બે હજાર ચોવીસ સમક્ષ/શરત – ધરમાભાઈ શ્રીમાળી
ટૂંકી વાર્તા
બિન્દુ ભટ્ટ
બદલાતા સમયની સંવેદનાનાં વાર્તારૂપો
દલિત વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠિત શ્રી ધરમાભાઈ શ્રીમાળીનો આ છઠ્ઠો વાર્તાસંગ્રહ છે. સંગ્રહમાં અઢાર વાર્તાઓ છે. નિવેદનમાં વાર્તાકાર લખે છે, ‘અહીં લલિત અને દલિત એમ બંને ધારાઓની વાર્તાઓ છે.’ ધરમાભાઈ હાડે ગ્રામજીવનના લેખક. અનેક સામાજિક આર્થિક, રાજકીય અને ધાર્મિક પ્રશ્નોથી ઘેરાયેલા પરિવેશમાં જીવતા-ઝઝૂમતા દલિત-પીડિત માનવ માટે ઊંડી નિસ્બત એમના લેખનનો મૂળ સ્વર છે. પરંતુ ‘શરત’ સંગ્રહની વાર્તાઓ વ્યાપક વસ્તુ ફલકને તાકે છે. સંગ્રહની પહેલી અને જેના પરથી સંગ્રહનું શીર્ષક છે એ વાર્તા ‘શરત’ સ્ત્રીવિમર્શની દૃષ્ટિએ નોંધપાત્ર છે. વાર્તાની મુખ્ય ઘટના બની ચૂકી છે. ‘શરત’ની નાયિકા ગવરીનો પતિ મોંઘો ગામના દરબાર જામસંગની વાડીનો હાથી-ભાગિયો છે. જામસંગના દીકરા બાલસંગે અને મોંઘાએ સાથે એકડો ઘૂંટ્યો છે. અઠવાડિયા પહેલાં ભાઈબંધ જેવા બાલસંગે લાગ સાધીને વાડીમાં ગવરી ઉપર બળાત્કાર કર્યો છે. અત્યંત લાઘવ અને સાંકેતિકતા દ્વારા લેખકે બળાત્કારનું વર્ણન કર્યું છે. ‘ખાસી મથામણ, હાંફ, અને ખરા બપોરનો બિહામણો વગડો. કેટલી ઝીંક લેવી. ખેતરના મોલમાં બધું રફેદફે થઈ ગયેલું.’ (પૃ. ૧૭) અંધારું ઓઢીને ઓરડામાં ગાભાની જેમ ગોટમોટ પડી રહેતી ગવરીની પીડા સાથે વાર્તાનો આરંભ થાય છે. ગવરીના ચકડોળે ચડેલા ચિત્તમાં ઘુમરાતી વરવી સ્મૃતિઓના હચમચાવી દેતા વર્ણન દ્વારા ગવરીની યાતના મૂર્ત થઈ છે. બીજી બાજુ પતિ, સસરા, સાસુ, વાસના લોકો અને સમાધાન માટે આવેલા જામસંગના સંવાદો દ્વારા લેખક સમાજની માનસિકતા નિરૂપે છે અને સંકેત કરે છે કે – અહીં સ્ત્રીના પક્ષે કોઈ નથી. પતિને ભય છે કે પત્નીએ તો પહેલાંથી બાલસંગ વિષે ફરિયાદ કરેલી પણ પોતે કાને ક્યાં ધરેલી? જો કેસ ચાલતી વખતે એ કહેવાનું આવે તો? સાસુ-સસરાના મતે એ લોકો તો પૈસે પહોંચી વળશે, પણ પછી મોંઘાના જીવ પર જોખમ આવશે તો? જામસંગ ગવરીની બધી શરત સ્વીકારવા તૈયાર છે. બધાને શરતી સમાધાન સ્વીકારી લેવામાં જ ડહાપણ દેખાય છે! ગવરી વિચારે છે કે એવી કઈ શરત મૂકું કે જામસંગના ફદિયાંના ધજાગરા ઊડે? એ વિચારે છે કે ‘ધણીને બોલાવીને કહું કે તમે બધાં પાછળ પડી ગ્યાં છો તો ત્યાં કણે બેઠક વચ્ચે એ કાળમુખાની ઘરવાળીના ગોરા દેહ પર રતાશ ફૂટે એવો તમારા હાથે કસકસીને એક ચીમટો ભરો ને સમાધાન થઇ ગયું જાવ! પણ એ માનશે?’(પૃ.૧૯) ગવરી શિયાળાની મોડી રાતે હવેલી તરફ બધાની સાથે જાય છે એ સમયે એના તન-મનનું ચિત્રણ અત્યંત વેધક છે. ‘દેહ પર ઓઢેલ સાડલો ધોવાનુંય એને ક્યાં સૂઝતું હતું? : શિયાળામાં બધુંય ઢબૂરાઈને પડ્યું હતું મેલુંઘેલું ને પરસેવાની વાસ જેવું! લખલખું પ્રસરે ને દેહ આખો સાંકડ-માંકડ ગલીની જેમ કોકડું વળી જાય. ગામ આખું ગુસપુસ નજરે ચટકા ભરતું લાગ્યું. બરડો ફરી ચચરવા માંડયો’ (પૃ.૨૦) ધરમાભાઈ સશક્ત વાર્તાકાર છે એની પ્રતીતિ કરાવતો અંશ છે ગવરીના મનપ્રદેશમાં ખડું થતું હવેલીનું ગતિશીલ દૃશ્ય! જાણે કેમેરાની આંખે ગવરી હવેલીના આંગણામાં કોથળા કે ખાટલી પર બેઠેલા ગામના આગેવાનો, ઢોલિયા પર બેસી હુક્કાના ધુમાડા ઓકતો જામસંગ, અજાણ્યાને જોઈ ભસતાં કૂતરાં, વાગોળતી બેઠેલી ભેંસો, પૂંછડાથી મચ્છર ઉડાડતી ભાંભરતી ગાય વગેરેની સાથે-સાથે પરસાળમાં પડદા પાછળ બેઠેલી મોટા ઘરની સ્ત્રીઓની દશા જોઈ રહી છે અને દેખાડી પણ રહી છે. જામસંગનાં ઘરવાળાંના ચહેરા પર સળવળતી કરચલીઓ જુએ છે તો બાલસંગની બૈરીનું નીચું નમેલું મોં નોંધે છે. લેખક ધીરેધીરે ગવરીની નજરે ક્લોઝઅપમાં બધું દેખાડતા ગવરીના બદલાતા ચિત્તનું દૃશ્ય આલેખે છે, ‘ગવરીને એ ચહેરામાં ઘણુંબધું લીંપાઈ ગયેલું લાગે છે. પોતે તો જીવતી લાશ...પણ આ બધીય લાશની ઢગલી જેવી કેમ?’ ગવરી જાણે એ સ્ત્રીઓમાંની એક હોવાનું અનુભવે. એ મનોમન બોલી ઊઠે, ‘બૈરાંની જાતને ઉઘાડી ના કરાય.’ એ હવેલીના બારણેથી જ પાછી વળી જાય. ન તો શરત મૂકે ન સમાધાન કરે. આ વાર્તામાં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે એવી એક બહુ મોટી મિથને તોડવામાં આવી છે. સવર્ણ કે અવર્ણના ભેદથી પર એવું સ્ત્રી-સ્ત્રી વચ્ચેનું સમસંવેદન અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. કોઈ ધજા-પતાકા વગરનો વાર્તાકારનો નારીવાદ વ્યાપક માનવવેદનાને તાકે છે. આવી જ બીજી વાર્તા છે ‘ઝરણ’. લીલાનો પતિ મહેન્દ્ર મુંબઈમાં રહે છે અને ત્યાં લોજ ચલાવે છે. એક વાર ગઈ હતી લીલા પતિ સાથે મુંબઈ. સાંકડી એક લોજ. એમાં સામાન વચ્ચે માંડ એક પથારી થાય અને બીજી બાજુ પડદાની આડશે પેલી બાજુ ટેબલ પર સૂતેલા નોકરો. દિવસભર આવતાં-જતાં એને તાકતા ઘરાકની લોલુપ નજરો અને રાતે માખી-મચ્છર-ઉંદર-વંદાના ત્રાસમાં વધારો કરતી ગટરોની ગંધ! લીલા સાસરાના ગામડે પાછી આવતી રહેલી. મહેન્દ્ર વચ્ચે-વચ્ચે આવતો. પતિની ગેરહાજરીમાં મન હળવું કરવા પિયર વાટ જડતી. ત્રણ વર્ષ થઇ ગયાં પણ પોતાને બાળક ન થયું, સહેલીઓ પણ બાળ-બચ્ચાં સાથે સંસારમાં ડૂબી ગઈ. હવે ગામમાં વાતો થતી. આ લીલા કેમ વારે-વારે પિયર જાય છે ત્યાં કાંઈ છે તો નહીં ને? સાસુને વહેમ પડે કે આ બાળક ન થાય એની દવા તો નથી લેતી ને? પતિની હાજરીમાં એની દાકતરી તપાસ થઇ, લીલામાં તો કોઈ ખામી નથી તો પછી પતિ? ‘દેખતી નહીં ક્યા? ખાસા અઠ્ઠાકઠ્ઠા તો હૂં. યે સાલે ડોક્ટર કા તો પૈસે કમાને કા ધંધા હૈ...ફિર કભી ઐસી બાત નહિ કરના...’(પૃ.૨૫) બહુ સરળતાથી બધો દોષ લીલાના માથે મઢી મહેન્દ્ર માટે બીજી સ્ત્રી શોધી લેવાય છે. દારૂડિયા પતિને કારણે છૂટું કરેલી લીલા માટે હવે કોઈ આરો-ઓવારો નથી. છેલ્લે ગઈ ત્યારે બાપેય જાકારો દીધો હતો. લીલા મરણિયો પ્રયત્ન કરી સંબંધ લાવનારને છાનોમાનો ફોન કરે છે. પહેલાં લગ્નમાં દારૂડિયા પતિને કારણે છુટું થયેલું. હવે બીજીવાર પણ જો એની સાથે ખોટું થાય તો એનો આત્મા લીલાને તો દોષી ગણે ને! ફોન કરતાં પહેલાં એને જાણે આવનારીના નિસાસા સંભળાય છે, ‘એડી બડી બાત તુને મુજસે કયોં છુપાઈ મોરી બાઈ...તન્ને તો મી શોક્ય ની માની થી. બડી બહન થી મોરે લિયે તો...’ (પૃષ્ઠ, ૨૯) ખેતરે ચાર લેવા ગયેલી લીલા બધી હિમ્મત એકઠી કરી યા હોમ કરી ફોન પર સાચી વાત કહી દે છે. કચકચાવીને બાંધેલો સુક્કા ઘાસનો ભારો નહીં, પરંતુ જાણે આખેઆખો ડુંગર ઉપાડીને હવે જે થવું હોય તે થાય એવી તૈયારી સાથે ખેતરથી ઘરે પાછી ફરે છે. બીજી સ્ત્રીને બચાવી લીધાના સંતોષ દ્વારા લીલાને લડી લેવાનું એટલે કે જીવી લેવાનું સાહસ સાંપડે છે. આ સાહસ! ધરમાભાઈની વાર્તાઓમાં પીડાતા દલિતોની વેદના કે શોષણ પ્રત્યે નર્યો આક્રોશમાત્ર નથી. ક્યાંક દલિતો અને સવર્ણો વચ્ચે સૌહાર્દ, સન્માન અને સ્વીકારનો ભાવ પણ જોવા મળે છે. ‘આતંકવાદ’ વાર્તામાં દલિત સૈનિક કાંતિના મનમાં ઘર કરી ગયેલી એક ગ્રંથિ છે. સાથીની છાતીએ લટકેલું નામ વીરભાણ રાઠોર જોઈ એ સમજે છે કે એ તો ક્ષત્રિય છે. દલિત હોવાના કારણે કાંતિ વીરભાણ સાથે ખાસ ભળતો નથી. પણ ઉપર-ઉપરથી બાંધી લીધેલી માન્યતા કેટલી ખોટી હોય છે? જ્યારે કાંતિ જાણે છે કે વીરભાણ પણ દલિત છે ત્યારે એમની વચ્ચે એક બિરાદરી ઊભી થાય છે. બંને સૈનિકોએ વતનમાં દલિત હોવાની યાતના સરખી જ વેઠી છે. એ જ સમયે આતંકીઓ પર ગોળીઓ વરસાવતો વીરભાણ બોલે છે, ‘આઓ સાલે કમીનો આઓ... એક તૂમ હો જો દેશ પે હમલા કરકે આતંક મચાતે હો ઔર એક વો હૈ જો...’ સરહદ પર લડનારો દલિત નાત-જાત માટે નહીં, દેશ માટે જીવનું જોખમ ખેડે છે. જ્યારે દેશનાં નાગરિકો નાનાનાના સ્વાર્થ અને આભડછેટના સાંકડા વાડા છોડી નથી શકતાં કે પછી છોડવા નથી માગતાં? આવી એક વાર્તા છે ‘છાલક’. શહેરમાં રહેતો નાયક રમેશ બાપીકા મકાનના વીજળીના બંધ મીટરનું બિલ ભરવા ગામમાં આવે છે. ત્યાં ગામના રામભાઈ દીકરાની વહુ અને પૌત્રને લઈ દવાખાને જવા બસની રાહ જોઈ રહ્યા છે. બસસ્ટેન્ડે કોઈ લોહાણાપરિવારે પરબ બંધાવેલી પણ બધાં સીધાં મોઢું માંડતાં હતાં એટલે નળ તોડી નાખવામાં આવ્યા છે. લેખક સારા સવર્ણની નોંધ પણ લેતા રહે છે. પણ એ જ વખતે પાનના ગલ્લાવાળાના માટલાને રામભાઈનો પૌત્ર અડી જતાં ગલ્લાવાલો ગાળો ભાંડે છે ત્યારે રામભાઈની પુત્રવધૂ બોલે છે, ‘મણાભા... મૂઢું તો તમે હંભાળો... મું જઉં સું હવઅ તાલુકે... તમારી હાંભે આભડછેટનો કેસ કરવા...’ (પૃ. ૧૨૯) તો રમેશના બાળગોઠિયાનો છોકરો બાબુ કહે છે કે, ‘હાહરું આ વખતે અનામત સીટ આવે તો હાચું કહું, કાકા? જે થાવું હોય તે થાય પણ મારા ઘેરથી સરપંચમાં ઊભી રાખવી છે.’ (પૃ. ૧૨૯) વળતી બસમાં ચડતાં એ કહે છે કે પોતે ગામમાં આવતો-જતો રહેશે. આમ ‘છાલક’ વાર્તા એક જુદા યુગના આઉટસાઇડરની બદલાતી દૃષ્ટિની વાત પણ કરે છે. આ સંગ્રહની પ્રણયકથાઓ જેમકે ‘ઢાળ ઊતરતી ટેકરીઓ’, ‘ભરથરીનું ગાણું’ અને ‘પડઘો’. આમાં ‘ઢાળ ઊતરતી ટેકરીઓ’ પન્નાલાલ પટેલના જ કુળની વાર્તા છે. ‘ભરથરીનું ગાણું’ ગામડા અને આસપાસના નાનામોટા કસબામાં પેટ ભરવા માટે રાવણહથ્થો વગાડનારા-ગાનારા દેવરામની પ્રણયકથા છે. અહીં દેવરામ અને સંતી મળી નથી શકતાં એમાં નાયકની ખરા સમયે નિર્ણય નહીં લઈ શકવાની અક્ષમતા છે. બાળપણમાં બાપ ખોયો, માએ પારકાં કામ કરી પાળ્યો, નિશાળે બેસાડ્યો, પણ મા માંદી પડતાં ચા-નાસ્તાની લારીની મજૂરીએ વળગ્યો. પોતાનો અંત જોઈ ચૂકેલી માએ દેવરામને વારસામાં બાપનો રાવણહથ્થો આપતાં ચેતવ્યો હતો, ‘હા, બવ માયાળુ ગાણું નાં ગાવું, ફોરાંફોરાં ગાણાં ગાવાં ને ફરવું. કોઈ ઘરે ઝાઝું ખડું નાં રહેણું બટા...’ પણ દેવરામ આ ચેતવણી ભૂલ્યો. વાર્તા વર્તમાન અને ભૂતકાળની ભેળસેળ સાથે આરંભાય છે. અંતરિયાળ ગામમાં આખો દિવસ રખડીને આવેલો, થાકેલો, તાવમાં ધખતો દેવરામ ખાટલી પર આડો પડ્યો છે, પાસે આછું તાપણું તપી રહ્યું છે અને એના કાનમાં ગૂંજે છે, ‘પંખીકાકા ...રોટલા ખાઈન જા... ઘણા દાડે ભાળ્યા!’ (પૃ. ૫૦) નાયકની આસપાસ વીંટળાતા બીડીના ધુમાડા વચ્ચે લેખક દેવરામની વાત માંડે છે. તૃતીય પુરુષ દૃષ્ટિકોણથી લખાયેલી આ વાર્તામાં લેખક આસપાસના પરિવેશનું તાદૃશ્ય ચિત્રણ, પાત્રોનાં વર્ણન દ્વારા એમની વિશેષતાઓ, લોકોની ગુસપુસમાં ડોકાઈ જતી સંતીના ઘરની વાસ્તવિક પરિસ્થિતિ, દેવરામની મનઃસ્થિતિ અને બનતી ઘટનાઓનું લાઘવપૂર્વક નિરૂપણ કરી શક્યા છે. અહીં બદલાયેલા સમયને કારણે બદલાયેલા માનવ-સંઘર્ષ અને સમાજની માનસિકતાને તાકતી દલિત તથા લલિત વાર્તાઓ પણ છે. ‘પવલાનું ભૂત’ વાર્તા શહેરમાં હીરા ઘસતા ભરત અને એની પત્ની તારાની છે. સાધારણ સ્થિતિના પિતાએ તારાને પરણાવી. દીકરી થયા પછી ભરતના રંગ-ઢંગ બદલવા લાગ્યા. સાથે કામ કરતા પવલાના રવાડે ચડી દારૂ પીવો, અને સસરા પાસે બાઇક માટે પૈસા મંગાવવા, પત્નીને મારઝૂડ કરી પાડોશમાં ધજાગરા કરવા એ જ એની આદત બનતી જતી હતી. વાર્તાના આરંભે પતિ રાતે ઘેર આવી ચૂપચાપ જમીને સૂઈ ગયો પણ તારા સતત દહેશતમાં કે હમણાં બાઇક માટે ફરી મારઝૂડ કરશે. પરંતુ આજે ભરતનું ચિત્ત ચગડોળે ચડ્યું હતું. બજારમાં પવલાની પત્ની મળેલી. કહે, ‘ટૂંપો ખાવાનું મન થાય છે, ભરતભાઈ... પણ છોકરા સામે જોઈને કશું કરી શકતી નથી. તમે એમના વાદે ના ચડતા. હાથ જોડું છું. તારાબહેન તો બિચારાં ગાય જેવાં છે.’ (પૃ. ૬૫) વાત આટલી જ ન હતી. પવલો કારખાનાના શેઠ પાસેથી ઉપાડ કરતો રહેતો અને પાછા આપવાની વાતે ધમકી આપતો કે આત્મહત્યા કરીશ અને તમારા નામની ચિઠ્ઠી મૂકતો જઈશ! આજે ભરતને પવલાની નીચતાની હદ દેખાઈ ગઈ. પતિ ઊઠીને પત્નીના દેહનો વેપાર કરે? આખી રાત ભરત સૂઈ નથી શકતો. ઘડીમાં પવલાની પત્નીનો નિસ્તેજ ચહેરો દેખાતો તો ઘડીમાં એમાં તારાનો ચહેરો! લટકતી લાશ અને દીકરી... સવાર પડતાં ભરતનો નવો જન્મ થાય છે જાણે! ‘ચલ, તને મૂકી જાઉં ...!’ ભરત દીકરીને સ્કૂલે મૂકી જવાની વાત કરે છે પણ તારા સમજે છે કે બાપ પાસેથી બાઇકના પૈસા લાવી નથી શકી, માટે પિયર મૂકી આવવાની વાત કરે છે. એ બોલી પડે છે, ‘ખબરદાર! જો આગળ વધ્યા છો તો ...હું મારી દીકરી, મારું ઘર છોડી બાપના ઘરે નથી જવાની. મારી નાખો તો મરી જઈશ...’ (પૃ. ૬૯) પરંતુ આ સુખાંત પણ તારા માટે બીકળવો છે! પતિના બદલાયેલા રૂપને સ્વીકારવામાં બઘવાઈ જતી, દીકરીને છાતીએ વળગાડતી પત્નીના મનમાં કેટલી હદે પતિનો આતંક હશે એનો ચિતાર જોઈ શકાય છે. આ સઘળી વાર્તાઓ વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની જાણીતી ઓળખને જાળવી રાખે છે. જીવંત પરિવેશ, ભાવસંઘર્ષમાં ડૂબતાં-તરતાં પાત્રો અને તળની બોલીનો વ્યંજનાપૂર્ણ વિનિયોગ. ધરમાભાઈની વાર્તાઓની એ બધી વિશેષતાઓ અહીં પણ જોઈ શકાય છે. એમની વાર્તાકળા કોઈપણ પ્રકારના ધખારા વિના વાર્તામાં સહજ રીતે ઓગળીને માનવસંવેદનને સોસરવું તાકે છે. જે તે પરિવેશમાં જીવતાં પાત્રોના આંતર-બાહ્ય સંઘર્ષને સ્થાનિક બોલીના સ્પર્શવાળી ભાષા, રૂઢિપ્રયોગો, કહેવતો, લહેકાઓ અને કાકુઓ દ્વારા વાર્તાને પ્રતીતિજનક બનાવે છે. સહજ રીતે આવતાં પ્રતીકો અર્થને દૂર સુધી વ્યંજિત કરે છે. કલ્પનો દ્વારા લેખક ત્રણત્રણ નિશાન સાધે છે, જેવા કે પ્રસંગ-વર્ણન, પાત્રોની આંતર-વિરોધી વિલક્ષણતાઓનું નિરૂપણ અને સૂક્ષ્મ-સંકુલ ભાવોના સંઘર્ષનું ગતિશીલ તથા મર્મસ્પર્શી ચિત્રણ. પરંતુ કહેવું જોઈએ કે આ સંગ્રહમાં વિષયની વ્યાપકતા જેટલી પ્રભાવક છે એટલી વાર્તાકળા નથી. ક્યારેક તો એમ લાગે કે કોઈ એક વિચાર કે કોઈ એક થીસિસની સ્થાપના માટે વાર્તા લખવાને બદલે લેખ લખી શકાયો હોત. આપણે જાણીએ છીએ કે ધરમાભાઈ દલિત લેખક છે. ખાસ વિચારધારાને વરેલા છે. પરંતુ ‘શરત’ સંગ્રહમાં એમણે દલિત સિવાયના વિષયોને પણ આવરી લીધા છે. દલિત-લલિત બંનેના જીવન-સંઘર્ષને લેખક એક નિસબતથી જુએ છે. કહેવું જોઈએ કે ધરમાભાઈને વાર્તા-કળા હાથવગી છે. પોતાના પરિવેશનો ઊંડો અનુભવ, જીવંત પાત્રો અને ગ્રામપ્રદેશમાં બોલાતી ભાષા સાથે એમનો વિશેષ ઘરોબો છે. ઘણી વાર એવું બને કે હથોટી આવી જતાં લેખક વાર્તાક્ષણને સેવવા રોકાય નહીં અને વાર્તા લખી નાખે. પરંતુ સંગ્રહ કરતી વખતે જો લેખક થોડા નિર્મમ થઈ શક્યા હોત તો સંગ્રહ વધુ માતબર થઈ શક્યો હોત. ‘શરત’ સંગ્રહની અઢાર વાર્તાઓમાં લગભગ સાતેક નીવડેલી વાર્તાઓ જરૂર મળે છે. પરંતુ ધરમાભાઈ પાસેથી વધુ સારી વાર્તાઓની અપેક્ષા રહે છે.
[આર. આર. શેઠ, અમદાવાદ]