બોલે ઝીણા મોર/તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં

ભોળાભાઈ પટેલ

Burning burning burning burning
O Lord! Thou pluckest me out
O Lord! Thou pluckest burning.

બળે છે બળે છે બળે છે બળે છે
હે પ્રભુ! તું ઉગાર
હે પ્રભુ! તું ઉગાર

દેશ અને દુનિયામાં જેની શતાબ્દી ઊજવાઈ રહી છે એવા અંગ્રેજી કવિ એલિયટના વિખ્યાત કાવ્ય ‘ધ વેસ્ટ લૅન્ડ’ (મરુભૂમિ)ના ત્રીજા ખંડ ‘ધ ફાયર્સ સર્મન’ (અગ્નિ-ઉપદેશ)ની આ ચાર અંતિમ લીટીઓમાં પહેલી અને ચોથી ગૌતમ બુદ્ધની છે અને વચ્ચેની બે ખ્રિસ્તી સંત ઑગસ્ટિનની છે. એક પૂર્વના સંન્યાસી અને બીજા પશ્ચિમના સંન્યાસી. શતાબ્દીઓ પહેલાંના આ બન્ને સંતોને જોડે જોડે ગોઠવી કવિ એલિયટ વાત તો આજની આ મરુભોમકા બનેલી દુનિયાની અને એમાં રહેતાં પોલાં માનવીઓ (હૉલો મેન)ની કરે છે. બળે છે, બધું બળે છે – ગૌતમ બુદ્ધનો આ અગ્નિ-ઉપદેશ છે.

આ અગ્નિ કેવો છે? એ છે તૃષાગ્નિ. એ અગ્નિ જલદી બુઝાતો નથી, અને એ અગ્નિની જ્વાળાઓ બહાર દેખાતી નથી. અંદર અંદર એ બળ્યા કરે છે, બળ્યા કરે છે. રૂપકાત્મક ભાષામાં ગૌતમ બુદ્ધે વાત કરી છે. ભલે જ્વાળાઓ બહાર ન દેખાય, પણ એવા એક અગ્નિમાં બધું જગત બળી રહ્યું છે, આપણે બળી રહ્યા છીએ. પછી ખ્રિસ્તી સંત ઑગસ્ટિનની જેમ આપણે પ્રાર્થના કરવાની રહે છે – ‘હે પ્રભુ! તું મને ઉગાર.’

હું વાત એલિયટની કવિતાની કરું છું, પણ કોઈ ફિલ્મરસિકને તો હમણાં ૧૯૮૮ના વર્ષમાં ઊતરેલી નવેન્દુ ઘોષની ફિલ્મ ‘તૃષાગ્નિ’ની યાદ આવશે. ખરેખર તો મારે પણ ફિલ્મની વાર્તા અનુષંગે જ વાત કરવી છે. આદિત્ય ભટ્ટાચાર્યની ‘રાખ’ કે મીરાં નાયરની ‘સલામ બૉમ્બે’ જેવી ફિલ્મો સાથે ‘તૃષાગ્નિ’ની ઉત્તમ કે ચર્ચાસ્પદ ફિલ્મોની સમાલોચના વાંચતાં હું ઉત્સુક બની ગયો. ‘તૃષાગ્નિ’ની વાત બહુ સંક્ષેપમાં હતી, પણ જે વાર્તા ઉપરથી આ ફિલ્મ ઊતરી છે, એ મને પરિચિત વાર્તા લાગી. મારા મનની સ્મૃતિને જરા ઢંઢોળી કે એ વાત યાદ આવી ગઈ. એ વાર્તાએ મને એટલો બધો પ્રભાવિત કરેલો કે કેટલીય વાર વાંચેલી. એનું વાતાવરણ પછી તો મારા રક્તમાંસનો અંશ બની ગયેલું, હું અતિશયોક્તિ નથી કરતો. વાતનું નામ ‘તૃષાગ્નિ’ તો નહોતું. વાત બંગાળી કથાકાર શરદિન્દુ બંદ્યોપાધ્યાયની હતી અને મેં રમણીક મેઘાણીના ગુજરાતી અનુવાદમાં વાંચેલી – ‘મરુભૂમિમાં’.

એ જ નામનું પુસ્તક અને એમાં એ જ નામની વાર્તા. પુસ્તકમાં બીજી વાર્તાઓ હતી, પણ આ વાર્તાના પરિવેશે મારા કિશોર ચિત્તને છાઈ દીધું. મને ખ્યાલ આવી ગયો કે ‘મરુભૂમિ’માં વાર્તાનું મૂળ શીર્ષક હોવું જોઈએ ‘તૃષાગ્નિ’. ચાર પાત્રોની આ વાર્તા – ઇતિ અને નિર્વાણ તથા ઉચ્છંદ તથા પિથુમિત્ત. પિથુમિત્તનું સંસ્કૃત રૂપ કદાચ પૃથ્વીમિત્ર પણ હોય.

એ જ વાત, બસ એ જ વાત. રાગ કે વિ-રાગ? જીવનમાં મોટું શું છે? બલવત્તર શું છે? પ્રેમ કે વિરાગ? અંતે કોનો વિજય છે? ‘બળે છે, બળે છે, બધું બળે છે,’ એમાંથી ઊગરવાનો ઉપાય શું? પ્રેમ કે વિ-રાગ? ધર્મ શાના પર ટકે છે? ગૌતમ બુદ્ધનો શો ઉત્તર હોઈ શકે? વિરાગની વાત એમણે કરી છે, પણ એ તો કરુણાવતાર હતા. વિરાગ તજીને રાગ ભણી જતા જીવ માટે એમની અનુકંપા નહિ વરસતી હોય? ગૌતમ જ કહી શકે.

પ્રેમ મહા બળવાન છે. કામ મહા બળવાન છે. એ પણ અગ્નિ છે. પ્રેમાનલ-કામાનલ પણ તૃષાગ્નિ છે. એની જ્વાળાઓ બહાર દેખાતી નથી, પણ એ સળગ્યા પછી જલદી બુઝાતો નથી, અંદર અંદર બળ્યા કરે છે. મિર્ઝા ગાલિબ પણ આવું જ કહી ગયાનું યાદ આવશે કે ઇશ્ક એવો અગ્નિ છે – આતશ છે ‘જો લગાયે ન લગે બુઝાયે ન બુઝે.’ હુંય તે ક્યાં ગૌતમ અને ગાલિબને જોડે જોડે રાખવા ગયો? બન્ને સામસામી દિશાના છે. ગમે તેમ પણ શું આ તૃષાગ્નિમાં બળનાર જીવમાત્રની શું સંત ઑગસ્ટિનની જેમ એક જ પ્રાર્થના છે?

હે પ્રભુ! તું મને ઉગાર?

શું નિર્વાણે એવી ઇચ્છા કરી હતી? અને ઇતિએ? નિર્વાણ તો રાગ અને વિરાગ વચ્ચે ફંગોળાતો રહ્યો, પણ રક્તમાં તૃષાગ્નિ સળગી ચૂક્યો હતો. અને ઇતિ? ઇતિ તો રતિ જ હતી, કદાચ ઈવ હતી, નિષિદ્ધ ફળ ખાવા લલચાવનાર પ્રથમ નારી સમી. ફરી પાછો પ્રશ્ન – શું પ્રેમનું ફળ નિષિદ્ધ છે? ગૌતમ કહેશે ખરા? ઈશુ ખ્રિસ્ત? સંત ઑસ્ટિન?

આ એક સનાતન પ્રશ્ન છે. લગભગ દરેક ધર્મશાસનમાં કેન્દ્રીય પ્રશ્નોમાંનો એક છે. એનાં શાસ્ત્ર રચાય છે, એના નિયમો થાય છે. પણ પછી થાય છે એ નિયમોનો ભંગ. શું એનો અર્થ એવો છે કે નિષેધ એ સ્વાભાવિક નથી, પ્રાકૃતિક નથી, કૃત્રિમ છે અને તેથી કોરાઈ સોરાઈને પણ મનુષ્યનું મન નિયમ-નિષેધની દીવાલો ભાંગે છે. રાગવિરાગના દ્વંદ્વમાંથી તો એ ઊગરતો નથી. તૃષાગ્નિમાં એ બળે છે. ઘણી વાર એ તજી પણ શકતો નથી અને ભોગવી પણ શકતો નથી. એક વાર રાજા દુષ્યન્તે આવું કહ્યું હતું, અલબત્ત એને રાગ-વિરાગનો પ્રશ્ન નહોતો, એ તો રૂપલોલુપ ભમરો હતો. તેમ છતાંય તપોધનોનાં પીળાં જરઠ પર્ણો વચ્ચે કૂંપળ જેવી કોમળ શકુન્તલા એના દરબારમાં આવી ત્યારે સ્મૃતિભ્રંશને લીધે એના મનની સ્થિતિ એવી થઈ હતી કે એ કહે છે ‘નૈવ ભોક્તુમ્ નૈવ શકનોમિ હાતુમ્.’

વળી પાછો દુષ્યન્ત? હવે ડાહી તત્ત્વચર્ચામાં ગૂંચવાયા વિના ઇતિ અને નિર્વાણની વાત કરું – અને હા, શરદિન્દુ બંદ્યોપાધ્યાયની ‘ચંદનમૂર્તિ’ નામની વાર્તાએ પણ બહુ અસર કરેલી. એ વાર્તા પણ બૌદ્ધધર્મના પરિવેશની છે.

‘મરુભૂમિમાં’ – એ નામ છે ગુજરાતી અનુવાદમાં ‘તૃષાગ્નિ’ વાર્તાનું. એ ફિલ્મની ટૂંકી નોંધ પછી એક આખી સાંજ, સૂરજ આથમી ગયો ત્યાં સુધી બાલ્કનીમાં બેસી વાર્તાના અંકોડા ગોઠવતો રહ્યો. કોઈ એક સુંદર કંડારાયેલી શિલ્પમૂર્તિ વાવાઝોડાના સપાટાઓથી પોતાની પ્રત્યગ્ર બંધુરતા – કોન્ટુર્સ – ખોઈ બેઠી હોય એવું આ વાતનું એક જાડું માળખું જ હું યાદ કરી શક્યો.

વાતનું મુખ્ય માળખું સ્મરણમાં આવ્યું પછી આખી વાત ધીમે ધીમે મનમાં ઝમવા લાગી, વાર્તાના ઉદારમના આચાર્યનું ચિત્ર ઝાંખું જ રહ્યું. પણ એથી વાર્તા આખી ને આખી વાંચવા મન ઉદગ્ર બની ગયું. હું મારો ભૂતકાળ થોડા સમય માટે ફરી જીવવા લાગ્યો હતો. એ વખતે અગિયારમા ધોરણમાં મારા એક અધ્યાપકે કહેલું કે શરદિન્દુ કરતાં તારાશંકર બેનરજી (ગણદેવતાવાળા)ની વાર્તાઓ સારી છે. એમની વાર્તાનો સંગ્રહ પણ એ સાથે જ પ્રકટ થયેલો ‘મૂંગું રુદન’ એ નામથી. પણ હું તો શરદિન્દુનો પક્ષપાતી હતો. આજે મારા અધ્યાપકની વાત સાચી લાગે છે, તેમ છતાં આ વાર્તાઓ મારા કિશોર ચિત્ત પર જે પ્રભાવ અંકિત કરેલો, તે ક્ષણોને ફરી જીવ્યો.

‘મરુભૂમિમાં’ પુસ્તક આજે મળતું નથી. એ વાત ‘કુમાર’માં પ્રકટ થઈ હશે, એમ માની સ્વ. બચુભાઈ રાવતના ઘરે ‘નેપથ્ય’માં જઈ શ્રી ધીરુ પરીખ સાથે અશોકભાઈ રાવતના સૌજન્યથી ‘કુમાર’ની ફાઈલો જોઈ. ન મળી. પણ વાર્તાએ મને ભૂતની જેમ પઝેસ કર્યો હતો. રવિવાર હતો. શું થાય? વિદ્યાપીઠનું કૉપીરાઇટ ગ્રંથાલય બંધ હોય. સોમવારે પહોંચી ગયો કૉપીરાઇટ ગ્રંથાલયમાં. ગ્રંથાલયી કનુભાઈ શાહને વિનંતી કરી, આ પુસ્તક મારે જોઈએ. એ મળ્યું.

વાર્તા ફરી ગટગટ વાંચી.

તૃષાગ્નિની કથામાં ગૌતમ બુદ્ધનો પ્રસિદ્ધ અગ્નિ-ઉપદેશ અંતર્હિત છે. ગૌતમે જે અગિયાર પ્રકારના અગ્નિ ગણાવ્યા છે, તેમાં પ્રથમ ક્રમે આવે છે કામ. એ પછી ક્રોધ, મોહ આદિ અગ્નિની ગણના છે. હિન્દુ ધર્મશાસ્ત્રોએ જે ચાર પુરુષાર્થોની વાત કરી છે, એમાં એક કામ છે, જેને ધર્મ, અર્થ અને મોક્ષની સાથે સ્થાન મળ્યું છે. એ જ ધર્મશાસ્ત્રોએ મનુષ્યના સનાતન ષડ્ર‌રિપુઓમાં પણ કામને પહેલું સ્થાન આપ્યું છે; એ પછી ક્રોધ, મોહ, મદ, મત્સર આવે છે. બૌદ્ધ પરિભાષામાં કામ મારનું રૂપ લઈને પણ આવે છે. આપણાં આ બધાં પુરાણોમાં કલ્પના એવી છે કે તપોભંગ કરાવનાર જો હોય તો તે કામ છે, આધુનિક પરિભાષામાં ‘સેક્સ’ – સ્ત્રીપુરુષના આકર્ષણનું તત્ત્વ.

જ્યારથી શિવે કામદેવને ત્રીજા નેત્રના અગ્નિથી ભસ્મ કરી નાખ્યો છે, ત્યારથી કામ ‘અતનુ’ – દેહ વગરનો છે, એ ક્યાંથી ક્યારે પ્રવેશ કરે છે એની ખબર પડે તે ત્યારે મોડું થઈ ગયું હોય છે. એટલે તો રવિ ઠાકુરે શિવસંન્યાસીને એક કવિતામાં પ્રશ્ન કર્યો છે :

પંચશરે દગ્ધ કરે કરેછ
એ કિ, સંન્યાસી
વિશ્વમય દિયેછ તારે છડાયે.

–હે સંન્યાસી! પંચશર કામને ભસ્મ કરીને તેં શું કર્યું? તેં એને આખા વિશ્વમાં ફેલાવી દીધો! એની વ્યાકુળ વેદના વાયુમાં નિશ્વાસ નાખે છે. એનાં અશ્રુ આકાશમાં દડે છે. રતિવિલાપના સંગીતથી આખું વિશ્વ ભરાઈ જાય છે… તરુણી બેઠી બેઠી વિચાર કરીને મરી જાય છે. ભ્રમર શી ભાષા ગુંજરી ઊઠે છે…નિર્ઝરી કઈ પિપાસાને વહે છે, નીલ ગગનમાં કોની આંખો દેખાય છે? તૃણની પથારીમાં કોનાં કોમળ ચરણ દેખાય છે? કોનો સ્પર્શ પુષ્પની વાસમાં પ્રાણ અને મનને ઉલ્લસિત કરીને હૃદયમાં લતાની પેઠે વીંટળાઈને ચડે છે? હે સંન્યાસી! તેં આ શું કર્યું? તેં તો કામને આખા વિશ્વમાં ફેલાવી દીધો.

તૃષાગ્નિની કથામાં મધ્ય એશિયાની વિરાટ મરુભૂમિની રેતમાં અર્ધા દટાયેલા એક બૌદ્ધ વિહારમાં તપ, ધ્યાન અને સમાધિ વચ્ચે પણ કામદેવતા – બૌદ્ધ પરિભાષામાં ‘માર’ પ્રવેશી જાય છે, એને કશી રોકથામ નથી, એ તો મનસિજ છે.

શરદિન્દુ બંદ્યોપાધ્યાયની વાર્તા, જેના પરથી ‘તૃષાગ્નિ’ ફિલ્મ બની છે, એની પૃષ્ઠભૂમિ છે મધ્ય એશિયાનું વિરાટ રણ, જ્યાં બધોય સમય રેતી અને પવનની રમત ચાલ્યા જ કરે છે. આ રેતી અને પવનની નિષ્ઠુર રમતથી કોઈ લીલો હરિયાળો રણદ્વીપ રેતીના ડુંગરામાં ડૂબી જાય છે, ક્યારેક તો સમૃદ્ધ જનપદ અદૃશ્ય બની જાય છે. આવા એક રણસાગરમાં એક નાનો હરિયાળો દ્વીપ છે, જ્યાં ખજૂરીનાં ઝાડ છે અને એ ઝાડની છાયા વચ્ચે એક બૌદ્ધ વિહાર રેતમાં અરધો દટાયેલો ઊભો છે.

એક દિવસ અહીં નગર હતું; પણ એક દિવસ એક કાજળ કાળી ઘોર આંધી ઊડીને આવી, પછી બે દિવસ જતાં સૂર્ય દેખાયો ત્યારે ત્યાં માનવીનું નામનિશાન નહોતું, હતો માત્ર અર્ધો ઢંકાયેલો આ વિહાર. એ વિહારના રેતીઢંકાયેલા ઝરૂખામાંથી બે માનવપ્રાણી માંડ બહાર નીકળ્યાં. એક હતા બૌદ્ધ સંઘના આચાર્ય પિથુમિત્ત અને બીજો હતો ભિક્ષુ ઉચંડ. બન્ને સાધુ. એ લોકો રેતના ડુંગર પરથી લપસતા નીચે આવ્યા ત્યાં રેતથી ઝરણાનું મુખ ઢંકાઈ ગયેલું, પણ રેતી જળપ્રવાહને રોકી શકી નહોતી. એ ભીંજાયેલી રેતી પર પડ્યાં હતાં બે માનવશિશુ. પાંચ-છ વર્ષનો એક બાળક અને દોઢેક વર્ષની એક બાલિકા. ચારે બાજુ ત્યાં બીજું કોઈ જીવતું યા મરેલું નહોતું. કુદરતની અકળ લીલા જ કે આ બે સુકુમાર જીવનકણિકાઓ બચી ગઈ છે

પેલા બન્ને ભિક્ષુઓએ રેતી ખોદી પાણી બહાર કાઢી પીધું, એ પછી મરુભૂમિની એકાન્ત નિર્જનતામાં તથાગત બુદ્ધના સંઘની છાયામાં આ ચાર માનવજીવોએ નૂતન જીવન શરૂ કર્યું. આચાર્ય પિથુમિત્તે બાળકનું નામ રાખ્યું નિર્વાણ અને બાલિકાનું નામ રાખ્યું ઇતિ.

પછી તો આ ઘટનાને પંદર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. આચાર્ય વૃદ્ધ થઈ ગયા છે અને ભિક્ષુ ઉચંડ પણ આધેડ. ભિક્ષુ ઉચંડની ઇચ્છા હતી કે નિર્વાણ હવે મોટો થયો છે, એને પણ દીક્ષા આપી દઈ ભિક્ષુ બનાવી દેવો. પણ આચાર્યે પૂછ્યું કે નિર્વાણની શી ઇચ્છા છે, ઉચંડે કહ્યું કે એની ઇચ્છા છે જ.

પણ આ બાજુ નિર્વાણ અને ઇતિ તો મિત્રની જેમ સહજ ભાવે મોટાં થતાં ગયાં હતાં. નિર્વાણને ઇતિ સ્ત્રી છે એવો ખ્યાલ નહોતો આવતો; પણ એક દિવસ નિર્વાણના મનનું કૌમાર્ય પાકેલા ફળ પરથી ખસી જતા પુષ્પગુચ્છની જેમ દૂર હટી ગયું. એ દિવસે ખજૂરીની ડાળીએ ફૂલ બેઠાં હતાં અને એક ભમરો એક ફૂલનો રસ ચૂસતો બીજાં પુષ્પો પર ઊડી જતો હતો. નિર્વાણ એનું મધુપાન મુગ્ધ મને જોતો હતો. ત્યાં ઇતિ આવી અને એને દૂર ખેંચી ગઈ, જ્યાં દૂર હરિયાળી અને મૃગજળ દેખાતાં હતાં. ઇતિ નિર્વાણના મોં પાસે મોં લઈ જઈ હાંફતી હાંફતી બોલીઃ ‘ચાલ નિર્વાણ, આપણે બે ત્યાં ચાલ્યાં જઈએ. માત્ર તું અને હું.’ નિર્વાણ સ્મિત કરતો એના તરફ જોઈ રહ્યો. એ વેળા ઇતિના લાલ હોઠ નિર્વાણની એટલી નજીક આવ્યા હતા કે નિર્વાણે જરાયે વિચાર કર્યા વિના એ હોઠ પર પોતાના હોઠ મૂક્યા – અને એ સ્પર્શ થતાં જ એના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એના હૃદયમાં લોહીનો આવેગ વધી ગયો. અસહ્ય હર્ષ અને વેદનાથી એ પીડાવા લાગ્યો. એ થરથર કંપવા લાગ્યો – અને ઇતિ?

ઇતિ પ્રથમ ચુંબનના અપૂર્વ સ્પર્શે દંશ દેવા તૈયાર થયેલ સર્પિણીની જેમ પીઠ ફેરવીને નિર્વાણ તરફ જોઈ રહી. એની આંખોમાંથી અગ્નિ વરસતો હોય તેવું લાગતું હતું. પળવાર એમ જ ઊભી રહી. પછી કોઈ ભીષણ તોફાનની જેમ નિર્વાણની છાતીએ વળગી પડી અને પછી એક, બે, ત્રણ વાર નહિ પણ અગણિત વાર નિર્વાણના હોઠને ચૂમતાં ચૂમતાં આખરે પોતાના દુર્જેય આવેગ આગળ પરાજિત બની નીચે રેતી પર બેસી ગઈ.

એકાએક આ શું બની ગયું? અજ્ઞાતપૂર્વ, અચિંતવ્યા આ બનાવે જાણે બેઉ જણ મૂઢ થઈ ગયાં.

એ દિવસે નિર્વાણ સાથેની ઇતિની સહજસરલ મિત્રતાનું અવસાન થયું. આ બન્નેની મનોદશા પેલા બીજા બે માનવીથી છૂપી ન રહી. તેઓ વાત સમજી ગયા. આચાર્યની આંખો કરુણાથી ભરાઈ આવી. હાય તથાગત! સંઘની વૈરાગ્યભસ્મ વચ્ચે શા માટે આ સુકુમાર કુસુમો તેં ઉગાડ્યાં? પણ ભિક્ષુ ઉચંડને થયું કે સંઘમાં ‘માર’ પ્રવેશી ગયો છે! ‘માર’ પ્રવેશી ગયો છે!’

વાસ્તવમાં આ વાત જેટલી વધારે નિર્વાણ અને ઇતિની છે એથી વધારે તો ભિક્ષુ ઉચંડની છે. એ ભિક્ષુ છે, પણ એણે કામવૃત્તિને દબાવી છે, એથી એ કુંઠિત છે. આચાર્ય તો ઉદાર મનના છે; પણ ઉચંડનું જ ધ્યાન સૌથી પહેલાં ઇતિના નારી દેહમાં પ્રકટેલાં યૌવનનાં ચિહ્નો તરફ ગયેલું. (તૃષાગ્નિ ફિલ્મમાં નગ્ન સ્નાન કરતી ઇતિને ઉચંડ જોઈ જાય છે…) એ ભિક્ષુનું પરાણે દબાયેલું વ્યર્થ યૌવન જાણે ઇતિની મૂર્તિ રૂપે એને ચાબખા મારતું હતું. એને થતું હતું, ‘માર પ્રવેશી ગયો છે. માર પ્રવેશી ગયો છે!’

ઉચંડે નિર્વાણને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું શિક્ષણ આપવું શરૂ કર્યું. ઉચંડની દમિત ઈચ્છાઓ વિકલાંગ મૂર્તિ રૂપે પ્રકટ થતી હતી. સંઘમાં માર પ્રવેશ્યો હતો, પણ કદાચ એ ઉચંડની દુર્બળતાના છિદ્ર વાટે. ઉચંડની કઠોર નિગરાણી છતાં ઇતિ અને નિર્વાણ મળતાં. એટલે એક દિવસે ઉચંડે આચાર્યની અનુમતિ લઈ (આચાર્ય ઇચ્છતા તો નહોતા) નિર્વાણને દીક્ષા આપી ભિક્ષુ બનાવી દીધો. એનું મસ્તક મૂંડાવી નાખ્યું, હાથમાં ભિક્ષાપાત્ર આપ્યું. હવેથી એના માટે સ્ત્રીમુખદર્શનની મનાઈ હતી.

હવે નિર્વાણ અને ઇતિ મળતાં નહોતાં. ક્યારેક ઇતિ નિર્વાણના ઓરડા પાસેથી પસાર થતી ત્યારે તે પોથીમાં ડૂબેલો રહેતો. આમ છતાં ભિક્ષુ ઉચંડને શાંતિ નહોતી. એના મનમાં દુર્વાના જેવી ઝીણી ઈર્ષાના કંટક એને જખમી બનાવતા હતા. એક દિવસ આ મરુભૂમિ પર રાત્રે ચાંદનીમાં ખજૂરીની છાયામાં નિર્વાણ ઊભો હતો, ત્યાં ઇતિ આવી પહોંચી. બંને ઊભાં રહ્યાં. ઇતિએ કહ્યું, ‘નિર્વાણ! એક વાર તો મારી સામે જો.’ પણ નિર્વાણ ‘ના, ના, હું તો ભિક્ષુ છું.’ એમ કહી આંધળા પાગલની જેમ ત્યાંથી ચાલી ગયો. છુપાઈને ઉચંડે આ જોયું. એને થયું, મારનો પરાજય થયો નથી. સંઘ અપવિત્ર થયો છે. આ પાપ ધોઈ નાખવું પડશે.

ઉચંડે ફરી એક રાતે આચાર્યને જગાડ્યા, બહાર લઈ આવ્યો. એક ટેકરી પર ઇતિ બેઠી હતી અને એના ખોળામાં માથું મૂકી નિર્વાણ બેઠો હતો. ઇતિની છાતી માત્ર એના ખુલ્લા કેશથી ઢંકાયેલી હતી. એની આંખોમાં વિજયીનીનો ઉલ્લાસ અને આંસુ બંને ટપકતાં હતાં. સ્થવિરે સાદ પાડ્યો, ‘નિર્વાણ!’ નિર્વાણ ઊભો થયો, આચાર્ય પાસે આવ્યો અને દંડ માગ્યો. હું ધર્મચ્યુત થયો છું – મને દંડ આપો.’

આચાર્ય તો કંઈ ન બોલ્યા, પણ ઉચંડે કહ્યું : ‘મેં એને દીક્ષા આપી છે, હું દંડ આપું છું કે નિર્વાણ અને ઇતિએ પવિત્ર સંઘભૂમિમાંથી ચાલ્યા જવું. એનાં ખોરાકપાણી લેવાનો એમને હક્ક નથી. અહીંથી દેશવટો છે.’

ખરેખર તો આ દંડનો અર્થ હતો મૃત્યુદંડ. એ વાત સૌના મનમાં વસી, પણ નિર્વાણે ચૂપચાપ દંડ સ્વીકાર્યો. આચાર્યની આંખોમાં પેલા બાળક નિર્વાણને ખોળે લેતાં જેવાં આંસુ વહ્યાં હતાં, તે ફરી વહેવા લાગ્યાં. પણ ‘તથાગતની ઇચ્છા’ – કહી એ ચૂપ રહ્યા.

ઉષા ઊગતાં જ નિર્વાણ અને ઇતિ વિહારનાં પગથિયાં પાસે સાષ્ટાંગ પ્રણામ કરી હાથમાં હાથ મેળવી અજાણ્યા માર્ગે મરુભૂમિની અફાટ રેત પર નીકળી પડ્યાં. આચાર્ય નજર પહોંચી ત્યાં સુધી એમને જતાં જોઈ રહ્યા. એ જાણતા હતા કે નિર્વાણ અને ઇતિ માટે મધ્યાહ્ન થશે ત્યારે તૃષા રાક્ષસી રાહ જોતી બેઠી હશે.

આચાર્યને આ સ્થિતિમાં જોતાં ઉચંડ કહે છે કે આવું મમત્વ ન રાખવું જોઈએ. પણ આચાર્ય તો કહે છે કે શાક્ય સહુ જીવો પ્રત્યે દયાભાવ રાખવાનું કહી ગયા છે. ઉચંડ પ્રશ્ન કરે છે, ‘દંડ આપ્યો તે અનુચિત થયું છે?’ આચાર્યે કહ્યું, ‘કહી ન શકાય. બુદ્ધની ઇચ્છા અકળ છે.’

એ દિવસે બપોરે પવન ઓચિંતાનો બંધ પડી ગયો. માત્ર ધગધગતી રેતી પરથી અદૃશ્ય વરાળ નીકળવા લાગી. મધ્યાહ્ન પૂરો થયો ત્યાં ઉચંડે આચાર્યને દૂર ક્ષિતિજમાં અંગુલિનિર્દેશ કર્યો. ક્ષિતિજ પર એક કાળું વાદળ આકાશમાં દેખાયું હતું. ભયાર્ત કંઠે ઉચંડે કહ્યું, ‘આચાર્ય! આંધી આવે છે.’ આચાર્યના હોઠ ફફડ્યા – ‘બુદ્ધની ઇચ્છા!’ ઉચંડ આચાર્યના પગે બાઝી પડી બોલ્યો, ‘તો શું મેં દંડ આપીને ભૂલ કરી? મારે પાપે આજે સંઘનો નાશ થશે? આ જ બુદ્ધનો અલૌકિક ઇશારો છે?’

જોતજોતામાં આંધી આવી ચઢી. ગાઢ અંધકારે ચારે દિશાઓ છવાઈ ગઈ. આચાર્યના કંઠેથી તો આ અંધકારમાં શબ્દો નીકળવા લાગ્યા – ‘તમસો મા જ્યોતિર્ગમય.’ પણ ઉચંડ ચિત્કાર કરી ઊઠ્યો :

‘હું જઈશ, એમને પાછાં લઈ આવીશ.’ – ને એણે પાગલની જેમ ઝરૂખામાંથી નીચે ઝંપલાવ્યું. આંધીના હુહુકારમાં એની ચીસ ડૂબી ગઈ. રેતી અને પવનની મહાભયંકર રમત ફરી શરૂ થઈ ગઈ.

કોનો વિજય થયો? રાગ કે વિ-રાગ? જીવનમાં મોટું શું છે? બલવત્તર શું છે? બળે છે બળે છે, બળે છે, બધું બળે છે, એમાંથી ઊગરવાનો ઉપાય શું? તૃષાગ્નિમાંથી ઊગરવાનો ઉપાય શું? પ્રેમ કે વિ-રાગ? ગૌતમ બુદ્ધનો શું ઉત્તર હોઈ શકે? વિરાગની વાત એમણે કરી છે, પણ વિરાગ ત્યજી રાગ ભણી જતા જીવ માટે એ કરુણાવતારની અનુકંપા નહિ વરસતી હોય?

ગૌતમ બુદ્ધ જ કહી શકે. ૨૯-૧-૮૯