બોલે ઝીણા મોર/અભિમન્યુનો ચકરાવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભિમન્યુનો ચકરાવો

ભોળાભાઈ પટેલ

મહાભારતનો નાયક કોણ?

અર્જુન, યુધિષ્ઠિર કે શ્રીકૃષ્ણ? ત્રણેયના પક્ષકારો નીકળી આવવાના. પણ અનેક વિદ્વાનો તો યુધિષ્ઠિરને મહાભારતના નાયક માને છે. એમ હોવા છતાં આખા મહાભારતમાં વ્યાપ્ત કોઈ ચરિત્ર હોય તો તે અર્જુન-સખા શ્રીકૃષ્ણનું છે. મહાભારતની કથામાં શ્રીકૃષ્ણનો પ્રવેશ થોડો મોડો થાય છે, દ્રૌપદી સ્વયંવર પ્રસંગે; પણ પછી મહાભારતની તમામ મુખ્ય ઘટનાઓના એ સૂત્રધાર બની રહે છે.

મહાભારતના શ્રીકૃષ્ણ એ ભાગવતના શ્રીકૃષ્ણથી ભિન્ન છે. વૃન્દાવની લીલા સમાપ્ત કરી એ માથુરલીલામાં પ્રવૃત્ત થાય છે. માથુરલીલા એટલે પછી સમસ્ત સંસારની રાજનીતિની અભિજ્ઞતા. રાજગાદી પર બેઠા વિના શ્રીકૃષ્ણનો તમામ રાજકીય ઘટનાઓ પાછળ દોરીસંચાર હોય છે. એ જ શ્રીકૃષ્ણ ગીતાના ગાયક યોગેશ્વર શ્રીકૃષ્ણ છે.

અત્યારે યુરોપ-અમેરિકાનાં કેટલાંક નગરોમાં પિટર બ્રુક્સ દિગ્દર્શિત મહાભારત બતાવાય છે. દ્રૌપદીની ભૂમિકામાં મલ્લિકા સારાભાઈ છે. શ્રીકૃષ્ણના ચરિત્રનું પિટર બ્રુક્સે કેવી રીતે અર્થઘટન કર્યું છે, તે તો એ અનેક કલાકો સુધી ચાલતા એ નાટકને જોવા પામીએ ત્યારે કહી શકાય. કલકત્તાના રંગમંચ પર કુમાર રાયે ‘ધર્માધર્મ’ નામથી મહાભારતનો ખેલ પાડ્યો હતો. ગુજરાતીમાં ‘દર્શક’નું શ્રીકૃષ્ણના જીવન પર આધારિત એક નાટક છે. મુનશીના ‘કૃષ્ણાવતાર’માં અને શ્રી રઘુવીરના ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’માં શ્રીકૃષ્ણનાં નવાં અર્થઘટન છે. હવે જોવાનું રહે છે કે, હવે પછી દૂરદર્શન પર રજૂ થનાર મહાભારતમાં શ્રીકૃષ્ણ કેવી રીતે અવતરિત થાય છે.

પરંતુ અમારી ‘રામલીલા’ના શ્રીકૃષ્ણ આ તમામ શ્રીકૃષ્ણોથી ન્યારા છે. શ્રીકૃષ્ણોનું એ રૂપ લોકચાહનામાંથી આવિર્ભાવ પામ્યું છે. ‘રામલીલા’ના લોકમંચ પરથી ભજવાતા ખેલમાં શ્રીકૃષ્ણ પ્રતાપી તો છે, પણ કૂટનીતિજ્ઞ કરતાં કપટી વધારે છે. એમનું એ કપટી રૂપ સૌથી વિશેષ પ્રકટ્યું છે, ‘અભિમન્યુનો ચકરાવો’ ખેલમાં.

‘રામલીલા’ના ખેલોમાં અમને જે થોડા પ્રિય તેમાં એક આ ‘અભિમન્યુનો ચકરાવો.’ એ ખેલ ઘણી વાર બે રાત સુધી ચાલતો. એક રાત અભિમન્યુની યુદ્ધભૂમિમાં વિદાય અને બીજી રાત ચકરાવો એટલે કે ચક્રવ્યૂહનું ભેદન-લડાઈ. મહાભારતના દ્રોણપર્વમાં આવતી આ ઘટનાપ્રસંગે તો શ્રીકૃષ્ણ ખરેખર ઘટનાસ્થળથી અર્જુનની સાથે દૂર છે. ‘અભિમન્યુના ચકરાવા’માં એ આમ તો દૂર છે, પણ પળે પળ હાજર છે અને પોતાની કપટલીલા ભજવતા રહે છે.

લોકભારત પ્રમાણે શ્રીકૃષ્ણ-અભિમન્યુ વચ્ચે એટલે કે મામા-ભાણેજ વચ્ચે જન્મજાત વેર છે. શ્રીકૃષ્ણે પોતાના એક અસુર શત્રુને કપટથી વજ્રની પેટીમાં બંધ કરી એ પેટી પોતાની બહેન સુભદ્રાને સાચવવા આપેલી. વજની પેટીમાં અસુરનો જીવ નીકળી ગયેલો, પણ એ જીવ પેટીમાં બહાર નીકળી શકેલો નહિ. રુક્મિણી, સત્યભામા આદિ રાણીઓને થયું કે શ્રીકૃષ્ણે કોઈ કીમતી વસ્તુ સુભદ્રાબહેનને આપી છે. બધાંએ સુભદ્રાને પેટી ખોલવા આગ્રહ કર્યો. પેટી ખોલતાં જ પેલો જીવ સુભદ્રાના ગર્ભમાં પ્રવેશી ગયો.

પછી તો પૂરા દિવસ થવા છતાં પેલો અસુર જન્મ લેવાનું નામ ન લે અને પેટમાં પાટાં મારી સુભદ્રાને વ્યથા પહોંચાડે. સુભદ્રાને ઊંઘવા જ ન દે. માત્ર શ્રીકૃષ્ણ આ રહસ્ય જાણે. પછી શ્રીકૃષ્ણે સુભદ્રાને ઊંઘ આવે એ માટે ચક્રવ્યૂહની વાત કહેવા માંડી. પેટમાં રહેલો ગર્ભ એ વિદ્યા ભણવા ઉત્સુક હતો. એ શાંત થઈ ગયો. સુભદ્રાને ઊંઘ આવી. ત્યાં સુધીમાં શ્રીકૃષ્ણે છ કોઠાની વાત કરી હતી. સુભદ્રાને ઊંઘતી જોઈ શ્રીકૃષ્ણે વાત બંધ કરી એટલે અંદરથી ગર્ભે પ્રતિસાદ પાડી કહ્યું, ‘સાતમો કોઠો પૂરો કરો મામા.’

શ્રીકૃષ્ણે કહ્યું: ‘તું જન્મ લે પછી એ શિખવાડું.’ અસુરે જન્મ લીધો – એ જ અભિમન્યુ. લોકભારત પ્રમાણે પછી તો આ મામા-ભાણેજનો સંઘર્ષ સતત રહ્યો, જે અભિમન્યુના ચકરાવામાં ચરમ સીમાએ પહોંચે છે.

રામલીલામાં ‘અભિમન્યુનો ચકરાવો’ ખેલ પડે, ત્યારે અમારો ઉત્સાહ માય નહિ. અભિમન્યુ નાનો કુંવર, એટલે એની સાથે તાદાત્મ્યભાવ વધારે. રામલીલાના અભિમન્યુને નાનો હોવા છતાં પટાબાજી સારી આવડતી. એ તીરકામઠું પણ રાખે અને કમરપટ્ટે લટકતી તલવાર પણ. એવી તલવાર મેળવવી તો મુશ્કેલ પણ જૂની છત્રીના સળિયા કાઢી, ઘણા ચકચકિત કરી આગળથી અણી કાઢી પોલી અરણીનો હાથો અને મ્યાન બનાવી, તેમાં સળિયો તલવારની જેમ રાખતા. એ જ અદાથી અરણીના મ્યાનમાંથી સળિયાની તલવાર બહાર કાઢી પટાબાજી ખેલતા. આ ખેલને દિવસે બહુ વહેલા જઈને બેસી જતા. રામલીલાનો અભિમન્યુ અમારી વીરમૂર્તિ.

કુરુક્ષેત્રમાં મહાભારતની લડાઈ ચાલી રહી છે. દ્રોણ કૌરવ પક્ષના સેનાપતિ છે. શ્રીકૃષ્ણે ઇચ્છ્યું છે કે અભિમન્યુનો કોઈ પણ રીતે વધ થવો જોઈએ. એટલે યુક્તિથી અર્જુનને લઈને તેઓ પાતાળમાં તાડૂકી દૈત્યને હણવા ગયા છે. એ જ વખતે દુર્યોધનના કહેવાથી અનિચ્છાએ દ્રોણ ગુરુ કોઠાયુદ્ધ ગોઠવે છે – સાત કોઠાનું યુદ્ધ – ચક્રવ્યૂહ. એ પછી પાંડવોને કહેણ જાય – સાચા ક્ષત્રિય હોય તો આ પડકાર ઝીલજો. યુધિષ્ઠિર, ભીમ વગેરે મૂંઝાયા. કોઠાયુદ્ધની વિદ્યા કોઈ જાણે નહિ. સભામાં પાનનું બીડું મૂક્યું. કોની હિંમત હતી બીડું ખાવાની! સભાની વચ્ચે જઈ એ વખતે અભિમન્યુએ બીડું ખાધું અને કહ્યું : ‘માના પેટમાં છ કોઠા ભણ્યો છું, પણ મામાએ સાતમો કોઠો ભણાવ્યો નથી.’ એ સાતમો છાણમાટીનો કોઠો ભીમ ભેદવાનું વચન લે છે.

પરંતુ અભિમન્યુની માતા સુભદ્રાને આ સમાચાર મળતાં પેટમાં ફાળ પડે છે. અભિમન્યુને એ ના પાડે છે; પણ અભિમન્યુ કહે છે : ‘ભરી સભામાં પાન ચાવ્યું છે, કોયલા ચાવ્યા નથી.’ હવે એક જ ઉપાય હતો – ઉત્તરાને વિરાટનગરથી તેડાવવાનો. એનું સુંદર રૂપ જોતાં અભિમન્યુ લડવા નહિ જાય. અભિમન્યુ અને ઉત્તરાનું લગ્ન થયું હતું, પણ શ્રીકૃષ્ણે પોતાની યોજના પ્રમાણે કશુંક બહાનું કાઢી વરવધૂ બંનેને લગ્ન વખતે આંખે પાટા બંધાવેલા. અભિમન્યુએ ઉત્તરાનું રૂપ જોયું હોત તો એ લડવા તૈયાર ન થયો હોત. તો એ મરે કેવી રીતે? શ્રીકૃષ્ણની એ યોજના.

ઉત્તરાને લઈ આવવા સુભદ્રા પવનવેગી સાંઢવાળા રાયકાને તેડાવે છે. નાટકના ગંભીર વાતાવરણમાં રાયકાઓનો પ્રવેશ થતાં હાસ્યનું મોજું ફરી વળે. રત્નો રાયકો સુભદ્રાની આજ્ઞાથી ઉત્તરાને તેડવા ઊપડે છે. એને સવાર સુધીમાં પાછા આવી જવાનું છે. પહોર ચઢ્યે તો અભિમન્યુ યુદ્ધભૂમિમાં જવાનો છે.

આ બાજુ વિરાટનગરમાં ઉત્તરાને સપનાં આવે છે. પોતાની માને રડતાં રડતાં કહે છે :

ઓ મા પહેલા ચોઘડિયાની રાત રે,
સ્વપ્ન લાગ્યું ઓ મારી માત રે…

એ સ્વપ્નમાં ઉત્તરા-અભિમન્યુ નાવમાં બેસી નદી પસાર કરે છે, ત્યાં ઊંડા જળમાં નાવ ભાંગે છે અને પોતાનો ભરથાર ડૂબી જાય છે. મા દીકરીને કહે છે, ‘તારી રક્ષા કરે મા ભવાની રે.’ – એમ કહીને સુવાડે છે ત્યાં :

ઓ મા બીજા ચોઘડિયાની રાત રે…

એમ ચાર ચોઘડિયાંનાં ચાર સપનાં આવે છે અને દરેકમાં ઉત્તરાનું સૌભાગ્ય નંદવાતું હોય છે. મા સમજાવે છે કે દીકરી! સપનાં સાચાં ન હોય. ત્યાં રાયકો આવી પહોંચે છે. ઉત્તરા જવા નીકળે, પણ અપશુકન થાય. કંકુને બદલે ડબામાંથી કાજળ નીકળે. પછી મા એને સાતમે માળની પેટીમાં રહેલો અમરકૂપો લેતી જવાનું કહે છે. માએ કહ્યું, તારો પતિ મૃત્યુ પામ્યો હશે તોપણ જીવતો થશે.

એટલે શ્રીકૃષ્ણના પેટમાં ફાળ પડે છે. અમરકૂપો કોઈ રીતે ઉત્તરા ન લઈ જાય એવું કરે છે. ઉંદરનું રૂપ લઈને તેઓ કૂપાનું અમરજળ પોતે પી જાય છે. ઉત્તરા સાસરે જાય એટલે મા કરિયાવર કરે, પણ ગામની માવડીઓ પણ ઉત્તરાને વસ્ત્રદાન કરે. એ જ વખતે ઉત્તરા જાણે ગામની દીકરી. દરમ્યાન અહીં કુરુક્ષેત્રમાં સુભદ્રા અભિમન્યુને સમજાવે છેઃ ‘તું તો હજી બાળુડો છે, અને પહેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે, તે તારો પ્રાણ કાઢી નાખશે. પછી અભિમન્યુ મ્યાનમાંથી તલવાર કાઢીને ગાય:

ઓ મા બાળુડો કહેતાં લાજીએ રે
ઓ મા બાળુડો વીંછુ કહેવાય રે
ડંખ કરે તો વેદના થાય રે…

ઘણી વાર રામલીલા કંપનીના માલિક પી. છોટાલાલ અભિમન્યુ થાય. એ ઘણા મોટા પડે; પણ એમના ગંભીર સૂરમાં આ લીટીઓ મોડી રાતે આખું ગામ વીંધીને ગાજી રહેતી અને અમારા હૈયાસોંસરી ઊતરી જતી. પછી આવે સૌને ગમતું દૃશ્ય.

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…

અભિમન્યુ સાથે લડાઈમાં જવા હિડિંબાપુત્ર (ગટોરગચ્છ) (ઘટોત્કચ) પણ છે. એ કાળાં કપડાંમાં હોય. અમને ગમે. ત્યાં વળી શ્રીકૃષ્ણને ઉચાટ થાય. કહે — ‘ડોશીએ ડાટ વાળ્યો રે… હવે અભિમન્યુ નહિ મરે. બ્રાહ્મણનું રૂપ લઈને અભિમન્યુ પાસે આવ્યા. બધી વાત જાણતા ન હોય તેમ પૂછીને જાણી અને પછી રક્ષા હાથે બાંધેલી જોઈ કહ્યું: ‘તું તો વીર છે, આ રક્ષા કેમ બાંધી છે? તું વિજેતા થઈશ તો ડોશી કહેશે, એ તો રક્ષાનો પ્રતાપ છે!’

‘છટ્’ – કહી અભિમન્યુ રક્ષા તોડી નાખે છે. એમાંથી એક તાર છૂટો પડી ગયો તે ગટોરગચ્છ અભિમન્યુના ધનુષ્યને બાંધે છે. આ દૃશ્ય પ્રસંગે અમે બ્રાહ્મણ રૂપે આવેલા શ્રીકૃષ્ણ પર ફિટકાર વરસાવીએ. જાણે અભિમન્યુને કહી દઈએ કે ‘અલ્યા તોડીશ નહિ રક્ષા.’

પછી દેખાય ઉત્તરા અથવા ઓતરારાણી. આ બાજુથી અભિમન્યુ આવે — સામેથી ઉત્તરા. એને જોઈ અભિમન્યુ કહે, ‘આ સામેથી કોણ સુંદરી ચાલી આવે છે?’ અમે આંખ ફાડી ફાડીને જોઈએ. ઉત્તરા જરાય રૂપાળી નહોતી. અને અભિમન્યુ એને સુંદરી કહે છે! અમને કેમ સુંદર લાગતી નથી? પછી તો ઉત્તરા યુદ્ધમાં જવાની ના પાડે છે. પોતાને યુદ્ધમાં લઈ જવા કહે છે :

મને મારીને રથડા ખેડ રે
બાળા રાજા રે…
મને જુદ્ધે તે સાથે તેડ રે
બાળા રાજા રે…

પછી ઉત્તરા રજા આપે છે, પણ કહે છે : ‘તમે મને એક પુત્ર આપતા જાઓ.’ શ્રીકૃષ્ણ વિચાર કરે છે કે, મારે ભાણેજનો વધ કરાવવો છે, પણ મારા મિત્ર અર્જુનનો વંશ તો રાખવો છે. એવી માયા રચે છે કે યુદ્ધભૂમિ વચ્ચે અભિમન્યુ-ઉત્તરાનો સંસાર મંડાય.

પછી તો લડાઈ. લડાઈ વખતે રંગમંચની આગળ જગ્યા ખાલી કરાવવામાં આવે. છોકરાંઓને પાછળ જવું પડે. પટ્ટાબાજી અને ગદાયુદ્ધ ઘણાં. ‘મારો…કાપો..’ એવી ઘોષણાઓ. અભિમન્યુ કોઠા પાર કરતો જાય. ભીમ સાથે ને સાથે. પણ છેલ્લા કોઠામાં કૌરવો ભીમના જયમંગળ હાથીને ગાંડો કરતાં ભીમને જવું પડે છે. એકલો ઘવાયેલો અભિમન્યુ રહી જાય છે. કાકા ભીમને પોકારે છે :

મારા ગદાધારી ગુણવાન રે
કાકા આવો ને
મારી રહી નથી સુધ સાન રે
કાકા આવો ને…

ગુરુ દ્રોણ, દુર્યોધન, મામો શકુનિ, જયદ્રથ, કર્ણ બધા એકસાથે હુમલો કરે છે પણ તૂટેલા રથના પૈડાથી અભિમન્યુ બધાને મહાત કરે છે. શ્રીકૃષ્ણ જોયું, અભિમન્યુ મરતો નથી. એના ધનુષને હજી ગટોરગચ્છે બાંધેલો રક્ષાનો તંતુ છે. એ દૃશ્ય બરાબર યાદ છે. અભિમન્યુ ઊભા ધનુષ્યને છેડે હડપચી ટેકવી ઊભો છે. શ્રીકૃષ્ણ ઉંદર રૂપે આવે છે. (રબરની ઉંદરડી દોડાદોડ કરે.) રક્ષાના તાર સાથે પ્રત્યંચાને પણ કાપે અને એથી ધનુષ છટકી અભિમન્યુને તાળવે પેસી જાય છે.. પછી તો અર્જુન, સુભદ્રા, ઉત્તરા સમેત ગામ આખું શોકવિહ્વલ. સૌ તાર તાર એક થઈ ગયું હોય. આગલા ભવમાં અસુર હતો અભિમન્યુ, એટલે સૌ શ્રીકૃષ્ણને માફ કરે; પણ એ લોકચેતનામાં કપટી મામો કૃષ્ણ’ જ બની રહે. ૧૦-૭-૮૮