. પૂરતું તાટસ્થ્ય પણ જળવાયું છે. ને પીડા તો વાક્યેવાક્યે! કદાચ આ વાર્તા આનાથી બીજી કોઈ રીતે ન લખી શકાય! આપણને અંદરથી થથરાવી મૂકે એવી વાર્તા વાચકને લાંબા સમયની પીડાનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત, ‘બીડી’, ‘પડછાયા વિનાનાં બે’, ‘તળિયું’, અને ‘આવરણ’ પણ ધ્યાન ખેંચનારી વાર્તાઓ છે. કથાનકની એકવિધતા આ વાર્તાઓની દેખીતી મર્યાદા છે. પીડાનું અતિગાન પણ એક હદ પછી અસરકારકતા ગુમાવી દે છે. પાછળની ‘સૂરજમુખી’, ‘પોતીકી નદી’ તથા ‘બેલ જાર’ એમાંના દસ્તાવેજીપણાને કારણે, લાગણીઓને ઉભારી આપે છે, પણ ટૂંકી વાર્તાના શિલ્પને શિથિલ બનાવી દે છે. આપણી સંવેદનાને અંદરથી ઝંઝોડી નાંખે એવી ઘટનાઓ છે. એમાં ભ્રષ્ટ ન્યાયતંત્રથી માંડીને અસંવેદનશીલ સમાજની તમામ અર્થમાં જાડી રેખાઓનાં ચિત્રો છે. અહીં, હિમાંશી શેલતની શૈલીનું પરિચિતપણું જ કદાચ વાચકને અખરે છે. સામાજિક નિસબત વિનાની વાર્તાને જેમ વાર્તા નથી કહેતાં એમ જ નરી સામાજિક નિસબતને પણ વાર્તા નથી કહેતાં એવું સૂત્ર ઊગી આવે છે. આમ છતાં, આ ભાષાસજ્જ લેખિકાના સર્જકીય ચમકારા તો ઠેરઠેર દેખાય છે એ હકીકત પણ નોંધવી રહી. કોઈ એક વાર્તાસંગ્રહમાં પાંચથી વધુ સારી વાર્તાઓ મળી આવે તેને સારો વાર્તાસંગ્રહ ગણવો જોઈએ. અહીં એમ બની શક્યું છે એની પ્રસન્નતા.

[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]