બોલે ઝીણા મોર/ગુરુસ્મૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુરુસ્મૃતિ

ભોળાભાઈ પટેલ

શાંતિનિકેતનમાં એક વાર બાઉલ ભજનિક વાસુદેવને મેં પૂછ્યું: ‘તમારા ગુરુ કોણ?’

વાસુદેવે વળતો પ્રશ્ન કરેલો : ‘શિક્ષાગુરુ કે દીક્ષાગુરુ?’

બંગાળના સાધક બાઉલોમાં દીક્ષાગુરુ એટલે પથમાં દીક્ષિત કરનાર મંત્ર આપનાર ગુરુ અને શિક્ષાગુરુ એટલે શિક્ષણ આપનાર ગુરુ, જેમ કે બાઉલ માટે ગાન કે નર્તનનું શિક્ષણ.

આપણે પણ ગુરુ અને સદ્ગુરુ એવો વિભેદ કરીએ છીએ. સદ્ગુરુ એટલે આધ્યાત્મિક માર્ગમાં દોરવણી આપનાર; જ્યારે ગુરુ એટલે ભણાવનાર – શિક્ષણ આપનાર. ગુરુને પણ આધ્યાત્મિક ગુરુના અર્થમાં લઈ શકાય, લેવાય છે; પણ આપણા જેવા સંસારીઓને જગતમાં ગુરુ કે ગુરુજી એટલે શિક્ષકનો માનવાચક પર્યાય.

આધ્યાત્મિક કે દીક્ષાગુરુ તો વ્યક્તિના જીવનમાં એક જ હોય. દત્ત ભગવાન (દત્તાત્રેય) જેવા અપવાદ હોય, પરંતુ શિક્ષાગુરુઓ તો અનેક હોય. એમની કોઈ કંઠી બાંધવાની હોતી નથી – અને આમ છતાં ગુરુ એટલે ગુરુ.

આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા પ્રાચીન કાળથી થતો રહ્યો છે. ઉપનિષદ અને રામાયણ-મહાભારતકાળમાં ગુરુ ઉચ્ચતમ આસને બિરાજતા; પરંતુ તે પછી પણ ગુરુ અને ગુરુકુલની પરંપરા ચાલી આવતી રહી હતી. ગુરુકુલમાં જે ગુરુ તે શિક્ષાગુરુ છે, પણ તેથી ઘણે ઊંચે તે ખરા. કવિ રવીન્દ્રનાથ, શાંતિનિકેતનના રવીન્દ્રનાથ માટે ગાંધીજીને જે ઉચિત વિશેષણ જડ્યું તે ગુરુદેવનું. ગુરુદેવ રવીન્દ્રનાથ. શાંતિનિકેતનમાં આજ દિન પર્યંત રવીન્દ્રનાથનો ઉલ્લેખ ગુરુદેવ અભિજ્ઞાનથી થાય છે.

હજી પણ આપણી શાળાઓમાં પ્રાર્થના સમયે ગુરુમહાત્મ્યનો પેલો પ્રસિદ્ધ શ્લોક ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ…’ ગવાય છે અને હજી પણ કેટલાક વિદ્યાર્થીઓ ‘તસ્મૈ શ્રી ગુરવે નમઃ’ બોલતાં ખરેખર આંખ મીંચી માથું નમાવી ભક્તિભાવે નમસ્કાર કરતા હોય છે.

કેટલીક સંજ્ઞાઓ સાપેક્ષ હોય છે. ભક્ત કહો એટલે એની જોડિયા સંજ્ઞા ભગવાન હોય, ઘરાક કહો એટલે વેપારી હોય, પુત્ર કહો એટલે પિતા હોય, પત્ની કહો એટલે પતિ હોય – એમ ગુરુ કહો એટલે શિષ્ય હોય. ગુરુ-પરંપરાની વાત કરીએ એટલે ગુરુશિષ્યપરંપરા. ગુરુની સાર્થકતા ત્યારે જ્યારે યોગ્ય શિષ્ય મળે. શિષ્યની ધન્યતા ત્યારે, જ્યારે યોગ્ય ગુરુ મળે.

અધ્યાત્મમાર્ગના યાત્રીઓ તો ગુરુની શોધમાં નીકળી પડતા હોય છે. કબીરને મળ્યા હતા એવા ગુરુ બધાંને ન પણ મળે, જે માટે કબીરે કહ્યું :

સદ્ગુરુ કી મહિમા અનંત
અનંત કિયા ઉપકાર…
લોચન અનંત ઉધારિયા
અનંત દિખાવણહાર.

એટલે તો ગુરુ અને ગોવિંદ ઊભા હોય ત્યારે પણ એ પ્રથમ પ્રણામ ગુરુને કરવાની વાત લખી ગયા છે.

પરંતુ જે અધ્યાત્મમાર્ગના યોગી નથી, સહજ સંસારી છે, એમના જીવનમાં પણ ગુરુ પ્રત્યેનો આદરભાવ હોય છે. આ સંદર્ભે ‘ગુરુ’ શબ્દ ગુરુતાવાચક લાગતો હોય તો ‘શિક્ષક’ શબ્દનો ઉપયોગ કરીએ; પરંતુ શિક્ષક એ વ્યવસાયવાચી શબ્દ છે. આપણે ‘ગુરુજી’ કહી સંબોધન કરીએ, શિક્ષકજી કહેવાનો રિવાજ નથી. એ માટે રૂઢ થયેલો શબ્દ છે ‘સાહેબ.’ તે પણ હવે કૉન્વેન્ટ સ્કૂલોના અનુકરણમાં ‘સર’ થઈ ગયા છે. ‘સર’ કે ‘સાહેબ’ પણ ગુરુ તો ખરા જ ને!

એટલે અષાઢી પૂર્ણિમા જેને ‘ગુરુ પૂર્ણિમા’ કહે છે એ પ્રસંગે મને મારા અનેક સાહેબોનું સ્મરણ થાય છે. જેમના દ્વારા આ જીવનનું ઘડતર થયું છે. પ્રાથમિક શાળામાં ભણતાં – ‘જ્ઞાનપ્રાપ્તિ’ની સ્મૃતિ કરતાં માર ખાવાની સ્મૃતિઓ તાજી રહી ગઈ છે. તેમ છતાં પરશોતમ માસ્તર કે ભાઈશંકર માસ્તરનું આજે કોઈ કડવાશથી સ્મરણ નથી કરતો.

પરંતુ એક વ્યક્તિ તરીકે મારામાં રસ લઈ જે સાહેબે – પ્રથમ યોગ્ય દિશાનું માર્ગદર્શન આપ્યું છે, તે મણિભાઈ સાહેબ (આજે માણસામાં નિવૃત્ત જીવન ગાળે છે)ને ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રથમ વંદન કરું છું. તેમનો નિર્વ્યાજ સ્નેહ હું અગિયાર-બાર વરસનો હતો ત્યારથી મળતો રહ્યો. સદ્ચરિત્રનો મહિમા એમણે પરોક્ષ રીતે સમજાવ્યો છે.

હાઈસ્કૂલનું શિક્ષણ મેં સર્વવિદ્યાલય, કડીમાં લીધું. કડી એ દિવસોમાં ઉત્તર ગુજરાતનું કાશી ગણાતું તે સર્વવિદ્યાલય જેવી શાળાને લીધે. એ શાળા સાથે જોડાયેલ કડવા પાટીદાર આશ્રમ (બોર્ડિંગ)ને લીધે અમારામાં એક સૂત્ર પ્રચલિત હતું :

‘નો લાઇફ વિધાઉટ વાઇફ
નો સ્ટડી વિધાઉટ કડી.’

એક વ્યક્તિ તરીકે મારા જીવનમાં સર્વવિદ્યાલય અને પાટીદાર આશ્રમનું મોટું પ્રદાન છે. અહીં મને સમૂહમાં રહેતાં આવડ્યું. અહીં મને અનેક મિત્રો મળ્યા, જેમની મૈત્રીના વૃક્ષની છાયામાં હજી બેસવાનું મળે છે. અહીંના વિશાળ ગ્રંથાલયે તો જ્ઞાનની બારીઓ ખોલી નાખી. સર્વવિદ્યાલયમાં ઉત્તમ આચાર્યોની પરંપરા રહી હતી. આચાર્ય પોપટલાલ, આચાર્ય બાપુભાઈ, આચાર્ય નાથાભાઈ, આચાર્ય મોહનલાલ…. સાચે જ આચાર્ય આચારવાન. આચાર્ય નાથાભાઈ સાહેબ અને મોહનલાલ સાહેબને હાથે ભણવાનું સદ્ભાગ્ય પણ મળેલું. આ આચાર્યો પાટીદાર આશ્રમના મુખ્ય ગૃહપતિઓ પણ ખરા. એટલે શાળા અને આશ્રમજીવનનું અદ્ભુત સંયોજન રચાતું.

ગામડાગામમાંથી કડી જેવા કસ્બામાં ભણવા ગયો. ૩૬ વિદ્યાર્થીઓની આખી નિશાળમાંથી ૭૦૦ વિદ્યાર્થીઓની મોટી નિશાળમાં. ભાષા, ઉચ્ચાર, પહેરવેશ અદ્દલ ગામડિયાની જ છાપ ઉપસાવે. ટોપી પહેરતો. કેડમાં ચાંદીનો કંદોરો પણ કાને સોનાનાં બૂટિયાં – પછી તો બધું ઊતરી ગયું. અહીં મારા વર્ગશિક્ષક અને સંસ્કૃતના શિક્ષક રતિલાલ નાયક — ગુજરાતી બાળસાહિત્યમાં જાણીતું નામ. ત્યારે એ ‘કવિતા’ પણ લખતા. મારી સંસ્કૃત પ્રીતિમાં તેમનું અને પછી રામભાઈ પટેલનું શિક્ષણ છે. શરૂના દિવસોમાં મેં સંકોચતા એક વાર તેમને પૂછ્યું, ‘સાહેબ, મારે બહારનું વાંચવું છે. શું વાંચું?’ એક ક્ષણ વિચારી પછી કહે, ‘સ્વપ્નદ્રષ્ટા – મુનશીનું સ્વપ્નદ્રષ્ટા’ વાંચો.

આઠમા ધોરણના વિદ્યાર્થીના હાથમાં એમણે ‘સ્વપ્નદ્રષ્ટા’ પકડાવી એને પણ સપનાં જોતો કર્યો. ‘દેવઃ દેવૌઃ દેવાઃ’ – રૂપો બોલતાં મને ન ફાવ્યાં, અને મારા ગામનો નટુ એ કડકડાટ બોલી ગયો. નાયકસાહેબે કહ્યું, ‘આની પાસેથી શીખી લેજો.’ તે દિવસે સાંજે જમવાનું ન ભાવ્યું. રાત્રે હું રડ્યો; પણ ચાનક ચઢી. છમાસિક પરીક્ષામાં વર્ગમાં પહેલો આવ્યો એટલું જ નહિ, સંસ્કૃતમાં ‘હાઇએસ્ટ’ માર્ક મેળવ્યા. ત્યારથી હું એમનો પ્રિય વિદ્યાર્થી બની ગયો, તે આજ સુધી. એ તો ખરું પણ સંજોગની વાત એવી થઈ કે ૧૯૬૦માં હું જ્યારે એમ.એ.ની પરીક્ષામાં ગૌણ વિષય તરીકે સંસ્કૃતની તૈયારી કરતો હતો ત્યારે મને સંસ્કૃત ભણાવનાર ગુરુજી પણ એ પરીક્ષા આપતા હતા. એમને મેં ભવભૂતિના ઉત્તરરામચરિતના પ્રશ્નો તૈયાર કરવામાં મદદ કરી.

મોહનલાલ પટેલ પહેલાં ગુજરાતી પણ નાયકસાહેબ શિખવાડતા. નવમા ધોરણમાં રૅપિડ રીડર તરીકે ભણાવાતું નાટક ‘રાઈનો પર્વત’ એવું શીખવેલું, જે આજે બી.એ.ના વર્ગમાં એ કક્ષાએ પણ ભાગ્યે જ શિખવાડાતું હશે.

મોહનલાલ પટેલ અમદાવાદથી નવા સાહેબ તરીકે આવ્યા. એમની સાથે મોપાસાં, ચેખોવ, ઓ’ હેનરીનું વાર્તાજગત, બ્રાઉનિંગના મોનોલૉગ્ઝ, શરદબાબુ અને ખાંડેકરનું નવલકથાજગત આવ્યું. નખશિખ સજ્જન. ‘થૅંક્સ’ અને ‘સૉરી’ બોલતાં એમણે શિખવાડયું. અમે તો ગામડિયા ઉજ્જડ. એ તો કપડામાં અપટુડેટ. કડી ગામમાં રહેતા. એમની વાર્તાઓ ‘કુમાર’, મિલાપ’માં આવતી. પછી એ અમારી બોર્ડિંગમાં ગૃહપતિ બનીને પણ આવ્યા. અમે જોયું કે પૅન્ટ-શર્ટ પહેરનાર સાહેબે ખાદીનાં ધોતી-ઝભ્ભો અપનાવી લીધાં, તે આજ સુધી. આચારવાન આચાર્ય કોઈ છોકરાને ‘તું’ ન કહે. ‘તમે’ જ કહે. એમણે ‘લખતાં’ શીખવ્યું. સાહિત્યને પરખવાની આંખ આપી. એ પોતે તો હવે જાણીતા સાહિત્યકાર છે. એમનું હેત સતત મળતું રહ્યું છે પણ જ્યારે કંઈ નવું લખાયું હોય, તો એમને મોકલું. તરત લાંબો પત્ર લખાણના ગુણદોષ બતાવતો લખે જ લખે.

આચાર્ય નાથાલાલ દેસાઈ, મને લાગે છે કે કોઈ યુનિવર્સિટીના કુલપતિ તરીકે શોભે. મહા શિક્ષણકાર, અનેકમુખી જીવનદૃષ્ટિ. વ્યાયામ- પ્રવૃત્તિઓના પણ પ્રણેતા. લાઇબ્રેરીનું રજિસ્ટર લઈ અચાનક વર્ગમાં આવે – કોણ બહારનું વાંચે છે? શું વાંચે છે? કોણ વાંચતું નથી? અંગ્રેજી અને ગણિતશાસ્ત્ર શીખવે. લઢે, ઠપકો આપે, બોર્ડિંગના મુખ્ય ગૃહપતિ પણ સવારના વહેલા ઑફિસ આગળના પ્રાંગણમાં પાટીનો ખાટલો પાથરી બેસે. અનેક માસિકો, ચોપાનિયાં હોય. હરિનારાયણ આચાર્યનું ‘પ્રકૃતિ’ ત્યાં જોયેલું! છાત્રોની ફરિયાદો સાંભળે. નિકાલ લાવે; બીડી પીનાર છાત્રોને પકડી મોજડીનો ‘સ્પર્શ’ કરાવે. રાત્રે અગાશીમાં લઈ જઈ તારાનક્ષત્રોનું જ્ઞાન આપે. વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા એ કળામાં પ્રશિક્ષણ આપે. વક્તા તરીકેનું પ્રથમ ઇનામ એમને હાથે મને મળેલું. એસ.એસ.સી. પછી સંજોગોને કારણે આગળ ભણવા કૉલેજમાં ન જઈ શકાતાં ગુજરાત યુનિવિર્સિટી, નવરંગપુરાનું સરનામું એમણે જ આપેલું અને એક્સ્ટર્નલ છાત્ર તરીકે ભણવા એમણે જ પ્રોત્સાહન આપેલું. મારા જેવા તો હજારો વિદ્યાર્થીઓના જીવનમાં એમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં છે. ક્યારેક છૂપી આર્થિક મદદ પણ કરી છે. ઉ.ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ એમને પૂજતા, એમ કહું તો અત્યુક્તિ નથી. આજે હવે એ નથી, પણ એમની પાવન સ્મૃતિ ચિરંજીવ રહેશે.

ગુરુપૂર્ણિમાની આસપાસ જે એક ગુરુનું સતત સ્મરણ થયા કરે છે, તે છે અંબાલાલ પટેલ. મારા વિદ્યાકીય જીવન પર એમના અનંત ઉપકાર છે. મારું સદ્ભાગ્ય હતું કે એમની નજીક જઈ શક્યો અને એમનો પ્રેમ પામ્યો. એક પત્રમાં તેમણે મને ‘શિષ્યમિત્ર’ અભિધાન આપેલું. અંબાલાલ સાહેબ એટલે અમારી વિદ્યાર્થીઓની ભાષામાં ‘ભેજું!’ – એમના વાંકડિયા વાળને લીધે વિનોદમાં અંબાલાલ ઝાફર પણ કહેતા, સાહેબોમાં બે-ત્રણ અંબાલાલ તે જુદું પાડવા.

અંબાલાલ સાહેબ અમારા ગૃહપતિ પણ ખરા. સવારમાં વહેલા તૈયાર થઈ રૂમે રૂમે આંટો મારવા નીકળે. અમારી ભણવાની મુશ્કેલીઓ પણ દૂર કરે. હાથમાં નવી ચોપડીઓ અને ચોપાનિયાં હોય. એમણે અમને ‘વાંચતા’ કર્યા. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી માસિકો વાંચતા કર્યા. કોઈ પણ માસિકપત્ર હોય તો તરત વાંચી, વાંચવા જેવા લેખોની નિશાની કરે. અમારી લાઇબ્રેરીમાં માસિકો કૉલેજની લાઇબ્રેરી કરતાં પણ વધારે આવતાં – અને કહું તો આજે ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં આવે છે, તેનાથી સાહિત્યનાં માસિકો તો વધારે. અંગ્રેજી ભણાવતા. એમનું ‘ટીચિંગ’ નબળા વિદ્યાર્થીઓને ઓછું ફાવે પણ ભણનારાઓ તો એમની આજુબાજુ ટોળે વળે.

રોજ સાંજે રમતના મેદાનમાં છાત્રો પહેલાં એ હોય. વૉલીબૉલ છાત્રો જોડે જ રમે, તે અંધારું થાય ત્યાં સુધી. પ્રાર્થના વખતે હોય. વળી પાછા અમારી રૂમોમાં આંટો લગાવી જાય. સાદગીભર્યું જીવન, ખાદી પહેરે. કપડાં જાતે સીવી લે. (પૈસાની એમને ખોટ નહોતી, પણ જીવન જ સાદગીભર્યુંં) મને એમનો ખાસ પ્રેમ મળેલો. છાત્રાવાસની રૂમોમાં ફરતાં ફરતાં છેલ્લે અમારા રૂમમાં આવે. નિરાંતે બેસે. ક્યારેક ચુપચાપ વાંચે. તે દિવસોમાં એક મરાઠીભાષી શિક્ષક પાસેથી મરાઠી શીખે. સારું એવું શીખી ગયા. સીધું મરાઠીમાંથી વાંચે – પછી તો ભરપૂર બંગાળી વાચન. જે જે વાંચે તે બધામાંથી નોટ કરે. એ નોટ્સથી શતાધિક નોટ્સબુકો ભરાઈ ગઈ હશે. નિવૃત્ત થયા પછી પણ વાંચવાનું તો ચાલુ જ રહ્યું. મારા અંગત ગ્રંથાલયમાંની બધી બંગાળી ચોપડીઓ એમણેય વાંચી છે.

એમ.એ. કરતો હતો, ત્યારે ઉત્તરરામચરિત વિષે પ્રો. ઇનામદારનું અંગ્રેજીમાં એક વિશિષ્ટ પુસ્તક. પરીક્ષા નજીક હતી અને આખું પુસ્તક વાંચવાનો સમય નહિ. સાહેબને લખ્યું. માત્ર ૩૦ પાનાંમાં સળંગ વાક્યોમાં આખા પુસ્તકનો સંક્ષેપ પાંચ દિવસમાં મોકલી આપ્યો! એમનું અંગ્રેજી પણ ઘણું જ સારું. હિન્દી તો એમની પાસેથી ભણેલો. આચાર્ય નાથાભાઈ દેસાઈની જેમ અનેકનાં જીવનમાં અંબાલાલ સાહેબ પ્રેરક. દેસાઈસાહેબ સાથે તો થોડું અંતર રહેતું. અંબાલાલ સાહેબ તો છાત્રોમાં ભળી જતા. અનેકના મિત્ર, ગુરુમિત્ર. આજે હવે એ આ લોકમાં નથી. એ કૅનેડા-ટોરન્ટોમાં એમનો દીકરો અને દીકરી ત્યાં રહે એટલે ત્યાં રહેતા. ત્યાંથી પણ નિયમિત પત્રો આવે જેમાં એમની વાચનયાત્રા ચાલતી હોય. પછી અચાનક પત્રો બંધ થઈ ગયા. પછી એક દિવસ સમાચાર મળ્યા, સાહેબ હવે નથી.

જાણવા મળેલું કે ત્યાં જઈ સાહેબ, ‘એકલા’ પડી ગયા – અરુણાબહેન હોવા છતાં. ચોપડીઓથી પણ છેવટે તે એકાંત ભરી શક્યા નહિ. એમને મેલેન્કોલિયા – ઉદાસીનતાનો રોગ લાગુ પડી ગયેલો. લગભગ ચૂપ રહેતા અને પછી એક દિવસ ઊપડી ગયા.

મારા અંબાલાલ સાહેબને મેલેન્કોલિયા? જેમણે હજારોનાં જીવનમાં ઉલ્લાસ પૂર્યો હતો?

આ બધા મારા સાહેબો, મારા ગુરુઓ – આજે હવે આ પરંપરા ક્યાં? હું પણ અધ્યાપક છું પણ શિક્ષકજીવનની એમની ઊંચાઈએ પહોંચી શકું એમ છું? ટ્યૂશનયુગમાં આજે હવે ‘લોચન ઉઘાડનાર’ આવા ‘સાહેબો’ ક્યાં શોધવા?