બે હજાર ચોવીસ સમક્ષ/દિનાન્તે(લેખો) – સંપા. રમણ સોની, હિમાંશી શેલત
વિમર્શ
નીના ભાવનગરી
સંવેદનાથી સિંચાયેલું ચિંતન
સિત્તેર વટાવી ચૂકેલાં લેખકમિત્રોનાં અંગત વિચાર-સંવેદનો જીવનના આખરી પડાવે કેવાં હશે, મૃત્યુ પરત્વેના તેમના અનુભવો કેવા હશે તેનો ભાવકોને પરિચય કરાવવાની સંપાદકોની નોખી-અનોખી ખેવનાનો પરિપાક તે આ પુસ્તક. સંપાદકોના નિવેદન પૂર્વે ઊઘડતે પાને પ્રહ્લાદ પારેખની કાવ્યપંક્તિ સમુચિત રીતે પ્રત્યેક સંનિષ્ઠ સાહિત્યકારની હૃદયગત ભાવનાને વ્યક્ત કરે છે : ‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.’ પુસ્તકનું ‘દિનાન્તે’ શીર્ષક પણ આ પંક્તિમાંથી સંપાદકોની વિશિષ્ટ વિચારપ્રક્રિયાને પરિણામે પસંદ થયું છે. અહીં પસંદ થયેલાં સર્જકોમાં ગુજરાતી ભાષાનાં લબ્ધપ્રતિષ્ઠ કવિઓ, વાર્તાકારો, નવલકથાકારો અને વિવેચકોનો સમાવેશ થયો છે. પ્રત્યેક સર્જકે પોતાના કથયિતવ્યના સંદર્ભમાં પોતાનું આગવું શીર્ષક પસંદ કર્યું છે, એ નોંધપાત્ર છે. એમાં અંશતઃ તે તે લેખકની મૃત્યુવિષયક વિચારણા કે સંવેદનાનો સંકેત સાંપડે છે. કેટલાક લેખોમાં મૃત્યુની પ્રતીક્ષા, કેટલાકમાં સુખદ મૃત્યુ માટેની ખેવના, ક્યાંક એની અનુભૂતિથી ઘૂંટાયેલું ચિંતન, કેટલાકમાં લેખક માટે તેનો અર્થ, કેટલાકમાં તેને વિષેની દાર્શનિક વિચારણા, ક્યાંક હતાશા અને તણાવમાંથી મુક્ત થવા માટે અને પરમ શાંતિમાં પ્રવેશ કરવા માટે તેને આવકાર, ક્યારેક ઓગળતા જવાની પ્રક્રિયા રૂપે તેનું આલેખન, ક્યાંક વળી કાવ્યમય ગદ્યમાં તેની વ્યાખ્યાઓ, ક્યારેક ખાલીપાની અનુભૂતિ, ક્યાંક મૃત્યુની દુઃખદ ઘટનાના સુખદ પાસારૂપે સંસ્મરણનું આલેખન, ક્યાંક મૃત્યુની રહસ્યમયતા અને ક્યાંક ત્રણેય કાળને પેલે પાર પહોંચાડતી અભાન દશારૂપે મૃત્યુનું નિરૂપણ – આમ વિવિધ સ્વરૂપે મૃત્યુને નિરૂપતા લેખો આ સંચયમાં સંગૃહીત થઈ શક્યા છે એમાં સંપાદકોને પ્રાપ્ત થયેલો સુખદ સર્જક-પ્રતિભાવ સૂચિત થાય છે. મને બીજી એક બાબત નોંધવા જેવી લાગી છે તે એ છે કે લગભગ પ્રત્યેક લેખમાં કોરોનાકાળ-વિષયક ઉલ્લેખ છે; ક્યાંક ને ક્યાંક અંશતઃ આધ્યાત્મિક ચિંતન પ્રવેશ્યું છે અને લગભગ દરેક સર્જકને નિકટના સ્વજનના મૃત્યુ પછી પોતાનામાંથી ઘણું બધું ઓછું થયાની અનુભૂતિ થઈ છે. આપણે અહીં જે ક્રમે પુસ્તકમાં લેખો મુકાયા છે તે ક્રમે તેને વિષે વાત નથી કરવી. અહીં જરા જુદો ક્રમ અપનાવ્યો છે. અલબત્ત, દરેક સર્જકના મૃત્યુવિષયક વિચારની નોંધ અવશ્ય લીધી છે. ‘શ્રીરવિભાણ સંપ્રદાય’ની કહાનવાડી ગુરુગાદીના સાતમા ઉત્તરાધિકારી તરીકે દલપત પઢિયારે મૂકેલી વાત અદ્ભુત છે : ‘મરો જોગી મરો, મરન હૈ મીઠા’ એ કબીરસાહેબની પંક્તિ એમણે શીર્ષક તરીકે પસંદ કરી છે, એટલે અંશે તેને દાર્શનિક કહી શકાય. કબીર, નાનક, ગોરખનાથ અને ગંગાસતીનાં અવતરણો એમના લખાણમાં અનાયાસે ગૂંથાઈને આવ્યાં છે. ગોરખનાથની પંક્તિ તો વ્યંજનાથી અત્યંત સમૃદ્ધ છે : ‘હર દમ હીરા લાલ હૈ, ગીનગીન ગુરુ કો સોંપ.’ (૨૫) અધ્યાત્મવાદી સર્જક દલપત પઢિયાર મૃત્યુને ચૈતન્યની, જીવનની ઉન્ક્રાન્તિયાત્રાનો એક મુકામમાત્ર માને છે.(૨૭) મોત અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફનું, પરિમિતતામાંથી અપરિમિતતા તરફનું દ્વાર છે(૩૭) એવો એમનો વિચાર સૂફી સંતો, ભજનિકો અને ધર્મગુરુઓના સેવનથી દૃઢ થયેલો છે. અખા જેવા ‘મરતાં પહેલાં જાને મરી’ એમ કહેતા તત્ત્વદર્શીના વિચારને પચાવીને આ લેખકે સરળ ભાષામાં મૂકી આપ્યો છે. પોતાના કૂવાવાળા ખેતરને શેઢેથી જતા નેળિયામાંથી પસાર થતી નનામીઓની હાર જોયા પછી પોતાને રોજ અડ્યા કરતા છતાં વણ-ઉકલ્યા કોયડારૂપ રહેતા મરણનું નિરૂપણ આ લેખક પ્રત્યક્ષકલ્પ સ્વરૂપમાં કરે છે. મને એમનું ચિંતનનિરૂપણ શ્રેષ્ઠ લાગ્યું છે. મૃત્યુની નજીકની અનુભૂતિને ‘અંધારી ખીણમાં અવગાહન’(૮૬) તરીકે ઓળખાવતા રજનીકુમાર પંડ્યા આત્માના સ્વરૂપ વિષે પોતાના મનમાં ઊઠતા અનેક પ્રશ્નો ટાંકે છે. જો એ(મૃત્યુ)નું જ્ઞાન દેહ દ્વારા પામવાનું હોય તો મૃત્યુ પછી દેહ નાશ પામતાં ‘એ બધા પ્રશ્નો અનુત્તરિત રહેશે?’ (૯૦). લંબાયેલી જિંદગીના અનુભવે તેઓ મૃત્યુને ‘ઓગળતા જવાની પ્રક્રિયા’ તરીકે વર્ણવે છે.(૮૯) તેમના મતે ‘મૃત્યુ જેવી, જે જીવનથી વિભક્ત કરીને અલગ તારવીને નાણી શકાય એવી કોઈ ચીજ નથી... એને જાણવા-પ્રમાણવાનો પ્રયત્ન જ હવામાં બાચકા ભરવા જેવો લાગે છે.’(૯૦) રજનીકુમારની મૃત્યુ વિષેની વિચારણામાં સ્વાનુભવે સચ્ચાઈ છે, છતાં તેઓ નિખાલસતાથી કબૂલ કરે છે કે, ‘મારામાં સભાનતા પ્રગટી છે પણ સ્વીકાર પ્રગટતો નથી.’(૯૦) અલબત્ત, એમનું ચિંતન ઉત્તમ રીતે વ્યંજિત થયું છે. બ્યાશી-ત્યાશી વર્ષની વયે પહોંચેલા કવિ સિતાંશુ યશશ્ચન્દ્રને ‘મૃત્યુમિષે’ વાતો કરવાની ઉંમર નથી લાગતી. એમને મન તો આ ઉંમર જીવન વિષેની વાતોનાં લેખાંજોખાં માંડવાની છે, કારણ કે જીવન વિષેની વાતો અખૂટ હોય છે અને જીવનમાં છેલ્લાં પાંચ-પંદર વરસોમાં એ જ વાતો કરવાની હોય (૧૧૪). મૃત્યુ વિષેની બડેરાંઓની વાતો એમને ‘બનાલિટી’વાળી બની જતી દેખાય છે. બનાલ મીન્સ ઓબ્વિયસ ઍન્ડ બોરિન્ગ; સાવ દમ વગરની વાતો (૧૪૫). અહીં ‘દમ’ એટલે શ્વાસ એવો અર્થ પણ થાય! મજાકના ટોનમાં મૃત્યુનો અર્થ સમજાવતાં તેઓ લખે છે : ‘જિબ્રાનની જગ્યાએ મારે કહેવાનું કે અલ્યાઓ, આ પંચ સ્કંધ છે, છૂટા પડશે એમાં આ ઉમ્મરે મરવા બાબત કેવાનું સું મોટું?’(૧૪૬) અહીં મૃત્યુ સમયે પંચમહાભૂતોમાં દેહમાં રહેલાં પાંચ તત્ત્વો પૃથ્વી આદિ ભળી જાય એવું ફિલોસોફિક દર્શન સૂચવાય છે. છેક બાળપણમાં, લોકોને અલોપ કરી દેનારા મોત માટે કૌતુક થાય છે. કિશોર વયે બાંકડે બેસી કોઈની ચિતા બળી રહેવાની રાહ જોતાં મૃત્યુ કંટાળો પ્રેરે છે. મૃત્યુ ડિવાઇન ટ્રાયેન્ગલ પણ છે. જાતે સમજવાની જે ક્ષમતા માનવમાત્રમાં છે, એ ક્ષમતાનાં અનેક જહાજો અને વિમાનો આ ટ્રાયેન્ગલમાં ગરક થઈ ગયાં જણાય છે. (૧૫૧) એ રીતે મૃત્યુ માણસની સમજથી પર છે. બાળક તરીકે પિતાના મૃત્યુનો અનુભવ તેમણે હૃદયસ્પર્શી સ્વરૂપમાં આલેખ્યો છે. માની સોડમાં લપાઈને બેઠેલા બાળકનું ધ્યાન બેસણા માટે પાથરેલી, જાડી, ખરબચડી, વજનદાર, પીળા, પોપટી, ગુલાબી રંગોની વણાટવાળી શેતરંજીમાં છે : ‘મૃત્યુનો સ્પર્શક્ષમ, ઇન્દ્રિયગમ્ય અનુભવ. એ વખતથી મૃત્યુ મારે માટે આ પેલી લગભગ અંત વગરની, ઓરડાના અને દુનિયાના છેડા સુધી ને એને પાર લંબાતી પીળા, પોપટી, ગુલાબી, સ્વસ્તિકની બોર્ડરવાળી, જરા ધૂળિયા અને સહેજ વાસવાળી, વજનદાર અને ખરબચડી શેતરંજી છે; અને સાથોસાથ એનો આ જરા વળેલો, મારી હથેળીમાં રમતો આ તરફનો જરા વળેલો છેડોયે છે.’ (૧૪૮) કોઈ પણ પ્રકારના વિવરણ વિના આ કલ્પનથી જ સિતાંશુ યશશ્ચન્દ્રની મૃત્યુ વિષેની વિભાવના સમજાઈ જાય છે. જીવન-મૃત્યુ વચ્ચેના સંબંધને નિરૂપતો એમનો નિબંધ fictional સ્વરૂપનો છતાં સંતર્પક છે. વર્ષા અડાલજા મૃત્યુને ‘ભવસાગરને પેલે પાર’ (૧૧૫) સમજે છે. પિતાના મૃત્યુએ એમને મૃત્યુ એટલે ખાલીપો એવું સાદુંસીધું દર્શન પ્રદાન કર્યું છે, પણ સાસુના અંતિમ શબ્દો બનીને તેમની નિષ્પલક આંખોમાંથી તાકી રહેલા મૃત્યુથી સાંપડેલા દર્શનને તેઓ પોતાની સર્જનક્ષમતાના પ્રભાવે આ રીતે વર્ણવે છે : ‘એ ધીમેધીમે પવનની લહેરની જેમ જીવનના અંતિમે જીવનનાં રહસ્યોનો ઉઘાડ કરી, હાથ પકડી દોરી જાય છે અગોચર પ્રદેશમાં.’ (૧૧૬) આ વર્ણન જ મૃત્યુના સ્વરૂપને તાદૃશ કરી આપે છે. વર્ષા અડાલજાને મન ‘ડેથ ઇઝ એ સેલિબ્રેશન ઑફ લાઇફ’. (૧૧૭) મૃત્યુ એટલે જીવનનું ઉજવણું. એમનું આ ચિંતન મૃત્યુ વિષેના અનુભવોમાંથી પ્રગટેલું છે તેથી કૃતક નથી લાગતું. તેઓ કબૂલે છે કે મૃત્યુ અંતિમ સત્ય છે. એની ગૂઢ લિપિ ઉકેલતાં ન આવડે. (૧૧૮) કેન્સરથી ઊગરી ગયેલાં વર્ષા દાસ બૌદ્ધ ગુરુએ આપેલા મંત્ર ‘નામ્ મ્યોહો રેંગે ક્યો’ના પ્રભાવે મૃત્યુને સ્વસ્થતાથી સ્વીકારવાની તૈયારી કરી ચૂક્યાં છે. કારણ કે, એમણે પોતાનાં બાનું એ મન્ત્રોચ્ચાર સાથેનું શાંત સ્વસ્થ મૃત્યુ સ્વયં જોયું છે. (૧૨૧) ‘અંતિમ સંધિકાળ’ શીર્ષકથી મૃત્યુ વિષે લખતા વીનેશ અંતાણીના મતે મૃત્યુ એટલે ‘શૂન્યમાં શૂન્ય બની જવું.’ (૧૩૧) મૃત્યુ લગભગ સન્મુખ લાગતું હોય એવા જીવન અને મૃત્યુ વચ્ચેના સમયને ‘અંતિમ સંધિકાળ’ કહેવો કે પછી ‘બે દેશોની સરહદની વચ્ચે આવેલી ‘નો મૅન્સ લૅન્ડ જેવી સ્થિતિ’ – એવા એમણે કરેલા પ્રશ્નમાં જ એનો ઉત્તર તેઓ આપી દે છે.’ (૧૨૯) મૃત્યુની અનિશ્ચિત છતાં નક્કર વાસ્તવિકતાને સમજવાનો માર્ગ એમને ભરપૂર જીવી લેવાની કોશિશમાં લાગ્યો છે : ‘ચાહવાયોગ્ય લોકોને ચાહવા, સારી રીતે (સર્જનનું) કામ કરતા રહેવું. ક્ષણેક્ષણનો હિસાબ આપવો અને પછી સમય આવે ત્યારે બધા આનંદ, બધા અફસોસ, બધા પસ્તાવા, બધી સફળતા અને નિષ્ફળતાને ખંખેરી શૂન્યમાં શૂન્ય બની જવું.’ (૧૩૧) મૃત્યુના ભયની ઉદાસીમાંથી બહાર આવવા તેઓ પોતાની જ એક વાર્તાનું કાલ્પનિક દૃશ્ય ફરીફરીને મનમાં રચે છે : ‘જ્યાં ચારે બાજુ અલૌકિક અજવાળું હશે, બધી દિશાઓમાંથી પ્રકાશપુંજ રેલાતો હશે, બરફની ઝીણીઝીણી કરચો હવામાં તરતી હશે અને એની આભામાં બધું ઝગમગતું હશે.’ (૧૩૬) વિજય શાસ્ત્રીએ મૃત્યુ જેવી દુઃખદ ઘટનાના સુખદ પાસા તરીકે મૃત સ્વજનના સ્મરણને આલેખ્યું છે. ‘સ્મરણ મૃત વ્યક્તિની માયાને ધબકતી રાખે છે એ મરણ જેવી દુઃખદ ઘટનાનું સુખદ પાસું બને છે.’ (૧૨૮) જોકે આ સર્જકનું ચિંતન માતાપિતા જેવાં નિકટનાં સ્વજનોના મૃત્યુના અનુભવ પછી વિકસેલું હોવાથી સહેજ નોખું તરી આવે છે. મૃત્યુને ‘આવ હે મૃત્યુ’ (૧૩૭) કહીને આવકારતા શિરીષ પંચાલે મૃત્યુની અગમ્યતા સમજાવવા એને વિષેના અનેક પ્રશ્નોની હારમાળા પોતાના સમગ્ર લેખમાં મૂકી છે, એ રીતે અંતે એમનું ચિંતન નર્યા વિસ્મયથી ભરેલું છે એમ કહી શકાય. ‘મૃત્યુ અશરીરી છે, તેને આપણે ઇન્દ્રિયોથી અનુભવી શકતા નથી તેથી તેનો મુકાબલો ન કરી શકાય’ (૧૩૮) એ પ્રકારની એમની વિચારણા છે. મૃત્યુની આવી રહસ્યમય અનિશ્ચિતતાના સંદર્ભમાં તેને કોઈ પણ સ્વરૂપે આવકારવા તેઓ સજ્જ છે એમ સમજાય છે. રમણ સોની ‘નિયત કરી બેઠું નિજ જગા’(૯૫) શીર્ષકથી કવિશ્રી ઉશનસ્ની કાવ્યપંક્તિમાં નજીવો ફેરફાર કરીને મૃત્યુની નિશ્ચિતતા વ્યંજિત કરે છે. આવી ‘રહેલા મૃત્યુનો એમને ભય નથી, પણ તેના ખ્યાલમાંથીય અળગા થઈને, detach રહીને એનાં રહસ્ય અંગે એની અનિશ્ચિતતા વિષે કુતૂહલ થયા કરે છે. (૯૯) મૃત્યુ આ લેખકને માટે અગમ્ય, રહસ્યમય જ રહ્યું છે. તેઓ તેને સંવેદનનો વિષય સમજે છે. દરેકને હોય તેવી, હાલતાંચાલતાં જ મૃત્યુ આવે એ જ એમની ઇચ્છા છે. વધતી વય સાથે ‘મૃત્યુનો એક પાતળો અપારદર્શક પણ સળંગ તંતુ આપણી સાથે ચાલવા લાગે છે.’ (૧૦૧) આને તેઓ જીવાદોરી કહે છે, પણ પોતાને એની પ્રતીક્ષા નથી એમ કહીને જ રમણ સોની પોતાની વિચારણાને વિરામ આપે છે, મૃત્યુ વિષે ઝાઝું ચિંતનાત્મક દર્શન એમની પાસેથી મળતું નથી. મૃત્યુની સાવ નજીક પહોંચી જઈને પાછાં વળેલાં હિમાંશી શેલત મૃત્યુને ‘સમય અને સંબંધોની, વર્તમાન અને ભૂતભવિષ્યની પેલે પાર પહોંચાડતી અભાન દશા’ (૧૫૫) રૂપે વર્ણવે છે. સરળ ભાષામાં એમણે મૃત્યુને તમામ સંબંધો અને ત્રણેય કાળથી પર એવી ઘટના કહ્યું છે. એમાં સઘળું અંધકારમાં હોય છે, પરમ શાંતિ અને પૂર્ણ વિસ્મૃતિના આવરણ સિવાય કશું જ નથી હોતું. જાણ્યે-અજાણ્યે પણ હિમાંશી શેલતે મૃત્યુ વિષેનું અધ્યાત્મ ચિંતન આલેખ્યું છે : ‘મૃત્યુ એટલે આ, વિલુપ્તિ, વર્ષોથી દેહને અને મનને ચોંટેલું, વળગેલું, વજ્રલેપસમું જે કંઈ લાગતું હતું તે બધું અપ્રસ્તુત, નિરર્થક.’ (૧૫૫) આ લેખિકા મૃત્યુને જળમાંથી આંગળી ખસી જેવા જેવી અલોપ થવાની સહજ અને સરળ પ્રક્રિયા માને છે. તેમને માટે અભીપ્સિત અંત આવો હોય : ‘અહીંથી જવાનોય આનંદ અને મુક્તિનો કેફ. અંત સમયે વાચા હોય અથવા ન હોય, માંહ્યલામાં એક ગાન ચાલે અવિરત, ભલા હુઆ મારી મટકી ફૂટી રે.’ પન્ના નાયકની અભિલાષા સુખદ મૃત્યુ પ્રાપ્ત કરવાની છે. તેઓ ચિંતનની કક્ષાએ મરણાસન્ન વ્યક્તિના અનુભવને પાંચ લાગણીઓમાં સૂક્ષ્મતાપૂર્વક વિભાગે છે : denial (અસ્વીકાર), anger (ક્રોધ), bargaining (વિનિમય), depression (વિષાદ) અને acceptance (સ્વીકાર). (૪૩) તેમના આ વિશ્લેષણ પ્રમાણે મોત કોઈને ગમતું નથી. એ નજીક આવે ત્યારે મનમાં ક્રોધ ચડે છે, પછી જાણે ક્ષણવાર માટે ‘થોભી જા’ એવો તેની સાથે વિનિમય કરવાનો પ્રયત્ન થાય છે પણ તે નિષ્ફળ જતાં વિષાદ અને છેલ્લે ન છૂટકે તેનોે સ્વીકાર થાય છે. જોકે લેખિકાએ પોતે આ ચિંતનને વિવરણમાં વિસ્તાર્યું નથી. મોતનો સહજ સ્વીકાર કરવા આ સર્જક સજ્જ છે, કેમ કે વાચકોની લાગણીઓ સાથે અનુભવાતું ઐકાત્મ્ય એમને માટે કૃતકૃત્યતા જન્માવે છે. ‘પ્રિયજનના હાથમાં હાથ ગૂંથી, આંખોમાં આંખ પરોવી દુનિયાની રજા લેવાય એવું સુખદ મૃત્યુ આ લેખિકા ઇચ્છે છે.’ (૪૪) મરણાસન્ન વ્યક્તિના અનુભવનું એમણે કરેલું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ નોંધપાત્ર છે પણ તે સ્વાનુભૂતિથી રસાયેલું લાગતું નથી. પ્રવીણસિંહ ચાવડાને, મનમાં સતત મૃત્યુ વિષેનું ચિંતન ચાલ્યા કરતું હોવાથી મૃત્યુ જેવી અનુભૂતિમાંથી પસાર થવાનું બન્યું છે. તેમણે કરેલું એનું વર્ણન ficitional છે : ‘પલંગ ઊંચકાઈને આકાશમાં તરી રહ્યો છે. હવાની મંદ લહેરખીઓમાં પડદા ફરફરી રહ્યા છે, હાથપગ ફેલાવી હું ચત્તોપાટ પડ્યો છું, અંદરબહાર સઘળું પ્રકાશમાં પરિવર્તિત થઈ ગયું છે, શરીર જાણે રહ્યું જ નથી.’ (૫૩) અનિલ જોશી ‘મરી જવું એટલે છોડી દેવું.’ એવું મોટું શીર્ષક બાંધી પોતાના લખાણને બોરિસ સ્લુંત્સ્કી, આના કમિએન્સકા, ચુનીલાલ મડિયા, લાભશંકર ઠાકર વગેરે અનેક વિદ્વાનોનાં મૃત્યુ વિષેનાં અવતરણોથી સમૃદ્ધ કરે છે. જોકે તેમના મતે તો મૃત્યુ એક પ્રાકૃતિક અવસ્થામાત્ર છે. ‘માનવબુદ્ધિ જ્યાં અટકી જાય ત્યાંથી મિસ્ટીસિઝમ શરૂ થાય છે.’ (૧૨) પણ ‘મરી જવું એ મારો વિશેષાધિકાર છે’ (૧૨) એમ કહેતા આ કવિને પણ પ્લેટફોર્મ પર સામાન બાંધીને ગાડીની રાહ જોતા યાત્રીની જેમ મૃત્યુની પ્રતીક્ષા તો કરવી જ પડે છે. તેઓ મૃત્યુ સાથે કોઈ તાત્ત્વિક ચિંતનને જોડતા નથી. રઘુવીર ચૌધરી મૃત્યુ પછી કાયાનું શું થાય છે તે વર્ણવવા માટે સંત કબીરની પંક્તિઓ ટાંકે છે અને તેમાંની એક પંક્તિ થકી જ પોતાના લેખનું શીર્ષક ‘પીછે હરિયા હોય’ (૮૩) એવું બાંધે છે. પણ એમના લખાણમાં આવી બીજી કાવ્ય-પંક્તિઓના ખડકલાને કારણે મૃત્યુ વિષેનું એમનું ચિંતન ઘૂંટાયું નથી, તેમની પ્રસ્તુતિ આપણી અપેક્ષાથી વિપરીત, સામાન્ય બની રહી છે. મૃત્યુ વિષે વર્ણન કરતા રવીન્દ્ર પારેખ તેને ‘પૂર્ણ વિરામ’ (૧૦૭) રૂપે આલેખે છે. પણ ‘ભાષા અને વિચારનું સામર્થ્ય હોવા છતાં (મનુષ્ય) મૃત્યુ વિષે પ્રમાણભૂત રીતે કશું કહી શકતો નથી.’ (૧૦૭) એમ કહીને તેઓ મૃત્યુની રહસ્યમયતાને અધોરેખિત કરી આપે છે. મૃત્યુ કોઈની અપેક્ષા પૂરી કરતું નથી છતાં તેમણે મૃત્યુને બે ચોઇસ આપી છે : ‘હું લખતો હોઉં ને મને ખબર ન પડે તેમ લખતાંલખતાં જ અટકી જાઉં’ અને ‘ઊંઘી જાઉં ને ઊઠું જ નહીં.’ (૧૦૯) એમણે મૃત્યુને માટે ‘કાળઝાળ’, ‘આક્રમક’, ‘અહંકારી’, ‘સૌમ્ય’, ‘સ્નિગ્ધ’ (૧૧૪) જેવાં પરસ્પર-વિરુદ્ધાર્થી વિશેષણો પ્રયોજ્યાં છે. એ જ સૂચવે છે કે એમને મન મૃત્યુ અગમ્ય છે. ભગવદ્ગીતાના વાચનથી ‘जातस्य हि ध्रुवोमृत्युः ।’ જન્મ પામે તેનું મૃત્યુ નિશ્ચિત છે એવો નિશ્ચય કરી બેઠેલા રતિલાલ બોરીસાગરના લેખમાં મૃત્યુ વિષેની કોઈ પ્રકારની ગંભીર વિચારણા વ્યક્ત થતી નથી. (૯૧) માધવ રામાનુજને માટે મૃત્યુ હતાશા અને માનસિક તણાવમાંથી મુક્તિ અને પરમ શાંતિમાં પ્રવેશનો ઉપાય (૭૩) છે. મૃત્યુ એમને મન પરમ શાંતિનો પ્રદેશ છે (૭૧) જીવલેણ ગણાય એવા અકસ્માતોને પરમ સખા મૃત્યુ સાથેના મેળાપ જેવી ઘટનાઓ તરીકે આ કવિ એમના લખાણમાં આલેખે છે. મૃત્યુની મહામૂલી મુલાકાતની એમને ઝંખના છે પણ ‘રે અમે કોમળ કોમળ’ (૭૧) શીર્ષકથી ફૂલોને સાથરે પોઢવાની અંતિમ ઇચ્છા પ્રગટ કરનારા આ કવિનું કોઈ ગંભીર મૃત્યુવિષયક ચિંતન લેખમાં પ્રગટતું નથી. મૃત્યુ એટલે ‘તમામ શુદ’ (૧૪૧) અર્થાત્ બધું ખતમ એવું શીર્ષકમાં જ ટૂંકમાં કહી દેતાં સરૂપ ધ્રુવ મૃત્યુને માત્ર એક (બાયોલોજિકલ) શારીરિક ઘટના માને છે, તેની સાથે તેઓ કશા ચિંતન કે તત્ત્વજ્ઞાનને જોડતાં નથી. ‘ગાંડા ભોગવાદી વિકાસ પાછળ દોડતી માણસજાતની લાલચને કારણે ખાલી થવા માંડેલી પ્રકૃતિની છાયા, ઉઝરડા પડેલી કાયા નજરે પડશે ત્યારે કુદરત આપણી પાસે જવાબ માગશે.’ (૧૪૩) એમ વિચારતાં એ જાણે પ્રલયની કલ્પના કરતાં હોય તેમ કહે છે : ‘તમામ શુદ’ (૧૪૧) કમલ વોરા ‘અર્ધાંગ’ પત્નીના મૃત્યુ નિમિત્તે લખાયેલી કવિતાની પંક્તિને પોતાના લેખનું શીર્ષક બનાવીને મૃત્યુ વિષેનું પોતાનું સાદું-સીધું સંવેદન વ્યક્ત કરી દે છે : ‘આ હોવું અને પછી આ ન હોવું’ (૧૩). તેઓ પોતાની આગવી રીતે મૃત્યુ વિષેના ભયમાંથી ઊગરવાનો માર્ગ પણ બતાવે છે : અન્ય પ્રત્યેના બધા જ ભાવોનું ઉપશમન કરી પ્રેમ – નર્યો પ્રેમભાવ રાખવો. તત્ત્વચિંતક નાથાલાલ હ. જોશીનો મૃત્યુવિષયક વિચાર ‘મૃત્યુ ફક્ત પ્રાકૃતિક વિષયપલટો’ ટાંકીને તેઓ અનેક બોધવચનો કે ફિલસૂફીમાંથી કેવળ આશ્વાસન લઈ શકાય એમ કહી ન હોવાની નક્કરતાને ઘૂંટે છે.’ (૧૯) ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતે લેખ મોકલ્યો નથી, પણ સંપાદકોએ પસંદ કરેલી તેમની કાવ્યરચનાઓમાંથી તેમના મૃત્યુ વિષેના ચિંતનને તારવ્યું છે તે રસપ્રદ છે! સંપાદકોએ એને ‘યાત્રા’ શીર્ષક આપ્યું છે. (૨૦) ‘થોડુંક થોડુંક મરવાનું સુખ’ (૨૧), ‘ગન્તવ્ય સ્થળ, તિથિ, તારીખ, સામાન, આયોજન અને બોજ વિનાની પહેલવહેલી યાત્રા એટલે મૃત્યુ.’ (૨૧) દરરોજની બેઠકનો ખાલીપો એ જ મૃત્યુ. (૨૧) એવી એમની સમજ સાદીસીધી લાગે છે પણ ગહન છે. સંપાદકોએ પોતે જ નોંધ્યું છે તેમ કાવ્યોમાં વ્યક્ત થતું ચન્દ્રકાન્ત ટોપીવાળાનું મૃત્યુ વિષેનું દર્શન ‘સંવેદનસિક્ત’ અને કંઈક નાટ્યાત્મક છે. (૨૦) ધીરેન્દ્ર મહેતા મૃત્યુને નૈસર્ગિક ઘટના સાથે સાંકળીને તેનો સુકાઈ જઈને ખરી પડવાની પ્રક્રિયા તરીકે સહજ સ્વીકાર કરે છે. સ્વજનોનાં મૃત્યુ સંદર્ભે તેમને કેવી લાગણી થઈ હશે એ વિષે પ્રશ્ન કરીને તેઓ ચન્દ્રકાન્ત ટોપીવાળાની જેમ નોંધે છે કે ‘કેટલાય વખતથી રોકાયેલો એક ખૂણો ખાલી થઈ ગયો કે થયો એટલું જ બસ!’ (૩૫) પ્રકૃતિના સંદર્ભમાં એમણે ‘સુકાઈ જવું અને ખરી જવું’ (૩૪) એવું પોતાના લેખનું શીર્ષક બાંધ્યું છે. બિપિન પટેલ શરૂઆતમાં, ડાયાબિટીસના એમના દર્દના કારણે, નિયમિતપણે મૃત્યુનાં સ્વપ્ન આવતાં હોવાથી મૃત્યુને પોતાની સાથે સંતાકૂકડી રમતું અનુભવે છે; પણ પછી લેખનમાં મનને વ્યસ્ત રાખવાથી મૃત્યુનો ભય દૂર થતાં તેને આવકારવા તૈયાર છે. એમણે સ્વપ્નમાં કરેલો મૃત્યુનો અનુભવ આ રીતે વર્ણવ્યો છે : ‘ક્યારેક મને લઈ જવા મારા પલંગની ચારે બાજુ માણસો ઊભા હોય, ક્યારેક એક માણસ મારો હાથ પકડીને આકાશમાં ઊડતો હોય... (૫૮) રમખાણો વખતે ‘સમૂહમૃત્યુનો આઘાત વધારે ઊંડો હતો, કારણ જગતમાં એક અપમૃત્યુ પણ આપણો એક અંશ ઓછો કરે છે (૫૯) એમ કહેતા આ વાર્તાકાર પોતાની સંવેદનશીલતા અધોરેખિત કરે છે, પણ ચિંતનાત્મક ગંભીરતા એમના લેખમાંથી સૂચવાતી નથી, ખાસ કરીને, ‘ન ભય ન આવકાર’ (૫૭) શીર્ષકના સંદર્ભમાં. પોતાના લખાણને ‘અંતનો અનુભવ’ (૩૯) એવું ગંભીર શીર્ષક આપતા નરોત્તમ પલાણ વાસ્તવમાં મૃત્યુના અનુભવ વિષે કશું નક્કર ચિંતન પ્રગટ કરતા નથી. અંતના અનુભવ વિષેનો એમનો લેખ એમનું નિરૂપણ અસ્પષ્ટ રહી ગયાની છાપ નિપજાવે છે. મણિલાલ હ. પટેલે મૃત્યુને ‘પૃથ્વીલોકનું રહસ્ય અને તેથી એક વણઉકલ્યા વિશ્વવ્યાપી કોયડા (૬૫) રૂપે વર્ણવ્યું છે. મૃત્યુ વિષે વધુ કશું કહ્યા-લખ્યા વિના તેઓ પોતાના જીવનમાં મૃત્યુ વિશેના થયેલા અનુભવોની વાતો કહીને વાસ્તવનું ચિત્ર રજૂ કરે છે. કાચી વયે બાળમનમાં મૃત્યુ વિષે થતા પ્રશ્નો ડર ઉત્પન્ન કરતા. પણ હવે મૃત્યુ એક અનિવાર્ય સત્ય લાગે છે, કોયડો પણ લાગે છે. ‘ચેતનતત્ત્વની ગેરહાજરી એટલે મૃત્યુ?’ (૬૮) એમને માટે મૃત્યુ સુબોધ નથી. ‘મૃત્યુ નથી તો સમજી શકાતું કે નથી તો સમજાવી શકાતું... એ હોય છે ને બિન્ધાસ્ત આવે છે.’ (૭૦) ટૂંકમાં તેઓ મૃત્યુ વિષે કશું ગંભીર ચિંતન મૂકી શક્યા નથી. મોહન પરમાર સ્વજનો અને મિત્રોના મૃત્યુનું વર્ણન કરીને તેને કારણે બળવત્તર થયેલી પોતાની મૃત્યુ વિષેની ભીતિનું નિરૂપણ કરે છે. ‘મેં મારી મમતાને વાળી વાળી રાખી (૭૬) એવું એમના લેખનું શીર્ષક ‘મૃત્યુ પછી આપણે ક્યાં હોઈશું તે અધ્યાહાર કડીઓ મને સતાવી રહી છે.’ (૭૯) એવી એમની કબૂલાત સાથે સંવાદિતા ધરાવે છે કે કેમ એવો પ્રશ્ન થાય. એમની ભીતિ સમગ્ર લેખમાંથી ઘૂંટાઈને પ્રગટ થતી નથી. રમણીક સોમેશ્વરે આકસ્મિક રીતે થયેલા મૃત્યુના મેળાપનું નિરૂપણ કરીને કાવ્યમય શૈલીમાં (ગદ્યમાં) મરણની વ્યાખ્યાઓ આપી છે. મૃત્યુ તેમને માટે ‘અંગત, અટળ છતાં અજાણ્યું (૧૦૨) છે. મરણ એ કદાચ પળેપળ લખાતી આપણી જીવનકિતાબનું છેલ્લું પાનું છે (૧૦૫) એમ કહીને તેઓ મૃત્યુને ચિત્રાત્મક રીતે આલેખે છે. અને આવાં ચિત્રો ઘણાં છે : ‘સાંસારિક સંજોગોની ભીંસમાં અગનપિછોડી ઓઢી બેઠેલી પિતરાઈ બહેન સાથે જ્વાળાઓમાં તરફડતું જોયેલું મરણને, તો જીવનની આપાધાપીમાં સંતુલન ગુમાવી બેઠેલા એક મિત્રમાં એને દોરડે લટકતું જોયેલું. બા-દાદા, પિતાની આખરી પથારીમાં અજંપ પાસાં ઘસતું કે રામનામ જપતું કે કરાંજતું પણ ભાળેલું એને અને નેવુંનો ઉંબરો વળોટી ગયેલી માને હળવા હાથે પલકવારમાં ચુપચાપ ઉપાડીને ભાગતું પણ એને જોયેલું.’ (૧૦૩) જેમાં આપણને આપણો મેળાપ થઈ જાય એવું આકાશમાં ઓગળતું જતું એ મિલનબિંદુ એટલે જ મૃત્યુ એ પ્રકારનું કાવ્યમય ચિંતન રમણીક સોમેશ્વર વ્યક્ત કરે છે. લેખના અંતે મૂકેલી કવિતામાં એમનું મૃત્યુવિષયક સંવેદન સૂચવાય છે. તો પછી શીર્ષકમાં એમણે મૃત્યુને માટે ‘અજાણ્યું’ શબ્દ શા માટે પ્રયોજ્યો હશે એવો પ્રશ્ન થાય ખરો. સમગ્રપણે જોતાં સંપાદકોની અપેક્ષા પ્રમાણેના ‘વિચાર-સંવેદન-સંયોજિત આત્મપ્રતીતિમાંથી આવેલા વિશિષ્ટ અને પ્રાણવાન’ (નિવેદન પછીનું પાનું) લેખો આ સંચયમાં લગભગ ત્રીજા ભાગના છે. ઉપર અપાયેલી વિગતો પ્રમાણે એ લેખોમાં પ્રગટેલું ‘દિનાન્તે’વિષયક ચિંતન અનુભવે ઘૂંટાયેલું, સંતર્પક અને પ્રાસાદિક શૈલીમાં ગૂંથાયેલું છે, સંવેદનાથી સિંચાયેલું છે, ક્યાંક આધ્યાત્મિકતા પ્રગટ થઈ હોય તે પણ એ સંવેદનમાં ઓગળેલી છે. કેટલાક લેખો ભાવકોને માટે વિચારપ્રેરક બની રહે તેવા છે. બાકીના લેખોમાં આધ્યાત્મિક અવતરણો કેવળ અવતરણો બનીને રહી જતાં લાગે છે. જોકે પ્રત્યેક સર્જકે સભાનતાપૂર્વક મૃત્યુ વિષેની ભીતિ કે તેની પ્રતીક્ષા કે તેના વિષેના અનુભવોને આલેખવાનો પ્રયત્ન કર્યો છે તેમાં ભાષા-શૈલી-શબ્દચયન વગેરે દૃષ્ટિએ સાહિત્યનું સત્ત્વ તો સચવાયું છે એ નોંધવું જોઈએ. એ રીતે ‘દિનાન્તે’ વિષેના લેખોનો આ સંચય ઓછામાં ઓછું દરેક ભાવકે વાંચવા જેવો બને તે રીતે તો સંપાદિત થયો જ છે.
[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]