બે હજાર ચોવીસ સમક્ષ/મહાપંથી પાટપરંપરાના સંતકવિઓ – દલપત પઢિયાર
સંશોધન
બળવંત જાની
પોતીકું ચિંતન-અર્થઘટન અને આસ્વાદ, પણ થોડીક ક્ષતિઓ
આ ગ્રંથ ‘ડૉ. ભોગીલાલ સાંડેસરા સ્વાધ્યાયપીઠ’ (ગુજરાતી સાહિત્ય પરિષદ)-અંતર્ગત સંશોધન-પ્રોજેક્ટની કામગીરીનું પ્રકાશિત પરિણામ છે. દલપતભાઈ આ ગ્રંથમાં મહાપંથને લોકસાધનાપંથ તરીકે ઓળખાવે છે અને આલેખે છે કે, ‘નિમ્ન કોટિના-નીચલા સ્તરના વર્ગના ગણાતા લોકોમાં સવિશેષ પ્રચલિત છે.’ એમ નિર્દેશીને આલેખે છે કે, ‘મહાપંથ લોકોની વચ્ચે ઉદ્ભવેલો, લોકોએ ઉછેરેલો, લોકોએ ઝીલેલો અને લોકોએ જાળવેલો પ્રાચીન, વિશાળ લોકસાધનાપંથ છે. એ લોકધર્મ તરીકે પણ ઓળખાય છે.’ (પૃ, ૩) આમ છતાં પણ આ પંથની ગંગોત્રી, લોકધર્મશાસ્ત્રનું મૂળ ભારતીય-સનાતન ધર્મના ગ્રંથોના સંકેતો, સૂત્રો અને સિદ્ધાન્તોમાં હોવાનું અહીં નિર્દેશાયેલું છે. એટલે હકીકતે, ભારતીય જ્ઞાનપરંપરાના શાસ્ત્રીય સિદ્ધાન્તોના શિષ્ટ-પ્રશિષ્ટ રૂપોનું લૌકિક અને લોકતાત્ત્વિક રૂપાંતરણ મહાપંથરૂપે પરંપરિત રીતે પ્રચલિત રહ્યું, એનું ઉજળું ઉદાહરણ આ લોકધર્મ છે. એ બધું તાત્ત્વિક રીતે, તર્કપૂત રીતે અને મુદ્દાસર રીતે અહીં આલેખાયું છે. મહાપંથનું શાસ્ત્ર અને એ શાસ્ત્રોના પાયાના સિદ્ધાન્તોને ઉદ્ઘાટિત કરતો, શાસ્ત્રીય સંજ્ઞાઓને પ્રયોજતો, ભજનવાણીના પરિચયને સમાવિષ્ટ કરતો આ ગ્રંથ કોઈ સંશોધક કે અનુયાયીના દર્શનની-અભ્યાસની વિગતો આલેખતો નથી, પણ એનાં વિધિ-વિધાનના, પરંપરિત જ્ઞાનના અનુભૂત અને પ્રાયોજિત પ્રક્રિયાનું આત્મજ્ઞાન કહો કે આત્માનુભવનું આલેખન અહીં થયેલું જણાય છે. એ રીતે આ ગ્રંથમાં નિજ અનુભવ, નિજ અભિગમ-પદ્ધતિ સહિત ક્રિયાકાંડની વિગતો નિરુપાયેલી દૃષ્ટિગોચર થાય છે. દલપત પઢિયાર સંશોધક કે અનુયાયી દર્શક નથી પણ મહાપંથી પાટપરંપરાના વાહક અને તત્ત્વવેત્તા છે. મેં એમને આ વિધિના વાહક તરીકે અવલોક્યા છે, અનુભવ્યા પણ છે. એના ઉપાસના-સાધના સમયના અવાજ-ધ્વનિનું શ્રવણપાન એક પ્રકારનું મંત્રસાક્ષાત્કારનો અનુભવ કરાવનારું પરિબળ જણાયું છે. જ્યોત વળાવવાની વિધિનો અને જ્યોત વળામણનાં ધોળનાં ગાનશ્રવણનો પણ હું સાક્ષી છું.
૦
આ ગ્રંથ વાંચતાં પાટપરંપરાની પદ્ધતિ-ક્રિયાકાંડ તથા ઉપાસક સાધકો-સંતો અને એમની વાણી-ભજનરચનાઓથી પરિચિત થવાનું બને છે.
પ્રથમ પ્રકરણ ‘મહાપંથી પાટપરંપરા : ઉદ્ભવ અને વિકાસ’માં મહાપંથની ઓળખ આપતાં મહાધરમ-આદિધરમ જેવાં અન્ય વૈકલ્પિક નામો પણ એમણે નિર્દેશ્યાં છે. મહાપંથનો પરિચય આપતાં તેઓ કહે છે કે મહાપંથ એટલે વ્યાપક અર્થમાં મોટો પંથ, મોટો સાધનામાર્ગ. ‘પંથ સંજ્ઞા અહીં સંકીર્ણ, બદ્ધ, સાંપ્રદાયિક ઓળખની રીતે સીમિત નથી. મૂળ મુકામે જવા માટે બધાને જગ્યા આપતા, બધાને જોડતા, ખુલ્લા, મુક્ત મહા-માર્ગની રીતે છે.’(પૃ. ૩) ‘મહાપંથના આદ્ય પ્રવર્તક મહાદેવ હોવાથી પણ આ પંથ મહાપંથ તરીકે ઓળખાય છે. આદિદેવ મહાદેવ અને આદ્યશક્તિ ઉમિયાએ સાથે મળીને ચલાવેલો ધરમ હોવાથી એ આદ્ય ધરમ.’ (પૃ. ૬–૭)
મહાપંથની ઐતિહાસિકતા સંદર્ભે રાજેન્દ્રસિંહ રાયજાદાનો મત ટાંકીને મહાપંથને તેઓ બૌદ્ધજાતક સમય પૂર્વેનો પ્રાચીન ગણે છે. સાધના પંથની-સિદ્ધાન્તપક્ષની વિગત પણ એટલી જ પ્રાચીન ગણીને નોંધી છે. પછી મહાપંથની પ્રાચીનતાનું પગેરું તેઓ રામદેવપીરના મંડપમાં નિર્દેશે છે. અહીં મંડપની જગ્યાએ પાટ કરવામાં આવે છે.
મહાપંથને તેઓ સમન્વયવાદી લોકસાધનાધારા તરીકે ઓળખાવીને મંતવ્ય પ્રસ્તુત કરે છે કે, એમાં ‘અનેક ધર્મો, પંથો, સંપ્રદાયો, ધારાઓના સંસ્કારો ઝીલેલા છે. એમાંય તે તંત્રમાર્ગના સાધના સંસ્કારોનો પ્રભાવ તેણે વિશેષ ઝીલ્યો છે.’
(પૃ. ૧૧)
‘માનવજાતિના ઉદ્ભવકાળથી જ, ધર્મનું સ્વરૂપ, સ્ત્રી-પુરુષના પ્રાકૃત જાતીયવૃત્તિ ધર્મ સાથે સંલગ્ન હોઈ એને સનાતનધર્મ કહ્યો છે.’ – આવી પોતીકી સમજ પ્રસ્તુત કરીને ઉપનિષદકાળમાં કામ-સ્વતંત્રતાને, મુક્ત મૈથુનક્રિયાને સાધનાત્મક રૂપ મળેલું એમ જણાવીને, ‘છાંદોગ્ય ઉપનિષદ’માં ‘પુરુષ-મંથ-કર્મના પ્રકરણ’ની ચર્ચા કરીને, જાતીય રતિકામ સંબંધના ‘કામશાસ્ત્ર’ ગ્રંથના આલેખક વાત્સ્યાયન ‘ઋષિ’ કહેવાયા છે, શૈવ, સૂર્યમંદિરો અને કોણાર્ક-ભુવનેશ્વર ઇલોરા આદિ ગુફાઓમાં કામદર્શન અને સાધનાની ઉચ્ચ કલાત્મક પ્રસ્તુતિ અવલોકવા મળે છે એમ ચર્ચીને પછી પોતાનો મત દર્શાવતાં લેખક કહે છે કે, ‘પાટસાધનાપરંપરા બહુ પહેલેથી છે. સ્થાપત્યો ઘણાં પાછળથી આવ્યાં. શિવમંદિરનું અષ્ટસ્તંભ સ્થાપત્ય, શિવસ્થાપન, હનુમાન-ગણપતિ, કાચબો વગેરે બેઠે-બેઠું નહીં તોય બહુ પાસેપાસેનું સાંકેતિક અને પ્રતીકાત્મક લાગે છે.’ (પૃ. ૧૨)
બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં સ્ત્રી-પુરુષયુક્ત સાધનાના પાંચેય પ્રકારો દર્શાવીને મહાપંથી વીસાપાટ પરંપરાની સ્ત્રી-પુરુષ યુગલક્રિયા અનુસંધાને અવલોકીને પાંચ ‘મ’કારનું અધ્યાત્મમૂલક મૌલિક અર્થઘટન દર્શાવીને ઉદ્ભવ અને વિકસિત રૂપની વિગતો અહીં તર્કપૂત રીતે પ્રસ્તુત કરી છે.
બીજું પ્રકરણ નિર્દિષ્ટ ‘પાટ’ઉપાસનાનો ઉત્પત્તિસંદર્ભ તથા સાધના-સિદ્ધાન્ત અને દર્શનકેન્દ્રી વિષયસામગ્રીનું છે. અહીં હકીકતે ત્રણ વિગતો નિહિત છે. ઉપાસનાની પ્રારંભિક વિગતો એનાં સાધનાપદ્ધતિલક્ષી સૈદ્ધાન્તિક વલણો તથા દર્શન અર્થાત્ તાત્ત્વિક, પીઠિકાલક્ષી માહિતીને પંદર ઘટકોમાં-ગુચ્છમાં આલેખી છે. આ પંદર ક્રમાંકો વ્યવસ્થા માટે મેં દર્શાવ્યાં છે. આ ત્રણેય મુદ્દાઓ ક્યાંક સ્વતંત્ર રીતે અને ક્યાંક સંમિલિત કરીને મેળવીને મૂક્યા-આલેખ્યા છે. અહીં પ્રયોજેલા જે-તે પેટાશીર્ષક પરથી જ ચર્ચ્ય વિષયસામગ્રીનું ઇંગિત મેળવવાનું રહે.
ત્રીજા પ્રકરણ ‘મહાપંથી પાટપરંપરા અને તેના પ્રકારો’નો સુદીર્ઘ પટ પર પથરાટ છે. પણ નિરંજન રાજ્યગુરુના ‘બીજમારગી ગુપ્ત પાટઉપાસના’ (૧૯૯૫, બીજી આ. ૨૦૨૦) ગ્રંથમાં પાંચેક પ્રકરણોમાં પચાસેક પૃષ્ઠમાં વિગતે અપાયેલા મંત્રો, ક્રિયાકાંડ વિધિની વિગતો અને પાટના જીવંત પરંપરિત ફોટોગ્રાફસ છે. જે મારી દૃષ્ટિએ મહાપંથી પાટ વિધિને સમજવા માટે ખૂબ જ મહત્ત્વના છે. દલપતભાઈ તો પ્રાણગીરી ગોસ્વામી માફક પાટવિધિના જાણતલ અને ક્રિયા કરાવનારા હોઈને એમની પાસેથી આ મંત્રો અને વિધિવિધાન ક્રિયાની ક્રમબદ્ધ માહિતી અહીં ગ્રંથમાં અપેક્ષા રહે એ સ્વાભાવિક છે; પણ જે નથી એની આલોચનાનો કશો અર્થ નથી.
પછીનું ચોથું પ્રકરણ ‘મહાપંથી પાટપરંપરા અને તેના સંતકવિઓ’ વિશેનું છે. અહીં ખૂબ જ વિગતે રામદેવજી મહારાજ, જેસલ-તોરલ, રૂપાંદે-માલદે, ખીમડિયો-કોટવાળ, દેવાયત પંડિત અને દેવળદે, લાખો-લોયણ, ગંગાસતી – આવાં વૈયક્તિક અને યુગલ સંતોનાં સમય, જીવનકાળ, પાટ સાથેનું અનુસંધાન તથા એમની મહાપંથ સંલગ્ન વાણીની વાચના તથા અર્થઘટન પ્રસ્તુત કર્યાં છે.
આ ઉપરાંત અકારાદિક્રમે અખૈયો, અમરબા (અમરમા), દાસી જીવણ, જીવારામ, જેઠીરામ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, મારકુંડ ઋષિ, મૂળદાસ, લખમો માળી, લખીરામ, લક્ષ્મીસાહેબ, લીરબાઈ, લીરલબાઈ, લીળલબાઈ, સવારામ અને શીલદાસ એમ ચોવીસ સંતોના સંક્ષિપ્ત પરિચય, સમય અને જીવનસંદર્ભ સાથે મૂક્યા છે. આ ઉપરાંત પરિચયમાં નહીં સમાવિષ્ટ એવા બીજા ચૌદ સંતકવિઓની રચનાઓની વાચના એમણે સંપાદિત કરી છે.
શોધગ્રંથના પાંચમા પ્રકરણ ‘મહાપંથી સંતકવિઓ : વાણીવિચાર અને કવિતાવિચાર’માં દશ મુદ્દાઓમાં વાણીના તત્ત્વને, તંત્રને સમજાવીને એમાંના મંત્રમૂલક ઘટકોની ચર્ચા કરી છે. મૌખિક પરંપરાની આ વાણીને એ સંદર્ભની જાણકારીથી અભિજ્ઞ થયા વગર ભજનની ભોંય તપાસવાનું અધૂરું રહેશે. સંતોએ સમાજને છોડ્યો નથી. ‘વસતી ચેતવનારા’ આ સંતોનો બહારનો વિહાર અને અંદરનો તાર લોક પરત્વેનો પ્રેમ અને ભજનની ગેયતા, લય, ઢાળ, રાગ જેવા અંગોથી પણ વિશિષ્ટ રીતે ભજનસંપૃક્ત હોઈને એને પણ લક્ષમાં લેવાનું રહે. એ રીતે બીજા પ્રકરણ પછીનું આ પાંચમું પ્રકરણ પણ દલપતભાઈના સાધનાક્રિયા, ઉપાસનાની પ્રતિભાગિતા અને ગાનની પ્રસ્તુતિના નિજ અનુભવથી ઘણી મૌલિક સૂઝને વિશિષ્ટ પ્રગટાવે છે.
છઠ્ઠું પ્રકરણ ‘પાટપરંપરાને પગલે પગલે’માં ક્ષિતિમોહન સેનના ‘સાધનાત્રયી’ ગ્રંથમાં ‘ચીન-જાપાન યાત્રા’માં ‘ભારતવર્ષની સાધનાના નૂર અને તેજનાં ઠેકાણાં દર્શાવ્યા છે તેની ત્રણ દૃષ્ટાંત અનુભવકથાઓ ટાંકી છે.’ ઉપરાંત ‘વાયક’ અને ‘માંડવો’ શીર્ષકથી પાટપરંપરાનો પોતીકો અનુભવ સ્થાનકની વિગતો સાથે આલેખેલ છે, એનું ઔચિત્ય સમજી શકાય છે; પણ ક્ષિતિબાબુએ વિદેશમાં જ્યાં યાત્રા કરી, એ અનુભવ અહીંનું ત્યાં ગયું-જળવાયું એના સંદર્ભોને આલેખે છે. એ બૌદ્ધ મતાવલંબી જણાય છે. મહાપંથ પરંપરાને પ્રગટાવતાં દૃષ્ટાંતો જણાતાં ન હોઈને એ મારી દૃષ્ટિએ અહીં અપ્રસ્તુત છે.
છેલ્લે એમણે કુલ એકતાલીશ મહાપંથી સંતોની એકાણું રચનાઓની વાચના સંપાદિત કરી છે. મહાપંથી પાટપરંપરાની ક્રિયાની અનુભવમૂલક સામગ્રીને ખપમાં નિજ અનુભૂતિથી અનુપ્રાણિત અર્થઘટન પ્રસ્તુત કરવાનું એમનું વલણ મહાપંથી પાટપરંપરાલક્ષી પુરોગામીઓની અભ્યાસ-સામગ્રીથી આ ગ્રંથને આગવી-અનોખી મુદ્રા બક્ષે છે.
૦
અભ્યાસીઓનું સાહિત્ય પ્રારંભનું; પાયાની ઈંટો સમાન ગણાય. નિરંજન રાજ્યગુરુ ‘બીજ મારગી ગુપ્ત પાટઉપાસના’ અને નાથાલાલ ગોહિલ ‘સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ’ આ ગ્રંથો ઉપરાંત સત્યાબહેન પઢિયારનું પુસ્તક ‘મહાધરમ : તેની પાટપરંપરા અને વાણી’ ‘સંતવાણી : તત્ત્વ અને તંત્ર’ (સંપા. બળવંત જાની, ૧૯૯૬) ‘મહાધરમ તેની પાટપરંપરા અને વાણી’ (૨૦૦૨) ‘જ્યોતને પાટે રે પ્રગટ્યા અલખધણી’ (૨૦૦૩). મહાપંથ પાટ-વિષયક આટલી બધી વિપુલ સામગ્રી મુદ્રિત હોય ત્યારે એમાંથી બહુ થોડાંના ક્યાંક નામોલ્લેખ દલપતભાઈ પઢિયારે કર્યા છે પણ એનો સંદર્ભ અભ્યાસગ્રંથમાં પાદટીપ કે સંદર્ભ-સામગ્રી તરીકે દલપતભાઈ મૂકતા નથી. માલિંઝોના મહત્ત્વના કામનો તો ક્યાંય સંદર્ભ પણ નથી. બે-ત્રણ સ્થાને નિરંજનભાઈનો અને ક્યાંક નાથાલાલભાઈનો ઉલ્લેખ છે. પણ સત્યાબહેનની, મારી અને પલાણસાહેબની મહત્ત્વની સ્થાપનાઓ, પલાણસાહેબની સમય વિશેની, મારી ઇસ્માઈલી પાટપરંપરાની વિશદ શોધસામગ્રી અને સંદર્ભો ઉપરાંત મહાપંથી વાણીની રચનાઓ, એમ બીજા હસુ યાજ્ઞિકની સિદ્ધાન્ત-માંડણી તથા ભગવાનદાસ પટેલની આદિવાસી પાટ-સામગ્રીના એકત્રીકરણ વિષયક સંદર્ભની ચારેક સ્થાપનાઓને દલપતભાઈએ અભ્યાસગ્રંથમાં લક્ષમાં લીધી નથી. આદ્ય અભ્યાસીઓ નિરંજનભાઈ અને નાથાલાલભાઈથી જ્યાં જુદા પડવાનું કે સ્વીકારવાનું હોય ત્યાં આ બે વિદ્વાનોને ટાંકીને પોતાનો અભ્યાસ મૂકવાનો હોય. સહુથી મહત્ત્વનું તો આજ સુધીમાં મેં, ‘પંથ પંથની ભજનવાણી’માં, નિરંજનભાઈએ નાથાલાલભાઈ તથા સત્યાબહેન એમ ચારેક અભ્યાસી દ્વારા મહાપંથી વાણી સંપાદિત થઈ છે. કોઈ સંપાદન અશેષ નથી, પણ આવાં બીજાં સંપાદનોમાં હોય એને આ અદ્યતન ગ્રંથના સંપાદનમાં સમાવિષ્ટ કરીને મહાપંથી સંતકવિઓની સમગ્ર વાણી અહીં શોધગ્રંથમાં સંપાદિત થવી જોઈતી હતી. અહીં ૪૧ સંતકવિઓની ૯૧ રચનાઓ જ સંપાદિત છે. બધા મળીને હજુ પંદર-વીશ સંતકવિઓ અને એની પચાસેક જેટલી રચનાઓ બાકી રહે છે. જેમાંની ઘણી મારા, નિરંજનભાઈના, નાથાલાલભાઈના અને સત્યાબહેનના અભ્યાસગ્રંથોમાં ઉપલબ્ધ છે.
મેં એ ત્રણેય સંદર્ભોની ભજનવાણીમાંના દલપતભાઈએ પ્રસ્તુત કરેલા પાઠ સરખાવ્યા-ચકાસ્યા. અહીં ઘણે સ્થાને અલગ પાઠ છે. એ પાઠ વાચના સ્વીકારવા પાછળનું કારણ અથવા તો એ પાઠપ્રાપ્તિનો સંદર્ભ મુકાવો જોઈએ, જે અહીં નથી. કેટલાક મૂળ સંપાદનના મુદ્રણદોષો એમ જ છે. ક્યાંક ભ્રષ્ટ પાઠ છે. તેની નિયત વાચના/પાઠ શુદ્ધિ સાથે હોવી જોઈતી હતી. આ ઉપરાંત ‘દોઢી’નું દરેક સ્થાને દરેક વાચનામાં ‘દોડી’ મુકાયું છે. અહીં ગ્રંથમાં દલપતભાઈએ સંતવાણીના સંપાદન પૂર્વે એકાણું વાણીની પંક્તિ સૂચિ છે, એ પંક્તિ સૂચિ એના રચયિતા સંત નામના અકારાદિક્રમે મૂકી છે, પણ અહીં વાણીની પંક્તિ સાથે એમાં સંતનું નામ ન હોવાથી ખ્યાલ ન આવે કે આ વાણીની અહીં પૃષ્ઠાંક સાથે દર્શાવેલી અનુક્રમ-પંક્તિ કયા સંતના નામની છે. સંશોધન સામગ્રીમૂલક ગ્રંથના લેખનસંદર્ભે આવા કેટલાક સાહિત્યિક સંશોધનને સ્પર્શતા પ્રશ્નો ગુજરાતી સાહિત્ય પરિષદના સંશોધન સંસ્થાન દ્વારા પ્રકાશિત આ ગ્રંથનો ઊંડાણથી અભ્યાસ કરતાં મને જણાયા છે; એમાંથી પુરોગામીઓના મતના ઉલ્લેખોનો અભાવ, પાટ-ઉપાસનાના ક્રિયાના સંશોધનલક્ષી મંત્રાદિ ઉલ્લેખો એમ થોડા અહીં સમીક્ષામાં દર્શાવ્યા છે. દલપતભાઈ પઢિયારનો અનુભવ, અભ્યાસ પુરોગામીઓના કાર્યનાં સંદર્ભે આલેખવાનું બન્યું નથી. અનિવાર્ય એવી સંદર્ભગ્રંથસૂચિ પણ મૂકી નથી, પોતે અવલોકેલા બે-એક ગ્રંથોને પાદટીપમાં મૂકેલા છે; એ જ.
દલપતભાઈનું પોતીકું ચિંતન-અર્થઘટન અને આસ્વાદ પ્રાપ્ત થયાં એ આ ગ્રંથની મોટી ઉપલબ્ધિ.
[ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ]