બે હજાર ચોવીસ સમક્ષ/બોલે બાવન બહાર બટેર – હરીશ મીનાશ્રુ

કવિતા

‘બોલે બાવન બ્હાર બટેર’ : હરીશ મીનાશ્રુ

મણિલાલ હ. પટેલ

ગુજરાતી ગઝલ અહીં પ્રાણવાન છે

કવિ હરીશ મીનાશ્રુ ગુજરાતી સાહિત્યના અગ્ર હરોળના સુપ્રસિદ્ધ સર્જક તથા દેશ-વિદેશની, અનેક ભાષાઓની નોંધપાત્ર કવિતાના સુજ્ઞ અનુવાદક પણ છે. સતત સ્વાધ્યાયથી અને વિવિધ ક્ષેત્રોના અનુભવોથી; નિરીક્ષણોથી એમની કવિપ્રતિભા નીખરી આવી છે. અનેક ભાષાઓની કવિતાના રસાળ, આસ્વાદ્ય અનુવાદકાર્યથી પણ એમના કાવ્યસર્જનમાં નવસંચાર અને નિખાર વર્તાય છે. હરીશ (હવે લેખમાં સાદર હરીશ લખીશું) સંવેદનશીલ અને પ્રજ્ઞાવાન કવિ હોવાની પ્રતીતિ એમના દરેક સંચયની કવિતામાં પમાય છે. `બોલે બાવન બ્હાર બટેર’ એમનો તેરમો કાવ્યસંચય છે. એટલું નોંધીએ કે હરીશ રસાયણશાસ્ત્રના વિદ્યાર્થી (એમ.એસસી.) હતા. વ્યવસાયે બૅન્કર રહ્યા. કવિતા વાંચવા વ્હેલી નિવૃત્તિ (સ્વૈચ્છિક) લીધી... ને એ નિવૃત્તિને એમણે કાવ્યસર્જન તથા અનુવાદોથી સભર કરીને સાર્થક પણ કરી. સૂફી તથા કબીરપંથી વિચારધારાના જાણકાર હરીશની આસ્થા ‘રાધાસ્વામી’ અધ્યાત્મવિચાર તરફ ઢળેલી છે. એમની કવિતા, પછી એ ગીત હોય, ગઝલ હોય, પરંપરિત લય/છંદમાં રચાયેલાં દીર્ઘકાવ્યો હોય, અછાંદસ, ગદ્ય હોય કે ‘પદપ્રાંજલિ’ અથવા ‘વ્હાલેશરી’નાં પદો જેવી રચનાઓ હોય – એ સહુમાં એમની સંવેદના સાથે ઉક્ત પ્રજ્ઞાશીલ પ્રાસાદિકતાનો સુમેળ સધાયેલો પમાય છે. ‘બોલે બાવન બ્હાર બટેર’માં ૭૧ ગઝલ- રચનાઓ છે. સંચયને છેવાડે સંદર્ભસૂચિ-૧માં ગઝલની પ્રથમ પંક્તિ, રચનાકાળ અને પ્રથમ પ્રકાશનની માહિતી આપી છે. ગુજરાતી કવિતાના સંચયોમાં આવી સૂચિ અહીં પ્રથમવાર જોવા મળે છે. સંદર્ભસૂચિ-૨માં બારાક્ષરી મુજબ પ્રથમ પંક્તિની આનુપૂર્વી મુકાઈ છે. સંદર્ભસૂચિ-૩માં સ્મરણ પુણ્યસ્મરણ શ્રેણીની સૂચિ પૃષ્ઠક્રમાંક પ્રમાણે આપેલી છે. ‘સ્મરણ પુણ્ય’ શ્રેણીમાં વિદ્યમાન કવિઓની પંક્તિ/શેર મથાળે મૂકીને, કવિએ તે તે પંક્તિ કે શેરના ભાવવિશ્વને એના અંતઃતત્ત્વને, પોતાની ભાવસંવેદના સાથે ગૂંથી લેવાનો નોખો પ્રયોગ કર્યો છે. આવા ચૌદ કવિઓને ટાંકીને પંદર ગઝલો આપી છે. હયાત નથી એવા તેર કવિ-ચિંતક-વિજ્ઞાનીઓની પંક્તિઓ/વિચારકણિકાઓ મૂકીને પોતીકી મુદ્રાએ ભાવાભિવ્યક્તિ કરીને ‘પુણ્યસ્મરણ’ કર્યું છે. અહીં શ્રીમદ્‌ રાજચન્દ્ર, વિંદા કરંદીકર, જ્ઞાનદેવ, પોલક્સી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, નિદા ફાજલી, ગંગાસતી-ની ભાવ/વિચારસૃષ્ટિની હાજરી છે. કવિનો કાવ્યનાયક ‘ધ્રિબાંગસુંદર’ – (કવિનો જ ભીતરી ભેરુ) – પણ છેલ્લે હાજર થઈને કવિનાં રચિતોનો માર્મિક હિસાબ આપે છે, આ રીતે –

‘આવડું અચરજ ને અજવાળું પહેલવ્હેલું થયું,
કે મળસ્કું મારી મરઘીને લીધે વ્હેલું થયું.’

‘પસ્તીમાંથી એક પુસ્તક લઈને એમાં ઘર કર્યું,
એ જ તો પાછળથી સરસતમાતનું ડ્‌હેલું થયું.’

‘આજ ચેલૈયા કુંવર શો શબ્દ મેં ખાંડી લીધો,
મારા કિત્તાનું જ રૂપાંતર આ સાંબેલું થયું.’(પૃ. ૧૦૨)

ઉક્ત પંક્તિઓ પણ કવિમિજાજ સૂચવવા સાથે કેટલાક માર્મિક અને પારંપરિક સંદર્ભો કવિ ચીંધી આપે છે. ‘બાવન બ્હાર’-ના તત્ત્વસંદર્ભો એકાધિક છે. જોકે ગંતવ્ય તો પ્રચલિત છે – એની વાત કવિની સંવેદનામાં ધબકે છે. એનો અહીં સવિસ્તર હિસાબ સાંપડે છે. પાર, ગોચર અને અગોચરનીય પારનો કોઈ રહસ્યલોક હશે? ત્યાં કદાચ આ માયાલોકનો કશોય અણસાર નહીં હોય, બારાખડીમાં નહિ ઝિલાય, એની પણ બ્હાર વહી જાય – રહી જાય એવા બાવન બ્હારના મલકમાં ‘બટેર’ બોલે છે. ગઝલકાવ્યોમાં આપણને એ સંભળાય છે ખરું? – કાન માંડીને વાંચીએ... એવો કોઈ મલક તો છે – એવું કવિના કાવ્યનાયકને સતત થયા કરે છે.. ત્યાં જે નાજુક સ્વરે પરમનું પ્રસરણ થતું હશે, કાવ્યનાયક કવિતાની પવન-પાવડી પહેરીને એ અગોચરની, ને એનીય પાર જવા ચાહે છે – અલબત્ત, આ સંચયની રચનાઓ એ દિશામાં પગલાં પાડવા ઉત્સુક છે. ને માર્ગ તો કપરો ને કઠણ છે :

‘કોઈ નથી છતાંય કરવાની ગોઠડી છે,
ઈશ્વર બધિર છે ને આ જીભ બોબડી છે.’

‘જન્માંતરોથી તારી પરછાંઈ સાથે સૂનમૂન,
તું જે રમત રમે છે તે શૂન્ય ચોકડી છે.’

‘કાગળની આ તરફ તો થાકેલો હાથ છે ને,
ત્યાં ધૂળ ખાતા શબ્દોની જીર્ણ થોકડી છે.’
(પૃ. ૯)

આ જગતનું – માયાલોકનું – વૈચિત્ર્ય કવિ વક્ર વાણી વડે રજૂ કરે છે : ‘ચલો તંબુ તજી ડેરા/ અગમ કરતાંય આઘેરા./ હુવા ગુમ બાંઝકા છોરા/ પીટા સુપણેમેં ઢંઢેરા/ ભીતરમાં લ્હાય જબ ઊઠે,/ અજબ લજ્જત ગજબ લ્હેરા./ નથી પરછાંઈ પણ મારી,/ નહીં યે બિંબ ભી તેરા./ પહોંચ્યા જે કોઈ ટીંચે,/ પૂછો : વો ક્બતલક ઠહેરા.’ (પૃ. ૧૩) નિરર્થકને નાથવાના વ્યર્થ પ્રયત્નોની વાત આ કવિને કરવી છે. સંચયમાંથી એકાધિક વાર પસાર થતાં કેટલાક મહત્ત્વના વિશેષો – (જે ગઝલ જ નહિ કોઈપણ કાવ્યસ્વરૂપમાં પ્રગટે ત્યારે કશુંક સિદ્ધ થાય છે.) – પ્રાપ્ત થાય છે : આ સંચયની ગઝલોમાં, ગઝલ એના બહિરંગ અને અંતરંગ સાથે – પૂરા સ્વરૂપગત મિજાજ સાથે – પ્રગટી છે. કવિએ અહીં ગઝલ કશુંક મનોરંજન જેવું પીરસવાસારુ લખી નથી. કવિની પાસે અભિવ્યક્તિ ઝંખતી સંવેદના છે, વર્તમાન જીવનના પરિસર-સંદર્ભે વિચારો પણ છે, હોવાપણાની નિરર્થકતા-વ્યર્થતા અને રૂઢિજડ પરંપરાએ ગળે પહેરાવેલી પળોજણો છે, છૂટવાની મથામણો વચ્ચે સંઘર્ષ છે. કવિની સર્જકતા એનો ઊર્જાવાન શબ્દ લઈને, ઘણી ગઝલોમાં, પ્રભાવકતાથી સદ્ય પ્રગટતી પ્રતીત થાય છે. પ્રથમ ગઝલમાંથી એક દૃષ્ટાંત આ રહ્યું :

‘કેળવું ક્યાંથી નિકટતા કે ઇશારો પણ નથી,
પળ પછી લાગે કે હા એવો જુદારો પણ નથી.

જ્યાં નિમંત્રણ પણ નથી ને આવકારો પણ નથી,
તારું જ ઘર છે તેથી એવા ઉપચારો પણ નથી.

જિન્દગીને શી રીતે આપું સરિતાનું રૂપક,
માત્ર વહેવાની દશા છે ને કિનારો પણ નથી.’
(પૃ. ૧)

અહીં સહૃદય હશે તે ગૂઢાર્થો સુધી જશે... સહજ લાગતું જીવન એટલું સરળ પણ નથી :

‘સમ ઉપર આવીને બેઠો છું સમેટી જાતને,
સાત સ્વરના જેટલો મારો પથારો પણ નથી.’
(પૃ. ૨)

વીસ શેરની આ (પ્રથમ) ગઝલમાં છંદ, કાફિયાનું અને ભાવલોકનું અર્થપૂર્ણ નિર્વહણ ભાવકને સંતૃપ્ત કરે છે. આ સંચયની ઘણી ગઝલો પ્રમાણમાં દીર્ઘ-સુદીર્ઘ છે. એમાંથી પસાર થતાં ખાતરી થાય છે કે કવિત્વ-શક્તિ હોય તો સ્વરૂપ કદી મર્યાદા બનતું નથી. હરીશ પાસે શબ્દો જાણે કતારબદ્ધ હાજર થઈ જતા લાગે છે. ભાષાસમૃદ્ધિ એમની ગઝલોના ભાવલોકને અર્થપૂર્ણ સંરચનામાં ઢાળી આપતી પમાય છે :

‘સાવ ઝીણું એક ટપકું એ રીતે સળવળ થયું,
કે ઘડીભરમાં તો આખું વિશ્વ ભાતીગળ થયું.’
(પૃ. ૫૫)
‘જ્યાં પ્રવાસીનાં ચરણ થંભ્યાં સહજ એ સ્થળ થયું,
ને તરસનું રૂપ બદલાઈ ઝરણનું જળ થયું.’
(પૃ. ૫૫)

શૂન્ય પાલનપુરીના ‘પુણ્યસ્મરણ’ સંદર્ભિત હરીશે રચેલી નોખી ગઝલની સહજ પ્રગટતી ભાષાભાત અર્થનાં ઓજસ પાથરે છે :

‘ઘડી બે ઘડીમાં જ સોંપી જવાના,
હતી એવી ને એવી પૃથ્વી તમારી,
મુબારક હો તમને આ મટકી અધૂરી,
ભરેલી જે અડધી ને અડધી જે ખાલી.’

‘તમે આવ્યાં કે બેઠાં છે અઢળક
કબરની કનેના સરગવાને ફૂલો,
બીજી તો કઈ રીત છે વ્યક્ત કરવા
અવાચક રહીને અમારી ખુશાલી.’
(પૃ. ૬૦)

નિર્મળ વહી જતા જળ જેવો આ લયબદ્ધ ભાષા-ભાવ પ્રવાહ કાવ્યસિદ્ધિનું શિખર રચે છે. હોવાપણું હંમેશાં આહત હોય છે. પરંપરાઓ રાહત આપે તો ઘડી બે ઘડી. મૌલવી-મહંત-પાદરી તો ખરા જ, ઉપરાંત દરેક ક્ષેત્રમાં પદારૂઢ થયેલા અધકચરા, દંભી, લોભી, વહેમી, અભિમાની લોકોએ ભારે રંજાડ કરેલો છે... સત્તા અને વહીવટને નામે લોકોનુંં જીવવું બેહાલ કરી દીધું છે. અમાનુષીતા સામે, પ્રેમામૃતનો સહજ માનવતાભર્યો મલમલેપ કરવા ચાહતો કવિ ‘મારું ચાલે તો—’ નામક (૨૮ શેરની) ગઝલમાં એક નિરામય સંસાર રચવા ચાહે છે.

‘મારું ચાલે તો ન ડંખે જોડણી કો શબ્દને,
આગ ના ડંખે કદાપિ કોઈ ગ્રંથાગારને.’
(પૃ. ૫૭)
‘મારું ચાલે તો કમલતંતુ કરી દઉં તીરને,
તૃણની પત્તી થવા વિનવું પછી તલવારને.’
‘મારું ચાલે તો બને સૌનું વતન આ વિશ્વ જ્યાં,
સરહદો સિમ સિમ ખૂલે રોકે ન પદસંચારને.’
(પૃ. ૫૮)

આ કવિને ગઝલ ‘કહેવી’ છે – એનાં અસલ રૂપરંગ સાથે એની ખુમારી અને ખુદ્દારી સાથે. કવિ એ માટે અહેસાસ બનેલી નિજી સંવેદનસૃષ્ટિને, સહજ પ્રગટતી લયાત્મક પદાવલિમાં કહેતો સંભળાય છે. સાંભળોે – ‘રમણીય રીતે ઊઘડશે રહસ્યો/ જો ઢાળી દો ઘૂંઘટ વધારે વધારે/ કળામય છે રૂપક પ્રણયની દશાનું :/ શિલા શિલ્પ બનશે પ્રહારે પ્રહારે.’ (પૃ. ૫૩)
‘જે મઝધારની શુદ્ધ ઝંઝાના જોગી/ ને મહેરામણોનો મરમ તાગનારા/ કહો મરજીવાનાં ચરણસિદ્ધ કદીયે/ જડ્યાં છે કે જડશે કિનારે કિનારે.’ (પૃ. ૫૪) માત્રામેળથી નવીન લય રચવો, શબ્દો ઘડવા અને આ માયાલોકની વિભીષિકાઓને ઓળખી-ઓળખાવી અગોચરથીય આગળના રહસ્યલોકને વિશે વિચારી-વિમાસી, બને તો બાવન બ્હાર નીસરી જવાની આ કવિની શબ્દસાધના અને જીવનયાત્રા ચાલી છે – ચાલે છે. અન્ય સંચયોની જેમ આ સંચયમાં પણ ઉક્ત કથ્યની દિશા ચીંધતા શેર મળે છે. હથોટી અને કસબથી પણ રચના કરવાનું સામર્થ્ય આ કવિમાં નથી એવું નથી, પણ કવિએ એ મર્યાદાને જાણી-પ્રમાણીને ટાળી છે, છતાં એવા શેર મળી આવે છે. ખાસ તો દીર્ઘ ગઝલોમાં ભરતીના શેરમાં એવાં દૃષ્ટાંતો મળે છે. દા.ત. ‘કક્કાળવી ગઝલ’ (પૃ. ૪૧) ‘એકોત્તરશતી’ (પૃ. ૪૪) ગઝલ. અહીં પ્રયોગપૂર્વક કવિએ મોટી ઉંડળ ભરી છે વસ્તુ–વ્યક્તિ–ઘટના–સંદર્ભોને ગૂંથી લેવાની. બે શેરનું એક યુગ્મ, એવાં એકોતેર યુગ્મો અહીં રચાયાં છે. સભામાં પણ દાદ ઝિલતી આ રચના એના લયહિલ્લોળ, ભાષા અને કદી ‘રિપિટ’ નહીં થતા અઢળક કાફિયા... ઇત્યાદિથી વાચકને જકડી રાખે છે ખરી, પરંતુ અહીં ઘણીવાર કથન સપાટી પર રહી જાય છે ને જાણે હાથવગા થતા આવતા કાફિયાઓના કેફમાં ગઝલ મનોરંજન સુધી ઊતરી આવી છે. ગંગાસતીના પુણ્યસ્મરણમાં લખાયેલી ‘એકવીસ હજાર છસ્સો’ (એક દિવસના શ્વાસોચ્છ્‌વાસ) રદીફ વાળી ગઝલ (પૃ. ૯૭) પણ વિગતો ને સંદર્ભોને સપાટ રીતે કહી જતી પમાય છે.... ક્યાંક હરીશની મુદ્રા ચળકે ખરી! એ જ રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના પુણ્યસ્મરણમાં રચાયેલી ‘ઇ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર’ (E = MC2) રદીફ વાળી ગઝલ (પૃ. ૮૩)માં કથન અને સંદર્ભનું વૈવિધ્ય ઘણું છે ને છંદ તો આ કવિ સાચવી જાણે છે... છતાં આ દીર્ઘ ગઝલમાં ‘ગદ્યાળુતા’ વાગે છે. કીડી માથે કટક ઊતરી આવ્યું એવું લાગે છે. ‘સ્મરણ-પુણ્યસ્મરણ’ ગુચ્છની ઘણી રચનાઓમાં ભરતીના શેર સામાન્યથી પણ નીચે ઊતરી જતા પમાય છે. ‘સ્વ. હારુન પટેલ માટે’ – મથાળે (પૃ. ૧૫) એક સાવ ફૂટકળ રચના કવિની હથોટી પરખાવે છે – કવિત્વ નહીં. સત્ત્વશીલ વ્યક્તિત્વ અદમ ટંકારવી માટે (પૃ. ૧૭) લખાયેલી ગઝલમાં પણ કસબ વધુ બીજું બધું ઓછું. આમ, કેટલીક મર્યાદાઓ છતાં, ગુજરાતી ગઝલના આજે ઊપસતા દયનીય ચિત્ર સામે ‘બોલે બાવન બ્હાર બટેર’ સંચય માર્ગસૂચક સ્થંભ બની રહેશે એવી પ્રતીતિ થાય છે.

[ઝેન ઓપસ, અમદાવાદ]